રામજન્મભૂમિ અયોધ્યા : નરેન્દ્ર મોદીનું જય સીયારામ હિંદુત્ત્વવાદી છબીનો અલગ સંદેશ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ધોતી, કુર્તો અને ગળામાં ખેસ. સાથે કોરોનાથી બચાવ માટે માસ્ક પણ. અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરનાં શિલાન્યાસ માટે નીકળેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી ઝલક જેવી ટીવી ચેનલ ઉપર દેખાઈ તે સાથે બધાએ એક વાત ધ્યાનમાં લીધી, એમની ધોતી અને કુર્તાનો રંગ. ધારણાથી વિપરીત આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવા રંગનો કુર્તો ન પહેર્યો.
સોશિયલ મીડિયા પર મોદીની 30 વર્ષ પહેલાંની તસવીર અને આજની તસવીર પણ ખૂબ જ શૅર કરાઈ રહી છે. પરંતુ 30 વર્ષ પહેલાં આ કાર્ય કરતાં મોદી અને આજના ભારતના વડા પ્રધાન મોદીમા કેટલો તફાવત છે એની ચર્ચા આજના દિવસે ચોક્કસ થઈ.

પહેરવેશ

ઇમેજ સ્રોત, Ani
આમ પણ નરેન્દ્ર મોદીની છબી હંમેશા કંઈક નવું કરવાની રહી છે. બ્રાન્ડ ગુરુ હરીશ બિજૂર કહે છે કે મોદી પ્રસંગની નજાકતને જોઈ કપડાં પહેરે છે. એટલા માટે તેમને 'અપ્રોપ્રિઍટ ડ્રેસર'ની સંજ્ઞા આપવામાં આવે છે 'ફૅશનેબલ ડ્રેસર'ની નહીં.
હરીશ અનુસાર વડા પ્રધાન મોદીના આજના પહેરવેશની ચર્ચા દેશમાં જ નહીં વિદેશમાં પણ થશે, એ વાતને તેઓ સારી રીતે સમજે છે. એટલા માટે જ જાણી જોઈને એમણે એક 'ન્યૂટ્રલ' રંગ પસંદ કર્યો.
હરીશ કહે છે આ રંગ ભગવાથી મળતો આવે છે. એનો જ એક શેડ છે. પરંતુ એટલો ભડકાવનારો નથી. જે સમારોહમાં તેઓ હિસ્સો લઈ રહ્યા છે એમાં 'પરસ્પર સૌહાર્દ'નો સંદેશ પણ આપવા માગતા હતા. એક રાષ્ટ્રના વડા પ્રધાન તરીકે તેઓ આ વાતને સમજે છે કે 'હું ભારતીય છું', 'હું એક હિંદુ છું', સાથે જ હું 'ન્યૂટ્રલ' પણ છું.
હરીશને લાગે છે કે એક જ પહેરવેશમાં વડા પ્રધાન આ ત્રણેય સંદેશા એક સાથે આપી રહ્યા છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કર્યું. આ ટ્રસ્ટ અયોધ્યા જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકારે બનાવ્યું હતું.
ટ્રસ્ટનાં નિમંત્રણ પર જ વડા પ્રધાન ત્યાં ગયા છે. વડા પ્રધાને પોતાના સંબોધનની શરૂઆત અને અંત 'જય સીયારામ' અને 'સિયાપતિ રામચંદ્ર કી જય' કહીને કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીપીઆઈ અને અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન તરીકે ભૂમિપૂજામાં સામેલ થવા માટે મોદીની ટીકા કરી છે. અયોધ્યામાં રામમંદિર પર વિવાદ ભલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ખતમ થઈ ગયો હોય પરંતુ વડા પ્રધાન મોદીના રાજનૈતિક જીવનમાં તેનો ઉલ્લેખ હંમેશા રહેશે. એનો પ્રભાવ તેમનાં રાજનૈતિક ભવિષ્ય પર કેટલો પડશે એના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ભારતમાં કેટલાક રાજનીતિના જાણકારો માને છે કે આજના આ ઐતિહાસિક સમારોહ પછી ભારતના ઇતિહાસના સૌથી લાંબા અધ્યાયનું સમાપન થવા જઈ રહ્યું છે અને કેટલાક જાણકારો પ્રમાણે આ અધ્યાયના સમાપન સાથે નવા ભારતની શરૂઆત થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ પછી આપેલા પોતાના ભાષણમાં કહ્યું, "ભગવાન રામ પણ માને છે કે ભય બિનુ હોઈ ન પ્રીતિ એટલે કે ડર વિના પ્રેમ નથી થતો. એટલા માટે આપણો દેશ જેટલો વધુ શક્તિશાળી હશે આપણે એટલા જ સુરક્ષિત અને ભયમુક્ત હોઈશું."

નિર્ણાયક ઘડી

ઇમેજ સ્રોત, Ani
વરિષ્ઠ પત્રકાર નિસ્તુલા હેબ્બાર માને છે કે કોરોનાના સમયમાં વિશ્વમાં મોદીની છબી પર આ સમારોહ અને ભૂમિ પૂજામાં હિસ્સો લેવાથી કેટલો ફરક પડશે તેનું આકલન અત્યારે ન થઈ શકે.
સમાચાર એજન્સી રૉયટર્સે પણ આજે મોદીના અયોધ્યા જવાની તસવીરો શૅર કરી છે. કૅપ્શનમાં લખવામાં આવ્યું છે - ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવાદિત હિંદુ મંદિરના શિલાન્યાસ સમારોહમાં સામેલ થતાં.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ ભૂમિપૂજન થઈ રહ્યું છે અને ટ્રસ્ટના નિમંત્રણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ગયા છે, એ પોતાની રીતે જ કેટલાક વિવાદો પર પૂર્ણવિરામ મૂકી દે છે. પરંતુ ખરેખર એવું લાગતું નથી.
નિસ્તુલા પ્રમાણે "સમગ્ર દુનિયામાં એ વાતની ચર્ચા પહેલાંથી છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હિંદુ સૅન્ટિમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે અને સરકારી નીતિઓમાં પણ સૈદ્ધાંતિક રીતે એને આગળ રાખે છે. આ કાર્યક્રમમાં એમના સામેલ થવાથી એમની છબી એવી જ રહેશે."
તેઓ માને છે કે ભારતમાં એમની છબી હિંદુત્વવાદી નેતાના પ્રતીક તરીકે થવા લાગશે. એમાં કોઈ સંદેહ નથી. નિસ્તુલાનું માનવું છે કે અડવાણી-અટલ વાળા ભાજપે અયોધ્યામાં રામમંદિર બનાવવાની ચળવળને આગળ વધારી. એને પોતાના મુકામ સુધી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. અને એનું શ્રેય હંમેશા મોદીને મળશે તે આજે નક્કી થઈ ગયું.
અયોધ્યામાં રામમંદિર નિર્માણ, જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 ખતમ કરવી અને યુનિફૉર્મ સિવિલ કોડ - દેશ માટે આરએસએસના આ ત્રણ મુખ્ય એજન્ડા હંમેશાથી રહ્યા છે. એમાંથી બે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પૂર્ણ થયા અને ત્રણ તલાકનું બિલ પણ આવ્યું. એ નરેન્દ્ર મોદીની સૌથી મોટી ઉપલબ્ધિ છે એમ નિસ્તુલાને લાગે છે.
તેઓ આગળ કહે છે, "એવું નથી કે મોદીના રાજનૈતિક જીવનમાં આજના કાર્યક્રમમાં સામેલ થવું સૌથી મોટો ટર્નિંગ પૉઈન્ટ છે. વડા પ્રધાન તરીકે મોદીના કાર્યકાળને ત્રણ વાતો માટે યાદ કરવામાં આવશે."
પહેલું એ કે એમના નેતૃત્વમાં બે વાર ભાજપ પોતાના બળ પર સરકાર બનાવવામાં સફળ રહ્યો. મોદીએ સત્તામાં બે વાર આરૂઢ થઇને એ વાત સાબિત કરી દીધી છે કે હિંદુત્વની રાજનીતિ કરીને પણ ભારતમાં સત્તા હાંસલ કરી શકાય છે. આ પહેલા દેશમાં એક ધારણા હતી કે જાતિના આધાર પર હિંદુ વોટ કરે છે એટલા માટે વોટનું વિભાજન થાય છે અને માઈનૉરિટી સપોર્ટની જરૂર પણ સરકાર બનાવવામાં પડે છે.
બીજું એ કે એમણે સદીઓથી ચાલી આવતા રહેલા બે મુદ્દા અનુચ્છેદ 370 અને રામમંદિર બંને મામલે પોતે જનતાને કરેલો વાયદો નિભાવ્યો.
ત્રીજુ એ કે એમણે અનેક યોજનાઓ જેવી કે 'પ્રધાનમંત્રી આવાસ યોજના', 'ઉજ્જવલા યોજના' જેવી સ્કીમ શરૂ કરી. નિસ્તુલા કહે છે કે દેશમાં કૉંગ્રેસને જ ગરીબોની પાર્ટી માનવામાં આવતી હતી. મોદીના નેતૃત્વમાં ભાજપે એ ઉપાધિ પણ કૉંગ્રેસ પાસેથી છીનવી લીધી છે.

રમખાણોના ડાઘ

ઇમેજ સ્રોત, AFP/MONEY SHARMA
પરંતુ શું મોદીના રાજનેતા તરીકે મંદિરનો શિલાન્યાસ કર્યા પછી 2002નાં રમખાણોના ડાઘ ધોવાઈ જશે?
વરિષ્ઠ પત્રકાર પ્રદીપસિંહ કહે છે, "એ છબી તો ક્યારની ધોવાઈ ગઈ છે. એ પછી નરેન્દ્ર મોદી એક પણ ચૂંટણી નથી હાર્યા. આજે ઓવૈસીની પાર્ટી સિવાય બીજે ક્યાંયથી વિરોધનો કોઈ સૂર ન સંભળાયો. શું 25 વર્ષ પહેલાં કોઈ એની કલ્પના કરી શકતું હતું. મોદીએ આજે હિંદુત્વ વિરોધનો જે વિચાર હતો એને ભારતની રાજનીતિમાંથી ખતમ કરી નાખ્યો છે."
પરંતુ વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે કે એ વાત હંમેશા મોદીની સાથે રહેશે. મોદીની પ્રોફાઇલમાં એ વાત હંમેશા રહેશે. ગુજરાતમાં એમની છબી હિંદુ હૃદયસમ્રાટની રહી છે. વિશ્વસ્તર પર પણ એવી જ રહેશે, અને આજના કાર્યક્રમ પછી એ છબીને વધુ બળ મળશે."
પરંતુ અયોધ્યાની આગળ શું થશે એના પર પણ ઘણી વાતો આધારિત છે.
પોતાની વાતને વિસ્તારથી સમજાવતા નીરજા કહે છે કે 6 ડિસેમ્બર 1992 પછી મંદિરનો મુદ્દો ચૂંટણીમાં વોટ ખેંચવાનો મુદ્દો બનવો બંધ થઈ ગયો. તેમનો તર્ક છે કે ભાજપને હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દે વોટ મળ્યા ન કે મંદિરના મુદ્દે.
નીરજા આગળ કહે છે કે હવે સવાલ એ ઉઠે છે કે અયોધ્યામાં મંદિરનાં નામે ઉત્તર પ્રદેશમાં 2022ની ચૂંટણીમાં યોગી આદિત્યનાથને ફાયદો મળશે?
શું 2024 માં થનારી સામાન્ય ચૂંટણીમાં ભાજપ મંદિરના નામે ફરીથી વોટ લઈ શકશે? કે પછી અયોધ્યામાં મંદિરના શિલાન્યાસ પછી વિશ્વ હિંદુ પરિષદ કાશી અને મથુરાનો નારો ફરીથી બુલંદ કરશે? કે પછી હિંદુ મુસલમાન વચ્ચે સૌહાદપૂર્ણ વાતાવરણ બની રહેશે?
સુપ્રીમ કોર્ટે માન્યું છે કે બાબરી મસ્જિદને પાડી નાખવી 'ગુનાહિત' હતું. જેને માટે અત્યાર સુધી કોઈને પણ ન તો દોષિત ઠેરવાયા છે અને ન તો કોઈને સજા મળી છે. એવામાં નીરજાને લાગે છે કે ઉત્તર ભારતમાં આવનારા દિવસોમાં હિંદુ મુસલમાનના સંબંધો કેવા હશે, શું મુસલમાનોને આગળ ન્યાય મળી શકશે એવા અનેક સવાલ આજથી ફરીથી શરૂ થયા છે.
આ જ સવાલોના જવાબમાં મોદીનું રાજનેતા તરીકે આગળનું ભવિષ્ય જોડાયેલું છે.
નીરજા કહે છે કે આજની તારીખ રામમંદિરના ઈતિહાસમાં મહત્વપૂર્ણ ગણાશે પણ નરેન્દ્ર મોદીની રાજનૈતિક સફરમાં આ દિવસ વધુ મહત્ત્વ નથી ધરાવતો. એને -એક વધુ પૂર્ણ કરેલ વાયદા- તરીકે જોઈ શકાય છે.
વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણવીસ પણ નિસ્તુલા અને નીરજાની જેમ જ મોદીના આ સમારોહમાં સામેલ થવાને એક વધારે ઇવેન્ટ જેવું જ માને છે.
અદિતિને લાગે છે કે મોદી પોતે પણ ઇચ્છે છે કે એમની છબી ફક્ત હિંદુત્વ લીડરની ન હોય, બલ્કે એવા નેતા તરીકે હોય જેમણે આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં પણ ઘણું કામ કર્યું છે. મોદી અને તેમની સરકારે ગરીબો માટે કામ કર્યું છે એને પણ હાઇલાઇટ કરવામાં આવે એવું તેઓ ઇચ્છે છે. મંદિર એ કડીમાં છે પરંતુ થોડું નીચે અથવા અંત તરફ આવે છે.
બીબીસી સાથે વાતચીતમાં આદિતિએ કહ્યું કે આજના સમારોહમાં વડા પ્રધાન મોદીનું અયોધ્યા જવું દેશના હિંદુત્વ પૉલિટિક્સ માટે એક ટર્નિંગ પૉઇન્ટ ચોક્કસ છે.
મોદી જે કહે છે તે હિંદુત્વની પૃષ્ઠભૂમિમાં કહે છે, જે કરે છે તે હિંદુત્વની પૃષ્ઠભૂમિમાં કરે છે. પરંતુ બીજી તરફ એમને એ વાતનો ગર્વ છે કે એમણે અનેક એવી નીતિઓ અને યોજનાઓ બનાવી છે જે ભારતમાં બિલકુલ નવી છે. ઉદાહરણ તરીકે સોશિયલ સિકયોરિટીનાં ક્ષેત્રમાં. અને એનું શ્રેય કોઈ એમનાથી છીનવે એમ તેઓ નથી ઇચ્છતા.
પ્રદિપસિંહ અહીં અદિતિ, નિસ્તુલા અને નીરજાથી અલગ મત ધરાવે છે તેઓ કહે છે કે અયોધ્યામાં વડા પ્રધાન મોદીના જવાથી તેમની હિંદુત્વવાદી છબી વધુ મજબૂત થઈ છે. એવું કહીને એમને કોઈ એક ખાનામાં ફિટ નથી કરી રહ્યા અને ના તો તેમની અન્ય ઉપલબ્ધિઓને નકારી રહ્યા છે. હિંદુત્વવાદી છબીને એ લોકો નાની માને છે જેઓ હિંદુત્વને નીચું ગણે છે.
અદિતિ 1992માં બાબરી મસ્જિદ તોડી પડાયા બાદનાં લાલકૃષ્ણ અડવાણીના ભાષણને યાદ કરે છે. એ વખતે અડવાણીએ પોતાના ભાષણમાં કલ્ચરલ નેશનાલિઝ્મ એટલે કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો.
એ સમયે કોઈને આ શબ્દની ખરી વ્યાખ્યા ખબર ન હતી. અદિતીને લાગે છે કે હવે યોગ્ય સમય આવી ગયો છે એને વ્યાખ્યાયિત કરવાનો.
ભારતમાં અનેક ધર્મના લોકો એક સાથે રહે છે. આવી રહેલી બિહારની ચૂંટણીમાં જે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર છે, ત્યાં ચૂંટણી પ્રચારનું સ્વરૂપ કેવું હશે? શું મુસલમાનોના ઘાને ખોતરવામાં આવશે કે પછી નહીં ખોતરાય? એ બધું જોવાનું રહેશે. અને ત્યારે ખબર પડશે કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને ખરા અર્થમાં ભારત અપનાવવા માગે છે કે નહીં.
વડા પ્રધાનના પોાતાના આજના ભાષણમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની એક ઝલક પણ સાંભળવા મળી.
તેમણે કહ્યું, "રામ અનેકતામાં એકતાનું પ્રતીક છે. બધા રામના છે. રામ બધાના છે. તુલસીના રામ સગુણ રામ છે. નાનક અને કબીરના રામ નિર્ગુણ રામ છે. આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીના રઘુપતિ રામ છે. તમિલ, મલયાલમ, કાશ્મીર, પંજાબીમાં રામ છે."
અદિતિને લાગે છે કે મંદિરનો સૌથી મોટો ફાયદો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને થશે. તેવો ભલે વ્યક્તિગતરૂપે બ્રાહ્મણોની વિરુદ્ધ ન હોય પરંતુ બ્રાહ્મણોને લાગે છે કે યોગી તેમની વિરુદ્ધ છે. મંદિર બનવાનું કામ જેમ ઝડપી બનશે તેમ તેમ યોગીની 'ઍન્ટી બ્રાહ્મણ' છબી ધૂંધળી બનશે અને એમની સ્વીકાર્યતા વધશે.
આમ પણ રામ મંદિર આંદોલનમાં વડા પ્રધાનનું કોઈ યોગદાન રહ્યું નથી. એ વાત વડા પ્રધાનની જ પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ખાનગી ચૅનલ પર કરી છે. સુબ્રહ્મણ્યમ સ્વામી અનુસાર રામ મંદિર બનવાનો રસ્તો સરળ કરવામાં મહત્વની ભૂમિકા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી, નરસિંમ્હારાવ અને અશોક સિંઘલની રહી છે.
70 વર્ષોથી આ મામલો ચાલી રહ્યો હતો જેની ઉપર સુપ્રીમ કોર્ટની મહોર બાદ મંદિર બનવાનો રસ્તો સરળ થયો. પરંતુ એ પણ હકીકત છે કે ભારતની જનતા તેનો શ્રેય વડા પ્રધાન મોદીને આપી રહી છે. નીરજા કહે છે કે વડા પ્રધાન મોદીનું ત્યાં જવું એ વાતને સાબિત કરે છે કે તેઓ આ શ્રેયને લેવા પણ માગે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












