રામજન્મભૂમિ અયોધ્યા: નહેરુથી મોદી સુધી, ભારતના વડા પ્રધાનોનો ધર્મ સાથેનો નાતો

પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE

ઇમેજ કૅપ્શન, પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રામ સૌના છે અને સૌ રામના છે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોદી ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યાં.

1933માં જવાહરલાલ નહેરુએ મહાત્મા ગાંધીને લખેલા એક પત્રમાં લખ્યું હતું, "જેમજેમ મારી ઉંમર વધતી ગઈ તેમતેમ ધર્મ પ્રત્યે મારી નિકટતા ઓછી થતી ગઈ."

1936માં નહેરુએ પોતાની આત્મકથામાં લખ્યું, "સંગઠિત ધર્મ પ્રત્યે હંમેશાં મેં દહેશતનો જ અહેસાસ કર્યો છે. મારા માટે હંમેશાં આનો અર્થ અંધવિશ્વાસ, પુરાતનપંથ, રૂઢિવાદ અને શોષણનો રહ્યો છે, જ્યાં તર્ક અને ઔચિત્ય માટે કોઈ જગ્યા નથી."

લોકતંત્રમાં ધર્મ પ્રત્યે નહેરુના વિચારની પહેલી અગ્નિપરીક્ષા 1950માં થઈ જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે તેમની ઇચ્છાની વિરુદ્ધમાં ગુજરાતમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારસમારોહમાં જવાનો નિર્ણય કર્યો. તે એ જ મંદિર હતું જેને 10મી સદીમાં મહમૂદ ગઝનવીએ તોડીને લૂંટ્યું હતું.

નહેરુએ રાજેન્દ્ર પ્રસાદના સોમનાથ જવાનો એ આધાર પર વિરોધ કર્યો હતો કે એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્રના રાષ્ટ્રપતિએ આ પ્રકારે ધાર્મિક પુનરુત્થાનવાદની સાથે પોતાને જોડવા ન જોઈએ. પ્રસાદ નહેરુની આ સલાહ સાથે સહમત થયા નહોતા.

જાણીતા પત્રકાર દુર્ગા દાસ પોતાના પુસ્તક 'ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટૂ નહેરુ ઍન્ડ આફ્ટર'માં લખે છે, 'રાજેન્દ્ર પ્રસાદે નહેરુની નારાજગીનો જવાબ આપતા લખ્યું છે, "હું પોતાના ધર્મમાં વિશ્વાસ કરું છું અને પોતાની જાતને આનાથી અલગ કરી શકું નહીં. મેં સોમનાથ મંદિરના સમારોહને સરદાર પટેલ અને નવાનગરના જામસાહેબની ઉપસ્થિતિમાં જોયો છે."

line

નહેરુનો કુંભના સ્નાનથી ઇનકાર

નહેરુ

ઇમેજ સ્રોત, Getty Images

ધર્મ પ્રત્યે નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદના પરસ્પર વિરોધી વિચારોની ઝલક એ વખત ફરી મળી જ્યારે 1952માં પ્રસાદે કાશી જઈને કેટલાક પંડિતોના પગ ધોયા હતા.

નહેરુએ પ્રસાદને આ કૃત્ય પર નારાજગી દર્શાવતો પત્ર લખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અંગે પ્રસાદે જવાબ આપતા કહ્યું કે, 'દેશના સૌથી મોટા પદ પર બેઠેલી વ્યક્તિ પણ અધ્યેતાની ઉપસ્થિતિમાં ખૂબ નીચે આવે છે.'

આ વિવાદ પછી નહેરુનો ઝુકાવ તત્કાલિન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની તરફ વધ્યો હતો.

લાલ બહાદુર શાસ્ત્રીના સચિવ રહેલા સી.પી. શ્રીવાસ્તવ પોતાની આત્મકથામાં લખે છે 'એક વખત શાસ્ત્રીજીએ નહેરુને વિનંતી કરી કે તેઓ કુંભના મેળામાં સ્નાન કરે. નહેરુએ શાસ્ત્રીની આ વિનંતીનો એવું કહીને અસ્વીકાર કર્યો હતો કે તેમને ગંગા પ્રત્યે ખૂબ પ્રેમ છે અને તેમણે તેમાં અનેક વખત ડૂબકી પણ લગાવી છે પરંતુ કુંભના સમયે તેઓ આવું નહીં કરી શકે.'

line

શાસ્ત્રીની ગુરુ ગોલવલકર સાથે મંત્રણા

શાસ્ત્રી

નહેરુથી ઊલટું શાસ્ત્રી પોતાની હિંદુની ઓળખ દર્શાવતા અચકાતા નહોતા પરંતુ ભારતની ધાર્મિક એકતા વિશે તેમને કોઈ શંકા પણ નહોતી.

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે તેમણે પક્ષની લાઇનથી અલગ જઈને આરએસએસના તે સમયના પ્રમુખ ગુરુ ગોલવલકર પાસેથી સલાહ લેવામાં કોઈ ખચકાટ અનુભવ્યો નહોતો.

એટલું જ નહીં શાસ્ત્રીજીની પહેલને પગલે એ દિવસોમાં દિલ્હીના ટ્રાફિકના સંચાલનની જવાબદારી આરએસએસને સોપવામાં આવી હતી.

લાલકૃષ્ણ અડવાણીએ પોતાની આત્મકથા 'માઈ કન્ટ્રી માઈ લાઇફ'માં લખ્યું, 'નહેરુથી વિપરિત શાસ્ત્રીએ જનસંઘ અને આરએસએસને લઈને કોઈ પ્રકારનું વૈમનસ્ય રાખ્યું નથી.'

line

ઇંદિરા ગાંધીની બિનસાંપ્રદાયિક છબિ

ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, TIM GRAHAM

ઇંદિરા ગાંધી સત્તામાં આવ્યાં ત્યારે તેઓ સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાનાં સૌથી મોટા ઝંડાધારી હતાં. ત્યાં સુધી કે પોતાના પ્રથમ કાર્યકાળમાં તેમણે વડા પ્રધાનપદના શપથ પણ ઇશ્વરના નામે નહીં, પરંતુ સત્યનિષ્ઠાના નામે લીધા હતા.

1967માં તેમના નેતૃત્વની સૌથી મોટી પરીક્ષા ત્યારે થઈ જ્યારે ગૌરક્ષાનું આંદોલન કરી રહેલા હજારો સાધુઓએ સંસદને ઘેરી લીધી.

પોલીસની ગોળીથી છ લોકોનાં મૃત્યુ થયાં પરંતુ ઇંદિરા ગાંધીએ સાધુઓની વાત ન માની.

તેમણે આ તકનો લાભ ઊઠાવીને ગૌરક્ષાઆંદોલનનું સમર્થન કરી રહેલા મંત્રી ગુલઝારીલાલ નંદાથી પીછો છોડાવવા તેમને મંત્રીમંડળમાંથી હઠાવી દીધા.

1980 આવતાઆવતા ઇંદિરા ગાંધીનો ઝુકાવ ઈશ્વર અને મંદિરોની તરફ વધવા લાગ્યો હતો.

1977માં ચૂંટણીમાં મળેલો પરાજય અને 1980માં પોતાના નાના દીકરા સંજય ગાંધીના મૃત્યુએ આમાં એક મોટી ભૂમિકા ભજવી.

કહેવામાં આવે છે કે તેમના વિચારમાં પરિવર્તન લાવવાનો સૌથી મોટો શ્રેય તેમના રેલવેમંત્રી કમલાપતિ ત્રિપાઠીને જાય છે.

જાણીતાં પત્રકાર કુમકુમ ચઢ્ઢા પોતાના પુસ્તક 'ધ મેરીગોલ્ડ સ્ટોરી- ઇંદિરા ગાંધી ઍન્ડ અધર્સ'માં લખે છે, 'ધર્મની બાબતમાં કમલાપતિ તેમના ગુરુ બની ગયા. એક વાર તેમણે નવરાત્રી પછી ઇંદિરાને કુંવારી કન્યાના પગ ધોઈને પાણી પીવા માટે કહ્યું તો ઇંદિરા થોડાં અચકાયાં. તેમણે પુછ્યું કે હું બીમાર તો નહીં થઈ જઉને? પરંતુ આ પછી વિદેશમાં ભણેલાં અને ફ્રેન્ચ બોલનારાં ઇંદિરા ગાંધીએ તે રિવાજ અનુસર્યો.'

આ જ દરમિયાન ઇંદિરા ગાંધી દતિયાના બગલામુખી શક્તિપીઠ ગયાં હતાં. મંદિરના પ્રાંગણની અંદર ઘૂમાવતી દેવીનું મંદિર હતું જ્યાં માત્ર વિધવાઓની જ પૂજા કરવાની પરવાનગી હતી.

જ્યારે ઇંદિરા ગાંધી પહેલીવાર ત્યાં ગયાં તો પુજારીઓએ તેમને પ્રવેશવા ન દીધાં કારણ કે મંદિર ગેરહિંદુઓના પ્રવેશ માટે વર્જિત હતું. પીઠની નજરમાં ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યાં બાદ તેઓ હિંદુ નહોતાં રહ્યાં.

કુમકુમ ચઢ્ઢા લખે છે, 'ઇંદિરાએ કમલાપતિ ત્રિપાઠીને ફોન કરીને તરત જ દતિયા આવવા માટે કહ્યું. ત્રિપાઠીએ પૂજારીઓને મનાવવા માટે ભારે જોર લગાવ્યું. છેવટે તેમનો એ તર્ક કામ આવ્યો, 'હું તેમને લાવ્યો છું. તમે તેમને બ્રાહ્મણ પુત્રી સમજી લો.' દિલ્હીમાં તેઓ હંમેશાં શ્રી આદ્ય કાત્યાયની શક્તિપીઠ જતાં હતાં, જેને આજકાલ છત્તરપુર મંદિર કહેવામાં આવે છે."

આ મંદિર મહરૌલીમાં તેમના ફાર્મ હાઉસની નજીકમાં હતું. 1983માં ઇંદિરા ગાંધીએ હરિદ્વારમાં ભારતમાતામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, જેને વિશ્વ હિંદુ પરિષદના સહયોગથી બનાવવામાં આવ્યું હતું.

line

શિલાન્યાસમાં રાજીવ ગાંધીની ભૂમિકા

રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP

ઇંદિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી આમ તો ખુદ ધાર્મિક નહોતા પરંતુ રાજકીય સલાહકારોની સલાહને ધ્યાનમાં રાખીને 1989માં તેમણે અયોધ્યાથી પોતાના ચૂંટણીપ્રચારની શરૂઆત કરતાં રામરાજ્યનો વાયદો કર્યો હતો. |

શાહબાનો કેસ પર આવેલી વિપરીત પ્રતિક્રિયાઓનો ઉકેલ તેમણે રામમંદિરના શિલાન્યાસથી કાઢ્યો હતો.

રાજીવ ગાંધી આ ચૂંટણી હારી ગયા પરંતુ તે કોઈથી છૂપું નહોતું રહ્યું કે શાહબાનો કેસમાં મુસ્લિમ કટ્ટરવાદીઓનું સમર્થન કર્યા બાદ તેઓ એ સંદેશ પણ આપવા માગતા હતા કે તેઓ એક 'સારા હિંદુ' પણ છે.

ઝોયા હસન પોતાના પુસ્તક 'કૉંગ્રેસ આફટર ઇંદિરા'માં લખે છે, 'આ સમયે રાજીવ ગાંધીના મુખ્ય સલાહકાર અરુણ નહેરુનો વિચાર હતો કે જો રામમંદિરના મુદ્દે થોડું નરમ વલણ અપનાવીએ તો મુસ્લિમ કટ્ટરવાદીઓનું સમર્થન કરવા પર તેમની જે આલોચના થઈ તેની અસર થોડી ઘટી જશે. કૉંગ્રેસને આ વાતનો અંદાજ નહોતો કે વિશ્વ હિંદુ પરિષદ આ ઘટનાક્રમને બાબરી મસ્જિદના વિધ્વંસના પહેલાંના પગલા તરીકે લેશે અને હકીકતમાં એવું જ થયું છે.'

line

નરસિમ્હા રાવના આકલનમાં ઉણપ

નરસિમ્હા રાવ

ઇમેજ સ્રોત, RAVEENDRAN

નરસિમ્હા રાવનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના રાજકીય જીવનની શરૂઆત હૈદરાબાદના નિઝામની સામે સંઘર્ષથી શરૂ થઈ હતી, જ્યાં તેમણે હિંદુ મહાસભા અને આર્યસમાજ સાથે ખભેથી ખભો મિલાવીને કામ કર્યું હતું.

તેમનું આખું જીવન સવારની પૂજા અને વાર્ષિક તીર્થયાત્રાની આસપાસ ફરતું હતું.

રાવની શૃંગેરીના શંકરાચાર્યથી લઈને પેજાવર સ્વામી સુધી અનેક સ્વામીઓ સાથે ઘનિષ્ઠતા હતી.

એન. કે. શર્મા જેવા જ્યોતિષી અને ચંદ્રાસ્વામી જેવા અનેક તાંત્રિક તેમની ખૂબ જ નજીક હતા.

બાબરી મસ્જિદ તોડી પડાઈ ત્યારે તેઓ વડા પ્રધાન હતા.

તેમને ચિંતા હતી કે મુસ્લિમો કૉંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને એનાથી મોટી ચિંતા એ હતી હિંદુઓમાં પણ ઉંચી જાતિ અને નીચલી જાતિના લોકો ભાજપની તરફ વધી રહ્યા છે.

તેમણે એક વખત મણિશંકર ઐય્યરને કહ્યુ હતું, 'તમારે સમજવું પડશે કે ભારત એક હિંદુ દેશ છે.'

સલમાન ખુર્શીદે નરસિમ્હા રાવના આત્મકથાકાર વિનય સીતાપતિને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું :

"રાવસાહેબની ટ્રૅજેડી હતી કે તેમણે હંમેશાં એક મત બનાવવાનો પ્રયાસ કર્યો. તેઓ હિંદુ અને મુસ્લિમ બંને વોટબૅન્કને ખુશ કરવા માગતા હતા."

"રાવ મસ્જિદ પણ બચાવવા માગતા હતા, હિંદુઓની લાગણીઓનું રક્ષણ કરવા માગતા હતા અને પોતાની જાતને પણ બચાવવા માગતા હતા."

"પરિણામ એ આવ્યું કે ન તો મસ્જિદ બચી, ન હિંદુ કૉંગ્રેસ તરફ આવ્યા અને તેમની સાખ તાર-તાર થઈ ગઈ."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન