Population Control Bill : ભારતમાં વસતીવિસ્ફોટની વાત કેટલી સાચી અને વસતીનિયંત્રણના કાયદાની કેટલી જરૂર?
- લેેખક, સૌતિક બિસ્વાસ અને અપર્ણા અલ્લુરી
- પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશે વસતીવધારો રોકવા માટેનો વિવાદાસ્પદ ખરડો રજૂ કર્યો છે. બેથી વધારે સંતાનો ધરાવતી વ્યક્તિને સરકારી નોકરી, બઢતી તથા સબસિડીથી તેમજ સ્થાનિક ચૂંટણી લડવાના અધિકારથી વંચિત રાખવાની દરખાસ્ત એ ખરડામાં સામેલ છે.

ઇમેજ સ્રોત, Getty Images
22 કરોડથી વધુ લોકોની વસતી ધરાવતું ઉત્તર પ્રદેશ વહીવટની દૃષ્ટિએ લાંબા સમયથી પડકારરૂપ બની રહ્યું છે અને વિકાસ સૂચકાંકોમાં તેનું સ્થાન હંમેશાં નીચે જ રહ્યું છે.
જોકે, નિષ્ણાતો કહે છે કે દેશ એટલે કે ભારતની માફક ઉત્તર પ્રદેશમાં પણ વસતીવૃદ્ધિનું પ્રમાણ ધીમું પડી રહ્યું છે.
દેશમાં પારાવાર પુત્રમોહ પ્રવર્તી રહ્યો છે ત્યારે બે બાળકની આ 'ધમકીયુક્ત' નીતિને લીધે મહિલાના અધિકાર છીનવાશે અને અસલામત સેક્સનું તેમજ લિંગ સંબંધિત ગર્ભપાતનું પ્રમાણ વધશે, એવી ચેતવણી નિષ્ણાતો આપી રહ્યા છે.
રાજ્યના કાયદાપંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ખરડાથી તેઓ ચકિત થઈ ગયા છે, કારણ કે આ ખરડો હજુ રવિવારે જ રજૂ કરવામાં આવેલી ઉત્તર પ્રદેશની વસતીનિયંત્રણ નીતિનો વિરોધાભાસી છે.
પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાનાં ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર પૂનમ મુત્તરેજાએ કહ્યું હતું કે "કિશોરાવસ્થામાં જાતીય તથા પ્રજનન સ્વાસ્થ્ય, બાળક તથા માતાનાં મૃત્યુ અને વૃદ્ધાવસ્થા સહિતના અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને ઘડવામાં આવેલી અતિ વ્યાપક વસતીનીતિનો આ ખરડો પ્રતિકાર કરે છે."

ઉત્તર પ્રદેશને બે બાળકની નીતિની જરૂર છે ખરી?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
નિષ્ણાતો કહે છે, જરા પણ નહીં.
સત્તાવાર ગણતરી દર્શાવે છે કે ભારતમાં વસતીવિસ્ફોટની સ્થિતિ નથી. દેશનાં મોટાં ભાગનાં રાજ્યોમાં મહિલાઓ અગાઉ કરતાં સરેરાશ ઓછાં બાળકોને જન્મ આપે છે અને એ બાબત વિકાસના વક્રને પ્રભાવશાળી રીતે સમથળ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂનમ મુત્તરેજાએ કહ્યું હતું કે "ઉત્તર પ્રદેશની ગર્ભનિરોધકોની કુલ પૈકીની 18 ટકા માગ વણસંતોષાયેલી રહે છે. મહિલાઓને વધારે નિઃસહાય બનાવવાને બદલે તેમને ગર્ભનિરોધના સંખ્યાબંધ વિકલ્પો મળી રહે તે સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ."
એક સરકારી અંદાજ અનુસાર, ઉત્તર પ્રદેશનો પ્રજનનદર 1993ના 4.82 ટકાથી ઘટીને 2016માં 2.7 ટકા થઈ ગયો હતો અને 2025 સુધીમાં એ પ્રમાણ 2.1 ટકા થઈ જવાની આશા છે.
પૂનમ મુત્તરેજાએ ઉમેર્યું હતું કે "ઘટી રહેલા પ્રજનનદરને ધ્યાનમાં લેતાં નસબંધીને પ્રોત્સાહન આપવાથી અવળી અસર થશે, કારણ કે ભારતની વસતીમાં થનારો 70 ટકા વધારો યુવાવર્ગને લીધે થવાનો છે. તેથી દેશને અત્યારે બે બાળકના જન્મ વચ્ચે અંતર રાખી શકાય એવી અસ્થાયી વ્યવસ્થાની જરૂર છે."
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના તાજેતરમાં પ્રકાશિત આંકડા અનુસાર, દેશનાં 22માંથી 19 રાજ્યોમાં પ્રતિ મહિલા પ્રજનનદર ઘટીને 2.1 ટકાના સ્તરે પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશ સહિતનાં નવ રાજ્યોના આંકડા હજુ તૈયાર થયા નથી.
તેમાં વધેલી જાગૃતિ, સરકારી કાર્યક્રમો, શહેરીકરણ, અપવર્ડ મૉબિલિટી અને ગર્ભનિરોધની આધુનિક પદ્ધતિના વ્યાપક ઉપયોગનો પણ મોટો ફાળો છે.
વિશ્વના કુલ પૈકીના અરધોઅરધ દેશોમાં પ્રજનનદરમાં અસાધારણ ઘટાડો જોવા મળ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા મુજબ, 2070 સુધીમાં વૈશ્વિક પ્રજનનદર રીપ્લેસમૅન્ટ લેવલથી ઓછો થઈ જવાની ધારણા છે.
ચીનનો પ્રજનનદર 2020માં ઘટીને 1.3 થઈ ગયો હતો, જ્યારે 2016માં કરાયેલી સત્તાવાર ગણતરી મુજબ ભારતમાં એ પ્રમાણ 2.2નું હતું.

આ કાયદાનો અમલ અત્યારે શા માટે?

ઇમેજ સ્રોત, Reuters
વસતી વિજ્ઞાનના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સમગ્ર ભારતમાં પ્રજનનદર અલગ-અલગ છે.
ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ છ રાજ્યોમાં દેશની કુલ વસતી પૈકીના 40 ટકા લોકો વસે છે.
આ રાજ્યોનો પ્રજનનદર 2.1નો એટલે કે રીપ્લેસમૅન્ટ લેવલ કરતાં વધારે છે, પરંતુ આ પ્રમાણ કેરળમાં 1.8, કર્ણાટકમાં 1.7, આંધ્ર પ્રદેશમાં 1.7 અને ગોવામાં 1.3નું છે.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉપ્યુલેશન સાયન્સિસના ડિરેક્ટર ડૉ. કે.એસ. જૅમ્સે કહ્યું હતું કે "દેશનાં શહેરો આયોજનવિહોણાં છે અને તેમાં વધારે પડતી વસતી છે, જે વસતી વધારે હોવાનું ચિત્ર દર્શાવે છે."
રાજકીય વિશ્લેષકો માને છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની નજર આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે અને આવાં આકરાં પગલાં વડે તેઓ વિકાસના ઍજન્ડાનો સંકેત આપવા ઇચ્છે છે.
આ વિચાર નવો નથી. વર્ષ 2018માં 125થી વધારે સંસદસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને બે બાળકની નીતિના અમલની વિનંતી કરી હતી.
વસતીનિયંત્રણના પગલાને કારણે "આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિ" સર્જાવાની શક્યતા હોવાથી સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં જ વસતીનિયંત્રણના પગલાની માગ કરતી સંખ્યાબંધ અરજીઓને ફગાવી દીધી હતી.
યોગી આદિત્યનાથની ભારતીય જનતા પાર્ટીના ત્રણ સંસદસભ્યોએ વસતીનિયંત્રણ સંબંધી એક ખરડો ગયા વર્ષે સંસદમાં રજૂ કર્યો હતો.
વર્ષ 1990ના દાયકાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 12 રાજ્યોએ બે બાળકની નીતિ અંગે કેટલાંક સંસ્કરણો રજૂ કર્યાં છે.

નીતિ અસરકારક છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ સવાલનો જવાબ આપવાનું મુશ્કેલ છે, કારણ કે વિવિધ રાજ્યોએ એ નીતિનો અલગ-અલગ રીતે અમલ કર્યો છે.
કેટલાંક રાજ્યોની નીતિમાં છીંડાં યથાવત રહ્યાં છે, જ્યારે કેટલાંક રાજ્યોએ દંડાત્મક પગલાની સાથે નાણાકીય લાભ આપવાની જોગવાઈ પણ કરી છે.
તેનું કોઈ સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી, પરંતુ પાંચ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આ નીતિને કારણે અસલામત તથા લિંગ-પસંદગીયુક્ત ગર્ભપાતના પ્રમાણમાં વધારો થયો હતો અને ચૂંટણી લડી શકાય એ હેતુથી કેટલાક પુરુષોએ પત્નીઓને છૂટાછેડા આપ્યા હતા અથવા તેમનાં બાળકોને દત્તક આપી દીધાં હતાં.
અલબત્ત, પરિણામ મિશ્ર રહ્યું છે. ચાર રાજ્યોએ આ કાયદો પાછો ખેંચી લીધો છે. બિહારે વર્ષ 2007માં તેનો અમલ શરૂ કર્યો હતો, પણ તેનો પ્રજનનદર 3.4નો છે, જે દેશમાં સૌથી વધારે છે.
જ્યારે કેરળ, કર્ણાટક અને તામિલનાડુના પ્રજનનદરમાં આવી કોઈ નીતિ અમલમાં ન હોવા છતાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
પૉપ્યુલેશન કાઉન્સિલની ભારતસ્થિત ઑફિસના ડિરેક્ટર નિરંજન સગ્ગુર્તીએ કહ્યું હતું કે "વસતીના પ્રમાણને સંબંધ છે ત્યાં સુધી ભારત અત્યારે પરફેક્ટ તબક્કામાં છે."
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારત હવે ડૅમોગ્રાફિક ડિવાઈડના તબક્કમાં પ્રવેશી ગયું છે એટલે કે દેશનું યુવા અને સક્રિય કાર્યબળ દેશના અર્થતંત્રને ગરીબીમાંથી બહાર લાવવાનું સામર્થ્ય ધરાવે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ જેવા વધુ વસતીવાળા રાજ્યમાં ભારત આ સામર્થ્યનો કઈ રીતે ઉપયોગ કરે છે એ જોવાનું રહેશે.
પૂનમ મુત્તરેજાએ કહ્યું હતું કે "આપણે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં નાણાકીય રોકાણ કરવું જોઈએ. આપણે શ્રીલંકા પાસેથી શીખવું જોઈએ."
"શ્રીલંકાએ કન્યાઓની લગ્નલાયક વય વધારી છે. આપણે બાંગ્લાદેશ અને વિયેતનામ પાસેથી પણ પાઠ ભણી શકીએ. આ દેશોએ સંખ્યાબંધ અસ્થાયી ગર્ભનિરોધકો મહિલાઓને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવ્યા છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













