પુત્ર હોવાનો ઢોંગ કરીને જમીનદાર પરિવારને 41 વર્ષ સુધી કેવી રીતે છેતર્યો?

દયાનંદ ગોસાંઇએ જમીનદારનો ગુમ થયેલ પુત્ર હોવાનો ઢોંગ કર્યો અને 41 વર્ષ સુધી પરિવાર સાથે રહ્યો

ઇમેજ સ્રોત, RONNY SEN

ઇમેજ કૅપ્શન, દયાનંદ ગોસાંઇએ જમીનદારનો ગુમ થયેલ પુત્ર હોવાનો ઢોંગ કર્યો અને 41 વર્ષ સુધી પરિવાર સાથે રહ્યો
    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ફેબ્રુઆરી, 1977માં પૂર્વ બિહારના એક ગામમાં શાળાએથી ઘરે જઈ રહેલો કિશોર ગાયબ થઈ ગયો.

નાલંદા જિલ્લાના જમીનદાર અને વગદાર કુટુંબના પુત્ર કનૈયાસિંહ શાળાએ બીજી પરીક્ષા આપીને પરત ઘરે આવવા નીકળ્યા હતા. તેઓ ઘરે ના પહોંચ્યા ત્યારે કુટુંબે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

કનૈયાને શોધવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને તેમના પિતા હતાશ થઈને દોરાધાગા કરનારા લોકોને મળવા લાગ્યા. ગામના એક ધુતારાએ તેમને કહ્યું કે તમારો દીકરો જીવતો છે અને થોડા વખતમાં 'હાજર' થઈ જશે.

સપ્ટેમ્બર 1981ના રોજ કનૈયાના ગામથી 15 કિમી દૂર એક ગામમાં વીસેક વર્ષના એક યુવાન આવી પહોંચ્યા.

ભગવાધારી યુવાન ભજનો ગાતા હતા અને ભિક્ષા માગીને પેટ ભરતો હતો. ગામના લોકો પૂછે તેને કહેતો કે પોતે 'મુર્ગાવાનના એક સારા ઘરનો દીકરો' છે. મુર્ગાવાન એટલે કનૈયાનું ગામ.

તે પછી શું થયું તે સ્પષ્ટ થતું નથી, પણ ધીમે ધીમે વાતો ફેલાતી ગઈ અને એ વાત કનૈયાના પિતા કામેશ્વરસિંહના કાને પણ પડી એટલે તેઓ જાતે આ ભગવાધારીને જોવા પહોંચી ગયા.

તેમની સાથે ગામના કેટલાક લોકો પણ જોડાયા હતા અને એ બધાએ કહ્યું કે આ તો તમારો દીકરો જ લાગે છે. સૌ તેમને ઘરે લઈ આવ્યા.

પોલીસની નોંધ અનુસાર કામેશ્વરસિંહે જણાવ્યું હતું કે "મને આંખે ઝાંખું દેખાય છે અને બરાબર ઓળખી શકતો નથી, પણ તમે બધા કહો છો કે મારો દીકરો છે તો તેને રાખીશ."

તે વખતે તેમનાં પત્ની રામસખી અને દીકરી વિદ્યા પટણા ગયાં હતાં. ચાર દિવસ પછી રામસખીદેવીને પણ જાણ થઈ કે પુત્ર પાછા ઘરે આવ્યા છે. તેઓ ગામે પાછી ફર્યાં અને જોયું કે આ તેમનો દીકરો નથી.

તેમનું કહેવું હતું કે કનૈયાને "માથે ડાબી બાજુ ઘાની નિશાની હતી", જે આ યુવાનમાં દેખાતી નહોતી. જે શાળામાં ભણતો હતો તેના એક શિક્ષકને પણ તેઓ ઓળખી શક્યા નહોતા. જોકે સિંહને લાગ્યું કે આ જ તેમના જ દીકરા છે.

થોડા દિવસ પછી રામસખીદેવીએ આ ઢોંગી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી. તેમની ધરપકડ થઈ પણ એકાદ મહિનામાં તેને જામીન મળી ગયા.

તે પછીના ચાર દાયકા સુધી આ માણસ કામેશ્વરસિંહના પુત્ર તરીકે જ ઓળખાતો રહ્યો અને અનેક રીતે પરિવારને છેતરતો રહ્યો.

line

નકલી ઓળખનો અંબાર

ગૌતમકુમારનું કહેવું છે કે તેઓ એ માનવા તૈયાર નથી કે તેમના પિતા એક ઢોંગી છે

ઇમેજ સ્રોત, RONNY SEN

ઇમેજ કૅપ્શન, ગૌતમકુમારનું કહેવું છે કે તેઓ એ માનવા તૈયાર નથી કે તેમના પિતા એક ઢોંગી છે

જામીન પર છૂટીને તેમણે નવી ઓળખ ધારણ કરી, કૉલેજમાં દાખલ થઈ ગયા, લગ્ન કર્યાં, સંતાનો થયાં અને બીજી પણ અનેક નકલી ઓળખ ઊભી કરી દીધી હતી.

આ નકલી ઓળખપત્રોથી તેઓ મતદાન પણ કરતા રહ્યા, ટૅક્સ પણ ભરતા રહ્યા, બાયોમૅટ્રિક્સ આપીને આધાર પણ મેળવી લીધું, બંદૂકનું લાઇસન્સ પણ મેળવી લીધું અને કામેશ્વરસિંહની 37 એકર જમીન પણ વેચી મારી.

લાઇન

સંક્ષિપ્તમાં: પુત્ર ગુમ થઈ ગયો અને તેની જગ્યાએ ઢોંગી માણસ 41 વર્ષ સુધી પુત્ર બનીને રહ્યો

લાઇન
  • ફેબ્રુઆરી, 1977માં પૂર્વ બિહારના એક ગામમાં શાળાએથી ઘરે જઈ રહેલો કિશોર કનૈયાસિંહ ગાયબ થઈ ગયો
  • કનૈયાને શોધવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને એક ધુતારાએ તેને કહ્યું કે તમારો દીકરો જીવતો છે અને થોડા વખતમાં 'હાજર' થઈ જશે
  • સપ્ટેમ્બર 1981ના રોજ કનૈયાના ગામથી 15 કિમી દૂર એક ગામમાં વીસેક વર્ષના એક યુવાન આવી પહોંચ્યા
  • આંખે ઓછું દેખાવાની સમસ્યાવાળા કામેશ્વરસિંહે ગામલોકોના કહેવાથી તેને પુત્ર તરીકે અપનાવી લીધા
  • તેમનાં પત્ની રામસખીએ જોયું કે આ તેનો દીકરા નથી
  • તેમનું કહેવું હતું કે કનૈયાને "માથે ડાબી બાજુ ઘાની નિશાની હતી"
  • થોડા દિવસ પછી રામસખીદેવીએ આ ઢોંગી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી
  • તેની ધરપકડ થઈ પણ એકાદ મહિનામાં તેને જામીન મળી ગયા
  • પછીના ચાર દાયકા સુધી આ માણસ કામેશ્વરસિંહના પુત્ર તરીકે જ ઓળખાતા રહ્યા અને અનેક રીતે પરિવારને છેતરતા રહ્યા
  • કેવા વિવિધ પ્રકારે છેતરતા રહ્યા તેની જ તો આ રસપ્રદ સ્ટોરી છે
લાઇન

જમીનદારની દીકરી સાથે ડીએનએ મૅચ થાય અને પોતે સગાં ભાઈબહેન છે તે સાબિત થાય તે માટે ડીએનએના નમૂના આપવાનો પણ ઇનકાર કરતા રહ્યા. તેમની એક રીત જાણીને તો કોર્ટ પણ આઘાત પામી ગઈ હતી - તેમણે પોતાની જૂની ઓળખ ભૂંસી નાખવા માટે નકલી મરણનો દાખલો પણ કઢાવી લીધો હતો.

સરકારી તંત્ર કેટલી વિચિત્ર રીતે કામ કરતું હોય છે તેનો આ નમૂનો છે. ભારતની અદાલતમાં 5 કરોડથી વધારે કેસો પેન્ડિંગ પડ્યા છે, જેમાંથી 1,80,000 કેસ તો 30 વર્ષથી જૂના છે.

સરકારી દસ્તાવેજમાં તેમનું નામ કનૈયાજી તરીકે નોંધાઈ ગયું છે - જી માનાર્થે વપરાતું હોય છે. આખરે અદાલતે તેમને ઢોંગી ગણ્યા અને છેતરપિંડીના આરોપ સાથે સાત વર્ષની જેલ કરી.

તેમનું મૂળ નામ દયાનંદ ગોસાંઈ હતું. જે ગામમાં નકલી પુત્ર તરીકે ઘૂસી ગયા હતા તેનાથી 100 કિમી દૂર જમુઈ જિલ્લામાં તેમનું ગામ હતું.

કામેશ્વરસિંહના ઘરમાં પુત્ર તરીકે ઘૂસી ગયા તે પછી 1982માં તેમણે લગ્ન કરેલાં તેની બ્લૅક ઍન્ડ વ્હાઇટ તસવીર છે, તેમાં તેમની પાતળી મૂછ દેખાય છે. ફિલ્મી ઢબનાં વસ્ત્રોમાં સજ્જ આ વરરાજાના બાળપણ વિશે બહુ ઓછી માહિતી છે.

તેમની જન્મતારીખમાં પણ ફેર છે - હાઇસ્કૂલમાં જાન્યુઆરી 1966 લખાયેલું છે, જ્યારે આધાર કાર્ડમાં ફેબ્રુઆરી 1960 અને મતદાર ઓળખપત્રમાં વર્ષ 1965 છે. 2009માં તેણે રૅશનકાર્ડ કઢાવ્યું તેમાં તેમની ઉંમર 45 વર્ષ લખી છે, જેનાથી તેમનું જન્મનું વર્ષ 1964 થાય. ગોસાંઇ પરિવાર કહે છે કે તેમની ઉંમર "અંદાજે 62" છે, આધાર કાર્ડના વર્ષ પ્રમાણે તે બંધબેસતી આવે છે.

તપાસ અધિકારીઓ એટલું જાણી શક્યા છે કે જમુઈના ગોસાંઈ પરિવારના ચાર પુત્રમાં આ સૌથી નાના હતા, ભજન ગાતો હતા અને માગી ખાતા હતા. 1981માં ઘર છોડીને નીકળી ગયા હતા. જમુઈના સિનિયર પોલીસ અધિકારી ચિતરંજનકુમાર કહે છે કે ગોસાંઈનાં લગ્ન વહેલાં થઈ ગયાં હતાં પણ પત્ની છોડીને જતાં રહ્યાં હતાં.

line

નાતમાં લગ્ન અને સંતાનો

1982માં દયાનંદ ગોસાંઈના લગ્નનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, RONNY SEN

ઇમેજ કૅપ્શન, 1982માં દયાનંદ ગોસાંઈનાં લગ્નનો ફોટોગ્રાફ

ચિતરંજનકુમાર કહે છે, "તે દંપતિને સંતાન નહોતું અને તેમની પત્ની તેમને છોડીને બીજે પરણી ગઈ હતી." કોર્ટમાં ગોસાંઈની ઓળખ કરનારા માણસને પણ તેઓ શોધી લાવ્યા હતા. ન્યાયાધીશ માનવેન્દ્ર મિશ્રાએ ચુકાદામાં લખ્યું હતું કે "તેના ગામમાં સૌ જાણતા હતા કે ગોસાંઈ નાલંદાના જમીનદારના ઘરે રહે છે."

પુત્ર તરીકે તેમને ઘરે લાવ્યા પછી કામેશ્વરસિંહે તેમનાં લગ્ન પોતાની નાતમાં કરાવી આપ્યાં હતાં. દસ્તાવેજો અનુસાર ગોસાંઈએ કૉલેજમાં અંગ્રેજી અને રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. કૉલેજમાં તેમનું વર્તન સહજ ગણાયું હતું.

લગ્ન પછી ગોસાંઈને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ થઈ હતી. કામેશ્વરસિંહના મૃત્યુ પછી તેમને એક સદી જૂની બે માળની હવેલીનો અડધો હિસ્સો વારસામાં મળ્યો હતો. (અડધો હિસ્સો કામેશ્વરસિંહના પિતરાઈઓ પાસે હતો.) 16 રૂમનું આ વિશાળ મકાન એક જમાનામાં ધમધમતી હવેલી હશે એમ લાગે, પણ હવે તે ઉજ્જડ પડ્યું છે.

ગોસાંઈનો મોટો દીકરો ગૌતમકુમાર કહે છે કે તેમના પિતા ઘરે જ રહેતા અને 30 એકર જમીનમાં ખેતી કરતા હતા. ડાંગર, ચોખા, કઠોળ વાવતા અને ભાગીયા રાખીને ખેતી કરતા હતા. કુમારનું કહેવું છે કે નકલી પુત્ર બનવાની વાત વિશે ક્યારેય પરિવારમાં વાત થઈ નથી.

ગૌતમ કહે છે, "એ મારા પિતા છે. મારા દાદાએ તેમને પુત્ર તરીકે સ્વીકાર્યા તો પછી અમે સવાલ કરનારા કોણ? પિતાની વાત કોણ ના માને?"

"આટલાં વર્ષો પછી હવે અમારી ઓળખ સામે સવાલ ઊભો થયો છે. અમે સૌ ચિંતામાં છીએ."

ન્યાયાધીશ મિશ્રાએ ગોસાંઈને પૂછેલું કે ચાર વર્ષ તમે ગુમ રહ્યા ત્યારે શું કરતા હતા અને ક્યાં રહેતો હતો. ગોસાંઈએ ઉડાઉ જવાબ આપેલા. ગોરખપુરના આશ્રમમાં સંત સાથે રહેતો હતો એવું કહ્યું, પણ તેના માટે કોઈ સાક્ષી આપી શક્યા નહોતા.

line

"મેં ક્યારેય જમીનદારના પુત્ર હોવાનો દાવો નહોતો કર્યો"

ગોસાંઈ (એકદમ ડાબે) તેની પુત્રી સાથે કામેશ્વરસિંહ (ખાટલા પર બેઠેલા) અને રામસખી દેવી(સિંહની પાછળ ઉભેલા) સાથે

ઇમેજ સ્રોત, RONNY SEN

ઇમેજ કૅપ્શન, ગોસાંઈ (એકદમ ડાબે) તેમની પુત્રી સાથે કામેશ્વરસિંહ (ખાટલા પર બેઠેલા) અને રામસખીદેવી(સિંહની પાછળ ઊભેલાં) સાથે

ગોસાંઈ કહે છે કે તેમણે જાતે ક્યારેય જમીનદારના પુત્ર હોવાનો દાવો નહોતો કર્યો. તેઓ કહે છે કે કામેશ્વરસિંહ જ તેમને પોતાનો દીકરો ગણીને ઘરે લઈ ગયા હતા.

તેમણે કહેલું કે, "મેં કોઈને ઢોંગ કરીને છેતર્યા નથી. હું કનૈયા છું".

કોર્ટના દસ્તાવેજોમાં સ્ટેપલ લાગીને ઝીર્ણ થઈ ગયેલી કનૈયાની નાનપણની એક માત્ર બ્લૅક ઍન્ડ વ્હાઇટ તસવીર છે, જેમાં તેલ નાખીને પાથી પાડેલા વાળ છે.

પટણાથી 100 કિમી દૂરના 1500ની વસતિ ધરાવતા મોટા ભાગે સવર્ણોના ગામ મુર્ગાવાનમાં મોટા ભાગના લોકો તેમને ગુમ થઈ ગયા પછી ભૂલી પણ ગયા હતા.

સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે કામ કરતા એક સગા ગોપાલસિંહ કનૈયાને એક શરમાળ અને પ્રેમાળ છોકરા તરીકે યાદ કરે છે. "અમે સાથે જ મોટા થયા હતા. તે ગુમ થયો ત્યારે બહુ ઉહાપોહ થયો હતો. ચાર વર્ષ પછી આ માણસ આવ્યો ત્યારે તે કનૈયા જેવો લાગતો પણ નહોતો, પરંતુ સિંહ કહેતા રહ્યા કે આ મારો જ દીકરો છે. તો પછી અમે શું કરીએ?"

નકલી મૃત્યુ પ્રમાણપત્ર જેમાં ગોસાઈનું 1982માં મૃત્યુ થયું હોવાનું જણાવાયું હતું
ઇમેજ કૅપ્શન, નકલી મૃત્યુ પ્રમાણપત્ર જેમાં ગોસાઈનું 1982માં મૃત્યુ થયું હોવાનું જણાવાયું હતું

1991માં કામેશ્વરસિંહનું અવસાન થયું હતું. તેઓ મોટા જમીનદાર હતા અને તેમની પાસે 60 એકર કરતા વધારે જમીન હતી. ચાર દાયકા સુધી તે ગામના મુખી રહ્યા હતા અને તેમનાં સગાં સુપ્રીમ કોર્ટના વકીલ બન્યા છે અને સાંસદ પણ બન્યા છે

કામેશ્વરસિંહે બે લગ્ન કરેલાં, તેનાથી એક પુત્ર કનૈયા અને સાત પુત્રી હતાં. કનૈયા સૌથી નાના હતા અને તેથી તેમને બહુ વહાલા હતા. વૃદ્ધાવસ્થામાં તેમણે ક્યારેય કોર્ટમાં જઈને ગોસાંઈનો બચાવ પણ કર્યો નહોતો.

કામેશ્વરસિંહે પોલીસને જણાવેલું કે "મેં ગામના લોકોને કહ્યું છે કે આ મારો પુત્ર નથી તેવું સાબિત થાય તો આપણે તેને પાછો મોકલી દઈશું."

ચાર દાયકા સુધી એક ડઝન ન્યાયાધીશો પાસે આ કેસ ચાલતો રહ્યો. તે પછી આખરે આ વર્ષના ફેબ્રુઆરીમાં ટ્રાયલ કોર્ટે સતત 44 દિવસ તેની સુનાવણી કરી અને એપ્રિલમાં તેનો ચુકાદો આપ્યો.

જજ મિશ્રાએ ગોસાંઈને દોષી જાહેર કર્યા. જૂનમાં ઊપલી અદાલતમાં પણ ચુકાદો માન્ય રહ્યો અને તેને સાત વર્ષની કેદ યથાવત્ રહી.

સાત સાક્ષીઓને રજૂ કરવામાં આવેલા તે બધા અદાલતને બિનઆધારભૂત લાગેલા. ગૌતમકુમાર કહે છે, "અમે કેસને ક્યારેય ગંભીરતાથી લીધો નહીં. અમારે વધારે પુરાવા એકઠા કરવાની જરૂર હતી. અમારા પિતાની ઓળખ વિશે અમને કોઈ શંકા નહોતી."

line

અદાલતમાં પણ નાટકીય દૃશ્યો

દયાનંદ ગોસાઈને ઢોંગ, છેતરપિંડી અને ષડયંત્રનો દોષી ઠેરવવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, VISHAL ANAND

ઇમેજ કૅપ્શન, દયાનંદ ગોસાંઈને ઢોંગ, છેતરપિંડી અને ષડ્યંત્રનો દોષી ઠેરવવામાં આવ્યો હતો

આખરે અદાલતમાં પણ નાટકીય દૃશ્યો સર્જાયાં હતાં, જ્યારે દયાનંદ ગોસાંઈનો મરણનો દાખલો રજૂ થયો. પણ તેમાં ઘણી ખામીઓ હતી. તેમાં મે 2014ની તારીખ લખેલી હતી, પણ એવું લખ્યું હતું કે ગોસાંઈનું અવસાન જાન્યુઆરી 1982માં થયું છે.

પોલીસ અધિકારી ચિતરંજનકુમાર કહે છે કે તેમણે સ્થાનિક રેકર્ડ ચકાસ્યા હતા, તેમાં ગોસાંઈની મરણનોંધ નહોતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આ નકલી મરણનો દાખલો છે. 32 વર્ષ પછી કેમ મરણનો દાખલો કઢાવવામાં આવ્યો એમ જણાવીને અદાલતે તેને નકલી ગણાવીને ફગાવી દીધો હતો.

જજ મિશ્રાએ કહ્યું કે "પોતાને કનૈયા સાબિત કરવા માટે ગોસાંઈએ પોતાને મરણ પામેલો જાહેર કર્યો.".

ગોસાંઈએ ડીએનએ સૅમ્પલ આપવાની ધરાર ના પાડી તે તેની સામેનો સૌથી મોટો પુરાવો હતો. ડીએનએ સૅમ્પલની 2014માં માગણી થઈ હતી, પણ આઠ વર્ષ સુધી તેઓ ટાળતો રહ્યા. તે પછી ફેબ્રુઆરીમાં જ લેખિતમાં સૅમ્પલ આપવાની તેમણે ના પાડી હતી.

અદાલતે જણાવ્યું કે "હવે બીજા કોઈ પુરાવાની જરૂર નથી. આરોપી જાણે છે કે ડીએનએ ટેસ્ટ તેને ખોટો સાબિત કરી દેશે. પોતાની ઓળખ સાબિત કરવાની જવાબદારી આરોપીની હોય છે."

જોકે ગોસાંઈને જે સજા થઈ તે મામૂલી છે એમ વકીલો કહે છે. અદાલતને લાગ્યું હતું કે ગોસાંઈને જમીનદારના પરિવારમાં પુત્ર તરીકે મૂકી દેવાનું મોટું કાવતરું મુર્ગાવાન ગામના ઘણા લોકોએ ભેગા થઈને કર્યું હતું.

અદાલતને શંકા છે કે આ લોકોએ જ ગોસાંઈ પાસેથી તેને વારસામાં મળેલી જમીન ખરીદી લીધી હશે. જોકે આ દાવાઓની તપાસ હજી બાકી છે.

કનૈયાસિંહનો એકમાત્ર ઉપલબ્ધ ફોટોગ્રાફ
ઇમેજ કૅપ્શન, કનૈયાસિંહનો એકમાત્ર ઉપલબ્ધ ફોટોગ્રાફ

રામસખીદેવીનું અવસાન 1995માં થયું હતું. તેમણે અદાલતને જણાવેલું કે "અમારા પરિવાર સામે મોટું કાવતરું થયું છે, જેથી અમારી જમીન જાયદાદ પડાવી શકાય. મારા પતિની તબિયત બરાબર નહોતી અને આંખે દેખાતું નહોતું તેનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે."

આ છેતરપિંડીની કથામાં હજી ઘણી બાબતો સ્પષ્ટ થઈ રહી નથી.

ગોસાંઈએ જમીન કોને વેચી? શું આ જમીન પાછી લઈ લેવામાં આવશે અને કામેશ્વરસિંહની અસલી વારસદાર દીકરીઓને આપવામાં આવશે? ગોસાંઈના પરિવારની નકલી ઓળખનું હવે શું?

અને સૌથી અગત્યનો સવાલ - કનૈયાનું શું થયું?

ભારતીય કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિની સાત વર્ષ સુધી ભાળ ના મળે તે પછી તેમને મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવે છે.

પોલીસે શા માટે કેસ બંધ નથી કર્યો? શું તેઓ હજી જીવે છે?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન