ક્રિપ્ટોકરન્સી: બિટકૉઇનની સામે વનકૉઇન ઉતારી 30 હજાર કરોડનું કૌભાંડ આચરી ગાયબ થઈ જનાર 'ક્રિપ્ટો ક્વીન'ની કહાણી

    • લેેખક, બીબીસી ન્યૂઝ
    • પદ, .

રુજા ઇગ્નોતાવા પોતાની જાતને 'ક્રિપ્ટોક્વીન' તરીકે ઓળખાવતાં, એટલે કે ક્રિપ્ટોકરન્સીનાં રાણી.

તેમણે દાવો કર્યો હતો કે તેમણે એક એવી ક્રિપ્ટોકરન્સીની શોધ કરી છે બિટકૉઇનને ટક્કર આપશે. આ દાવાને લઈને તેઓ ઘણા બધા લોકોને પોતાની શોધમાં રોકાણ કરવા માટે તૈયાર કરી શક્યાં.

રુજા ઇગ્નાતોવા એક સમયમાં પોતાની જાતેને ક્રિપ્ટોક્વીન ગણાવતાં
ઇમેજ કૅપ્શન, રુજા ઇગ્નાતોવા એક સમયમાં પોતાની જાતેને ક્રિપ્ટોક્વીન ગણાવતાં

પરંતુ એક દિવસ 2017માં તેઓ કોઈ પણ પુરાવો છોડ્યા વગર અદૃશ્ય થઈ ગયાં.

બ્રિટિશ પત્રકાર જેમી બાર્ટલેટે બીબીસી માટે 'મિસિંગ ક્રિપ્ટોક્વીન' પૉડકાસ્ટ મારફતે તેમણે આ આખું કૌભાંડ કેવી રીતે કર્યું અને અત્યારે તેઓ ક્યાં સંતાઈ રહ્યાં છે તે અંગે જાણકારી મેળવવા મહિનાઓ સુધી મહેનત કરી.

એ જૂન, 2016નો સમય હતો, જ્યારે બલ્ગેરિયાનાં રુજા ઇગ્નાતોવા, એક 36 વર્ષીય બિઝનેસવુમન, લંડનના વેમ્બ્લી મેદાન ખાતે સ્ટેજ પર ચઢ્યાં. મેદાનમાં તેમના હજારો પ્રશંસકો પણ હતા.

સામાન્ય નિયમ પ્રમાણે જ લાલ રંગનું ગવન, લાંબી હિરાજડિત ઇયરરિંગ અને તેમની ઓળખ એવી લાલ લિપસ્ટિકમાં તેઓ દેખાયાં.

line

જ્યારે કહ્યું... બિટકૉઇનને કોઈ યાદ નહીં કરે

લંડનના વેમ્બ્લી મેદાન ખાતે રુજા

ઇમેજ સ્રોત, ONECOIN

ઇમેજ કૅપ્શન, લંડનના વેમ્બ્લી મેદાન ખાતે રુજા

બિટકૉઇન વિશ્વની સૌપ્રથમ ક્રિપ્ટોકરન્સી હતી. તેમજ અત્યાર સુધીની તે સૌથી જાણીતી અને સૌથી વધુ વપરાતી ક્રિપ્ટોકરન્સી છે.

2016ના વચ્ચેના ગાળામાં બિટકૉઇનની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો. જેના કારણે રોકાણકારો ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા.

એક વિચાર તરીકે ક્રિપ્ટોકરન્સી નવી હતી. ઘણા લોકો આ અજબ તક ઝડપી લેવા માટે તત્પર હતા.

રુજાએ તેમના દર્શકોને વાયદો કર્યો હતો કે તેમની શોધ એવું વનકૉઇન બિટકૉઇનને ચલણ બહાર પાડશે.

તેઓ આ સભામાં બૂમો પાડતાં, "માત્ર બે વર્ષમાં, કોઈ પણ બિટકૉઇન વિશે વાત નહીં કરે."

દુનિયાના દરેક ખૂણામાંથી લોકોએ વનકૉઇનનો ભાગ બનવા માટે પોતાની બચતનું રોકાણ કરવાનું શરૂ કરી દીધું.

બીબીસીને મળેલ દસ્તાવેજોમાં બહાર આવ્યું કે બ્રિટનના લોકોએ વનકૉઇનમાં પ્રથમ છ માસમાં જ 30 મિલિયન ડૉલરનું રોકાણ કરી દીધું હતું. જો આની સરેરાશ કાઢવામાં આવે તો એક અઠવાડિયામાં 2 મિલિયન ડૉલરનું રોકાણ કરાયું હતું. તેમજ આશંકા છે કે વેમ્બ્લી ખાતેના શોથી આ રોકાણનું પ્રમાણે ખૂબ વધ્યું હશે.

રુજાને એક ખૂબ જ સફળ કારકિર્દી ધરાવતાં મહિલા તરીકે રજૂ કરાયાં હતાં. એવો દાવો કરાયો હતો કે તેઓ ખ્યાતનામ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણ્યાં હતાં. તેમજ યુનિવર્સિટી ઑફ કોન્સ્ટાન્ઝથી તેમણે પીએચ. ડી કરેલ હોવાનું પણ કહેવાતું હતું.

આ સિવાય તેમણે ખૂબ જ આદરથી જોવામાં આવતી એવી મૅકકિન્સી ઍન્ડ કંપની સાથે કામ કર્યું હોવાનું કહેવાતું હતું.

વર્ષ 2014થી માર્ચ 2017 વચ્ચે, આ કહેવાતી તકમાં ઘણા બધા દેશોથી ચાર બિલિયન અમેરિકન ડૉલર એટલે કે લગભગ 30 હજાર કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા.

પાકિસ્તાનથી બ્રાઝિલ, હૉંગકૉંગથી નોર્વે, કૅનેડાથી યમન સુધી તેમજ એટલે સુધી કે પૅલેસ્ટાઇનમાં પણ તેમની આ યોજનામાં લોકોએ રોકાણ કર્યું હતું.

line

કોઈને પણ શંકા ન ગઈ કારણ કે....

રુજા ઇગ્નાતોવા

ઇમેજ સ્રોત, SHUTTERSTOCK / PAUL HAMPARTSOUMIAN

ઇમેજ કૅપ્શન, રુજા ઇગ્નાતોવા

પરંતુ આ સમગ્ર મુદ્દામાં એક વાત હતી જેના પર રોકાણકારોને શંકા ન ગઈ. કંઈક એવું ખોટું તો હતું જ.

ઑક્ટોબર, 2016ની શરૂઆતમાં, રુજાના લંડન ખાતેના શોના લગભગ ચાર માસ બાદ, એક રિક્રૂટમેન્ટ એજન્ટે બ્લૉકચેઇન નિષ્ણાત જોર્ન બ્જર્કનો સંપર્ક કર્યો. તેઓ ખૂબ સારી ઑફર આપી રહ્યા હતા.

બલ્ગેરિયા ખાતેનું એક ક્રિપ્ટોકરન્સી સ્ટાર્ટઅપ CTOની શોધમાં હતું. બ્જર્કને આ પદ માટે એક ઍપાર્ટમૅન્ટ, કાર અને ત્રણ લાખ ડૉલરની આકર્ષક ઑફર કરાઈ હતી.

બ્જર્કને એ તેમને સંપર્ક કરનારને પોતાનાં કામ વિશે પ્રશ્નો પૂછ્યાનું યાદ હતું.

તેઓ આ વાતચીતને યાદ કરતાં કહે છે કે, "મારો સંપર્ક કરનાર વ્યક્તિએ કહ્યું પહેલાં તો તેમને બ્લૉકચેઇન જોઇએ, કારણ કે તેમની પાસે બ્લૉકચેઇન નથી."

પછી તેમણે કહ્યું, "શું વાત કરો છો? તમે તો મને કહ્યું હતું કે તમે એક ક્રિપ્ટોકંપની છો."

સંપર્ક કરનારી વ્યક્તિએ કહ્યું કે, "આ વાત સાચી છે, તેઓ એક ક્રિપ્ટોકરન્સીવાળી કંપની છે, તેઓ અમુક સમયથી માર્કેટમાં છે. પરંતુ તેમની પાસે બ્લૉકચેઇન નથી."

બ્જર્ક કહે છે કે આ કંપનીનું નામ વનકૉઇન હતું.

આટલું સાંભળીને બ્જર્કે આ જૉબ ઑફર માટે ના પાડી દીધી.

ક્રિપ્ટોકરન્સી એક ખાસ પ્રકારના ડેટાબૅઝ પર આધાર રાખે છે, જેને બ્લૉકચેઇન કહે છે, તે એક પુસ્તક જેવું હોય છે.

બિટકૉઇનના માલિકો પાસે જુદાં-જુદાં પરંતુ એક બીજા જેવાં દેખાતાં આ પુસ્તકો હોય છે.

જેટલી વખત બિટકૉઇન અન્ય કોઈને મોકલાય છે તો તે અંગેનું ટ્રાન્ઝેક્શન તેમાં નોંધાઈ જાય છે.

આને બૅન્કો, સરકારો, એટલા સુધી કે જેમણે તેની શોધ કરી છે તે વ્યક્તિ પણ તેને બદલી નથી શકતાં.

આ બધાની પાછળ એક ગણિત રહેલું છે. પરંતુ તેનો અર્થ એ થાય છે કે બિટકોઇનની નકલ ન થઈ શકે. તે હૅક ન થઈ શકે.

line

રુજા ગાયબ થયાં

રુજા ઇગ્નાતોવાની હોડી ધ દાવિના અને પત્રકાર જેમી બાર્ટલેટ
ઇમેજ કૅપ્શન, રુજા ઇગ્નાતોવાની હોડી ધ દાવિના અને પત્રકાર જેમી બાર્ટલેટ

લંડનમાં તેમની સફળ કૉન્ફરન્સ બાદ રુજાએ મહિનાઓ સુધી પ્રવાસ કરીને પોતાના આઇડિયાથી લોકોને આકર્ષિત કર્યા.

સિંગાપોર જતાં પહેલાં તેઓ આ કામ માટે મકાઉ અને દુબઈમાં પણ સમય ગાળી ચૂક્યાં હતાં. તેઓ સ્ટેડિયમમાં કાર્યક્રમો યોજીને નવા રોકાણકારો આકર્ષી રહ્યાં હતાં. વનકૉઇન ખૂબ ગતિથી આગળ વધી રહ્યું હતું. અને નવા રોકાણથી આવેલ પૈસા ખર્ચવાનું પણ તેમણે શરૂ કરી દીધું હતું.

તેમણે બલ્ગેરિયાના પાટનગર સોફિયામાં ખૂબ જ કિંમતી મિલકતો ખરીદી લીધી. આ સિવાય તેમણે સોઝોપોલના બ્લૅક સી રિસૉર્ટ ખાતે પણ મિલકત ખરીદી લીધી.

તેમની નવરાશની પળો તેઓ મોંઘીદાટ હોડી દાવીના પર પાર્ટી આપીને વિતાવતાં. જુલાઈ, 2017ની એક ખાનગી પાર્ટીમાં અમેરિકન પૉપ સ્ટાર બેબે રેક્સ્હાએ એક પ્રાઇવેટ કૉન્સર્ટ કરી હતી.

લોકો સામે આડશ સ્વરૂપે રજૂ કરાયેલ તેમની જીવનશૈલી ભલે સફળ લાગી રહી હોય પરંતુ તેમના માટે તકલીફોનો સમય શરૂ થઈ ગયો હતો.

વનકૉઇન પોતે જેનો વાયદો કર્યો હતો એવા ક્રિપ્ટો ઍક્સચેન્જને શરૂ કરવાની તારીખ આગળ લંબાવતું રહ્યું. વાયદા પ્રમાણે આ ઍક્સચેન્જ વનકૉઇનને નાણાંમાં રૂપાંતરિત કરવાની તક આપવાનું હતું.

આવું થવાના કારણે રોકાણકારોની ચિંતા વધતી જઈ રહી હતી.

પરંતુ આખરે આ બધું સામે આવી જવાનું હતું. પોર્ટુગલના પાટનગર લિસ્બન ખાતે યુરોપિયન વનકૉઇનના પ્રમોટરોની એક મોટી સભામાં સમયના પાબંદ એવાં રુજા આવ્યાં જ નહીં.

આ સભાના એક સભ્ય એ દિવસ યાદ કરતાં જણાવે છે કે, "તેઓ રસ્તામાં જ હતાં, કોઈનેય ખબર ન પડી કે તેઓ કેમ ન આવ્યાં?"

એ દિવસે ઘણા કૉલ અને મૅસેજ આવ્યા પરંતુ કોઈને કોઈ જ જવાબ ન મળ્યો. સોફિયા ખાતેની વનકૉઇનની હેડ ઑફિસમાં પણ કોઈનેય કંઈ જ ખબર નહોતી.

ડૉ. રુજા પણ ગાયબ થઈ ગયાં હતાં. કેટલાકને ભય હતો કે બૅન્કોએ તેમની હત્યા કરી દીધી હતી કે તેમનું અપહરણ કરી લીધું હતું. તેમણે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે બૅન્કોને ક્રિપ્ટોકરન્સી ક્રાંતિથી ભય હતો.

પરંતુ સત્ય તો એ છે કે રુજા અંડરગ્રાઉન્ડ થઈ ગયાં હતાં.

2019ની શરૂઆતના એફબીઆઈના એક દસ્તાવેજ અનુસાર 25 ઑક્ટોબર 2017, એટલે કે લિસ્બનવાળી મિટિંગમાં ન આવ્યાના બે અઠવાડિયાં બાદ, તેઓ રાયનઍર ફ્લાઇટથી સોફિયાથી એથેન્સ ગયાં હતાં.

આ બાદ તેઓ બિલકુલ ગાયબ થઈ ગયાં, એ પછી ક્યારેય કોઈએ તેમને જોયાં કે તેમના વિશે સાંભળ્યું પણ નથી.

line

તેમની મિલકતો હજુ મોજૂદ

25 ઑક્ટોબર 2017 બાદ તેઓ રડાર પરથી બિલકુલ ગાયબ થઈ ગયાં, એ પછી ક્યારેય કોઈએ તેમને જોયાં કે તેમના વિશે સાંભળ્યું પણ નથી

ઇમેજ સ્રોત, SHUTTERSTOCK / PAUL HAMPARTSOUMIAN

ઇમેજ કૅપ્શન, 25 ઑક્ટોબર 2017 બાદ તેઓ રડાર પરથી બિલકુલ ગાયબ થઈ ગયાં, એ પછી ક્યારેય કોઈએ તેમને જોયાં કે તેમના વિશે સાંભળ્યું પણ નથી

એ વાતનો અંદાજ મેળવવો મુશ્કેલ છે કે ખરેખર વનકૉઇનમાં કેટલી રકમનું રોકાણ કરાયું હતું.

ઉપર જણાવ્યા પ્રમાણેના અનુમાનથી અલગ બીબીસીને એક કરતાં વધુ વ્યક્તિઓએ આ રોકાણનો આંકડો લગભગ ચાર ગણો વધુ હોવાનું જણાવ્યું હતું.

મનીલૅન્ડ એટલે કે એવી સમાંતર દુનિયા જ્યાં ગુનેગારો અને અતિધનિક લોકો પોતાની સંપત્તિ સંતાડે છે,ના એક નિષ્ણાત ઓલિવર બુલૉ જણાવે છે કે, પૈસા ક્યાં ગયા તે શોધવું લાગે છે તેટલું સહેલું નથી. કારણ કે ગુનેગારો તેમનાં વેપાર અને બૅન્ક ખાતાંને એવી રીતે ગોઠવે છે કે તે અન્ય વ્યક્તિ માટે ગાયબ જ થઈ જાય છે.

સોફિયા ખાતે વનકૉઇનનું હેડક્વાર્ટર

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, સોફિયા ખાતે વનકૉઇનનું હેડક્વાર્ટર

તેમણે ધ મિસિંગ ક્રિપ્ટોક્વીન ટીમને કહ્યું, "તેમની મિલકતો હજુ છે. તમે તેનો ઉપયોગ વસ્તુઓની ખરીદી માટે હજુ કરી શકો છો."

"પરંતુ પોલીસ, પત્રકારો કે જેઓ તેની શોધમાં છે તેમના માટે તે અદૃશ્ય છે."

line

તેઓ ક્યાં છે તે અંગે અફવા

રુજા તેમના ખર્ચાળ ડ્રેસ અને લાલ લિપસ્ટિક માટે જાણીતાં હતાં

ઇમેજ સ્રોત, ONECOIN

ઇમેજ કૅપ્શન, રુજા તેમના ખર્ચાળ ડ્રેસ અને લાલ લિપસ્ટિક માટે જાણીતાં હતાં

અમેરિકાના સત્તાધીશોએ વર્ષ 2019માં તેઓ એથેન્સ માટે રવાના થયાં હોવાની માહિતી આપી હતી.

તેમ છતાં પ્રશ્ન તો હજુ કાયમ જ હતો, કે તેઓ એ પછી ક્યાં ગયાં?

એ અંગે સ્વાભાવિક છે કે ઘણી અફવાઓ હતી.

FBIએ રુજાની માહિતી આપનારને એક લાખ ડૉલરનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી

ઇમેજ સ્રોત, FBI

ઇમેજ કૅપ્શન, FBIએ રુજાની માહિતી આપનારને એક લાખ ડૉલરનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી

એવું માનવામાં આવે છે કે તેમના દેશ બલ્ગેરિયામાં શક્તિશાળી લોકો તેમની પડખે છે. એવી પણ અફવા છે કે ઘણી બધી પ્લાસ્ટિક સર્જરીના કારણે તેઓ હવે ઓળખી શકાતાં નથી.

એવું પણ કહેવાય છે કે તેઓ લંડનમાં પણ હોઈ શકે છે.

તેમજ અમુકનું માનવું છે કે તેઓ મૃત્યુ પામ્યાં છે, જે એક શક્ય બાબત છે.

તેમણે સમાજમાં ઘણાં નબળાં પાસાં જોયાં અને તેનો લાભ ઉઠાવ્યો.

તેઓ જાણી ગયાં હતાં કે સત્ય અને ખોટી માહિતી વચ્ચેનો ભેદ કરવો ઑનલાઇન માહિતીની દુનિયામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ