તંદૂરકાંડ : ભારતને હચમચાવી નાખનાર હત્યાકાંડ જેમાં પત્નીને ગોળી મારી મૃતદેહને તંદૂર પર સળગાવવામાં આવ્યો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

3 જુલાઈ, 1995. રાતના એક વાગી ગયા હતા. અધિક પોલીસ કમિશનર મૅક્સવેલ પરેરાના ફોનની ઘંટડી વાગી. સામેના છેડે ઉપ-પોલીસ કમિશનર આદિત્ય આર્ય હતા.

પહેલાં તો એમણે મોડી રાત્રે ફોન કરવા બદલ માફી માગી અને પછી જણાવ્યું કે એક તંદૂરમાં એક શબને બાળવાની કોશિશ કરવામાં આવી છે.

તંદૂર હત્યાકાંડનો મુખ્ય ગુનેગાર સુશીલ શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તંદૂર હત્યાકાંડનો મુખ્ય ગુનેગાર સુશીલ શર્મા

મામલો સમજવામાં પરેરાને થોડોક સમય લાગ્યો. એમણે આર્યને ઘણા બધા સવાલો પૂછી નાખ્યા - ' શું, તમે ભાનમાં તો છો? કોની લાશ? ક્યાં? આપ ક્યાં છો અત્યારે?'

આર્યે જવાબ આપ્યો, "અત્યારે હું અશોક યાત્રીનિવાસ હોટલમાં છું. અહીં એક રેસ્ટોરાં છે બગિયા. તે, હોટલના મુખ્ય ભવનમાં નથી, બગીચામાં છે. હું ત્યાંથી જ બોલું છું. તમે કદાચ તરત જ ઘટનાસ્થળે આવવા ઇચ્છશો?"

જ્યારે મૅક્સવેલ પરેરા અશોક યાત્રીનિવાસ પહોંચ્યા ત્યારે કનૉટ પ્લેસ થાણાના એસએચઓ નિરંજનસિંહ નૈના સાહનીની લાશનું પંચનામું કરાવી રહ્યા હતા.

line

માખણના ચાર સ્લૅબ

નૈના સાહનીની ખૂબ જ ખરાબ રીતે બળેલી લાશ બગિયાના કિચનના તળિયે પડી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નૈના સાહનીની ખૂબ જ ખરાબ રીતે બળેલી લાશ બગિયાના કિચનના તળિયે પડી હતી

પરેરાએ જણાવ્યું, "નૈના સાહનીનો ખૂબ જ ખરાબ રીતે બળેલો મૃતહેદ બગિયાના કિચનના તળિયે પડી હતી. એને એક કપડાથી ઢાંકી દેવાઈ હતી. બગિયા રેસ્ટોરાંના મૅનેજર કેશવકુમારને પોલીસે પકડી રાખ્યા હતા."

"નૈનાના શરીરનો મોટો ભાગ બળી ગયો હતો. માત્ર નૈનાના ચોટલાને આગ સંપૂર્ણ બાળી શકી નહોતી. આગની ગરમીના કારણે એમનાં આંતરડાં પેટ ફાડીને બહાર નીકળી ગયાં હતાં. જો લાશ અડધો કલાક વધારે બળી હોત તો કશું પણ બચ્યું ના હોત અને તપાસ કરવામાં અમને ખૂબ તકલીફ પડત."

જ્યારે નૈના સાહનીનો મૃતહેદ બાળવામાં મુશ્કેલી પડી તો સુશીલ શર્માએ બગિયાના મૅનેજર કેશવને માખણના ચાર સ્લૅબ લેવા મોકલ્યા.

એ સમયે કનૉટ પ્લેસ થાણાના એસએચઓ નિરંજનસિંહે જણાવ્યું, "નૈના સાહનીનો મૃતદેહ તંદૂરની અંદર રાખીને નહીં બલકે તંદૂરની ઉપર રાખીને બાળવામાં આવતો હતો, જે રીતે ચિતા બાળવામાં આવે છે."

સૌથી પહેલાં કૉન્સ્ટેબલ કુંજુએ બળેલી લાશ જોઈ. એ રાત્રે 11 વગ્યે કૉન્સ્ટેબલ અબ્દુલ નઝીર કુંજુ અને હોમગાર્ડ ચંદરપાલ જનપથ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

line

આગની જ્વાળાઓ અને ધુમાડો

ચંદ્રપાલ યાદવ

ઇમેજ સ્રોત, FACEBOOK/THETANDOORMURDER

ઇમેજ કૅપ્શન, ચંદ્રપાલ યાદવ

તેઓ પોતાનો વાયરલેસ સેટ પોલીસ સ્ટેશને ભૂલી ગયા હતા. એ સમયે એમને અશોક યાત્રીનિવાસના પ્રાંગણમાં આગની જ્વાળા અને ધુમાડો જોવા મળ્યાં.

કેરળના કોલ્લમમાં રહેતા અબ્દુલ નઝીરે એ સમયને યાદ કરતાં જણાવ્યું, "આગ જોઈને જ્યારે અમે બગિયા રેસ્ટોરાંના ગેટ પર પહોંચ્યા તો મેં જોયું કે સુશીલ શર્મા ત્યાં ઊભા હતા અને એમણે દરવાજાને કંતાનથી ઢાંકી રાખ્યો હતો. મેં જ્યારે આગનું કારણ પૂછ્યું તો કેશવે જવાબ આપ્યો કે તે લોકો પાર્ટીનાં જૂનાં પોસ્ટર્સ સળગાવી રહ્યા હતા."

"હું આગળ જતો રહ્યો. પરંતુ ત્યારે જ મને લાગ્યું કે જરૂર કશીક ગરબડ છે, હું બગિયા રેસ્ટોરાંની પાછળ ગયો અને સાત-આઠ ફૂટની દીવાલ કૂદીને અંદર ગયો. ત્યાં કેશવે ફરી મને અટકાવવાની કોશિશ કરી. જ્યારે હું તંદૂરની નજીક ગયો તો જોયું કે ત્યાં એક લાશ બળી રહી હતી."

"જ્યારે મેં કેશવની તરફ જોયું તો એણે કહ્યું કે તેઓ બકરો શેકી રહ્યા છીએ. જ્યારે મેં એને વળી (વાંસ કે લાકડાનો મોટો કટકો)થી હલાવી તો ખબર પડી કે એ બકરો નહીં એક મહિલાની લાશ હતી. મેં તરત જ મારા એસએચઓને ફોન કરીને એની જાણ કરી દીધી."

line

સુશીલ શર્મા અને નૈના સાહની વચ્ચેનો ઝઘડો

હવે સવાલ એ થાય કે સુશીલ શર્માએ કઈ પરિસ્થિતિમાં નૈના સાહનીની હત્યા કરી હતી અને હત્યાની પહેલાં બંને વચ્ચે શું-શું થયું હતું?

નિરંજનસિંહે જણાવ્યું, "સુશીલ શર્માએ મને જણાવ્યું હતું કે હત્યા કર્યા પછી પહેલાં એણે બૉડીને પૉલિથિનમાં લપેટી, પછી ચાદરમાં વીંટી લીધી. પરંતુ તે એને ઉપાડી ના શક્યા, તેથી, એને ઢસડીને નીચે પાર્ક કરેલી પોતાની મારુતિ કાર સુધી લઈ આવ્યા."

"એને એમણે કારની ડિક્કીમાં મૂકી દીધી, પરંતુ એમને સમજાતું નહોતું કે એને ઠેકાણે કઈ રીતે પાડે. પહેલાં એમણે વિચાર્યું કે લાશને તેઓ નિઝામુદ્દીન બ્રિજ પરથી નીચે યુમના નદીમાં ફેંકી દેશે."

"પરંતુ પાછળથી એમણે આ વિચાર બદલી નાખ્યો કેમ કે કોઈ એમને એમ કરતાં જોઈ ન જાય. એમને વિચાર આવ્યો કે તેઓ પોતાની રેસ્ટોરાંમાં મૃતહેદને બાળીને બધા પુરાવાનો નાશ કરી દે. એમણે વિચાર્યું કે એવું કરતાં કોઈ એમને જોશે નહીં અને ડેડ બૉડી ઠેકાણે પાડી દેવાશે."

line

બંને વચ્ચે ખટરાગનું કારણ

સુશીલ ગુસ્સે થઈ ગયા અને એમણે પોતાની લાઇસન્સવાળી રિવૉલ્વરથી નૈના પર ગોળી છોડી

ઇમેજ સ્રોત, FACEBOOK/THETANDOORMURDER

ઇમેજ કૅપ્શન, સુશીલ ગુસ્સે થઈ ગયા અને એમણે પોતાની લાઇસન્સવાળી રિવૉલ્વરથી નૈના પર ગોળી છોડી

નિરંજનસિંહે વાત કરતાં આગળ જણાવ્યું કે, "સુશીલ શર્મા અને નૈના સાહની મંદિર રોડ પરના ફ્લૅટ 8-એમાં પતિ-પત્નીની જેમ રહેતાં હતાં પરંતુ સામાજિક રીતે એમણે લગ્ન જાહેર નહોતું કર્યું. નૈના સુશીલ પર સતત દબાણ કરતાં હતાં કે આ લગ્નને જાહેર કરો."

"આ વાતને લીધે બંને વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ. એવી વાત પણ જાણવા મળી કે નૈનાએ સુશીલની આદતો અને અત્યાચારોથી થાકીને પોતાના જૂના મિત્ર મતલૂબ કરીમને મદદ કરવાની વિનંતી કરી હતી. તેઓ ઑસ્ટ્રેલિયા જવા માગતાં હતાં. તેઓ ઑસ્ટ્રેલિયા જઈ શકે એ માટે મતલૂબ કરીમે પોતાનાથી બનતી મદદ કરી."

"સુશીલ શર્માને નૈના સાહની પર શક થઈ ગયો. તેઓ જ્યારે પણ ઘરે પાછા આવતા ત્યારે ઘરના લૅન્ડલાઇન ફોનને ચેક કરતા હતા કે એ દિવસે કોની કોની સાથે નૈનાની વાત થઈ. ઘટના બની તે દિવસે જ્યારે સુશીલે પોતાના ઘરનો ફોન રિડાયલ કર્યો તો સામે મતલૂબ કરીમે ફોન ઉપાડ્યો."

"એનાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે નૈના હાલ પણ મતલૂબના સંપર્કમાં છે. સુશીલ ગુસ્સે થઈ ગયા અને એમણે પોતાની લાઇસન્સવાળી રિવૉલ્વરથી નૈના પર ગોળી છોડી. જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ઘણી જગ્યાએ લોહીના ડાઘ હતા. રિવૉલ્વરની એક ગોળીએ એસીની ફ્રેમમાં કાણું પાડી દીધું હતું."

line

સુશીલે પહેલી રાત ગુજરાત ભવનમાં વિતાવી

ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે નૈના સાહની

ઇમેજ સ્રોત, FACEBOOK/THETANDOORMURDER

ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે નૈના સાહની

સુશીલ શર્માએ નૈનાની હત્યા કર્યા પછી એ રાત્રિ ગુજરાતભવનમાં ગુજરાત કૅડરના એક આઇએએસ અધિકારી ડી.કે. રાવની સાથે વિતાવી.

નિરંજનસિંહે જણાવ્યું કે, "અમને કેશવ પાસેથી એવી માહિતી મળી ગઈ હતી કે તે દિવસે સુશીલના મિત્ર ડી. કે. રાવ એમને મળવા આવ્યા હતા અને તેઓ ગુજરાતભવનમાં રોકાયા હતા. આ માહિતી મળ્યા પછી હું ગુજરાતભવન ગયો. ત્યાંના કર્મચારીઓએ એ વાતની પુષ્ટિ કરી કે રાવ રૂમ નંબર 20માં રોકાયા હતા. એમની સાથે એક ગેસ્ટ પણ રોકાયા હતા."

"રાવની ફ્લાઇટ સવારના પાંચ વાગ્યાની હતી. તેઓ રૂમ છોડીને જતા રહ્યા હતા અને થોડી વાર પછી એમના ગેસ્ટ પણ જતા રહ્યા હતા. મેં તરત જ ફોન પર ડી. કે. રાવનો સંપર્ક કર્યો. ડી. કે. રાવે જણાવી દીધું કે સુશીલ શર્મા રાત્રે એમની સાથે જ હતા. એમણે એમ પણ જણાવ્યું કે તેઓ ખૂબ પરેશાન હતા."

"સુશીલને ઊંઘ આવી રહી હતી. તેઓ વારે-વારે ચાદર ઓઢી લેતા હતા. સવારે રાવના ગયા પછી ગુજરાતભવનના કર્મચારીઓએ સુશીલને બેડ ટી પણ સર્વ કરી હતી."

line

આગોતરા જામીન મેળવવામાં સફળ

બીજા દિવસે સુશીલ શર્મા ટૅક્સી કરીને પહેલાં જયપુર ગયા, પછી ત્યાંથી ચેન્નઈ થઈને બૅંગલુરુ પહોંચ્યા

ઇમેજ સ્રોત, FACEBOOK/THETANDOORMURDER

ઇમેજ કૅપ્શન, બીજા દિવસે સુશીલ શર્મા ટૅક્સી કરીને પહેલાં જયપુર ગયા, પછી ત્યાંથી ચેન્નઈ થઈને બેંગલુરુ પહોંચ્યા

બીજા દિવસે સુશીલ શર્મા ટૅક્સી કરીને પહેલાં જયપુર ગયા, પછી ત્યાંથી ચેન્નઈ થઈને બૅંગલુરુ પહોંચ્યા.

મૅક્સવેલ પરેરાએ યાદ કરીને કહ્યું, "સુશીલે ચેન્નઈમાંના પોતાના સંપર્કો દ્વારા એક વકીલ અનંત નારાયણનો સંપર્ક કર્યો અને આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી. ત્યાર બાદ તેઓ પોતાના ચહેરાની ઓળખ બદલવા માટે તિરુપતિ જતા રહ્યા અને ત્યાં પોતાના વાળ ઉતરાવ્યા, પછી પાછા ચેન્નઈ આવી ગયા."

"ત્યાં સુધીમાં ભારત આખામાં આ હત્યા બાબતે હો હા થઈ ગઈ હતી. તેમ છતાં ચેન્નઈમાં જજે એમને આગોતરા જામીન આપી દીધા. મેં એસીપી રંગનાથનને આ જામીનનો વિરોધ કરવા ચેન્નઈ મોકલ્યા. અમે અધિક સૉલિસિટર જનરલ કેટીએસ તુલસીને પણ ચેન્નઈ લઈ ગયા."

"સુશીલને અમારા પ્રયત્નોની જેવી ખબર પડી, સરેન્ડર કરવા તેઓ પોતાના વકીલ સાથે બેંગલુરુ જતા રહ્યા. આ ખબર અમને પીટીઆઈ દ્વારા મળ્યા. મેં જાતે બેંગલુરુ જવાનો નિર્ણય કર્યો. એનાં બે કારણ હતાં. એક તો હું પોતે કર્ણાટકનો વતની છું અને બીજું, મેં કાયદા(એલએલ.બી.)નો અભ્યાસ કર્યો હતો."

"હું મારી સાથે નિરંજનસિંહ અને ક્રાઇમ બ્રાન્ચના રાજ મહેન્દરને પણ લઈ ગયો. ત્યાંથી અમે લોકો સુશીલને કસ્ટડીમાં લઈને દિલ્હી પાછા આવ્યા."

line

કેશવ પર દબાણ કરવાનો પ્રયાસ

આ સમગ્ર મામલામાં બગિયા રેસ્તરાંના મૅનેજર કેશવકુમાર સુશીલ શર્માની સાથે જોવા મળ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ સમગ્ર મામલામાં બગિયા રેસ્તરાંના મૅનેજર કેશવકુમાર સુશીલ શર્માની સાથે જોવા મળ્યા

આ સમગ્ર મામલામાં બગિયા રેસ્તરાંના મૅનેજર કેશવકુમાર સુશીલ શર્માની સાથે જોવા મળ્યા.

પહેલાં તો એમણે સાક્ષી બનવાનો એમ કહીને ઇનકાર કરી દીધો કે એના પર સુશીલના ઘણા ઉપકાર છે. પછીથી જ્યારે તેઓ સાક્ષી બનવા તૈયાર થયા ત્યારે એવું ના કરવા માટે સુશીલ શર્માએ એમના પર દબાણ કર્યું.

નિરંજનસિંહે જણાવ્યું કે, "કેશવ અને સુશીલ બંને તિહાડ જેલમાં હતા. પહેલાં તો સુશીલ શર્માની બાબતમાં કેશવ ખૂબ વફાદાર હતા. પરંતુ ધીમે ધીમે જ્યારે એમણે સાક્ષી બનવાનું નક્કી કરી લીધું અને સુશીલને એ વાતની ખબર પડી ત્યારે સુશીલે તિહાડ જેલમાં જ કેશવને ડરાવવા-ધમકાવવાનું શરૂ કર્યું."

"કેશવે એક મુદત વખતે મને એક ઘટના કહી કે એને જેલમાં જ કોઈ નશીલી દવા આપવામાં આવી. જ્યારે તે દોઢ-બે દિવસ સુધી ઊંઘમાંથી જાગ્યો નહીં ત્યારે જેલ વૉર્ડનને ખબર પડી કે એણે દોઢ-બે દિવસથી ખાધું પણ નથી. એ જ દિવસે કેશવને એ વૉર્ડમાંથી હઠાવીને બીજા વૉર્ડમાં મોકલી દેવાયા."

"કેશવે જણાવ્યા અનુસાર એ કામ સુશીલ શર્માએ પોતાના માણસો દ્વારા કરાવ્યું હતું."

line

ગૃહ સચિવે કર્યું ઘટનાસ્થળનું નિરીક્ષણ

આ સમગ્ર મામલામાં, સુશીલ શર્માને પોતાના રાજકીય સંપર્કોનો ઉપયોગ ન કરવા દેવો એ પોલીસ સામેનો સૌથી મોટો પડકાર હતો

ઇમેજ સ્રોત, FACEBOOK/THETANDOORMURDER

ઇમેજ કૅપ્શન, આ સમગ્ર મામલામાં, સુશીલ શર્માને પોતાના રાજકીય સંપર્કોનો ઉપયોગ ન કરવા દેવો એ પોલીસ સામેનો સૌથી મોટો પડકાર હતો

આ સમગ્ર મામલામાં, સુશીલ શર્માને પોતાના રાજકીય સંપર્કોનો ઉપયોગ ન કરવા દેવો એ પોલીસ સામેનો સૌથી મોટો પડકાર હતો. કેસ એટલો હાઈ પ્રોફાઇલ બની ગયો કે તપાસ દરમિયાન ભારતના તત્કાલીન ગૃહસચિવ પદ્મનાભૈયા જાતે સુશીલ શર્મા અને નૈના સાહનીના મંદિર રોડવાળા ફ્લૅટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા.

મૅક્સવેલ પરેરાએ જણાવ્યું કે, "એવા સમાચારો પણ આવતા હતા કે કેટલાક વરિષ્ઠ રાજકારણીઓ સાથે કથિતરૂપે નૈનાના સંબંધો હતા. એ સમયે આપણા વડા પ્રધાન નરસિમ્હા રાવ હતા. તેઓ કદાચ આ બાબતથી ગભરાઈ ગયા. એમણે આ કેસમાં ઇન્ટેલિજન્સ બ્યૂરોની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવડાવી."

"રાજકારણીઓએ ગભરાઈને સાચાંખોટાં નિવેદનો આપવાનું શરૂ કરી દીધું. કોઈએ કહ્યું, મેં ક્યારેય નૈના સાહનીને જોઈ જ નથી. બીજાએ ફરમાવ્યું કે, જ્યારથી મેં બીજું લગ્ન કર્યું છે, કોઈ અન્ય મહિલા તરફ મેં જોયું સુધ્ધાં નથી."

line

ડીએનએ અને સ્કલ સુપર-ઇમ્પોઝિશનનો ઉપયોગ

આ તપાસમાં પહેલીવાર ડીએનએ અને સ્કલ ઇમેઝિંગ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો
ઇમેજ કૅપ્શન, આ તપાસમાં પહેલીવાર ડીએનએ અને સ્કલ ઇમેઝિંગ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો

મૅક્સવેલ પરેરાએ જણાવ્યું, "રાવે ગૃહમંત્રી એસ.બી. ચવ્હાણને કહ્યું કે તેઓ આ કેસ પોતે જોશે. એમણે ગૃહસચિવ પદ્મનાભૈયાને નિર્દેશ આપ્યા કે તેઓ પોતે જઈને આ કેસને મૉનિટર કરે. પદ્મનાભૈયા જાતે સુશીલ શર્મા અને નૈના સાહનીના ફ્લૅટ પર પહોંચી ગયા."

"અખબારોએ ખૂબ મસાલેદાર બનાવીને આ ઘટનાને છાપી. અમને આદેશ મળી ગયા કે અમે આ કેસની બાબતે કોઈ સામે મોં ના ખોલીએ."

આ તપાસમાં પહેલીવાર ડીએનએ અને સ્કલ ઇમેઝિંગ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો.

પરેરાએ જણાવ્યું કે, "એ જમાનામાં માશેલકરસાહેબ વિજ્ઞાન અને તકનીક મંત્રાલયમાં સચિવ હતા. મેં એમની સાથે વાત કરી. એમણે હૈદરાબાદના સેન્ટર ફૉર મૉલિક્યૂલર બાયોલૉજીના ડૉક્ટર લાલજીસિંહને મોકલ્યા."

line

ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ

પરેરાએ જણાવ્યું કે, "એમણે આવીને ડીએનએ ફિંગર પ્રિન્ટના નમૂના લીધા અને એ સાબિત કરી નાખ્યું કે નૈના સાહનીના ડીએનએ એમનાં માતાપિતાની પુત્રી સિવાય કોઈ અન્યના ના હોઈ શકે. અમે 'સ્કલ સુપર-ઇમ્પોઝિશન' ટેસ્ટ પણ કરાવ્યો, જેનાથી એ સાબિત થઈ ગયું કે આ નૈના સાહનીની જ લાશ છે."

"બધું જ કર્યા પછી અમે માત્ર 26 દિવસમાં જ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી દીધી."

વર્ષો સુધી ચાલેલા કેસમાં સુશીલ શર્માને નીચલી અદાલતે ફાંસીની સજા કરી. હાઈ કોર્ટે પણ એ સજા યથાવત્ રાખી.

પાછળથી 8 ઑક્ટોબર, 2013એ સુપ્રીમ કોર્ટે આ સજાને આજીવન કેદમાં બદલી નાખી. અત્યાર સુધીમાં સુશીલ શર્મા તિહાલ જેલમાં 23 વર્ષ રહી ચૂક્યા છે.

તેઓ જેલમાં હવે પૂજારીનું કામ કરે છે. એવા સમાચાર છે કે એમના સારા વ્યવહારના કારણે દિલ્હી સરકાર એમને જેલમાંથી મુક્ત કરવાનું વિચારી રહી છે.

line

સુપ્રીમ કોર્ટ

ભારતીય ગુનાખોરીના ઇતિહાસમાં તંદૂર હત્યાકાંડ સૌથી જઘન્ય અને ક્રૂર ગુના તરીકે ઓળખાય છે

ઇમેજ સ્રોત, MAXWELLPEREIRA/BBC

ઇમેજ કૅપ્શન, ભારતીય ગુનાખોરીના ઇતિહાસમાં તંદૂર હત્યાકાંડ સૌથી જઘન્ય અને ક્રૂર ગુના તરીકે ઓળખાય છે

મૅક્સવેલ પરેરાએ કહ્યું કે, "સુશીલ શર્માએ સુપ્રીમ કોર્ટને પણ મનાવી લીધી. હવે કોર્ટનું કહેવું છે કે એમનામાં એટલું પરિવર્તન આવી ગયું છે કે તેઓ સૌના માટે પૂજા કરે છે… અમને એ બાબતે કોઈ પરેશાની નથી."

"પોલીસે જે કંઈ કરવાનું હતું, કરી ચૂકી છે. આપણા દેશમાં કાયદો છે, એક વ્યવસ્થા છે, નિયમ છે અને એના અનુસાર નિર્ણય કરવા માટે ન્યાયપાલિકા છે. તેઓ આ બાબતમાં શો વિચાર કરે છે, તે એમનો વિશેષાધિકાર છે."

ભારતીય ગુનાખોરીના ઇતિહાસમાં તંદૂર હત્યાકાંડ સૌથી જઘન્ય અને ક્રૂર ગુના તરીકે ઓળખાય છે. એની એટલી વ્યાપક અસર હતી કે ઘણા સમય સુધી લોકોએ તંદૂરમાં બનેલું ખાવાનું છોડી દીધું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ