ડૉક્ટર્સ ડે: ગોધરાના એ ડૉક્ટર જેમણે અંધશ્રદ્ધા સામે લડવાનું બીડું ઝડપ્યું

ડૉ સુજાત વલી

ઇમેજ સ્રોત, Dr Shujat Wali

ઇમેજ કૅપ્શન, ડૉ સુજાત વલી
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું કાળીચૌદસના દિવસે સ્મશાનમાં જાઉં તો લોકોને લાગે કે આ મુસ્લિમ છે એટલે મારો વિરોધ કરે અને હું કબ્રસ્તાનમાં જાઉં તો લોકો કહે કે નાસ્તિક છું તેમ કહીને મારો વિરોધ કરે આમ બંને બાજુ મારે તો માત્ર વિરોધ સહન કરવાનો છે."

"વિરોધ કરનારાઓ ક્યારે કામગીરી જોતા નથી. હું કોઈપણ ધર્મના વિરોધમાં છું એટલા માટેની આ પ્રવૃત્તિ કરતો નથી. હું માત્રને માત્ર અંધશ્રદ્ધા નિર્મૂલન માટેની પ્રવૃત્તિ કરું છું."

આ શબ્દો છે 60 વર્ષીય ડૉ સુજાત વલીના જેઓ આમ તો ગાયનેકૉલૉજિસ્ટ છે પરંતુ વર્ષોથી લોકો વચ્ચે અંધશ્રદ્ધા નિર્મૂલન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તે માટે કામ કરી રહ્યા છે.

ડૉ. સુજાત વલી ગોધરામાં લારા હૉસ્પિટલ ચલાવે છે.

મુસ્લિમ વોરા સમુદાયમાંથી આવતાં ડૉ. સુજાત વલી શરૂઆતના દિવસો અંગે જણાવે છે કે, "મારો જન્મ ગોધરામાં થયો હતો, પિતા બિઝનેસમૅન હતા અને માતા શિક્ષિકા."

"જ્યારે હું વડોદરાની કૉલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં હતો ત્યારે પરિવર્તન નામની સંસ્થાના સંપર્કમાં આવ્યો હતો. અહીંથી મારામાં રેશનાલિસ્ટ થવાનાં બીજ રોપાયાં હતાં."

"મેં મારી સાથે ભણતાં અન્ય મિત્રોની સાથે મળીને લોકોમાં અંધશ્રદ્ધા નાબૂદી અને જાગૃતિ ફેલાવવા માટેનું કામ શરૂ કર્યું. આજે પણ તે કામ ચાલી રહ્યું છે. એ પછી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ શરૂ કર્યો તે વખતે દિવસે અભ્યાસ કરતા અને રાત્રે લોકોમાં જાગૃતિ અંગે કામ કરતા હતા."

"અમે શેરીનાટકો કરતાં, પુસ્તિકા અને પત્રિકાઓ વહેંચતાં પછી ગોધરામાં હૉસ્પિટલ શરૂ કરી. જ્યાં પણ મેં લોકોને અંધશ્રદ્ધાની જગ્યાએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા અંગે વાત કરવાનું શરૂ કર્યું હતું."

તેઓ ઉમેરે છે કે, "કોઈ 12 વર્ષનો છોકરો મૃત્યુ પામે. છાતીમાં દુઃખાવો હતો અને તે મૃત્યુ પામે તેવો સંજોગોમાં સમાજમાં લોકો એવી વાતો કરે કે, ભગવાનને ગમ્યું એ ખરું?"

"જ્યારે વિજ્ઞાન તમને શીખવે છે કે એને છાતીમાં કેમ દુઃખતું હતું? પોસ્ટમૉર્ટમ થાય તો એના મૃત્યુનું કારણ જાણી શકાય. તેનાથી ભવિષ્યમાં આ બીમારી રોકવા રિસર્ચ કરી શકાય અને દવા શોધી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય."

વિજ્ઞાનનું મહત્ત્વ સમજાવતા તેઓ કહે છે કે, "શીતળાના કારણે પહેલાં લાખો બાળકો હેરાન થતાં હતાં. બાળકો મૃત્યુ પણ પામતાં હતાં જ્યારે શીતળાના રોગ અંગે સંશોધન કરી અને રસી શોધવામાં આવી ત્યારબાદ આપણે શીતળાને નાબૂદ કરી શક્યા છીએ. "

line

જ્યારે લાગ્યો છોકરીઓને ભગાડી જવાનો આરોપ

ડૉ શુજાત વલી

ઇમેજ સ્રોત, Dr Shujat Wali

પરંતુ ડૉ. વલીએ આ અભિયાન અનેક વખત વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે.

તેઓ જણાવે છે કે, "છ વર્ષ પહેલાં અમે આંતરધર્મીય વિવાહ કરનાર લોકોનું સન્માન કરવા માટે એક સંમેલનનું આયોજન કર્યું હતું. તે સંમેલનનું નામ હતું 'ઝનૂન-લવ હૅઝ નો રિલિજન્સ' ."

"અમારા પ્રોગ્રામ લઈને બહુ જ વિરોધ થયો હતો. બહુ લોકોએ પોલીસ સ્ટેશનમાં અરજીઓ પણ કરી હતી. અમે કોઈ પણ ધર્મને સપોર્ટ નહોતા કરતા પરંતુ અમારી ઉપર એવા આક્ષેપ થયા હતા કે, અમે છોકરીઓને ભગાડી જઈએ છીએ. આ પ્રકારના આક્ષેપો અમારી પર થતા રહે છે પણ અમે રોકાતા નથી. "

અન્ય એક અનુભવ વિશે વાત કરતા ડૉ સુજાત વલી જણાવે છે કે, "એક કામળીવાળા ઢોંગી બાવાનો અમે પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ અમારે મુશ્કેલી વેઠવી પડી હતી."

"કેટલીક ઘટનાઓમાં કેસ કરવાનું કે એ પ્રકારની કોઈ કાયદાકીય ગૂંચવણ ઊભી થાય તો મારા મિત્રો કેસ કરે છે. હું લીગલ હૅલ્પ કરું છું."

અંધશ્રદ્ધા નિર્મૂલનના કામમાં ડૉ વલી અને તેમના સાથીઓ સામે અનેક વખત લોકોનો વિરોધ એટલો ઉગ્ર હોય છે કે થોડી પીછેહઠ પણ કરવી પડે છે.

બે-ત્રણ વર્ષ પહેલાં ડૉ. વલીએ દરગાહ મુદ્દે એક નિવેદન આપ્યું હતું જે અંગે તેમની સામે પોલીસ કેસ થયો હતો.

ડૉ વલી જણાવે છે કે," મેં કોઈ એક વિશેષ દરગાહની વાત નહોતી કરી પરંતુ કોઈપણ દરગાહ ઉપર આસ્થા રાખીને બેસી રહો તે અંધશ્રદ્ધા છે. તેનાથી કશું વળતું નથી."

"એનાથી તમે તમારું ભવિષ્ય બગાડો છો. આર્થિક રીતે પાયમલ થઈ જતા હોવ છો. ફેમિલી લાઇફ બગાડતા હોવ છો. એટલે મેં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કહ્યું હતું કોઈપણ દરગાહની નીચે તમે ખોદો તો તેની નીચેથી માત્ર તમને બે ત્રણ હાડકાં અથવા બે ત્રણ બૉડી ટિશ્યુ (શરીરના કોષ) મળી શકે. એમાં કોઈ ઊર્જા હોતી નથી."

"અમે કોઈની વિરુદ્ધમાં નથી પરંતુ અમે માત્રને માત્ર અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં છીએ. મારા આ પ્રકારના નિવેદન બાદ મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી."

"જેથી મારા અને મારા પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ખૂબ જ મદદ કરી હતી અને તેઓએ ધમકી આપનાર લોકોને શોધી કાઢ્યા હતા પણ અમે અંગત કારણોસર તેમના નામ જાહેર કરવા નહોતા માગતા."

line

કેવી કેવી માન્યતાઓ સામે લડે છે ડૉ વલી?

ડૉ સુજાત વલી ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રેસિડેન્ટ છે,

ઇમેજ સ્રોત, Dr Sujat Wali

ઇમેજ કૅપ્શન, ડૉ સુજાત વલી ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રેસિડેન્ટ છે,

ડૉ સુજાત વલી સમાજમાં પ્રર્વતતી માન્યતાઓ અંગે જણાવે છે કે, "મહિલાઓ પિરિયડ દરમિયાન રસોડામાં જતી નથી. પરિવારના સભ્યો તેમની સાથે બેસીને જમતા નથી. પિરિયડ એ ગર્ભાધાન માટેની તૈયારી છે, જો ગર્ભાધાન ન થાય તો તૈયારીઓ કટકા-કટકા થઈને યોનિમાંથી બહાર આવે."

"આ મુદ્દો કંઈ અપવિત્ર નથી. જો તમારા યોનિમાંથી નીકળતું લોહી અપવિત્ર હોય તો તેમાંથી જન્મેલાં તમામ બાળકો અપવિત્ર હોય."

તેઓ પોતાના પરિવારની વાત કરતા જણાવે છે કે, "મારાં માતા-પિતા પણ મારા જેવા રેશનલ વિચારોવાળાં છે. મારાં ભાઈ-બહેન અને મારાં બાળકો પણ આ દષ્ટિકોણ અપનાવેલો છે."

"મારાં માતાનાં મૃત્યુ બાદ અમે તેમનું દેહદાન કર્યું હતું. હું સ્મશાનમાં જાઉં તો લાગે કે મુસ્લિમ છે એટલે લોકો મારો વિરોધ કરે અને હું કબ્રસ્તાનમાં જાઉં તો નાસ્તિક છું તેમ કહીને વિરોધ કરે આમ બંને બાજુ મારે તો માત્ર વિરોધ સહન કરવાનો છે."

"વિરોધ કરનારાઓ ક્યારે કામગીરી જોતા નથી. હું કોઈપણ ધર્મના વિરોધમાં હોવા માટેની પ્રવૃત્તિ કરતો હોઉં છું એવું નથી, હું માત્ર ને માત્ર અંધશ્રદ્ધા નિર્મૂલન માટેની પ્રવૃત્તિ કરું છું."

"હું શાળાઓ અને કૉલેજમાં વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા વિરોધી લૅક્ચર આપુ છું. તેમજ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા અંગે સમજાવું છું."

એવું નથી કે તેમને માત્ર બહારના લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. શરૂઆતમાં તેમના પરિવારમાં દૂરના સંબંધીઓએ તેમનો બૉયકૉટ કર્યો હતો અને તેમની સાથે વાત કરવાનું પણ ટાળતા.

ડૉ સુજાત વલી ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રેસિડેન્ટ છે, ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ ઍસોસિએશન, ગોધરા ડિસ્ટ્રિકટ ચૅસ એસોસિએશનના પ્રમુખ, ગોધરા સપ્તક સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે સાથે તેઓ ગોધરા સ્વચ્છતા મિશનના બ્રાન્ડ ઍમ્બેસેડર પણ છે.

કર્મશીલ મનીષી જાનીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ડૉ. સુજાત વલીનો પરિવાર રેશનાલિસ્ટ ઍક્ટિવિટી સાથે જોડાયેલો છે. ડૉક્ટર વલીની અંધશ્રદ્ધાના વિરોધ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અંગેની પ્રવૃત્તિઓને કારણે તેમના પરિવારને પણ ખૂબ જ મુશ્કેલીઓ સહન કરવી પડી છે. સતત ભયના ઓથાર હેઠળ જીવવું પડ્યું છે. "

રેશનાલિસ્ટ અને ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ ઍસોસિએશનના સેક્રેટરી પીયૂષ જાદુગર જણાવે છે કે, "કોઈને કમળો થયો હોય અને તે દોરાં-ધાગાં કરે તો ડૉક્ટર વલી સમજાવે છે કે કમળો એક રોગ છે જે રોગને કોઈ માન્યતા કે દોરાંથી નહીં પરંતુ દવાથી જ મટાડી શકાય છે. કેટલીક મહિલાઓ ગર્ભવતી હોય તેમ છતાં તેઓ ઉપવાસ પણ કરે છે જેવી મહિલાઓને ડૉક્ટર પૌષ્ટિક ખોરાક ખાવા અંગે સમજ આપે છે."

તેમજ કહે છે કે, " તેઓ મહિલાઓને પતિ દ્વારા થતી હિંસા અંગે પણ સમજ આપે છે. જેનો પુરુષપ્રધાન સમાજમાં કેટલાક લોકો તેમનો વિરોધ કરે છે. ડૉક્ટર વલી ગરીબ મહિલાઓને મફતમાં સારવાર કરે છે તેમજ તેમને પૌષ્ટિક ખોરાક પણ આપે છે. "

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન