ચીનની એકમાત્ર મહારાણીની સુશાસન, હત્યાઓ અને દગાથી ભરેલી અદ્ભૂત કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડાલિયા વેન્ચુરા
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
આજના યુગમાં વેબસિરીઝ થઈ શકે તેવી જીવનકથા વૂ ઝેજિયાનની હતી, કેમ કે અશક્ય લાગે તેવી ઊંચાઈએ તે પહોંચી ગયાં હતાં.
એક એવાં નાયિકા જેમણે પોતાની સુંદરતા અને પ્રતિભાના જોરે સત્તા હાંસલ કરી પણ સાથેસાથે અનેક સ્વજનોની હત્યા પણ કરી. કાવાદાવા પણ કેવા?
પ્રસિદ્ધ કવિ લૂઓ બિનવેંગે લખ્યું છે કે "પોતાની બહેનની હત્યા કરી, ભાઈઓનું નિકંદન કાઢી નાખ્યું, પોતાના પતિ અને મહારાજાનું કાસળ કાઢી નાખ્યું અને માતાને ઝેર આપી દીધું."
લૂઓ લખે છે કે વૂનું દિલ નાગણી જેવું હતું અને સ્વભાવ વરૂ જેવો લુચ્ચો હતો, પુરુષોને ધિક્કારનારું સ્વરૂપ હતું.
ધબકારા વધારી દે એવું કવિનું વર્ણન વૂ વિશે ત્યારે અને પછી કેવી રીતે લખાતું રહ્યું તેની એક ઝલક આપે છે.
જોકે તેમાં કલ્પનાઓ ભળી હશે એટલે સત્ય કેટલું અને અતિશયોક્તિ કેટલી તે કળવું મુશ્કેલ છે.
કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ ચાઇના પ્રમાણે, "આ નારી વિશેની બધી જ બાબતો રહસ્યના કોકડામાં ગૂંચવાયેલી છે. તેમણે એ બધું જ કર્યું જે કન્ફ્યૂશિયસના આદર્શોની અને અમલદારોની ઇચ્છાની વિરુદ્ધ હતું."
"પ્રારંભથી જ વૂનાં સામ્રાજ્ય વિશે પક્ષપાત સાથે લખાતું રહ્યું છે અને તેની વિરુદ્ધની લાગણીઓ સાથે ઇતિહાસને ગૂંચવી દેવાયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
જોકે કેટલીક હકીકતો નિર્વિવાદ છે: ઈસવીસન પૂર્વે 1026ની શેંગ વંશથી ઈસવીસન 1600 અને ત્યાંથી ચીન આઝાદ થયું ત્યાં સુધીના ચીનના નોંધાયેલા લાંબા ઇતિહાસમાં વૂ ઝેજિયાન સૌથી શક્તિશાળી નારી અને એક માત્ર મહારાણી છે.
અડધી સદી સુધી ચીન તેની મુઠ્ઠીમાં હતું. પ્રથમ એક સમ્રાટનાં ઉપપત્ની તરીકે, પછી સમ્રાટ બનેલા પુત્રનાં માતા તરીકે અને છેલ્લે સ્વંય સામ્રાજ્ઞી તરીકે તે પાંચ કરોડની પ્રજાનાં ભાગ્યવિધાતા બન્યાં હતાં, જે સમયગાળો ચીનના સુવર્ણકાળમાંનો એક ગણાય છે.
તેની જીવનકથા એટલી રસપ્રચૂર છે કે તેના પર અનેક ગ્રંથો, પુસ્તકો, નાટકો, ટીવી સિરિયલો અને ફિલ્મો બની છે. એટલું જ નહીં તેના નામે વીડિયો ગેમ્સ પણ બની છે.
વૂ ઝેજિયાનની કથામાં તથ્ય જેટલું પણ હોય, પણ કથાનો એકએક તાંતણો રોમાંચક છે.

રાજદરબારની નોકરાણી

ઇમેજ સ્રોત, Getty Images
વૂ ઝાહો તેમનું મૂળ નામ હતું અને પછી વૂ ઝેજિયાન તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયાં. તેમને બધા માત્ર વૂ કહે તે પસંદ હતું. આવી કન્યાનો જન્મ 624માં એક ધનવાનમાં પરિવારમાં થયો હતો.
'વૂ' એવા નામે તેની જીવનકથા લખનારા જોનાથન ક્લિમેન્સે લખ્યું છે કે તેમનું કોઈ ચિત્ર દોરાયેલું મળતું નથી, પણ વર્ણન પરથી ખ્યાલ આવે છે કે બહુ જ સુંદર હતાં અને 14 વર્ષની ઉંમરે તેમને રાજદરબારમાં ગણિકા તરીકે લેવામાં આવ્યાં હતાં. તે જમાનામાં રાજાના અંતઃપુરમાં સ્થાન મળે તે વિશ્વ સૌંદર્યસ્પર્ધા જિત્યા સમાન ગણાતું હતું.
જોકે તેમને પાંચમી કક્ષાનો દરજ્જો મળ્યો હતો એટલે આમ જુઓ તો રાણીવાસમાં તેનું સ્થાન નોકરાણી કરતાં વધારે નહોતું.
વૂ માત્ર રૂપાળાં નહોતાં, બહુ ચતુર અને શિક્ષિત હતાં અને ટેંગ રાજઘરાનાના બીજા સમ્રાટ તેઇજોંગની નજીક સરકવાની તક શોધવા લાગ્યાં હતાં.
કેટલાક કહે છે કે રાજાના શયનની ચાદર બદલવાની તક મળી ત્યારે તો કેટલાક કહે છે કે ઘોડારમાં સફાઈ કરતી વખતે બુદ્ધિચાતુર્યનું પ્રદર્શન કરીને સમ્રાટને આકર્ષ્યા હતા. કેટલાકે લખ્યું છે કે સમાગમ વખતે રાજાને અત્યંત ખુશ કરીને તેમનાં માનીતાં બન્યાં હતાં.
સાચી વાત જે પણ હોય, પણ થોડા જ વખતમાં તે તેઇજોંગનાં અંગત મંત્રી બની ગયાં હતાં અને શાસકની નજીક રહેવાની તેમને તક મળી એટલે રાજકાજમાં રસ લેવા લાગ્યાં હતાં.
એવું કહેવાય છે કે તે સત્તાવાર દસ્તાવેજો તેમનાં શયનકક્ષમાં જ રહેતા, જેથી રાતે જાગી જાય તો તેના પર કામ કરી શકે.
જોકે 649માં તેઇજોંગનું અવસાન થયું ત્યારે રિવાજ પ્રમાણે તેની બધી જ ઉપપત્નીઓને બૌદ્ધ મઠમાં મોકલી આપવામાં આવી. વૂ સહિત બધી ગણિકાઓએ માથે મુંડન કરાવીને હવે સાધ્વી તરીકે રહેવાનું, જેથી તે બીજા કોઈની ના થાય.
માત્ર 25 વર્ષની ઉંમરે વૂ માટે વિધવા તરીકે જીવન વિતાવવાની ઘડી આવી પણ આ તેમનાં જીવનનો માત્ર પ્રથમ પડાવ જ હતો, હજી બહુ લાંબી મજલ બાકી હતી.

કિશોરાવસ્થાનો પ્રેમ

ઇમેજ સ્રોત, Getty Images
તેઇજોંગના અવસાનથી તેમનો 21 વર્ષનો પુત્ર લી ઝી ગાદીએ આવ્યો.
તે પસંદગીનો વારસદાર નહોતો, પરંતુ બીજા ભાઈઓ બેજવાબદાર હતા એટલે લીને સમ્રાટ ગાઓઝોંગ તરીકે ગાદી મળી ગઈ.
તેમની પત્ની વેંગ હવે મહારાણી બની ગઈ અને તેની માનીતી ઉપપત્ની શિયાઓનો દરજ્જો પણ વધી ગયો. શિયાઓને વિશુદ્ધ ગણિકા કહેવામાં આવતી હતી.
જોકે ગાઓઝોંગના જીવનમાં એક બીજી નારીનો પણ પ્રભાવ હતો. તે કિશોર હતો ત્યારથી જ તેનાથી અંજાયેલો હતો - તે હતાં વૂ.
એવું કહેવાય છે કે જીવના જોખમે તેમણે કિશોરાવસ્થામાં જ તેની સાથે સંબંધ રાખવાનું શરૂ કરી દીધું હતું.
બૌદ્ધ મઠમાં જતી રહેલી વૂ સાથે રાજા બનેલા ગાઓઝોંગની મુલાકાત ફરી કેવી રીતે થઈ હશે તે સ્પષ્ટ નથી, પરંતુ એવું અનુમાન છે કે કિશોરાવસ્થાનું આકર્ષણ સમ્રાટને વારંવાર બૌદ્ધ મઠમાં લઈ જતું હતું.
મઠમાં વૂ મળી જશે તેવી આશાએ સમ્રાટ વારંવાર મુલાકાતનું બહાનું શોધતા અને તેઇજોંગની પ્રથમ પૂણ્યતિથિએ મુલાકાત થઈ પણ ખરી.
બંનેએ તેઇજોંગને યાદ કરીને શોક વ્યક્ત કર્યો અને આંસુ વહાવ્યાં. તે પછી વૂએ મોકો જોઈને યુવાન સમ્રાટના અહંકારને ઉશ્કેર્યો.
સમ્રાટ ખરો, પણ એવી શક્તિ નહીં કે મને મહેલમાં ફરીથી લાવી શકાય એવો પડકાર વૂએ ફેંક્યો: "તમે સ્વર્ગના અધિષ્ઠાતાના પુત્ર ખરા, પણ તમે ધારો તેવું બધું કરી શકો નહીં."
"કેમ નહીં, હું ધારું તે બધું કરી શકું!" ગાઓઝોંગે અભિમાન સાથે કહ્યું.
જોકે ગાઓઝોંગના કારણે નહીં પણ મહારાણી વેંગના કારણે વૂ ફરીથી મહેલમાં આવી શક્યાં તેમ કેટલાક વિદ્વાનો માને છે.
વેંગ સંતાનોને જન્મ આપી શકે તેમ નહોતી, તેના કારણે ઉપપત્ની શિયાઓનું મહત્ત્વ વધી રહ્યું હતું. શિયાઓ સમ્રાટના એક પુત્ર અને બે પુત્રીઓની માતા બની ચૂકી હતી.
શિયાઓની પકડમાંથી ગાઓઝોંગને છોડાવવા માટે રાણી વેંગે પ્યાદા ગોઠવવાનું શરૂકર્યું. તેમણે વૂને મળીને કહ્યું કે હવે માથે વાળ ઊગે તે ઊગવા દેજો. વૂ ફરી ખૂબસુરત વાળ સાથે આકર્ષક બન્યાં એટલે રાણી વેંગ તેમને રાજમહેલમાં લઈ આવ્યાં. વૂને પોતાના પત્નીની બીજા ક્રમની ઉપપત્ની તરીકે દરજ્જો અપાવ્યો.

પુત્રીહત્યા અને રાજ ખટપટ

ઇમેજ સ્રોત, Getty Images
કથામાં હવે લોહીની નદીઓ વહે છે. નવજાત બાળકીની હત્યા થાય છે.
વૂએ જે દીકરીને જન્મ આપ્યો, પણ તે મૃત્યુ પામી ત્યારે તેની હત્યાનો આરોપ હવે સીધો મહારાણી પર જ લાગ્યો, કેમ કે સૌથી છેલ્લે દીકરીને રાણીએ જ તેડી હતી.
તે વખતના ગ્રંથોમાં જોકે એવું લખાયું છે કે વૂએ જાતે દીકરીને મારી નાખી હતી અને તેનું આળ રાણી પર નાખ્યું જેથી તેને માર્ગમાંથી હઠાવી શકાય.
મહેલમાં મોટી ખટપટ થઈ અને હવે મૂળ રાણીને હઠાવીને તેની જગ્યાએ વૂને રાણી તરીકેનું સ્થાન આપવામાં આવ્યું. મૂળ રાણી અને મુખ્ય ઉપપત્ની શિયાઓ બંનેને કેદ કરીને દૂરના મહેલમાં મોકલી આપવામાં આવ્યાં.
એવું પણ કહેવાય છે કે વૂએ બંનેના હાથ પગ પણ કપાવી નાખવાનો આદેશ આપી દીધો હતો. આ કપાયેલા અંગોને શરાબમાં ડૂબાડી દેવાનું કહીને કટાક્ષ કરેલો કે બંને ડાકણો હવે શરાબમાં ડૂબકી મારી શકે છે.

રાજગાદી પાછળથી દોરીસંચાર

ઇમેજ સ્રોત, Getty Images
સમ્રાટ હવે સંપૂર્ણપણે વૂના કબજામાં હતા. તે નબળા અને મૂરખ સાબિત થઈ રહ્યા હતા અને તેની તબિયત પણ કથળવા લાગી હતી કે રાજકાજનું સામાન્ય કામકાજ પણ ના કરી શકે.
રાજદરબાર ભરાય ત્યારે વૂ પરદા પાછળ બેઠી હોય અને સ્ત્રી તરીકે તેને સત્તાધારણ કરવાનો કોઈ અધિકાર ગણાય નહીં, પણ પરદા પાછળથી સાચું રાજ હવે તે જ ચલાવતી હતી.
ચીનના ઇતિહાસના 1084માં પ્રગટ થયેલા ગ્રંથ Zizhi Tongjian (શાસનનો અરીસો)માં જણાવ્યા અનુસાર થોડા વખતમાં "સમગ્ર સામ્રાજ્યની સત્તા રાણીના હાથમાં આવી ગઈ હતી."
"દરબારીઓની બઢતી અને પડતી, જીવન અને મરણના નિર્ણયો હવે વૂના આદેશથી થતા હતા અને સમ્રાટ અદબ વાળીને ગાદીએ બેસી રહેતો હતો."
ચીનમાં સત્તાના સૂત્રો ધરાવતા અને પોતાના હરીફ થઈ શકે તેવા એક પછી એક દરબારીઓ અને ભાયાતોને વૂએ દૂર કરવાના શરૂ કર્યા.
આ ગ્રંથમાં જણાવ્યા અનુસાર એક જ વર્ષમાં 36 જૂના દરબારીઓ અને અમલદારોની કાંતો હત્યા કરવામાં આવી કે તેમને આત્મહત્યા કરવાની ફરજ પાડવામાં આવી. આ વગદાર લોકોના પરિવારના સભ્યો અને સગાઓને ગુલામ બનાવી દેવાયા.

ઇમેજ સ્રોત, Getty Images
રાણી વૂએ બીજી રીતે પણ પોતાની વગ જમાવવા રાજના કામકાજમાં ફેરફારો કરવાનું શરૂ કર્યું. તેમણે વંશપરંપરા પ્રમાણે ભાયાતો અને દરબારીઓને નીમવાના બદલે પ્રતિભાના આધારે ઉપયોગી માણસોની પસંદગી કરીને તેમને અમલદાર તરીકે નીમવાની પ્રથા શરૂ કરી.
વંશ પરંપરાને કારણે નબળા લોકો રાજદરબારમાં સ્થાન જમાવીને બેસતા હતા તે રવાના થવા લાગ્યા અને સક્ષમ અમલદારો નીમાવા લાગ્યા. આ પ્રથા ચીનમાં નવી હતી અને 20 સદી સુધી તે ચાલતી રહી હતી.
એટલું જ નહીં ચીનના કન્ફ્યુશિયસ સંપ્રદાયના સમાજમાં સ્ત્રીનો દરજ્જો નિમ્ન ગણાતો હતો. તેમાં પણ ફેરફાર કરીને વૂએ નારીને પણ ગૌરવવંતુ સ્થાન અપાવ્યું.
પિતા મૃત્યુ પામે ત્યારે જેટલા દિવસ શોક મનાવતો હતો, તેટલા જ દિવસનો શોક માતાના અવસાન પછી પણ પાળવાનો સુધારો વૂએ કરાવ્યો.
પ્રતિભાવાન મહિલાઓની કથા અને મહિમાગાન કરાવવાનું શરૂ કર્યું. પવિત્ર ગણાતા તાઈ પર્વત પર પ્રથમવાર રાણીની આગેવાનીમાં મહિલાઓના વૃંદે ઉત્સવ મનાવ્યો.
પર્વત પર ચડીને પૂજા કરવી એટલે સ્વર્ગની એટલી નજીક જવું અને આ રીતે નારીઓને પણ સ્વર્ગમાં સ્થાન છે એવું પ્રતીકાત્મક રીતે રાણી વૂએ દર્શાવ્યું.
વૂ માટે અંગત રીતે પણ આ જરૂરી હતું, કેમ કે તે સમ્રાટની મહારાણી તરીકે એટલી જ હકદાર છે તેવું સાબિત કરવા માગતી હતી. ગાઓઝોંગનું 683માં અવસાન થયું.

ઇમેજ સ્રોત, Getty Images
વૂનું પ્રથમ સંતાન મૃત્યુ પામ્યું હતું એટલે વૂનો બીજા નંબરનો દીકરો લી શિયાન ગાદીનો વારસ બન્યો અને તેને નામ અપાયું સમ્રાટ ઝોઆંગઝોંગ.
પણ પુત્રવધૂની મહત્ત્વાકાંક્ષા જાગી અને તેને સાસુ ભોગવતી હતી તેવી જ સત્તા ભોગવવાની ઇચ્છા થઈ એટલે થોડાં જ અઠવાડિયામાં વૂએ મોટા પુત્રને હટાવીને સૌથી નાના દીકરાએ ગાદીએ બેસાડી દીધો.
નાના પુત્ર લી ડેનને સમ્રાટ રુઇઝોંગ નામ આપવામાં આવ્યું અને તે પિતાની જેમ માતાના હાથની કઠપૂતળી બનીને રાજ ચલાવતો રહ્યો. આ સ્થિતિ સામે એકથી વધુ વાર બળવા થયા, પણ દર વખતે વૂ તેને ડામી દેતાં હતાં.
690માં સમ્રાટપુત્રનું પણ અવસાન થયું, અને ત્યાં સુધીમાં વૂએ પોતાના બધા જ રાજકીય હરિફોને ખતમ કરી નાખ્યા હતા.
ને હવે ચીનના ઇતિહાસમાં ક્યારેય ના બન્યું હતું તેવું બન્યું.

પવિત્ર અને દૈવી મહારાણી
આવું ઉપનામ અને પદવી વૂએ ધારણ કર્યાં અને 65 વર્ષની ઉંમરે કન્ફુશિયસ સમાજની પ્રણાલી વિરુદ્ધ પોતાને સામ્રાજ્ઞી જાહેર કરી.
ચીનના ઇતિહાસમાં ક્યારેય કોઈ નારીને સત્તાસ્થાન મળ્યું નહોતું.
એટલું જ નહીં મોટી ઉંમરે પણ ખુદને યુવાન અને દેખાડવા પુરુષોને આકર્ષતી રહ્યાં અને તેમની સાથે સંબંધો બાંધતાં રહ્યાં તેવો ઉલ્લેખ તે યુગના પુરુષ લેખકો બાદમાં કર્યો છે.
આ પુરુષ લેખકો માટે નારી આવું કરી શકે તે સ્વીકાર્ય બને તેવું નહોતું. વૃદ્ધાવસ્થામાં તેઓ પ્રેમીઓ રાખે તે અસહ્ય હતું. સમ્રાટ ઉપપત્નીઓ રાખે તે બરાબર, સામ્રાજ્ઞી આવું ના કરી શકે એવું તેમને લાગતું.
જોકે શક્તિશાળી પુરુષો સાથે પ્રેમ સંબંધો રાખીને તે શાંતિ જાળવી શકી અને રાષ્ટ્રને સમૃદ્ધ પણ બનાવ્યું.
બીજું વૂએ બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપ્યું. આ માટે પણ તેમની નિંદા થતી રહી, કેમ કે બૌદ્ધ ધર્મ ભારતથી આયાત થયેલો ધર્મ હતો અને તેમાં સ્ત્રીઓને ઊંચો દરજ્જો આપવામાં આવતો હતો. ચીનની કન્ફુશિયસ અને તાઓ પરંપરાથી આ વિપરિત હતું.
વૂએ સેના પાછળનો ખર્ચ ઘટાડ્યો, તેમ છતાં ચીન સામ્રાજ્યનો વિસ્તાર વધારવામાં સફળતા મળી અને બાયઝેન્ટાઇન સામ્રાજ્ય જેવા દૂરના શાસકો સાથે રાજદ્વારી સંબંધો પણ સ્થાપ્યા.
વૂએ આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું તેના કારણે મોટી સંખ્યામાં ગરીબ પ્રજાને ફાયદો થયો. ખાસ કરીને ખેડૂતો બહુ ખુશ હતા, કેમ કે દેશને સમૃદ્ધ કરવા માટે મહારાણી તરીકે ખેતીને ઉત્તેજન આપ્યું.
શિક્ષણ પાછળ પણ ધ્યાન આપ્યું. નબળા પડેલા શિક્ષકોને દૂર કરીને વિદ્વાન શિક્ષકોને સ્થાન આપ્યું.
વૂએ મહારાણી તરીકે 15 વર્ષ શાસન કર્યું, પણ હવે અવસ્થા થવા આવી હતી અને તેથી પ્રભાવ ઘટવા લાગ્યો હતો. 705માં વૂનું અવસાન થયું તેનાં થોડાં વર્ષો પહેલાં જ વૂને ગાદીએથી હઠાવી દેવાયાં હતાં.

આખરી યાત્રા
મહારાણીના દફન પછી ત્યાં તેમનું સ્મારક તૈયાર કરાયું હતું. બે ઊંચા પ્રવતો પર સુશોભિત મિનારા બનાવાયા અને તેની વચ્ચેથી પસાર થતા માર્ગ પરથી અંતિમ સ્મારક સુધી પહોંચી શકાય છે. આ બે ટેકરીઓ 'સ્તનની નિપ્પલ' તરીકે ઓળખાય છે.
એવી દંતકથા છે કે આ બે ટેકરીઓ વચ્ચેના માર્ગને એટલા માટે પસંદ કરાયો હતો કે ગાઓઝોંગને તે બહુ ગમતી હતી. આ બે ટેકરીઓ જોઈને તેમને વૂની યુવાનીમાં તેના સ્તન યુગ્મ કેવાં ઘાટીલા હતાં તેની યાદ આવતી હતી.
જોકે કબર પર પથ્થર મૂકાયો છે તેમાં કોઈ પ્રશસ્તિ કોતરવામાં આવી નથી કે તેના પર સુશોભિત કોતરકામ કરવામાં આવ્યું નથી. ચીનના 2000 વર્ષના ઇતિહાસમાં કોઈ શાસકનું આટલું સાદું સ્મારક ક્યારેય બન્યું નહોતું.
ઇતિહાસકારો લખે છે કે તેમના અવસાન પછી નવા આવેલા શાસકો અને દરબારીઓએ વૂની યાદો ભૂંસી નાખવાની કોશિશ કરી હતી. તેમના શાસનનો કોઈ ઇતિહાસ રાખવાનો ઇનકાર કરાયો હતો અને તે રીતે નારી શાસકની તેમના અવસાન પછી અવગણના તો કરાય જ.
અન્યોનું એવું કહેવું છે કે વૂની ઇચ્છા પ્રમાણે જ પથ્થરને કોરો રાખવામાં આવ્યો છે. આવનારી પેઢી પોતાનાં કાર્યો, સિદ્ધિનું અને પ્રદાનનું પોતાની રીતે મૂલ્યાંકન કરશે એવી વૂની ઇચ્છા હતી.
પણ શું ખરેખર આ મહારાણી વૂની કદર થઈ શકે ખરી?
માઇક ડેશે "મહારાણી વૂની બદનક્ષી" એવા પોતાના લેખમાં બહુ રસપ્રદ વાત લખી છે, "એવી રીતે વિચારવું જોઈએ કે બે મહારાણી હતી: એક, જેમણે સત્તાધીશોમાં ત્રાસ ફેલાવી દીધો; બીજી સામ્રાજ્ઞી જેમણે પાંચ કરોડ ચીની પ્રજાનું કલ્યાણ કર્યું."
સામ્રાજ્ઞી વૂના અવસાનનાં 1,315 વર્ષ પછીય તેમની જીવનકથા એટલી સંકુલ અને વ્યાપક અસર કરનારી હતી કે નીચે પ્રમાણે તેમના સ્મારક પર લખી શકાય છે:
"અહીં સૂતાં છે વૂ ઝેજિયાન, એવાં નારી જેમણે ડ્રેગનની ગાદી પર બેસીને કન્ફુશિયસને પણ પડકાર ફેંક્યો હતો."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












