Scam 2003: અબ્દુલ કરીમ તેલગીની કહાણી, સ્ટેશને ફળ વેચવાથી હજારો કરોડના સ્ટૅમ્પપેપર કૌભાંડ સુધી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
એક નાના ગામનો છોકરો નાનપણમાં પિતાનું છત્ર ગુમાવે એટલે માતા મહામહેનત કરીને તેનાં સંતાનોને ઉછેરે. સમજૂ થતાં દીકરો પણ મહેનતથી રોજીરોટી કમાવવાનું શરૂ કરે, પરંતુ તેની આંખમાં માયાનગરી મુંબઈ જઈને ધનવાન બનવાના સપનાં હોય, જ્યાં તે ખોટી સંગતમાં ફસાઈ જાય. પોલીસ અને પોલિટિશિયનોની મદદથી 'શૉર્ટકટ'થી પૈસા બનાવે અને વૈભવી જીવન જીવવા લાગે. એક દિવસ આ પરપોટો ફૂટી જાય અને તે જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય.
પ્રથમ નજરે વાંચતા આ કોઈ બોલીવૂડની 'ફૉર્મ્યુલા ફિલ્મ'ની વાર્તા જણાય, જેની ઉપરથી અનેક ફિલ્મો બની છે, પરંતુ તે અબ્દુલ કરીમ તેલગીના જીવનની પણ કહાણી છે.
કદાચ એટલે જ હંસલ મહેતા 'સ્ટૅમ્પપેપર કૌભાંડના માસ્ટરમાઇન્ડ' પર વેબસિરીઝ લાવી રહ્યાં છે. મહેતા શો-રનર હશે, જ્યારે તુષાર હિરાનંદાની તેને ડાયરેક્ટ કરશે. થિયેટર આર્ટિસ્ટ ગગન દેવ રાયર તેમાં મધ્યવર્તી ભૂમિકા ભજવશે.
32 હજાર કરોડનું કૌભાંડ આચરનારા તેલગીનું નેટવર્ક ભારતભરમાં ફેલાયેલું હતું અને 'કૉર્પોરેટ સ્ટાઇલ'માં તેનું સંચાલન થતું હતું. નાસિક પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓથી લઈને પોલીસવાળા તથા અનેક રાજ્યોના પોલિટિશિયનોને તેલગીએ સાથે લીધા હતા.
તેલગી ઉપર અગાઉ પણ ફિલ્મ, વેબસિરીઝ તથા ડૉક્યુમેન્ટ્રી બની ચૂકી છે. કૌભાંડ બહાર આવ્યું ત્યારથી મૃત્યુ સુધી હિંદી-અંગ્રેજી ન્યૂઝ ચેનલોએ તેના કૌભાંડ અને જીવન ઉપર સેંકડો કલાકોના કવરેજ અને સ્પેશિલ પ્રોગ્રામ કર્યા હશે છતાં એક સવાલનો જવાબ બહાર નથી આવ્યો, તેલગીની પાછળ કોણ હતું ?

'લાડસાહેબનો દીકરો'
મુંબઈના વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર હુસૈન ઝૈદી તથા આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ)ના અધિકારી બ્રિજેશ સિંહે તેમના પુસ્તક Dangerous Minds: Eight Riveting Profiles of Homegrown Terroristsના પાંચમા પ્રકરણ 'The Biggest Scamster' હેઠળ તેલગીના વિશે નિરૂપણ કર્યું છે. જે મુજબ :
તેલગીના દાદા-પરદાદા ઉત્તર ભારતમાં રહેતા હતા, બાદમાં આર્થિક સંકડામણને કારણે તેઓ દક્ષિણમાં હિજરત કરી ગયા અને કર્ણાટકમાં આવીને વસી ગયા. એ સમયે સંતાનોને 'નવાબ', 'નિઝામ બહાદુર' કે 'બાદશાહ સાહિબ' જેવા નામો આપવાનું ચલણ હતું.
આથી તેલગીના પિતાને 'લાડસાહેબ' એવું નામ આપવામાં આવ્યું હતું, જે અંગ્રેજી શબ્દ 'લૉર્ડસાહેબ'નું અપભ્રંશ હતું. તેઓ ભારતીય રેલવેમાં નીચલા દરજ્જાના કર્મચારી તરીકે કામ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરીફાબીબીની કૂખે અબ્દુલ કરીમનો જન્મ 1961માં બીજાપુર જિલ્લાના તેલગી ગામ ખાતે થયો હતો, એટલે જ તે તેની સાથે અટકની જેમ જોડાઈ ગયું હતું. બાદમાં તેલગીનો પરિવાર કર્ણાટકના ખાનાપુર ખાતે આવી ગયો.
અહીં લાડસાહેબનું મૃત્યુ થયું અને ત્રણ સંતાનોની જવાબદારી શરીફાબીબી ઉપર આવી ગઈ. તેઓ પાસેના જંગલમાં જતાં અને ત્યાં ઉગેલા વૃક્ષોમાંથી નાસપતિ, બોર અને ચીકૂ તોડી લાવતાં અને સ્ટેશન ઉપર વેંચતાં.
નાનપણમાં જ અબ્દુલ કરીમ અને તેના ભાઈઓ ફળ વેચવાના કામમાં રેલવેસ્ટેશન પર માતાને મદદ કરતા હતા. બેલગામની કૉલેજમાંથી કૉમર્સ શાખામાં સ્નાતક થયા બાદ તેલગીને આકાશ આંબવું હતું અને મહત્ત્વાકાંક્ષા 1980ના દાયકાના મધ્યભાગમાં તેને સાઉદી અરેબિયા લઈ ગઈ.

મુંબઈ, મહેનત અને મહત્ત્વકાંક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
અબ્દુલ સાતેક વર્ષમાં જ સાઉદીથી મુંબઈ પરત આવી ગયો. પરત આવીને એણે એક ટ્રાવેલ એજન્ટ સાથે કામ શરૂ કર્યું અને થોડા સમય પછી પોતે જ સ્વતંત્ર રીતે ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
એ સમય 'ગલ્ફ બૂમ'નો હતો, યુવાનોમાં પૈસા કમાવવા માટે ખાડી દેશોમાં જવાની તાલાવેલી રહેતી. જોકે, કેટલાકની પાસે જરૂરી દસ્તાવેજો ન હોય તો ટ્રાવેલ એજન્ટો દ્વારા તેને ડુપ્લિકેટ પણ બનાવી આપવામાં આવતાં. 1990ના દાયકાની શરૂઆતમાં છેતરપિંડીના એક કેસમાં તેલગીએ જેલવાસ ભોગવવો પડ્યો હતો.
જેલના સળિયા પાછળ તેની મુલાકાત 'સોની' નામના શખ્સ સાથે થઈ. હર્ષદ મહેતાની તેજી સમયે તે નકલી શૅર સર્ટિફિકેટ બનાવીને વેચવાનું કામ કરતો હતો. એ સમયે શૅર ડિમટિરિયલાઇઝ્ડ (ડીમેટ) સ્વરૂપે લાગતા ન હતા, પરંતુ ટપાલ મારફત તે ભૌતિક સ્વરૂપે ઘરે પહોંચાડવામાં આવતા હતા, બનાવટી શૅર ફરતા કરવાનું સરળ હતું. સોનીના સંપર્ક બાદ જ તેલગીએ સ્ટૅમ્પપેપરના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું.
એણે એટલી પ્રગતિ કરી હતી કે દેશભરમાં તેની 30 કરતાં વધુ સંપત્તિઓ હતી જેની કિંમત એ સમયે રૂ.100 કરોડ કરતાં વધુ હતી તથા અનેક શહેરોમાં તેના બૅન્કખાતા હતા.
પોતાના પુસ્તકમાં ઝૈદી લખે છે કે તેલગીને બોલીવૂડની અભિનેત્રીઓનો સંગાથ સાધવો હતો, પરંતુ આના માટેના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આથી, તે ગ્રાન્ટ રોડ ઉપર આવેલાં એક બારમાં વારંવાર જતો, જ્યાં બોલીવૂડની અભિનેત્રીઓ જેવી દેખાતી યુવતીઓ ડાન્સ કરતી હતી. અહીં તે છૂટા હાથે પૈસા ઉડાવતો. તેણે એક સી-ગ્રૅડ ફિલ્મ પણ પ્રૉડ્યુસ કરી હતી.
કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, એક વખત નવવર્ષની ઉજવણી દરમિયાન તેલગીએ એક બારબાળા ઉપર એક જ રાતમાં 90 લાખથી વધુની રકમ ઉડાવી હતી, જેના કારણે તે પોલીસની નજરે ચઢી ગયો હતો.

સ્ટૅમ્પપેપર પર 'મહોર'

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય નાગરિકને રોજબરોજ સ્ટૅમ્પ ટિકિટ કે સ્ટૅમ્પપેરની જરૂર નથી પડતી, પરંતુ આર્થિકવ્યવહારો માટે તે એક અનિવાર્ય ભાગરૂપ છે. તે જ્યુડિશિયલ કે નૉન-જ્યુડિશિયલ એમ બે સ્વરૂપે હોઈ શકે છે. હોમલૉન, ઓટોલૉન કે ઘર ખરીદીના દસ્તાવેજ દરેક બાબત માટે સ્ટૅમ્પપેપરની જરૂર રહે.
તેલગીએ જોયું કે સ્ટૅમ્પપેપરનું મહત્ત્વ ચલણીનોટ જેટલું છે, છતાં તેમાં પ્રમાણમાં ઓછા સિક્યૉરિટી ફિચર્સ હતા. વળી, ક્યારેક-ક્યારેક સપ્લાયના અભાવે તેની ભારે તંગી સર્જાતી, જેના કારણે તેનું બ્લૅકમાર્કેટિંગ થતું તથા લોકો ગમે તે રીતે સ્ટૅમ્પપેપર મેળવવાના પ્રયાસ કરતા.
આથી તેલગીને નકલી સ્ટૅમ્પપેપરના ધંધાએ આકર્ષિત કર્યો. શરૂઆતમાં તો વપરાયેલાં સ્ટૅમ્પ ઉખેડીને કે તેની ઉપરની શાહીને દૂર કરીને તેને ફરી વેચતો.
સ્ટૅમ્પપેપરનું છાપકામ નાસિક (મહારાષ્ટ્ર) ખાતેના સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં થતું હતું, જ્યાંથી દેશભરમાં રેલમાર્ગે સપ્લાય થતાં. નાસિક પ્રિન્ટિંગ પ્રેસ તથા રેલવે પોલીસની મદદથી રસ્તામાં તેની ચોરી કરી લેવામા આવતી. ધીમે-ધીમે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન હિમાચલ પ્રદેશ તથા અન્ય રાજ્યોની ફરિયાદ રેલવે પોલીસને મળવા લાગી હતી. એટલે આ કામ મુશ્કેલ બનવા લાગ્યું હતું.
વળી, તેલગીને આ વેપારને વધુ મોટાસ્તરે લઈ જવાના અભરખા જાગ્યા હતા, એટલે તેણે નાસિકની ગવર્નમેન્ટ સિક્યૉરિટી પ્રેસમાંથી પ્રિન્ટિંગ મશીન મેળવવાનું નક્કી કર્યું. સરકારી દસ્તાવેજો પ્રમાણે, તેલગીએ નાસિક ખાતેના પ્રિન્ટિંગ પ્રેસમાંથી મશીન હાંસલ કર્યું હતું.
સામાન્ય રીતે કોઈપણ ગવર્નમેન્ટ સિક્યૉરિટી પ્રેસમાં જ્યારે કોઈ મશીન નકામું થાય, ત્યારે તેને એકદમ તોડીફોડીને ભંગાર તરીકે વેચવામાં આવે છે. જોકે, નાસિક પ્રેસના ભ્રષ્ટ અધિકારીઓની મદદથી તેમણે સાબૂત મશીન તથા ડાઈ મેળવી લીધાં અને પોતે જ સ્ટૅમ્પપેપર છાપવા લાગ્યો. ઑરિજિનલ સ્ટૅમ્પપેપરની સાથે ડુપ્લિકેટને ભેળવીને પણ વેચવામાં આવતા.
તેલગીએ નકલી ગેરકાયદેસર સ્ટૅમ્પપેપરને કૉર્પોરેટ સ્વરૂપ આપ્યું હતું. તેની માર્કેટિંગ, પ્રૉક્યોરમૅન્ટ, સેલ્સ અને રવાનગીની અલગ-અલગ ટીમો હતી.
તેલગીની સેલ્સ ટીમમાં એમબીએ ગ્રૅજ્યુએટો પણ સમાવિષ્ઠ હતા. જેઓ મર્ચન્ટ નેવી, બિલ્ડરો તથા જાહેર સાહસના એકમોને ઊંચા વટાવથી સ્ટૅમ્પપેપર આપવાની લાલચ આપતા. એક તબક્કે તેલગી માટે કામ કરનારા લોકોની સંખ્યા 300ને પાર કરી ગઈ હતી.
એક વર્ગ માને છે કે મશીન મેળવ્યા પછી પણ તેના માટે કાગળ કે વિશિષ્ટ શાહીની જરૂર પડે, જેની વ્યવસ્થા તે ક્યાંથી અને કેવી રીતે કરતો તેના વિશે કોઈ સંતોષજનક ખુલાસા નથી થયા. સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) તથા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ દિશામાં તપાસ કરવી જોઈતી હતી.

પત્રકાર દ્વારા પર્દાફાશ
તેલગીએ નાસિક તથા ઉત્તર મહારાષ્ટ્રના રાજનેતાઓ સાથે સાંઠગાંઠ કેળવી લીધી હતી, તેલગી તેમને ઇલેક્શન ફંડમાં મદદ કરતો. પોલીસ પણ તેની સગવડો સાચવતી અને ટીપ આપતી, સામે તેલગી પણ પોલીસકર્મીઓને મદદ કરતો.
તેલગીની પહોંચનો અંદાજો એ વાત પરથી મૂકી શકાય કે એક વખત મુંબઈના છ પોલીસસ્ટેશનમાં તેની સામે કેસ દાખલ થયા હતા. તેણે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જે નકારી દેવાઈ હતી. તે કોર્ટમાં આવ્યો હતો અને જામીન ન મળ્યા હોવા છતાં બિન્દાસ ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસકર્મીઓને આવી સવલતો બદલ ટીપ્સ મળતી હતી.
મહારાષ્ટ્રના પોલીસવાળાઓની સંડોવણીની તપાસ માટે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ ડીઆઈજી સુબોધકાંત જ્યસ્વાલ કરી રહ્યા હતા. જેઓ હાલમાં સીબીઆઈના ડાયરેક્ટર છે. આ રિપોર્ટ સાર્વજનિક નહોતો થયો, ત્યારે સંજયસિંહ નામના પત્રકારે તેની ઉપર કામ કર્યું. ખાનગી ન્યૂઝ ચેનલ એનડીટીવીની શરૂઆત આ રિપોર્ટથી થઈ હતી.
રાજદીપ સરદેસાઈના કહેવા પ્રમાણે, "સૌ પહેલી વખત સંજયે તેલગી કૌભાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની સંડોવણીની વાત કહી હતી."
"ત્યારે મેં તેને શંકાના સૂરમાં પૂછ્યું હતું, 'શું આ રિપોર્ટ પોલીસ જૂથોની આંતરિક જૂથબંધીનું પરિણામ નથીને? એક જૂથ દ્વારા બીજા જૂથને નુકસાન પહોંચાડવા માટે આ રિપોર્ટ લીક નથી કરવામાં આવ્યોને? શું આ રિપોર્ટ એકતરફી તો નથી ને? શું ખરેખર તેલગી જેવો માણસ એકલાહાથે અનેક રાજ્યોની સરકારોને પ્રભાવિત કરી શકે?' પરંતુ, સંજયના દૃઢ આગ્રહ તથા તેના પત્રકારત્વના રેકર્ડે મને આ રિપોર્ટ ઉપર કામ કરવા માટે મનાવી લીધો."
આગળ જતાં સંજયસિંહે તેલગી પ્રકરણ અને તેની તપાસ વિશે 'તેલગી સ્કૅમ : રિપોર્ટર કી ડાયરી' નામથી પુસ્તક લખ્યું. સંજયસિંહ પોતાના પુસ્તકમાં સ્વીકારે છે કે મંદાર પરબ નામના અન્ય એક પત્રકાર પાસે પણ એ રિપોર્ટ હતો, પરંતુ તેઓ નસીબદાર રહ્યા હતા અને સૌપહેલાં એ સ્ટોરીનો ખુલાસો કરી શક્યા હતા. સાથે જ પુસ્તક માટે મદદ કરવા બદલ પરબનો આભાર પણ માન્યો છે.
સરદેસાઈએ સમયે એનડીટીવીના મૅનેજિંગ ઍડિટર હતા. સિંહ પુસ્તકમાં સરદેસાઈ (2004) લખે છે : "છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અનેક કૌભાંડ બહાર આવ્યા છે, જેને ચૂપચાપ દબાવી દેવાયા. ઝારખંડ મુક્તિ મોરચા રિશ્વતકાંડ, યુરિયા કૌભાંડ, શૅર કૌભાંડ, ઘાસચારા કૌભાંડ, તહલકા....મોટા કૌભાંડોની યાદી પૂરી થતી હોય તેમ નથી લાગતું."
"એ કડવી વાસ્તવિકતા છે કે મોટાભાગના કેસોમાં સજા નથી થતી અને તેમને ભૂલાવી દેવાય છે. ચાર્જશીટમાં જે અધિકારીઓ કે રાજકારણીઓના નામ હોય તેમની સામાજિક પ્રતિષ્ઠા કે રાજકીય સ્વીકાર્યતાને ઉની આંચ નથી આવતી."

પરપોટો ફૂટી ગયો

ઇમેજ સ્રોત, Getty Images
અનેક રાજ્યોમાંથી મળતી ફરિયાદો બાદ 1998માં સ્ટૅમ્પપેપર મામલે સીબીઆઈ દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
સીબીઆઈ દ્વારા પ્રેસના જનરલ મૅનેજર તથા અન્ય કર્મચારીઓની સ્થાનિક પોલીસસ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવતી હતી, ત્યારથી સ્થાનિક પત્રકારોને આ મુદ્દે કોઈ કૌભાંડ થયું હોવાની ગંધ આવવા લાગી હતી. છતાં આ કૌભાંડ ઉપર ખાસ પર્દાફાશ થયો ન હતો. બીજી બાજુ કર્ણાટકની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પોતાની રીતે તપાસમાં લાગેલી હતી.
ઑગસ્ટ-2000માં બેંગાલુરુ પોલીસે નકલી સ્ટૅમ્પપેપર મામલે તેલગી સામે કેસ દાખલ કર્યો હતો, પરંતુ તે પહોંચની બહાર હતો. નવેબર-2001માં તેલગી અજમેરમાં ખ્વાજા શરીફની દરગાહ પર ઇબાદત કરવા માટે પહોંચ્યો હતો. આના વિશેની ચોક્કસ બાતમીના આધારે બેંગાલુરૂ પોલીસની ટીમે તેને પકડી લીધો હતો. તેની પાસેથી કૅમેરો, રોકડ અને દસ્તાવેજો સહિતની કેટલીક વસ્તુઓ મળી આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
કર્ણાટકની જેલમાંથી પણ તેલગી પોતાનું કામકાજ ચાલુ રાખી શક્યો હતો. તેલગી દ્વારા મોબાઇલ ફોન તથા પેજરનો ઉપયોગ કરવામાં આવતો. તેના દ્વારા સેંકડો કલાકના કોલ રેકર્ડ કરવામાં આવ્યા હતા, જેમાંથી અમુક નામો હજુ પણ સાર્વજનિક ન થયા હોવાનું કેટલાકનું માનવું છે.
2003માં જ્યારે કર્ણાટક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મુંબઈના કોલાબા ખાતેના તેલગીના ઘર પર દરોડો પાડ્યો ત્યારે મુંબઈ પોલીસની ટીમ ત્યાં પાર્ટીની મજા માણી રહી હતી.
સ્ટૅમ્પપેપર કૌભાંડના તાણાવાણાં ઉકેલવા તથા બીજું કોણ-કોણ સંડોવાયેલું છે, તેની તપાસ કરવા માટે તેલગીનો નાર્કો-ઍનાલિસિસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, છતાં હજુ પણ તેલગીના માથા પર કોનો હાથ હતો તે એક રહસ્ય જ છે. વર્ષો બાદ સર્વોચ્ચ અદાલતે 'મૌન રહેવા'ના આરોપીના અધિકારને સ્વીકાર્યો અને તહોમતદારની મંજૂરી વગર તેનો નાર્કો ટેસ્ટ નહીં કરવાનું ઠેરવ્યું હતું.
આ કૌભાંડમાં કૉન્સ્ટેબલથી માંડીને આઈજીપી દરજ્જાના પોલીસકર્મીઓ સુધી રેલો પહોંચ્યો હતો. આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા મહારાષ્ટ્રના સામાન્ય નેતાથી માંડીને પ્રધાનોની ધરપકડ થઈ હતી કે પદ છોડવા પડ્યા હતા. .
તેલગીની સામે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ચંદીગઢ અને દિલ્હી સહિત દેશભરના 18 રાજ્યોમાં 70થી વધુ ઠેકાણે કેસ નોંધાયેલા હતા. શરૂઆતમાં કર્ણાટક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસની તપાસ કરી રહી હતી, પાછળથી કૌભાંડનું કદ અને વ્યાપ જોતાં કેટલાક સામાજિક કાર્યકરો દ્વારા સીબીઆઈ મારફત દેશવ્યાપી તપાસ કરાવવા દેશની સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી હતી અને સીબીઆઈએ તપાસનો દોર સંભાળ્યો હતો.
1995માં સ્ટૅમ્પપેપર કૌભાંડમાં તેલગીની સામે પ્રથમ કેસ થયો હતો, તેના 11 વર્ષ પછી સીબીઆઈની અદાલતે તેને 30 વર્ષની જેલની સજા ફટકારી હતી. એ સમયે તેણે બચાવમાં ઍઇડ્સ, હૃદયરોગ અને ડાયાબિટીસની બીમારીથી મરી રહ્યો હોઈ સજામાં રાહત આપવા અપીલ કરી હતી.

અને પછી....

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટૅમ્પપેપરની કિંમત રોકડ જેવી હોવા છતાં, તે 'ચલણી' નથી, તે એક વખત વપરાય જાય અને 'રેકર્ડ રૂમ'માં જતાં રહે, એ પછી વર્ષો સુધી તેની ઉપર નજર નાખનારું કોઈ નથી હોતું. એટલે તેલગીના કાર્યકાળ દરમિયાન કેટલા કરોડના સ્ટૅમ્પપેપર વેચ્યા અને કેટલા કરોડનું કૌભાંડ થયું, તે અંગે કોઈ ચોક્કસ આંકડો કહેવો કે સ્વીકારવો મુશ્કેલ બની રહે. છતાં એક અનુમાન પ્રમાણે, આ કૌભાંડનું કદ 32 હજાર કરોડ જેટલું મોટું હતું.
તેલગી કૌભાંડ પછી સ્ટૅમ્પપેપરમાં ચલણી નોટોની જેમ કેટલાક સિક્યૉરિટી ફિચર્સ ઉમેરવામાં આવ્યા તથા તેની ઉપર નંબર નાખવાનું પણ શરૂ થયું, જેથી કરીને ક્યારે છપાયાં તથા કોના દ્વારા વેચવામાં આવ્યા, વગેરે જેવી માહિતી મેળવવી સુગમ બને.
નાસિક પ્રેસ તથા ટંકશાળની સુરક્ષા ડિપાર્ટમેન્ટ સિક્યૉરિટી ઑર્ગેનાઇઝેશન પાસેથી લઈને કેન્દ્રીય અર્ધસુરક્ષાબળ સીઆઈએસએફને (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ) સોંપી દેવામાં આવી. વર્ષ 2009થી દેશ માટે જરૂરી એવા દસ્તાવેજોનું અહીંથી છાપકામ બંધ થયું. નાસિક સિવાય મધ્ય પ્રદેશની દેવાસ પ્રેસની સુરક્ષા પણ સીઆઈએસએફને સોંપી દેવામાં આવી છે.
તેલગી પ્રકરણમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બોધ લીધો અને 'ઇ-ફ્રૅન્કિંગ'નું ચલણ વધ્યું. જેમ મોબાઇલ દુકાનદાર પોતાના ટેલિફોનની બૅલેન્સ દ્વારા ગ્રાહકોના એકાઉન્ટને રિચાર્જ કરી શકે છે, એવી જ રીતે બૅન્કો, સહકારી બૅન્કો, ઍડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના માન્ય વ્યવસાયિકો 'પ્રિપેઇડ સિસ્ટમ'થી તેમના ગ્રાહકોને ફ્રૅન્કિંગની સુવિધા આપતા થયા છે, આ માટે તેમને કમિશન પણ મળે છે.
26 ઑક્ટોબર, 2017ના જેલવાસ દરમિયાન તેલગીનું મલ્ટીપલ ઑર્ગન ફેલ્યોરથી મૃત્યુ થયું હતું. તેને એઇડ્સ, હૃદયરોગની બીમારી અને ડાયાબિટીસ હતા. તેલગીએ આરોપ મૂક્યો હતો કે કેટલાક પાવરફૂલ લોકોના ઇશારે તેને ઍઇડ્સનું ઇન્જેક્શન અપાયું હતું.
મૃત્યુ સમયે પણ દેશની અલગ-અલગ કોર્ટમાં તેની સામે વિવિધ કેસ ચાલી રહ્યા હતા. મૃત્યુના અમુક મહિના પહેલાં કર્ણાટકનાં ડીઆઈજી પ્રિઝન્સ ડી. રૂપાએ જેલમાં તેને વૈભવી સવલતો મળતી હોવાનો ખુલાસો કર્યો હતો. તેને ચાકરી માટે જેલના બે કેદી મળ્યા હતા, તેના રૂમમાં એલઈડી, ઍરકૂલર, મોટો પલંગ અને આરામદાયક બેડ જેવી સવલતો મળેલી હતી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












