એ દંપતી જેણે લૉટરી જીતવાની 'ટ્રિક' જાણી લીધી અને 2 અબજ રૂપિયા જીત્યા

જેરી સેલ્બી અને તેમનાં પત્ની મર્ગે

ઇમેજ સ્રોત, JERRY SELBEE

    • લેેખક, બીબીસી ન્યૂઝ
    • પદ, .
લાઇન
  • આ દંપતી મિશિગનના એવરેટ્ટ નામના નાના નગરમાં રહેતાં હતાં અને 2003 પહેલાં સીધુંસાદું જીવન જીવતાં હતાં
  • 2003થી 2012 સુધીમાં આ દંપતીએ 26 મિલિયન ડૉલરની કમાણી કરી લીધી હતી
  • અમેરિકામાં લોકો વર્ષે 80 અબજ ડૉલરની લૉટરીઓ ખરીદે છે. એક વ્યક્તિના સરેરાશ 250 ડૉલર થયા
  • બૉસ્ટન ગ્લોબના એક પત્રકારે શોધી કાઢ્યું હતું કે કેટલાં વૅન્ડિંગ મશીન અને સ્ટૉર્સમાંથી વેચાતી ટિકિટોને મોટા પાયે ઇનામો લાગે છે
લાઇન

કયા નંબરની લૉટરી લાગશે તે શોધી કાઢવાનું સપનું સૌ જોતા હોય છે. એ સહેલું નથી હોતું, પરંતુ એક નિવૃત્ત માણસે પાયાના ગણિતના સિદ્ધાંતોને કામે લગાડ્યા અને ક્વિઝને ઉકેલી કાઢવાનો કીમિયો શોધી કાઢ્યો.

જેરી સેલ્બી અને તેમનાં પત્ની મર્ગેએ છેલ્લા એક દાયકામાં અમેરિકાનાં બે રાજ્યોની લૉટરીના એવા નંબરો શોધી કાઢ્યા કે વારંવાર તેમને લૉટરી લાગી જતી હતી.

2003થી 2012 સુધીમાં આ દંપતીએ 26 મિલિયન ડૉલરની કમાણી કરી લીધી હતી.

કેવી રીતે નંબરો ધાર્યા? કાયદાનો ભંગ ના થાય તેવી રીતે ગણિતની સાદી ગણતરી માંડીને સેલ્બીએ કમાણીની ચાવી શોધી કાઢી: "મને બે જ મિનિટમાં ખ્યાલ આવી ગયો કે આ રમતમાં તો મોટી કમાણી થાય તેમ છે."

કેવી રીતે તેમણે કોયડો ઉકેલ્યો તેની કહાણી પરથી ફિલ્મ બનાવવા માટે ઘણા સમયથી મથામણ ચાલતી હતી અને આખરે ગયા મહિને જેરી ઍન્ડ મર્ગે ગો લાર્જ એવા નામે ફિલ્મ આવી.

ફિલ્મમાં બ્રાયન ક્રેન્સ્ટન અને ઍનેટ બેનિંગની જોડી છે, જેનું દિગ્દર્શન કર્યું છે ડેવિડ ફ્રૅન્કલે.

દંપતીની દાસ્તાનને રસપ્રદ બનાવવા ફિલ્મમાં થોડી છૂટછાટ લેવાઈ છે, પણ સેલ્બી દંપતી કેટલું સાદું છે અને લાખોની કમાણી છતાં કેવી રીતે ધીરગંભીર રહ્યું તેની કથા છે.

ચેતવણી: આગળ લેખમાં ફિલ્મની વાર્તા થોડી છતી થઈ જશે.

line

"આ તો પાયાનું ગણિત છે"

લૉટરી

ઇમેજ સ્રોત, PARAMOUNT+

દુનિયાની નાણાબજારમાં ન્યૂ યૉર્કના જૉર્ડન બૅલફોર્ટ જેવાએ જે ચાલાકીઓ કરી હોય તેનાથી સેલ્બી દંપતીની કથા તદ્દન ઊલટી છે.

આ દંપતી મિશિગનના ઍવરેટ્ટ નામના નાના નગરમાં રહેતા હતા અને 2003 પહેલાં સીધુંસાદું જીવન જીવતા હતા.

નિવૃત્ત થયાના થોડા દિવસ પછી જૅરી સેલ્બીને રસ્તા પર રાજ્યની વિન્ડફૉલ લૉટરીની જાહેરખબર જોવા મળી.

જાહેરખબર વાંચીને તેમના મનમાં ગણિતના આંકડા મંડાવા લાગ્યા. વૅસ્ટર્ન મિશિનગ યુનિવર્સિટીમાં તેમને ગણિત સાથે પનારો હતો તે હવે ઉપયોગી લાગી રહ્યો હતો.

સીબીએસ સાથેના ઇન્ટરવ્યૂમાં સેલ્બીએ કહ્યું કે "મને એક રીત સૂઝી આવી."

લૉટરી

ઇમેજ સ્રોત, PARAMOUNT+

વિન્ડફૉલ લૉટરી જીતવા માટે છ ડ્રૉ થવાના હોય તે બધાના નંબરો મેળવવાના હોય છે. છ નંબર કોઈ ના ધારી શકે ત્યારે ઇનામ પાંચ, ચાર અને ત્રણ નંબરો ધારી શકનારા વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે.

આ નિયમ પ્રમાણે તમારે વધારે સંખ્યામાં લૉટરી ખરીદીને જીતવાની તકો વધારવાની હોય છે. સેલ્બીએ કેટલીક ગણતરી માંડીને કમસે કમ ચાર નંબરો ધારી શકાય તેવી રીતે ટિકિટો ખરીદવાનું શરૂ કર્યું. આ માટે તેમણે 1,100 ડૉલરની લૉટરીઓ લીધી.

"મેં 18 ટિકિટો ખરીદેલી, તેમાંથી ચાર નંબરોવાળી એક ટિકિટ લાગી ગઈ અને 1,000 ડૉલર મળી ગયા. 18 ટિકિટોના ત્રણ નંબરો હતા તેમાં પણ દરેક માટે 50 ડૉલરનું ઇનામ મળ્યું એટલે કુલ મળ્યા 900 ડૉલર. આ રીતે મેં 1,100 ડૉલરની ટિકિટો ખરીદીને 1,900 ડૉલર જીતી લીધા."

બહુ સરળ હોય તે રીતે વાત કરતાં કહે છે, "આ તો પાયાનું ગણિત છે."

line

અઘરી તકો

લૉટરી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં લોકો વર્ષે 80 અબજ ડૉલરની લૉટરીઓ ખરીદે છે. એક વ્યક્તિના સરેરાશ 250 ડૉલર થયા.

સેલ્બીએ સરેરાશ માણસ કરતાં વધારે નાણાં લૉટરીમાં નાખ્યા હતા, પણ એવી રીતે નંબરો પસંદ કર્યા હતા કે ઇનામો લાગવાની તક વધી જાય. પ્રથમ પ્રયાસે જ ફાયદો થઈ ગયો હતો.

જૅરીએ હવે આગળ વધવાનું નક્કી કર્યું અને બીજી વાર 3,600 ડૉલરની ટિકિટો ખરીદીને 6,300 મેળવી લીધા. તે પછી 8,000 ખર્ચીને બમણી કમાણી કરી. આટલી કમાણી થઈ ત્યાર પછી તેમણે પત્નીને જણાવ્યું હતું કેવો ઉપાય તેમને મળી ગયો છે.

હવે બંને ભેગાં મળીને હજારો ડૉલરની ટિકિટો ખરીદવા લાગ્યાં અને એક કંપની પણ સ્થાપી - જીએસ ઇન્વૅસ્ટમેન્ટ સ્ટ્રૅટેજીઝ, જેથી કમાણીનો સારો ઉપયોગ થઈ શકે. પોતાના સમુદાયના લોકોને પણ તેમાં જોડવામાં માટે કંપનીના શૅર 500ના ભાવે વેચ્યા.

તેમની કંપનીમાં ખેડૂતોથી માંડીને વકીલો સુધી જોડાયા અને તેઓ હવે મોટું રોકાણ લૉટરીમાં કરી શકે તેમ હતા. દંપતીના હિસાબી ચોપડા અનુસાર તેમને સૌથી મોટું ઇનામ લાગેલું હતું તે હતું 853,000 ડૉલરનું.

લૉટરી

ઇમેજ સ્રોત, PARAMOUNT+

પતિ-પત્ની નિવૃત્ત હતાં એટલે આ રીતે લૉટરીમાંથી કમાણીની વાત આકર્ષક હતી, પરંતુ યોગ્ય નંબરો સાથેની ટિકિટો ખરીદવા માટે બહુ સમય આપવો પડતો હતો અને મહેનત કરવી પડતી હતી.

તે પછી મિશિગન સ્ટેટની વિન્ડફૉલ લૉટરી બંધ થઈ ગઈ એટલે કમાણી અટકી પડી.

પછી એક મિત્ર પાસેથી જાણ્યું કે હજારો કિમી દૂર મૅસેચૂસેટ્સમાં આવી જ રીતે કૅશ વિન્ડફૉલ લૉટરી ચાલે છે. તેના માટે ગણતરી માંડી તો સેલ્બીને ખ્યાલ આવી ગયો કે અહીં પણ કમાણી થઈ શકે છે.

તે પછીનાં છ વર્ષ સુધી દંપતી અમેરિકાનાં છ રાજ્યોમાં ફરતાં રહ્યાં અને લૉટરી ટિકિટનાં મશીનોમાંથી કૅશ વિન્ડફૉલની લૉટરી ખરીદતા રહ્યા.

તેઓ વર્ષે લગભગ સાત વખત 600,000 ડૉલરની લૉટરીઓ ખરીદતા હતા.

સેલ્બી દંપતી હોટલમાં રહેતા અને 10 દિવસ સુધી જાતમહેનત કરીને લૉટરીઓ અલગ તારવતા. સેલ્બી હવે 80 વર્ષનાં થયાં છે અને તેઓ કહે છે કે આ કામમાં પણ મજા પડતી હતી.

"તમે કશુંક સફળ કામ કરી રહ્યા છો તેનો સંતોષ મળતો હતો. માત્ર અમારા માટે નહીં, પણ મિત્રો અને સગાંઓને ફાયદો કરાવી રહ્યાં હતાં."

line

શું આ ગેરકાયદે હતું?

લૉટરી

ઇમેજ સ્રોત, PARAMOUNT+

તેમની આ કમાણીનો રસ્તો આખરે 2012માં બંધ થઈ ગયો. તેમણે 18 મિલિયનની ટિકિટો ખરીદી હતી.

બૉસ્ટન ગ્લોબના એક ખણખોદિયા પત્રકારે શોધી કાઢ્યું હતું કે કેટલાં વૅન્ડિંગ મશીન અને સ્ટૉર્સમાંથી વેચાતી ટિકિટોને મોટા પાયે ઇનામો લાગે છે.

માત્ર સેલ્બી આ રીતે કમાણી કરતા હતા તેવું નહોતું. પ્રસિદ્ધ એમઆઈટીના કેટલાક વિદ્યાર્થીઓને પણ ટ્રિક મળી ગઈ હતી અને તે લોકો પણ કેશ વિન્ડફૉલમાંથી કમાણી કરી રહ્યાં હતાં.

અમુક જ લોકોને ઇનામો લાગી રહ્યા છે તેના પર ધ્યાન ગયું તે પછી સરકારે તપાસ કરાવી હતી કે શું કોઈ ગોલમાલ ચાલી રહી છે કે શું. જોકે અધિકારીઓને ખ્યાલ આવ્યો કે આમાં કશું ગેરકાયદે થઈ રહ્યું નથી.

લૉટરી

ઇમેજ સ્રોત, Getty Images

તપાસ કરનારા અધિકારી ગ્રેગ સુલિવાને સીબીએસને જણાવ્યું હતું કે "મને આઘાત લાગ્યો અને નવાઈ લાગે કે આ ગણિતનાં ભેજાંઓએ રાજ્યની લૉટરીમાંથી લાખોની કમાણી કરવાનો રસ્તો શોધી કાઢ્યો હતો."

સેલ્બી કે વિદ્યાર્થીઓ પોતાની રીતે આ ગેમ રમે તેના કારણે અન્ય કૅશ વિન્ડફૉલ રમનારાને કોઈ નુકસાન થતું નહોતું. તે લોકો પણ છ નંબરો મેળવી શકતા હતા. કોઈને પણ ગણિતની આ રીતે સમજાઈ જાય તો કમાણી કરી શકે.

આખરે કેશ વિન્ડફૉલ લૉટરી બંધ કરી દેવી પડી અને હવે આવી રીતે ઊંચી કમાણી કરાવી આપે તે પ્રકારની લૉટરીઓ રાજ્યોમાં બહાર પડતી નથી.

જોકે ત્યાં સુધીમાં સેલ્બી દંપતીએ લાખો ડૉલર કમાઈ લીધા હતા. તેમણે આ પૈસા મોજશોખમાં ઉડાવ્યા નહોતા, પણ પૌત્ર-પૌત્રીના એજ્યુકેશન પાછળ ખર્ચ્યા હતા.

ગણતરી કરીએ તો ખ્યાલ આવે કે આ દંપતીએ 60 ટન જેટલી લૉટરીની ટિકિટો ખરીદી હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન