બનાસકાંઠા : 15 દિવસની મિત્રતા બાદ મિત્રનું મૃત્યુ, દોસ્તે પરિવાર માટે લાખો રૂપિયા એકઠા કર્યા

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મિત્રતા કેટલી લાંબી છે એ નહીં પણ મિત્રતા કેટલી પાકી છે એ સંબંધોની મજબૂતાઈ નક્કી કરે છે. મારી મિત્રતા માત્ર 15 દિવસની હતી પણ જાણે કે 15 વર્ષથી જૂનો નાતો બંધાઈ ગયો હતો."

ઉપરોક્ત શબ્દો 27 વર્ષીય કાનજી દેસાઈના છે જેમણે, પોતાની 15 દિવસની મિત્રતા નિભાવવા માટે મૃત મિત્રના પરિવાર માટે લાખો રૂપિયા એકઠા કરી આપ્યા છે.

મૃતક મંગળભાઈ

ઇમેજ સ્રોત, laxmi patel

ઇમેજ કૅપ્શન, મૃતક મંગળભાઈ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામના પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં કાનજી દેસાઈ 15 દિવસ પહેલાં ફરજ પર હાજર થયા હતા. અહીં તેમની સાથે 30 વર્ષના મંગળ પંડ્યા ફરજ બજાવતા હતા.

માત્ર 15 દિવસમાં મિત્રતા કેળવાઈ હતી ત્યાં તો એક અકસ્માતમાં વિકલાંગ મિત્ર મંગળનું અવસાન થયું હતું.

આ બે કર્મચારી વચ્ચે માત્ર 15 દિવસની મિત્રતા હતી પણ મૃતક મિત્રના પરિવારને મદદ કરવા માટે મિત્ર કાનજી દેસાઈએ સોશિયલ મીડિયા પર મદદ માટે ઝુંબેશ શરૂ કરી અને ગણતરીના દિવસોમાં માતબર રકમ ભેગી કરી.

line

સોશિયલ મીડિયામાં મદદની સરવાણી

કાનજીભાઈ દેસાઈ

ઇમેજ સ્રોત, laxmi patel

ઇમેજ કૅપ્શન, કાનજીભાઈ દેસાઈ

નેનાવા ગામના પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં મલ્ટી પર્પઝ હેલ્થવર્કર તરીકે કામ કરતા મંગળભાઈ પંડ્યાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

કાનજીભાઈ દેસાઈ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે અકસ્માતમાં અચાનક મિત્રનું અવસાન થયા પછી તેના પરિવારની ચિંતા તેમને કોરી ખાવા લાગી હતી. પછી મન બનાવ્યું કે મિત્ર તો સ્વર્ગ પહોંચી ગયો પણ તેના પરિવારને આર્થિક મદદ કરીને તેમના જીવનની મુશ્કેલીઓ ઓછી કરવી જોઈએ.

આ અંગે કાનજીભાઈ દેસાઈએ જણાવે છે, "હું સ્ટાફ નર્સ તરીકે વલસાડમાં કામ કરતો હતો. 15 દિવસ પહેલાં મારી નેનાવા ગામના પ્રાથમિક આરોગ્યકેન્દ્ર ખાતે બદલી થઈ હતી. પછી ત્યાં મારો સંપર્ક મંગળભાઈ પંડ્યા સાથે થયો હતો, જેઓ છેલ્લાં 5 વર્ષથી નિનાવા આરોગ્યકેન્દ્રમાં મલ્ટી પર્પઝ હેલ્થવર્કર તરીકે કામ કરતા હતા."

કાનજીભાઈના જણાવ્યા પ્રમાણે, મંગળભાઈ તેમનાં પત્નીને રાજસ્થાન તેમના પિયર મૂકીને પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતાં તેમને બ્રેઈન હેમરેજ થયું અને તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ બાદ તેમણે સ્ટાફમાં તેમના પરિવારને મદદ કરવા માટેની વાત કરી હતી.

તેઓ કહે છે, "સ્ટાફ મદદ કરવા માટે તૈયાર હતો પરંતુ પૈસાની જવાબદારી લેવા કોઈ તૈયાર ન હતું. ત્યાર બાદ મેં પૈસાની જવાબદારી લેવા માટેની તૈયારી દર્શાવી અને એક વૉટ્સએપમાં ગ્રૂપ બનાવ્યું."

"મારું વૉટ્સએપ સ્ટેટસ જોયા બાદ બનાસકાંઠાના જ નહીં પરંતુ મારા વલસાડના સ્ટાફમિત્રો તેમજ નેનાવા ગામના મિત્રો, બનાસકાંઠાનાં અલગઅલગ આરોગ્યકેન્દ્રના કર્મચારીઓ તેમજ શિક્ષકો અને તલાટીઓ વગેરેએ મદદ માટેની તૈયારી દર્શાવી. પછી હું એ બધાને વૉટ્સએપ ગ્રૂપમાં એડ કરતો ગયો."

કાનજીભાઈ કહે છે કે "15 લોકોથી શરૂ થયેલા વૉટ્સએપ ગ્રૂપમાં બે દિવસમાં 375 મેમ્બર થઈ ગયા. આ 375 સભ્યોએ મળીને રૂ. 3.25 લાખની મદદ કરી."

કાનજીભાઈ કહે છે કે "માત્ર એક જ દિવસમાં રૂપિયા 2.86 લાખની મદદ મળી હતી. ત્યાર બાદ ગત શનિવારે બપોરે 12:00 વાગ્યાથી લઈને રવિવાર સાંજ સુધીમાં મારા ખાતામાં 40,000ની મદદ આવી હતી. અને સોમવારે અમે સ્ટાફમિત્રોએ તેમના પરિવારને પહોંચાડી હતી."

line

'મંગળભાઈ વિકલાંગ પણ મનથી મજબૂત'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

મંગળભાઈ અંગે વાત કરતાં કાનજીભાઈએ જણાવ્યું હતું કે, "મંગળભાઈ ખૂબ જ મળતાવળી વ્યક્તિ હતા. ખૂબ જ જિંદાદિલ. તેઓ પગથી વિકલાંગ હતા પરંતુ માનસિક રીતે ખૂબ જ મજબૂત મનના માનવી હતા."

"ચા પીવાના ખૂબ જ શોખીન અને મિત્રો માટે હંમેશાં હાજર રહેતા."

"અમે જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે તેમનું ઘર છાપરા જેવું છે. એક જ ખાટલો અને મિલકતમાં માત્ર તેમની એક બાઈક હતી."

"મંગળભાઈના માથે દસ લોકોના ગુજરાનની જવાબદારી હતી. મંગલભાઈને ચાર ભાઈ હતા. જેમાંથી બે ભાઈ હયાત છે પરંતુ તેઓ ભણેલા નથી. તેમનું ભરણપોષણ પણ મંગળભાઈ જ કરતા હતા. તેમના મોટા ભાઈનું ચાર વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું."

મંગળભાઈના સંઘર્ષ અને જીવનનિર્વાહ અંગે કાનજીભાઈ કહે છે કે "તેમની (મંગળભાઈના ભાઈ) દીકરી અને દીકરો તેમજ તેમનાં વિધવા પત્નીના ભરણપોષણની જવાબદારી પણ મંગળભાઈએ ઉપાડી હતી. તેઓ વૃદ્ધ માતા-પિતાનો પણ સહારો હતા."

મળતી માહિતી અનુસાર, મંગળભાઈના દોઢ મહિના પહેલાં લગ્ન થયાં હતાં.

મંગળભાઈએ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં નોકરી કરી, એમનો 20,000 પગાર હતો. તેમના માથે પરિવારની જવાબદારી હોવાથી તેમની પાસે કોઈ વીમા કે કોઈ બચત પણ નહોતી.

line

'આખા પરિવારની જવાબદાર હતી'

કાનજીભાઈ તેમના સ્ટાફ સાથે

ઇમેજ સ્રોત, laxmi patel

ઇમેજ કૅપ્શન, કાનજીભાઈ તેમના સ્ટાફ સાથે

મૃતક મંગળભાઈના પિતરાઈ ડાહ્યાભાઈ પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે મંગળભાઈ પરિવારનો આધારસ્તંભ હતા. તેઓ આખા પરિવારનું ગુજરાન ચલાવતા. તેમના મોટા ભાઈના મૃત્યુ બાદ તેમના એકલા પર પરિવારની જવાબદારી આવી પડી હતી.

ડાહ્યાભાઈ કહે છે, "મંગળભાઈના મોટા ભાઈનું ચાર વર્ષ પહેલાં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 5 વર્ષ બાદ બીજી વાર પરિવારે રોડ અકસ્માતમાં બીજો દીકરો ગુમાવ્યો હોવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું."

"મંગળભાઈના સાથી કર્મચારી કાનજીભાઈ દેસાઈ દ્વારા પરિવારને ખૂબ જ મદદ કરવામાં આવી છે. તેમણે આગળ પણ મદદ કરવાનો વાયદો કર્યો છે."

મૃતક મંગળભાઈના પિતા દરજી કામ કરતા હતા, પણ હવે બીમાર હોવાથી પથારીવશ છે. મંગળભાઈએ ખેતરમાં એક ઓરડી બનાવી છે, જે ઓરડીમાં જ તેમનો પરિવાર રહેતો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન