રશિયામાં રહેતો ગુજરાતી કેવી રીતે ચલાવતો હતો મહેસાણામાં નકલી IPL? પોલીસે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, KETAN PATEL
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- પોલીસ અનુસાર મૂળ પાકિસ્તાનનો મઝિદ ચાચા રશિયામાં સટ્ટો રમાડતો હતો
- સટ્ટો લગાવવા માટેની મૅચો ભારતમાં યોજાતી હતી
- આ મૅચો મઝિદનો સાગરિત આસિફ અને અશોક ચૌધરી યોજતા હતા
- અશોક ચૌધરી મૂળ મહેસાણાનો વતની અને રશિયામાં સ્થાયી થયો છે

તાજેતરમાં જ મહેસાણા જિલ્લાના વડનગર પાસેથી ખેતમજૂરોને ક્રિકેટર બનાવીને નકલી આઈપીએલ ઊભી કરીને તેના પર રશિયનોને સટ્ટો રમાડવામાં આવતો હોવાની ઘટના બની હતી. ત્યાર બાદ તપાસમાં દેશમાં ચાર સ્થળોએ આ પ્રકારની મૅચો રમાતી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતથી શરૂ થયેલી તપાસના બીજા જ દિવસે ઉત્તર પ્રદેશના મેરઠમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ભારતમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશ સિવાય જાલંધર અને પુણેમાં પણ આ પ્રકારે નકલી આઈપીએલ રમાડવામાં આવતી હતી.
આ ચારેય જગ્યાઓ પર મૅચ યોજનારા અને કૌભાંડ આચરનારા તમામ લોકો એકબીજા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે આસિફ મહમદ અને અશોક ચૌધરી આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર હતા, પરંતુ તેઓ રશિયામાં બેઠેલાં 'ઍફિમોવ' નામની એક વ્યક્તિના ઇશારે કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જોકે, આ તમામ ઘટનાઓમાં ભારતમાંથી મુખ્ય સૂત્રધાર મૂળ મહેસાણાના અને હાલ રશિયામાં રહેતા અશોક ચૌધરી હોવાનું મહેસાણા સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના પીઆઈ બી. એચ. રાઠોડે જણાવ્યું હતું.

પાકિસ્તાનનો મઝિદ ચાચા મુખ્ય સૂત્રધાર

ઇમેજ સ્રોત, KETAN PATEL
વડનગરના મોલીપુર ગામમાં કેનાલ કિનારે ખેતર ભાડે રાખીને આઈપીએલ રમાડનારા શોએબ દાવડાને રિમાન્ડમાં મોકલાવમાં આવ્યા છે જેમાં નવાનવા ખુલાસા થઈ રહ્યા છે.
મહેસાણા એસઓજીના પીઆઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે, મૂળ મહેસાણાના અશોક ચૌધરી થોડા સમય પહેલાં રશિયા ગયા હતા. ત્યાં એક રશિયન યુવતી સાથે લગ્ન કરીને તેઓ ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા.
તેઓ કહે છે, "તે વારંવાર ગુજરાત આવતા રહેતા હતા. તેમનું વતન મહેસાણા હોવાથી તેઓ અહીંના યુવાનોના સંપર્કમાં પણ હતા અને મહેસાણાથી પૈસા કમાવા માટે પરદેશ જતા લોકોના સંપર્કમાં રહેતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમને પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમને જે ટૅલિગ્રામ ચૅટમાં બધી સૂચનાઓ અપાતી હતી, તેમાં ગ્રૂપમાં એક નંબર પાકિસ્તાનનો અને એક નંબર રશિયાનો હતો."
"વધુ તપાસમાં જાણવા મળ્યું કે રશિયાનો જે નંબર હતો એ આસિફનો હતો. જ્યારે પાકિસ્તાનનો નંબર પાકિસ્તાની સટ્ટાકિંગ મઝિદનો હતો."
"મઝિદને બુકીઓ મઝિદ ચાચા તેમજ એમ.સી કહીને બોલાવતા હતા અને તે જ પાકિસ્તાનમાં બેઠાબેઠા રશિયનોને છેતરવા માટે ભારતમાં નકલી ક્રિકેટ ટુર્નામેન્ટોનું આયોજન કરાવતો હતો."
આ સમગ્ર કૌભાંડમાં અશોક ચૌધરીની ભૂમિકા વિશે પીઆઈ રાઠોડ કહે છે, "અશોક ચૌધરી મહેસાણા સહિત ભારતભરમાંથી રશિયા પૈસા કમાવા આવતા લોકોની જરૂરિયાત જાણીને આસિફ સાથે મુલાકાત કરાવતા હતા. પાકિસ્તાનમાં બેસીને રશિયાથી સટ્ટો રમાડવા માટેની કડી અશોક ચૌધરી હતા."
અશોક ચૌધરીએ જ મહેસાણાથી પૈસા કમાવા આવેલા શોએબ દાવડાને આસિફ સાથે પરિચય કરાવ્યો હતો. આ સાથે પીઆઈ રાઠોડે હાલમાં તપાસ ચાલુ હોવાથી આગામી સમયમાં નવા ખુલાસા થશે, તેમ જણાવ્યું હતું.

આસિફ અને મઝિદનું કનેક્શન શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પીઆઈ રાઠોડ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી તપાસ દરમિયાન ખબર પડી કે શોએબ દાવડા જે પબમાં કામ કર્યું હતું ત્યાં તેમની ઓળખાણ અશોક ચૌધરી સાથે થઈ હતી."
પોલીસ અનુસાર અશોક ચૌધરી મૂળ મહેસાણાના છે. અશોક ચૌધરીએ શોએબની ઓળખાણ આસિફ સાથે કરાવી હતી. આસિફ અને અશોક ચૌધરીએ ભેગા મળી નકલી આઈપીએલ રમાડીને સટ્ટા નો પ્લાન કર્યો હતો. રશિયાથી ગુજરાત આવ્યાં પહેલાં એમને આઈપીએલ રમાડવાના આસિફે પૈસા આપ્યા હતા. બાકીના પૈસા અશોક ચૌધરીએ હવાલાથી વિસનગર મોકલાવ્યા હતા.
રાઠોડ કહે છે કે, "અમે શોએબના ટૅલિગ્રામ મૅસેજ જોયા તો એ પાકિસ્તાનના નંબરના હતા. જેની તપાસ કરતાં એ પાકિસ્તાની બૂકી મઝિદ ચાચાના હોવાનું ખબર પડી હતી. અમે ઉત્તર પ્રદેશની મેરઠ પોલીસના સંપર્કમાં છીએ."
"આસિફ મઝિદ ચાચાના પંટર તરીકે કામ કરે છે. મહેસાણા એલસીબીની ટીમ ઉત્તર પ્રદેશ ગઈ છે."
"મેરઠથી ખાસ કૉમેન્ટ્રી કરવા ગુજરાત આવેલા શાકિબ સૈફી આસિફના દૂરના સગાં હોવાની માહિતી છે પરંતુ યુપીની પોલીસ સાથેના જૉઇન્ટ ઑપરેશન બાદ અમે વધુ વિગતો આપી શકીશું કે આ ગૅંગ ભારતમાં કયાં બીજી મૅચ રમાડી સટ્ટાનો કારોબાર કર્યો છે."

'પાછા આવવા પૈસા ભેગા કરી કામ છોડ્યું'

ઇમેજ સ્રોત, Sanket Sidana
મહેસાણાથી પૈસા કમાવા માટે દેવું કરીને ગેરકાયદેસર રીતે રશિયા અને ત્યાર બાદ યુક્રેન ગયેલા મહેસાણાના એક યુવાને નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, "મારા એજન્ટે મને વિઝિટર વિઝા અપાવીને મોકલ્યો હતો અને કહ્યું હતું કે ત્યાં ઓળખાણથી વર્ક પરમિટ કરાવી આપશે."
તેઓ આગળ કહે છે, "મારે દેવું ચૂકવવાનું હોવાથી મેં ગેરકાયદેસર રીતે રૅસ્ટોરાં અને પબમાં રોજમદારી પર કામ કરવાનું શરૂ કર્યું. એવામાં એક દિવસે પબમાં અશોક ચૌધરી સાથે મુલાકાત થઈ હતી."
"રશિયન છોકરી સાથે પરણેલા અશોક ઉત્તર ગુજરાતમાં બોલાતી બોલીમાં વાત કરતા હતા પણ તેઓ ક્યારેય પોતાના ગામનું નામ કહેતા ન હતા. તેઓ અમારા જેવા ગેરકાયદેસર રીતે જતા લોકોને રાખતા અને સાથે જ કામ પણ અપાવતા હતા. ગેરકાયદેસર જતા લોકોને પૈસાની જરૂર હોવાથી તેઓ તેની સાથે જોડાઈ પણ જતા હતા."
"મને ખબર હતી કે તેઓ સટ્ટો રમાડે છે પણ પૈસા ભેગા કરવાના હોવાથી મેં ભારત પાછા આવવા ટિકિટના પૈસા બચે ત્યાં સુધી કામ કર્યું અને જાન્યુઆરીમાં પાછા આવી ગયા."
અંતે યુવાન કહે છે, "હું પાછો આવ્યો ત્યાર બાદ પણ એક દિવસ અશોક ચૌધરીનો મને ફોન આવ્યો હતો. તેઓ ભારત આવ્યા હતા અને મળવા માટે કહી રહ્યા હતા પરંતુ હું તેને મળવા ગયો ન હતો."

'અશોક ચૌધરી નવા સટ્ટોડિયા'
એક સમયના સટ્ટાકિંગ ગણાતા દિનેશ કલગી સાથે કામ કરી ચૂકેલાં ડી. પી. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હું જ્યારે આ ફિલ્ડમાં હતો ત્યારે થરાદના ડી. કે. એટલે કે દિનેશ ખંભાત મેદાનમાં આવ્યા હતા. તેઓ દુબઈથી સટ્ટો રમાડતા હતા."
"તે સમયે સટ્ટાબજારમાં સૌથી વધારે પૈસો ઉત્તર ગુજરાતના થરાદ, ભાભર, ઊંઝા અને મહેસાણાના લોકો લગાવતા હતા. અશોક ચૌધરી ડી. કે.ની જેમ નવા સટ્ટોડિયા છે. સટ્ટા પર પોલીસની નજર કડક થતાં આ લોકો બચવા માટે પરદેશમાં બેસીને ટેકનૉલૉજીની મદદથી સટ્ટો રમાડી રહ્યા છે."
તેઓ વધુમાં કહે છે, "રશિયા જતાં પહેલાં અશોક નાના બુકી હતા પણ પાકિસ્તાનમાં બેઠેલા મઝિદ ચાચા સટ્ટાના માસ્ટરમાઇન્ડ છે. તે પાકિસ્તાનમાં બેસીને દુબઈથી સટ્ટો રમાડતા હતા પણ સટ્ટાબજારમાં તેમની શાખ સારી ન હોવાથી લોકો તેમની પાસે જતા ન હતા, જો હવે તે બજારમાં પાછા આવ્યા હોય તો આવા ગેરકાયદેસર કામ શરૂ થાય તેમાં નવાઈ નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













