રાજકોટની મહિલાઓ 'માસિક કપ'થી કેવી રીતે પ્રદૂષણ સામે લડી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images

- મહિલાઓના મુદ્દાઓ પર કામ કરતી સામાજિક સંસ્થા લાલ સખી માસિક સમયે મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગ અંગે ભારતભરમાં જાગૃતિ ફેલવવાનું કામ કરી રહી છે
- આ કપની કિંમત 250 રૂપિયા છે પરંતુ મહિલાઓને 10, 20 અને 50 રૂપિયાના હપ્તેથી પણ કપ ખરીદવાની સુવિધા આપવામાં આવી રહી છે
- સંશોધકોનું માનવું છે કે મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગથી ઇન્ફૅક્શન ઘટાડી શકાય છે
- વિશ્વભરમાં, માસિક સ્રાવની ઉંમરની 1.9 અબજ મહિલાઓ તેમના વર્ષના 65 દિવસ માસિક સ્રાવમાં વિતાવે છે, પરંતુ આજે પણ સૅનેટરી ઉત્પાદનોને લઈને અલ્પ અભ્યાસો થયા છે
- આની બીજી વિશેષતા એ છે કે તેના દ્વારા બનાવેલ વૅક્યૂમ માસિક ધર્મના લોહીને હવાના સંપર્કમાં આવવા દેતું નથી, જેના કારણે આ સમય દરમિયાન અન્ડરવેરમાંથી દુર્ગંધ આવતી નથી
રાજકોટના પીપળિયા ગામના કાત્યાની તિવારી ઘરે-ઘરે જઈને મહિલાઓને માસિક સમયે મૅન્સ્ટ્રુઅલ કપ એટલે કે માસિક કપના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.
હાલમાં માસિક સંબંધિત મુદ્દાઓ પર ખૂલીને ચર્ચા કે વાત નથી થતી. ઉપરાંત માસિક સમયે મહિલાઓને પડતી તકલીફો વિશે પણ કોઈ બોલતું નથી.
આ સ્થિતિમાં કાત્યાની તિવારી ગામડે-ગામડે જઈને આ પડકાર સામે લડે છે અને મહિલાઓને આ મુદ્દે જાગૃત કરે છે.
બીબીસી સાથે વાત કરતાં કાત્યાયની તિવારી કહે છે, "10 ગામોમાં હું મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છું. હું મહિલાઓને મૅન્સ્ટ્રુઅલ કપની વાત કરું છું તો મહિલાઓ પહેલો તો તેને હળવાશથી લે છે અને કહે છે કે માસિક સમયે પૅડ અને કાપડ વાપરવામાં કોઈ વાંધો નથી. માસિકમાં અહીં મહિલાઓ વધુ કાપડનો ઉપયોગ કરે છે."
તેઓ ઉમેરે છે, "જોકે ગ્રામીણ મહિલાઓને થોડી સમજાવતાં તેઓ તૈયાર થઈ જાય છે."

મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગથી ખુશ પીપળિયાનાં વર્ષા ચૌહાણ કહે છે, "હું પહેલાં કાપડ વાપરતી હતી અને હવે મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરું છું. માસિકધર્મમાં વપરાતું કાપડ સુકવવામાં તકલીફ પડતી હતી. પૅડના કારણે પ્રદૂષણ થતું હતું. આ બધી સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે."
મહિલાઓના મુદ્દાઓ પર કામ કરતી સામાજિક સંસ્થા લાલ સખી માસિક સમયે મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગ અંગે ભારતભરમાં જાગૃતિ ફેલવવાનું કામ કરી રહી છે.
પ્રોજેક્ટ ધરતી નામ અંતર્ગત તેઓ આ કાર્ય કરી રહ્યા છે જેનો હેતુ મહિલાઓનું સ્વાસ્થ્ય સુધારવાનો અને સૅનેટરી પૅડને કારણે ફેલાતા પ્રદૂષણને ઘટાડવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકોટ તાલુકા વિકાસ વિભાગે લાલ સખી સાથે મળીને રાજકોટના 10 ગામોમાં આ પાઇલટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી કહે છે, "મહિલામાં માસિકધર્મમાં પુરતી કાળજી નહીં લેવાતા આરોગ્ય પર વિપરીત અસર થાય છે. આ સમસ્યાનાં નિરાકરણ માટે માસિક કપના વિતરણનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે."
રાજકોટ સરકારી તંત્રના વડપણ હેઠળ મહિલાઓને મૅન્સ્ટ્રુઅલ કપ આપવામાં આવે છે. આ કપની કિંમત 250 રૂપિયા છે પરંતુ મહિલાઓને 10, 20 અને 50 રૂપિયાના હપ્તેથી પણ કપ ખરીદવાની સુવિધા આપવામાં આવી રહી છે.
હાલમાં આ ગામોની મહિલાઓમાં મૅન્સ્ટ્રુઅલ કપ અને પર્યાવરણ બન્ને બાબતે જાગૃતિ આવી રહી છે જે અન્ય ગુજરાતની મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.

ઉપયોગિતા અને અભ્યાસ
માસિક કપનો વારંવાર ઉપયોગ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે મહિલાને તેમના સમગ્ર જીવન દરમિયાન સરેરાશ 450 વખત માસિક આવે છે.
મતલબ કે એક મહિલાએ તેના જીવનમાં લગભગ 7,200 સૅનેટરી પૅડનો ઉપયોગ કરવો પડે. જ્યારે મૅન્સ્ટ્રુઅલ કપની સૌથી મોટી ખાસિયત એ છે કે એક કપ 3 થી 10 વર્ષ સુધી ટકી શકે છે.
આ સિવાય પર્યાવરણના દૃષ્ટિકોણથી પણ તેને વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે.
આની બીજી વિશેષતા એ છે કે તેના દ્વારા બનાવેલ વૅક્યૂમ માસિક ધર્મના લોહીને હવાના સંપર્કમાં આવવા દેતું નથી, જેના કારણે આ સમય દરમિયાન અન્ડરવેરમાંથી દુર્ગંધ આવતી નથી.
સંશોધકોનું માનવું છે કે મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગથી ઇન્ફૅક્શન ઘટાડી શકાય છે.
માસિક કપને લઈને એક સંશોધન લૅન્સેટ પબ્લિક હૅલ્થ જર્નલમાં પ્રકાશિત થયું હતું. આમાં 3300 અમીર અને ગરીબ છોકરીઓ અને મહિલાઓને સમાવા 43 અભ્યાસ કરવામાં આવ્યા હતા.
અધ્યયનના લેખકોમાંના એક પ્રોફેસર પેનેલોપ ફિલિપ્સ-હોવર્ડે જણાવ્યું હતું કે: "વિશ્વભરમાં, માસિક સ્રાવની ઉંમરની 1.9 અબજ મહિલાઓ તેમના વર્ષના 65 દિવસ માસિક સ્રાવમાં વિતાવે છે, પરંતુ આજે પણ સૅનેટરી ઉત્પાદનોને લઈને અલ્પ અભ્યાસો થયા છે."
એવું જાણવા મળ્યું કે માસિક કપની સામાન્ય સમસ્યા એ હતી કે તેનો ઉપયોગ કરવામાં પીડા થાય છે અને કાઢવામાં તકલીફ પડે છે.
13 અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 70 ટકા મહિલાઓ મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવા માંગે છે.
300 મહિલાને સમાવતા ચાર અભ્યાસોમાં લિકેજની સરખામણી કરવામાં આવી હતી. લિકેજ ત્રણ અભ્યાસોમાં સમાન હતું પરંતુ એક અભ્યાસમાં માસિક કપમાં ઓછું લિકેજ જોવા મળ્યું હતું.

કેવી રીતે વાપરવો?
- તમારા શરીર પ્રમાણે માસિક કદની સાઇઝ પસંદ કરો. ઉપયોગમાં લેતા પહેલા ખાતરી કરવી કે કપ સ્વચ્છ અને સૂકાયેલો હોય.
- કપને ફોલ્ડ કરીને યોનિમાં દાખલ કરો. કપ અંદર ગયા પછી ખૂલશે અને આસપાસની જગ્યાને આવરી લેતા લિકેજ થવા દેશે નહીં.
- આ કપ યોનિમાર્ગમાં ફિટ થાય છે અને ફરીથી ઉપયોગ કરી શકાય છે. આ કપ 10 વર્ષ સુધી ટકી શકે છે.
- સિલિકૉન, રબર કે લેટેકસમાંથી બનેલા મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ ચોક્કસપણે વધી રહ્યો છે, છતાં તેના વિશે બહુ ઓછી જાગૃતિ છે.
આ કપ વિવિધ સાઈઝમાં ઉપલબ્ધ છે. તેની લંબાઈ 4 થી 6 સેમીની વચ્ચે હોય છે. ઉપરના ભાગે તેનો વ્યાસ 3 થી 5 સેમીનો હોય છે.
પ્રથમ ઉપયોગ કરતાં પહેલાં, માસિક કપને સ્ટવ પર અથવા માઇક્રોવેવમાં 5 મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળો જેથી તે વાપરવા માટે સુરક્ષિત બને. ઘણી બ્રાન્ડ્સ આ માટે એક ખાસ પ્રકારનું કન્ટેનર પણ પ્રદાન કરે છે.
માસિક સ્રાવ દરમિયાન તેના ઉપયોગ દરમિયાન વારંવાર પાણી અને સાબુથી સારી રીતે સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. અને જ્યારે માસિક સ્રાવ પૂરો થાય, ત્યારે ઉકાળીને જ્યારે તેનો ઉપયોગ ન હોય, ત્યારે તેને કાપડની થેલીમાં બંધ કરીને રાખવો. પછી જ્યારે માસિક સ્રાવ શરૂ થાય, ત્યારે ઉપયોગ કરતા પહેલા તેને ફરીથી ગરમ પાણીમાં ઉકાળવો જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

















