PCOD : પિરિયડ્સ અનિયમિત આવે તો ગર્ભ ન રહે?

    • લેેખક, ડૉ. સાઇજા ચંદુ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તે દિવસે મારે સવાર-સવારમાં ઑપરેશન-થિયેટરમાં જવું પડ્યું હતું, ત્યાંથી આવ્યા પછી મારું ધ્યાન ગયું કે ઓપીડીમાં સામાન્ય કરતાં વધારે લોકો હતા. મારા રૂમની બહાર ચાર-પાંચ લોકો રાહ જોઈ રહ્યા હતા.

સગર્ભા

ઇમેજ સ્રોત, AFP

મેં મારા સ્ટાફને કહ્યું કે બેસેલાં વૃદ્ધ મહિલાને વ્હિલચૅરમાં મોકલો, પરંતુ જ્યારે તેમને વ્હિલચૅર પર બેસાડતા હતા ત્યારે હૉસ્પિટલના ડાયાલિસીસ વિભાગમાં કામ કરતાં નર્સે તેમનો રસ્તો રોક્યો અને વૃદ્ધ મહિલાને અપીલ કરી કે "મેડમ, મહેરબાની કરજો, ખૂબ જ તાત્કાલિક છે. અમે પહેલાં જઈએ."

વૃદ્ધ મહિલા માની ગયાં અને કહ્યું, "વાંધો નહીં, હું એક કલાકથી બેઠી છું, બીજી પંદર મિનિટ માટે રાહ જોઈ શકીશ. તમે જાઓ."

મને આશ્ચર્યુ થયું કે આટલું તાત્કાલિક શું છે? તેમની સાથે એક જુવાન મહિલા હતી. મેં કહ્યું, "હું પહેલાં વૃદ્ધ સ્ત્રીને તપાસીસ, મહેરબાની કરીને દસ મિનિટ રાહ જુઓ."

મહિલાએ પોતાનું માથું હલાવ્યું અને પોતાની નજર નીચી કરીને બેગ ખોળામાં મૂકી. તેમનો ચહેરો નાનો થઈ ગયો હતો અને તેઓ નબળાં લાગતાં હતાં.

જે નર્સ તેમને લાવ્યાં હતાં, તેમને અસંતોષ હતો અને તેઓ ત્યાં બેચેન ઊભાં હતાં. મેં જ્યાં સુધી વૃદ્ધાને તપાસ્યાં ત્યાં સુધી તેઓ તણાવપૂર્ણ રીતે રાહ જોઈ રહ્યાં હતાં.

મેં અંદર આવવા કહ્યું અને તેઓ તરત જ દોડી આવ્યાં, "અમે ઘણી બધી આશાઓ લઈને આવ્યા છીએ. મેડમ, મહેરબાની કરીને તમારે કંઈક કરવું જોઈએ."

તેઓ આજીજી કરતાં હતા. તેઓ તેમના ભાઈનાં પત્નીને તપાસ માટે લઈને આવ્યાં હતાં, તેમને ગર્ભ રહેતો ન હતો.

પિરિયડ્ય

ઇમેજ સ્રોત, Getty Images

નર્સે કહ્યું, "ગઈકાલે આખો દિવસ તેમણે પાણી પીધું ન હતું, માત્ર તેઓ જ નહીં આખું ઘર તણાવમાં હતું."

મેં પૂછ્યું, "શું થયું?"

નર્સે જવાબ આપ્યો, "મેડમ, ભાભીને ગર્ભ નથી રહેતો. ઘરમાં કોઈ ખુશ નથી. કૃપા કરીને જુઓ કે કોઈક રીતે તેમને ગર્ભ રહે."

નર્સે વાત ચાલુ રાખી, "મહેરબાની કરીને કોઈ સારી દવાનો ઉપયોગ કરો. જરૂર પડે તો વિદેશી દવાનો પણ. પહેલાં જુઓ તેમને શું થયું છે."

મેં પૂછ્યું, "તમારું નામ શું છે?"

નર્સે કહ્યું, "વર્ધની. મેડમ, પહેલાં તમે મારાં માતાનું ઑપરેશન કર્યું હતું. માતાએ પણ મને કહ્યું હતું કે ભાભીને તમને બતાવીએ."

મેં યુવાન છોકરી સામે જોયું. તેઓ નીચે જોઈ બેઠાં હતાં. તેઓ આ પ્રકારની સ્થિતિમાં પહોંચવા માટે ખૂબ જ યુવાન હતાં.

સુંદર, વક્ર નાક અને હોઠ એવા લાલ કે જાણે લિપસ્ટિકની જરૂર ન પડે; પરંતુ આંખો ઉદાસ હતી અને તેઓ અસ્વસ્થ હતાં.

મેં તેમને પૂછ્યું, "તમને સારું છે?"

તેમણે પોતાની આંખો ઊંચી કરીને મારી સામે જોયું.

નિર્દોષ આંખો...

મને તેમની પીડાનો અનુભવ થયો. ઘણી વખત, શબ્દો ન કહેતાં હોય એટલું હાવભાવ કહી દેતા હોય છે.

મેં તેમને સાંત્વના આપતાં પૂછ્યું, "મને કહો, તમને બધું બરાબર છે?"

"પેટમાં દુખાવો થાય છે, આજે બીજો દિવસ છે."

નર્સે જ ફરી જવાબ આપ્યો, "એનો અર્થ એ કે કાલે પહેલો દિવસ હતો. તેઓ ચીડિયા હતાં. જ્યારથી તેમનાં પિરિયડ્સની શરૂઆત થઈ, ત્યારથી તમામ નિરાશ અને બેચેન છે."

"તેમને પિરિયડ્સ પણ યોગ્ય રીતે આવતા નથી. હંમેશાં મોડા આવે. મેડમ, અમે લગ્ન પહેલાં તેમની માસિક પીડા વિશે જાણતા ન હતા. મહેરબાની કરીને જુઓ કે શું તેમને બાળક આવવાની શક્યતા છે."

પીસીઓડી

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ દર્દીના ચહેરા પર જોયા વિના બોલી રહ્યાં હતાં.

દર્દીના ચહેરા પરની પીડા જોઈને મેં તેમને પૂછ્યું, "તમે દુખાવા માટે કોઈ ગોળી લીધી છે?"

નર્સે વચ્ચેથી વાત કાપતાં કહ્યું, "ના, કોઈ દવા નહીં. જો ગોળીઓનો ઉપયોગ કરશે તો ગર્ભાવસ્થામાં વાર લાગશે. આવી કોઈ વસ્તુ ન જોઈએ."

મેં બહેનને કહ્યું, "દુખાવો થવો એ પહેલાં દિવસે અંડ છૂટાં પડે તેની નિશાની છે. આ કોઈ રોગ નથી. દુખાવા માટે કોઈ દવા લે તો તેનાથી કોઈ હાનિ પહોંચતી નથી. દવાનો ઉપયોગ કરવાથી પણ બાળકનો જન્મ થશે."

મેં બેલ મારીને નર્સને ગોળી લાવવા માટે કહ્યું.

તેમના ભાભીએ ગોળી લીધી પછી નર્સે બોલવાનું ચાલુ રાખ્યું, "તેમને હંમેશાં પિરિયડ્સ મોડા આવે છે."

"કેટલાં મોડાં?", મેં પૂછ્યું.

છોકરીએ કહ્યું, "પાંચથી છ દિવસ"

"જો પિરિયડ્સ મોડા આવે તો તેમને બાળક હશે મેડમ? મારે આવું નથી. મને નિયમિત આવે છે. કૅલેન્ડર સામે જોવાની જરૂર નથી, દિવસનો પણ ફરક જોવાની જરૂર નથી."

"કેટલીક મહિલાઓને 35 દિવસની સાઇકલ હોય છે. બધા લોકોમાં એ જ દિવસે આવતા નથી. તેમાં કશું ખોટું નથી. બાળક જન્મવામાં અવરોધ આવશે નહીં."

"એટલું જ નહીં મેડમ, તેમને PCOD છે. તેમને ચહેરા પર વાળ પણ છે. ભાભી, ડૉક્ટરને બતાવો. તમારે ડૉક્ટરની સામે શરમાવવું ના જોઈએ."

તેમણએ પોતાના હોઠની નીચેના ભાગને ઊંચો કર્યો અને બતાવવાનો પ્રયત્ન કર્યો.

મને શરમ આવી અને હું ઊભી થઈ ગઈ.

"જુઓ, આવું ન કરો", મેં વર્ધનીને કહ્યું.

"મારી સાથે આવો."

સાથે આવેલાં નર્સે કહ્યું, "ભાભી, મેડમ તમારી તપાસ કરશે. થોડું પીડાદાયક હશે. પણ સહન કરજો અને સહકાર આપજો."

સગર્ભા

ઇમેજ સ્રોત, BBC three

મને આપણા દેશના દુઃખનો અહેસાસ થયો કે પુરુષોની અસભ્યતા ચાર દિવાલોની વચ્ચે જ રહેલી છે. પરંતુ 'સાવકા પતિ' (વહુના નણંદ) કોઈ પણ પ્રકારની ઉદ્ધતાઈથી જાહેરમાં વર્તી શકે છે.

હું તેમને અમારા સ્કૅનિંગ રૂમમાં લઈ ગઈ.

અમારી નર્સે તેમને સુઈ જવા કહ્યું. તેઓ ટેબલ પર ચડવા જતાં હતાં ત્યારે મેં તેમને રોક્યાં અને તેમને બેસાડ્યાં.

માસિકસ્રાવના બીજા દિવસે પેટમાં દુખાવો, નબળાઈ અને કંઈ ખાધુ ન હોય તેવું લાગે, તેમ છતાં તેઓ ટેબલ પર ચડવા તૈયાર થઈ ગયાં.

"હાલ કોઈ ટેસ્ટ કરવા નથી. હું બીજી વખતે કરીશ."

મેં ફાઇલ લીધી અને વાંચવાની શરૂ કરી. તેઓ ઘણા ડૉક્ટરો પાસે ગયાં હોય તેવું લાગ્યું. ઘણી ભારે ફાઇલ હતી. બધા રિપોર્ટ સામાન્ય લાગ્યા.

તેમાં લખ્યું હતું, "પીસીઓડી".

મેં તેમનું ભણતર જાણ્યું.

તેમણે જણાવ્યું કે તેમણે લૉમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. તેઓ રાજ્યશાસ્ત્રમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરવા માગતાં હતાં. પરંતુ તેમના માટે સારું માગું આવતાં તેમણે લગ્ન કરી લીધાં હતાં.

મેં પૂછ્યું, "તમારે લગ્નને કેટલા મહિના થયા?"

"દસ મહિના"

"દસ મહિનામાં આટલી બધી તાલાવેલી શેની છે. તમે હવે ભણવાનું ચાલુ રાખી શકો છો."

તેમણે કહ્યું, "મેડમ, જો ગર્ભાવસ્થાની સમસ્યાનું સમાધાન આવી જાય તો કારકિર્દી શરૂ કરી શકીએ, જો હું એક બાળકને જન્મ આપી દઉં તો..."

તેઓ બોલતાં-બોલતાં રોકાઈ ગયાં...

'જો એકને જન્મ આપું...', તેનો જવાબ ખૂબ જ યાંત્રિક હતો.

તેનો જવાબ એવો હતો કે જાણે સંભાર બની જાય તો, પછી ભાત ચૂલા પર મૂકી શકાય.

"મેડમ, મારાં નણંદને ત્રણ મહિનાની અંદર ગર્ભ રહ્યો હતો. મારાં સાસુ પણ એક વર્ષની અંદર ગર્ભવતી બન્યાં હતાં. આ કારણે જ લોકો ચિંતાતુર છે."

પીસીઓડી

મેં તેમને પૂછ્યું કે તમારું માસિકચક્ર કેવું છે?

"શરૂમાં સમયસર આવતું હતું. લગ્ન પછી તે પાંચ દિવસ મોડેથી આવે છે. જો તે બે દિવસ પણ મોડું આવે તો તે લોકો મને યુરિન ટેસ્ટ કરાવવાનું કહે છે. જ્યારે તે રિપોર્ટ નૅગેટિવ આવે...."

તેઓ થોડી વાર મૌન રહ્યાં અને ફરી બોલ્યાં, "હું મહિનો પૂરો કરું ત્યારે હું ડરી જઉં છું. મને ડર લાગવા લાગે છે કે મને પિરિયડ્સ આવવા લાગશે. હું સૂઈ પણ શકતી નથી."

તેમની આખો લાલ થઈ ગઈ હતી.

"જ્યારે પિરિયડ્સ શરૂ થાય. તેઓ નિરાશ થઈ જાય છે. તેઓ મારી સાથે દસ દિવસ સુધી વાત પણ કરતા નથી. મેડમ, ગર્ભ રહે તે માટે કંઈક કરો."

તેઓ ખૂબ શાંતિથી વાત કરી રહ્યાં હતાં, જેથી હું એકલી જ સાંભળી શકું.

જ્યારે મને ખબર પડી કે તપાસનો સામાન્ય સમય પૂર્ણ થઈ ગયો છે, ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં ધારી લીધું હતું કે કોણ હશે.

વર્ધનીનાં નણંદે દોડીને આવીને પૂછ્યું, "પરીક્ષણ પૂર્ણ થયું?"

"મેડમ સમસ્યા શું છે? તેમને ગર્ભ કેમ રહેતો નથી? શું તેમને પીસીઓડી છે?"

એવું લાગી રહ્યું હતું કે જો તેમને પીસીઓડી ન હોય તો ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર હતાં. તેઓ ગર્ભાવસ્થા માટે પ્રાકૃતિક વલણ ધરાવે છે.

બાળક

ઇમેજ સ્રોત, Getty Images

"તમને ખબર છે, તેમને લગ્ન કરે કેટલો સમય થયો છે!", મેં પૂછ્યું

કોઈએ જવાબ ન આપ્યો.

"દસ મહિના. ઓછામાં ઓછાં દોઢ વર્ષ પસાર ન થાય, ત્યાં સુધી અમે પરીક્ષણ કરતા નથી."

સામાન્ય રીતે એક સાથે રહેતાં અને ગર્ભનિરોધકનો ઉપયોગ ન કરતાં 83 ટકા દંપતીઓમાં મહિલાને પહેલા વર્ષે ગર્ભ રહે છે.

92 ટકાને બીજા વર્ષે ગર્ભ રહે છે. તણાવમાં રહેવાની કોઈ જરૂર નથી.

સાથે આવેલાં નર્સ બોલ્યાં "...પણ રાજેશ, મારા કાકાનો દીકરો, મુંબઈમાં રહે છે. મારા ભાઈ અને તેણે એક જ સમયે લગ્ન કર્યાં હતાં. તેની પત્નીને છ મહિનામાં જ ગર્ભ રહ્યો."

મેં કહ્યું, "આ દોડની સ્પર્ધા નથી કે તમે બીજાની સાથે દોડ લગાવો. અન્ય સાથે તુલના કરવાની જરૂર નથી."

મહિલાએ શાંતિથી કહ્યું, "પણ મેડમ, તેમને પીસીઓડી છે, તે ચિંતા છે."

મેં કહ્યું, "પીસીઓડીએ રોગ નથી કે એનાથી ગર્ભ ન રહે. તે હૉર્મોન્સના અસંતુલનના કારણે થાય છે. તેમાં 40થી 50 ટકા લોકોનું વજન વધે છે. એન્ડ્રોજન, પુરુષ હૉર્મોન્સનું સ્તર વધે છે."

"આના કારણે અંડ મુક્ત ન થાય, પિરિયડ્સના સમયમાં ફેરફાર થાય છે. જો માત્ર પાંચ ટકા વજન ઘટી જાય તો પૂરતું છે. તેનાથી અંડ છૂટાં પડવાની પ્રક્રિયા સામાન્ય બનશે અને ગર્ભ પણ રહેશે."

નર્સ બોલ્યાં "મેડમ, હું મારાં લગ્નના બીજા મહિને સગર્ભા થઈ હતી."

માતા

ઇમેજ સ્રોત, BBC three

મેં કહ્યું, "સિસ્ટર, વ્યક્તિ-વ્યક્તિમાં ફરક હોય છે. દરેક વ્યક્તિને ચોક્કસ સમયે ગર્ભ રહે તેવું હોતું નથી. આવો કોઈ નિયમ નથી."

તેમણે પૂછ્યું, "આપણને કેવી રીતે ખબર પડે કે કોઈને પીસીઓડી છે?"

મેં કહ્યું, "પુરુષ સંબંધિત હૉર્મોન એન્ડ્રોજન્સ વધવાથી ચહેરા પર ખીલ થાય અને ચહેરા પર વાળ દેખાય છે."

"સ્કેનિંગ કરીએ તો મુક્ત ન થયા હોય તેવાં અંડ નાના પાણીના પરપોટા જેવાં દેખાય છે. જો તે 12થી વધારે દેખાય તો તે પોલિસિસ્ટિક અંડાશય કહેવાય છે."

દર્દી સાથે આવેલાં નર્સે કહ્યું "મેડમ, અમે સૌ ચિંતિત છીએ કે તેમને બાળક નહીં જન્મે."

મેં કહ્યું "પીસીઓડીનો અર્થ એ નથી કે તે રોગ છે. તે માત્ર એવી સ્થિતિ છે, જેમાં હોર્મોન્સનું અસંતુલન છે. એમ વિચારવું ખોટું છે કે તેના કારણે બાળક નહીં જન્મે."

"જો BMI (બોડી માસ ઇન્ડેક્સ) 25થી વધારે હોય તો વજન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દરરોજ કસરત કરવી જોઈએ અને આરોગ્યવર્ધક ખોરાક લેવો જોઈએ."

"ખાસ કરીને, જો કમરની ચરબી ઓછી કરવામાં આવે તો સારાં પરિણામો આવે. અંડ સારી રીતે મુક્ત થઈ શકે. કોઈ પણ દવા વગર ગર્ભ જાતે જ રહી શકે."

તેમણે પૂછ્યું, "જો ગર્ભ કુદરતી રીતે ન રહે તો?"

"અંડની મુક્તિ માટે સારવાર લેવાની રહે. દવાઓ અને નાની સર્જરીની મદદથી ગર્ભવતી થવું શક્ય બને છે."

સગર્ભા

ઇમેજ સ્રોત, PA Media

તેઓ કહે છે, "મમ્મીને વારસદાર જોઈએ છે, મારે પણ ભત્રીજા જોઈએ છે."

મેં કહ્યું "માતા જેમ બાળક ઝંખે, તેમ તમારી ફોઈ બનવાની ઉત્સુકતાને સમજી શકું છું. પરંતુ તેનાં લગ્ન થયાને હજી દસ મહિના થયા છે. આવું દબાણ કરવાથી પ્રતિકૂળ અસર થશે."

"જો મહિલા પર આકરું દબાણ કરવામાં આવે તો અંડ સરળતાથી મુક્ત ન થાય અને માસિકચક્ર યોગ્ય ન રહે. ગર્ભધારણ કરવો અને બાળકને જન્મ આપવો એ એક નાજુક ઘટના છે. તે ખૂબ જ વ્યક્તિગત છે."

'કેમ બાળક હજુ જન્મ્યું નથી?' આવું પૂછવું કે તેમની પ્રજનનક્ષમતા વિશે પ્રશ્નો પૂછવા એ લાજશરમ વિનાનું કૃત્ય છે.

વારંવાર આવા પ્રશ્નો પૂછવાથી દંપતી તાણ અને તીવ્ર અસ્વસ્થા અનુભવે છે. સમાજને આનું ભાન થવું જોઈએ.

તેમણે કહ્યું, "હું બહારની વ્યક્તિ કેવી રીતે હોઈ શકું? તે મારો મોટો ભાઈ છે."

મેં કહ્યું, "પત્ની અને પતિ વચ્ચે એક વિશેષ સંબંધ હોય છે. નજીકના સંબંધીઓએ પણ તેમાં દાખલ થવાનું ટાળવું જોઈએ; આ રીતે તેમનું બંધન મજબૂત બને છે. ફક્ત તે દંપતી જ નિર્ણય લે કે તેમને બાળકને ક્યારે જન્મ આપવો છે. ન તો તમે, ન તો હું કે ન તો સમાજ."

(લેખક એક ડૉક્ટર છે. પાત્રો કાલ્પનિક છે. વૈજ્ઞાનિક બાબતોને વાર્તાના વર્ણનાત્મક સ્વરૂપમાં કહેવામાં આવી છે.)

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો