પલોનજી મિસ્ત્રીનું નિધન : એ ઉદ્યોગજૂથ જેના વગર 'મુઘલ-એ-આઝમ' ફિલ્મ ન બની હોત
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી ગુજરાતી માટે
શાપૂરજી પલોનજી જૂથના પ્રમુખ પલોનજી મિસ્ત્રીનું મંગળવારે નિધન થઈ ગયું છે. તેઓ 93 વર્ષના હતા.
સમાચાર સંસ્થા પીટીઆઈની ખબર અનુસાર તેમની કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે પલોનજીનું નિધન મોડી રાતે મુંબઈમાં તેમના નિવાસસ્થાને થયું છે.
મિસ્ત્રી તાતા ગ્રૂપમાં સૌથી મોટા શૅરહૉલ્ડર હતા. તેમની પાસે કંપનીના 18.4 ટકા શૅર હતા.
પલોનજી મિસ્ત્રીનું અવસાન થયું છે ત્યારે વાત એમના એ શાપૂરજી પલોનજી જૂથની જેણે દેશ અને દુનિયામાં ભારે નામના કમાઈ છે.


ઇમેજ સ્રોત, Getty Images
વાત છે 1950ની. ભારતના વિભાજનને હજુ માંડ ત્રણ વર્ષ થયાં હતાં અને ભાગલા સમયનાં કોમી રમખાણો હજુ ગઈકાલની વાત હોય એવું લાગતું હતું. આ દરમિયાન યુવાન ફિલ્મ નિર્દેશક કે. આસિફના માથે શાહજાદા સલીમ અને અનારકલીની પ્રેમકથા ફિલ્મી પડદે રજૂ કરવાની ધૂન સવાર હતી.
આમ તો તેમણે વિભાજન પહેલાંથી કામ શરૂ કરી દીધું હતું. અકબરની ભૂમિકામાં ચંદ્રમોહન, સલીમની ભૂમિકામાં ડી. કે. સપ્રુ અને અનારકલી તરીકે નરગિસને લેવાનાં હતાં. વર્ષ 1946માં બૉમ્બે ટોકિઝ સ્ટુડિયોમાં શૂટિંગ પણ શરૂ કરી દેવાયું હતું.
તે સમયે દેશમાં ઊકળતા ચરુ જેવી સ્થિતિ હતી. રાજકીય તણાવ અને કોમી તોફાનોના કારણે બધાની યોજના ખોરવાઈ ગઈ. વિભાજન પછી પ્રોડ્યુસર શિરાઝ અલી પાકિસ્તાન જતા રહ્યા હતા. હવે કે. આસિફ સ્વપ્નસમાન ભવ્ય ફિલ્મ બનાવી શકે તેવા મોટા ગજાના કોઈ ફાઇનાન્સર તૈયાર થતા ન હતા.
શિરાઝ અલીએ કે. આસિફને અગાઉ સૂચન કર્યું હતું કે તે સમયના વિખ્યાત ઉદ્યોગપતિ શાપૂરજી પલોનજી આ ફિલ્મને ફાઇનાન્સ કરી શકે તેમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાપૂરજીને ફિલ્મઉદ્યોગની આમ તો કોઈ જાણકારી હતી નહીં પરંતુ અકબરના ઇતિહાસમાં રસ હતો. તેથી તેઓ 1950માં આ પ્રોજેક્ટ માટે તૈયાર થયા અને ત્યાર પછી દિલીપ કુમાર અને મધુબાલાને લઈને ફિલ્મ બની તે હતી 'મુઘલ-એ-આઝમ'.
ભારતીય સિનેમાની સૌથી મહાન કૃતિઓમાં આ ફિલ્મને સ્થાન અપાયું છે. પરંતુ આ લેખ 'મુઘલ-એ-આઝમ' વિશે નહીં, ફિલ્મને ફાઇનાન્સ કરનારા પારસી ઉદ્યોગપતિ અને તેમના 'શાપૂરજી પલોનજી જૂથ' વિશે છે, જે તાજેતરમાં તાતા જૂથ સાથેના વિવાદના કારણે ચર્ચા છે.

ભવ્ય અને ગગનચૂંબી ઇમારતો સાથે જોડાયેલું નામ

ઇમેજ સ્રોત, Getty Images
'શાપૂરજી પલોનજી ઍન્ડ કંપની પ્રાઇવેટ લિ.'ની વેબસાઈટ અનુસાર આ જૂથ કુલ 18 જુદી-જુદી કંપનીઓનો સમૂહ છે તથા એન્જિનિયરિંગ અને બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, પાણી, ઊર્જા અને ફાઇનાન્શિયલ સર્વિસિસ, એમ છ બિઝનેસ સૅગમૅન્ટમાં સક્રિય છે.
હાલમાં આ જૂથ 70થી વધુ દેશમાં 70,000થી વધારે કર્મચારી ધરાવે છે. આ ઉપરાંત શિપિંગ, હોમ ઍપ્લાયન્સિસ, પબ્લિકેશન, અને બાયૉ-ટેકનૉલૉજીમાં પણ આ જૂથનું બહું મોટું નામ છે.
શાપૂરજી પલોનજી જૂથને વિશ્વભરમાં નામના મળી છે તેમણે નિર્માણ કરેલી કેટલીક ભવ્ય અને ગગનચૂંબી ઇમારતોના કારણે.
મુંબઈની કેટલીક લૅન્ડમાર્ક ગણાતી ઇમારતો બાંધવાનો શ્રેય આ જૂથને જાય છે. જેમાં હૉંગકૉંગ બૅન્ક, ગ્રિન્ડલૅઝ બૅન્ક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્ક, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા બિલ્ડિંગ, બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જ બિલ્ડિંગ અને તાજ ઇન્ટરકૉન્ટિનેન્ટલ પણ સામેલ છે.
1971માં તેમણે ઓમાનના સુલતાનનો મહેલ પણ બાંધ્યો જે તેની વિશેષ ડિઝાઇન અને આકર્ષક દેખાવના કારણે વિખ્યાત છે.
2008માં મુંબઈમાં ત્રાસવાદી હુમલામાં તાજમહાલ પૅલેસ ઍન્ડ ટાવરને ઘણું નુકસાન થયું હતું, તેનું રિપેરિંગ પણ શાપૂરજી પલોનજી જૂથે કર્યું હતું.
પારસીઓમાં દાદા અને પૌત્રનાં નામ એક સરખા હોય તેવું ઘણી વખત જોવા મળે છે અને શાપૂરજી પલોનજી જૂથની ગાથામાં પણ આવું જ છે.

દાદા-પૌત્રનાં સરખાં નામોની પરંપરા

ઇમેજ સ્રોત, Getty Images
પલોનજી મિસ્ત્રીનું નામ તેમના દાદા પરથી રાખવામાં આવ્યું છે. પલોનજી મિસ્ત્રીના જ્યેષ્ઠ પુત્રનું નામ શાપૂરજી મિસ્ત્રી છે અને તેમાં પણ દાદા-પૌત્રનાં નામ એક સરખાં છે. તેઓ મૂળે ગુજરાતના પારસી અને પેઢીઓ અગાઉ મુંબઈ જઈને વસ્યા હતા.
વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોની 2017ની ફૉર્બ્સની યાદી જોવામાં આવે તો પલોનજી મિસ્ત્રી ભારતના ધનિકોમાં પાંચમા ક્રમે હતા.
જોકે, તેઓ આયરિશ નાગરિક હતા અને એ વખતે આયર્લૅન્ડના ધનાઢ્યોમાં પ્રથમ ક્રમે તથા વિશ્વના સૌથી ધનિક લોકોમાં 66મા ક્રમે હતા.
પલોનજી મિસ્ત્રીના દાદા પલોનજી મિસ્ત્રીએ 1865માં લિટલવૂડ્સ પલોનજી ઍન્ડ કંપની નામે બિઝનેસની શરૂઆત કરી હતી.
1921માં તેમના નિધન પછી તેમના પુત્ર શાપૂરજીએ બધો બિઝનેસ પોતાના હાથમાં લીધો અને આ રીતે શાપૂરજી પલોનજી કન્સ્ટ્રક્શન કંપનીની સ્થાપના થઈ. 1975મા શાપૂરજી મિસ્ત્રીના નિધન પછી પલોનજી મિસ્ત્રીએ બિઝનેસ સામ્રાજ્ય હસ્તગત કર્યો.
આજે તેમના બે પુત્રો સાઇરસ મિસ્ત્રી અને શાપૂરજી મિસ્ત્રી તેનો વહીવટ સંભાળે છે.
તેમણે વિશ્વ સ્તરની ફેકટરીઓ, ન્યુક્લિયર મથકો, સ્ટેડિયમ, ઑડિટોરિયમ, ટાઉનશિપ અને ઍક્સપ્રેસ વે પણ બનાવ્યાં છે. આ જૂથે મુંબઈ સૅન્ટ્રલ રેલવેસ્ટેશન, ઑબેરૉય હોટેલ, બ્રીચકેન્ડી હૉસ્પિટલનું નિર્માણ કર્યું છે.
મુંબઈમાં બ્રૅબોર્ન સ્ટેડિયમ, દિલ્હીનું જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ, 2010માં ભારતની સૌથી ઊંચી ઇમારત 'ધ ઇમ્પિરિયલ' રેસિડેન્શિયલ ટાવર વગેરેના બાંધકામમાં આ જૂથ સંકળાયેલું હતું.
મુઘલ-એ-આઝમને શાપૂરજી પાલોનજી ગ્રૂપે દોઢ કરોડ રૂપિયામાં ફાઇનાન્સ કરી હતી. ત્યાર પછી 2004માં આ ફિલ્મને રંગીન બનાવીને રજૂ કરવા ડિજિટલ રિમાસ્ટરિંગ માટે પણ પાંચ કરોડનું ફંડ આપ્યું હતું.
મુઘલ-એ-આઝમને બનવામાં નવ વર્ષ લાગ્યાં હતાં અને આ દરમિયાન કુલ 500 દિવસથી વધારે શુટિંગ થયું હતું.
શાપૂરજી પલોનજીએ 1936માં એફ. ઈ. દિનશો નામે કંપની ખરીદી હતી જે એક સ્થાપિત ફાઇનાન્સ કંપની હતી. પારસીઓ અને જરથોસ્તી ધર્મના અનુયાયીઓ વિશે માહિતી આપતી વેબસાઇટ પારસી ખબર ડોટ નેટ અનુસાર તેમણે 1924માં તે સમયની ટિસ્કો (આજની તાતા સ્ટીલ) માટે ગ્વાલિયરના મહારાજા પાસેથી લૉનની વ્યવસ્થા કરી હતી.
આ ઉપરાંત સ્થાનિક સિમેન્ટ કંપનીઓને ભેળવી દઈને 1936માં એસીસી સિમેન્ટ બનાવી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના નવેમ્બર 2011ના અહેવાલ પ્રમાણે એફ. ઈ. દિનશો ઍન્ડ કંપની પાસે તાતા સન્સમાં 12.5 ટકા હિસ્સો હતો અને આ રીતે સોદા પછી આ હિસ્સો શાપૂરજી પલોનજી પાસે આવ્યો હતો.

લૉ-પ્રોફાઇલ જીવન

ઇમેજ સ્રોત, Getty Images
2008માં મનોજ નાંબુરુએ 'ધ મોગલ્સ ઑફ રિયલ એસ્ટેટ' પુસ્તક લખ્યું તેમાં બીજા ઉદ્યોગપતિઓની સાથે પલોનજી મિસ્ત્રી વિશે પણ લખ્યું છે પરંતુ તેના માટે બહુ ઓછાં પાનાં ફાળવાયાં છે.
આ પુસ્તકમાં જણાવાયા પ્રમાણે 1865માં પલોનજી મિસ્ત્રી (સિનિયર)એ લિટલવૂડ નામના અંગ્રેજ સાથે જોડાણ કરીને 'લિટલવૂડ પલોનજી કન્સ્ટ્રક્શન' નામે નાની કંપની સ્થાપી હતી. મુંબઈને પીવાનું પાણી પહોંચાડવા માટે મલાબાર હિલમાં પ્રથમ તળાવ બનાવવામાં સામેલ કંપનીઓમાં આ પણ એક કંપની હતી.
તે સમયે આસપાસ મોટી સંખ્યામાં ટેક્સટાઈલ મિલો હતી અને વધતી જતી વસતી માટે પાણીની વ્યવસ્થા કરવી જરૂરી હતી.
પલોનજી મિસ્ત્રી ત્યારે ગ્રાન્ટ રોડ પર ખેતવાડીમાં એક નાના ઘરમાં રહેતા હતા. તેમના બહોળા પરિવારમાં કુલ બાર બાળકો હતાં.
તે સમયે કન્સ્ટ્રક્શનની દુનિયામાં કામ ઘણું મુશ્કેલ હતું અને ફાઇનાન્સની ભારે અછત રહેતી છતાં તેઓ નાના-મોટા કૉન્ટ્રેક્ટ કામ પાર પાડતા હતા. 1902માં તેમના તેર વર્ષના પુત્ર શાપૂરજીએ પિતાના કામમાં મદદ કરવાની શરૂઆત કરી હતી.
આ જ શાપૂરજીએ ભારતીય અણુકાર્યક્રમના પિતામહ ગણાતા ડૉ. હોમા ભાભા સાથે પણ કામ કર્યું હતું. ડૉ. ભાભા અણુ ક્ષેત્રે ફંડામેન્ટલ રિસર્ચ થઈ શકે તેવી સંસ્થા સ્થાપવા માંગતા હતા.
ત્યારે તાતા ટ્રસ્ટ અને ભારત સરકારના સંયુક્ત ફંડથી ચાલતી 'તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ' (ટીઆઇએફઆર)નો હજુ વિકાસ થઈ રહ્યો હતો અને તેની પોતાની ઇમારત ન હતી. શાપૂરજી મિસ્ત્રીએ કોલાબામાં સમુદ્ર કિનારે એક જગ્યા પસંદ કરી અને ત્યાં વિશ્વ સ્તરની એકૅડેમિક સંસ્થા બનાવવાનો નિર્ણય લીધો હતો.
પુસ્તકમાં જણાવાયું છે કે ડૉ. ભાભાએ આ બિલ્ડિંગના નિર્માણમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે ખાસ ધ્યાન આપ્યું હતું અને બિલ્ડિંગની ડિઝાઇન બનાવવા એક અમેરિકન આર્કિટેક્ટ હૅલ્મટ બાર્ટ્સને પસંદ કર્યા હતા.
ઇમારત તૈયાર થઈ ગઈ ત્યારે ડૉ. ભાભાએ શાપૂરજી પલોનજી ઍન્ડ કંપનીનો ખાસ આભાર માન્યો હતો અને તેની કામગીરીને બિરદાવી હતી. ત્યાર પછી તેમણે શાપૂરજની ઓળખાણ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે કરાવી હતી.
તેમના પુત્ર પલોનજી શાપૂરજી મિસ્ત્રી 2010માં 3.9 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે આયર્લૅન્ડની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા હતા.
ફૉર્બ્સની ધનિકોની યાદી પ્રમાણે 2019માં પણ તેઓ 14.4 અબજ ડૉલરની સંપત્તિ સાથે આયર્લૅન્ડની સૌથી ધનિક વ્યક્તિ હતા. આયરીશ મહિલા સાથે લગ્ન કર્યાં પછી 2003માં તેઓ આયર્લૅન્ડના નાગરિક બન્યા હતા.
તે સમયે તેઓ વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં 129મા ક્રમે અને ભારતીય અબજપતિઓમાં 11મા સ્થાને હતા. શાપૂરજી પલોનજી પરિવારને તાતા પરિવાર સાથે બિઝનેસ સિવાય પારિવારિક સંબંધ પણ રહ્યા છે.
તાતા જૂથના રતન તાતાના સાવકા ભાઈ નોએલ તાતા પલોનજી મિસ્ત્રીના જમાઈ થાય. પલોનજી મિસ્ત્રીને સાઈરસ મિસ્ત્રી સહિત ચાર સંતાન છે. 52 વર્ષીય સાઇરસ મિસ્ત્રી પલોનજી મિસ્ત્રીના પુત્ર છે.
શાપૂરજી મિસ્ત્રીએ 1930ના દાયકામાં તાતા સન્સના શૅર ખરીદ્યા હતા. તેઓ તાતા સન્સમાં 18.37 ટકા હિસ્સા સાથે સૌથી મોટા શૅરહૉલ્ડર હતા.
શાપૂરજી પલોનજી જૂથ વિશે મીડિયામાં બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે તેનું કારણ એ છે કે આ પરિવારે લૉ પ્રોફાઇલ રહેવાનો નિર્ણય લીધો છે.
વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ 2016માં ભારત સરકારે પલોનજી મિસ્ત્રીને પદ્મભુષણથી સન્માનિત કર્યા હતા. તેમને ઘોડા ઉછેરવાનો શોખ હતો જેના માટે તેઓ પૂણે એક સ્ટડફાર્મ ધરાવતા હતા.

તાતા જૂથ સાથે સંબંધમાં કડવાશ

ઇમેજ સ્રોત, Getty Images
શાપૂરજી પલોનજી જૂથ અને તાતા જૂથ વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી છે અને શાપૂરજી પલોનજી જૂથે તાતાથી અલગ થવાની જાહેરાત કરી છે.
તેણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસ ચાલતો રહેશે તો લોકોની આજીવિકા અને અર્થતંત્ર પર અસર પાડશે. તેથી તેઓ અલગ પડી જાય તે જ બહેતર રહેશે.
બે પારસી પરિવારો વચ્ચે સાત દાયકાથી ભાગીદારી હતી. રતન તાતાએ પહેલી વખત 2011માં 43 વર્ષીય સાઈરસ મિસ્ત્રીને તાતા સન્સની કમાન સોંપી ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું કારણ કે પહેલી વખત તાતા જૂથ બહારની વ્યક્તિને આટલો મોટો હોદ્દો અપાયો હતો. પરંતુ અંતે વિખવાદ થઈને રહ્યો.
મિસ્ત્રીને છઠ્ઠા ચૅરમૅન બનાવાયા હતા. તાતાના વારસદારની શોધ ચાલતી હતી ત્યારે એવી વાતો પણ વહેતી થઈ હતી કે તાતાના સાવકા ભાઈ નોએલ તાતાને કદાચ ચૅરમૅન બનાવાશે, નોએલ તાતા એ પલોનજી મિસ્ત્રીનાં પુત્રી અલૂ મિસ્ત્રી સાથે લગ્ન કર્યાં છે.
2006માં તાતા બોર્ડમાં શાપૂરજીની સીટ ખાલી પડી ત્યારે તેમના પુત્ર સાઇરસે સ્થાન લીધું હતું. કહેવાય છે કે તે સમયે તેમણે પોતાના કામથી રતન તાતાને ભારે પ્રભાવિત કર્યા હતા.
બન્ને પરિવાર વચ્ચેનો મુદ્દો ભારતમાં કંપની જગતનો સૌથી મોટો વિખવાદ ગણવામાં આવે છે. તાતા જૂથ અને મિસ્ત્રી પરિવાર વચ્ચેનો વિખવાદ વર્ષ 2016માં શરૂ થયો હતો જેના કારણે સાઇરસ મિસ્ત્રીને તાતા ગ્રૂપના ચૅરમૅનપદેથી દૂર કરવામાં આવ્યા હતા.
(27 સપ્ટેમ્બર 2020માં છપાયેલા આ લેખને અપડેટ કરવામાં આવ્યો છે)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












