પાણી વેચીને મુકેશ અંબાણીથી અમીર બનનાર શખ્સ કોણ છે?

ઝોંગ શાં શાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝોંગ શાં શાં

ચીનના ઝોંગ શાંશાં ભારતના મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની આ અમીરી માટે વૅક્સિન અને પાણી બનાવનારી કંપની જવાબદાર છે.

બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સ પ્રમાણે વર્ષ 2020માં શાંશાંની સંપત્તિમાં સાત અબજ ડૉલરનો વધારો થયો છે. તેમણે ભારતના મુકેશ અંબાણી ઉપરાંત પોતાના જ દેશના જેક માને પણ પાછળ છોડી દીધા છે.

સપ્ટેમ્બર મહિનામાં ઝોંગ શાંશાં અલીબાબાના સ્થાપક જૅક માને પાછળ મૂકીને ચીનના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા હતા. હવે તેઓ જૅક માની સંપત્તિને પણ વટાવી ગયા છે અને 77.8 અબજ ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

નોંગફૂ સ્પ્રિંગ નામની બૉટલ્ડ વૉટર કંપનીના સ્થાપક અને માલિક ઝોંગ ચીનના ધનવાનોમાં ઝાઝા મિત્રો ન ધરાવતા હોવાથી તેમને 'લોન વુલ્ફ' (એકલા વરુ) તરીકે ઓળખવામાં આવે છે.

તેમણે પત્રકારત્વ, મશરૂમની ખેતી અને હેલ્થકૅરના ક્ષેત્રમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે.

ઝોંગ શાંશાંએ એપ્રિલ મહિનામાં વેક્સૅન બનાવતી કંપની બીજિંગ વાન્તાઈ બાયૉલૉજિકલનું ચીનના શૅરબજારમાં લિસ્ટિંગ કરાવ્યું હતું.

આ જ રીતે ત્રણ મહિના બાદ તેમણે તેમની બૉટલ્ડ વૉટર કંપની નોંગફૂ સ્પ્રિંગને હૉંગકંગના શૅરબજારમાં લિસ્ટ કરાવી હતી. આ પગલાને કારણે તેમની સંપત્તિ જૅક માથી વધી ગઈ હતી. જૅક મા ચીન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા.

line

મુકેશ અંબાણીની સંપત્તિ પણ વધી

મુકેશ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 18.3 અબજ ડૉલરનો વધારો થયો છે. તેમની સંપત્તિ વધીને 76.9 અબજ ડૉલર થઈ છે.

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ટેકનૉલૉજી અને ઇ-કોમર્સ ક્ષેત્રમાં લાવવા માટે અનેક સોદા કર્યા છે. 2020ના પ્રારંભમાં ફેસબુકે જણાવ્યું હતું કે તેઓ રિલાયન્સ જિયોમાં 5.7 અબજ ડૉલરનું રોકાણ કરશે.

જો કે જૅક માની સંપત્તિમાં 2020માં ઘટાડો થયો છે. ઑક્ટોબરમાં તેમની સંપત્તિ 61.7 અબજ ડૉલર હતી, જે ઘટીને 51.2 અબજ ડૉલર થઈ ગઈ છે.

તેમની કંપની અલીબાબાને ચીનના અધિકારીઓની દેખરેખમાંથી પસાર થવું પડે છે. તેમની વિરુધ્ધ પોતાની ઇજારાશાહી સ્થાપિત કરવા ખોટા વ્ચવહારોના આરોપો બદલ તપાસ થઈ રહી છે.

ચીનના મોટા ભાગના અબજોપતિ ટેકનૉલૉજી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે અમેરિકા દ્વારા ખ્વાવે, ટિકટૉક અને વીચૅટ જેવી કંપનીઓ પર પ્રતિબંધો લદાયા હોવાને કારણે ચાઇનીઝ ટેક્નૉલૉજીની માર્કેટ વૅલ્યૂ પર અસર પડી છે.

line

કોણ છે ઝોંગ શાં શાં?

ઝોંગ શાં શાંની બૉટલ્ડ વૉટર કંપની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝોંગ શાં શાંની બૉટલ્ડ વૉટર કંપની

ઝોંગ ચીનના ધનવાનોમાં સૌથી અલગ તરી આવે છે. કારણ કે ઝોંગને બાદ કરતાં એશિયાના દેશોના મોટા ભાગના ધનવાનો ટેક્નૉલૉજી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.

ચીનના ધનવાનોમાં પણ તેમના ઝાઝા મિત્રો નથી. તેથી તેમને ‘એકલા વરુ’ તરીકે ઓળખવામાં આવે છે.

ચીનના ઝેઝિંગ પ્રોવિન્સના પાટનગર હાંગઝોઉમાં વર્ષ 1954માં જન્મેલ ઝોંગને સાંસ્કૃતિક ક્રાંતિની શરૂઆતને કારણે પાંચમા ધોરણથી ભણવાનું મૂકવું પડ્યું હતું.

1960ના અંત ભાગથી તેમણે બાંધકામઉદ્યોગમાં, છાપામાં રિપોર્ટર તરીકે અને પીણાના સેલ્સમૅન તરીકે કામ કર્યું. ત્યાર બાદ પોતાનો ધંધો શરૂ કર્યો.

જે બૉટલિંગ કંપનીથી તેમનું નસીબ પલટાયું તેની શરૂઆત વર્ષ 1996માં થઈ હતી અને થોડાંક વર્ષોની વૃદ્ધિ અને અન્ય કંપનીઓનાં સંપાદન બાદ, આ કંપની ચીનની બૉટલ્ડ વૉટરની સૌથી મોટી કંપની બની ગઈ.

બૉટલ્ડ ચા અને જ્યૂસના માર્કેટમાં પણ તેમની કંપની ત્રણ સૌથી મોટી કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. નોંગફૂ સ્પ્રિંગની રેડ ટોપ બૉટલો સમગ્ર દેશની નાનામાં નાની દુકાનથી લઈને મોટી હોટલો સુધી વેચાય છે.

line

શૅરબજારમાં સફળ શરૂઆત

હૉંગકૉંગના શૅરબજારમાં લિસ્ટ થયા બાદ ઝોંગની બૉટલ્ડ વૉટર કંપનીએ શૅરબજારમાં સૌથી વધુ નફો કર્યો છે.

લિસ્ટિંગ બાદ શૅરમાં 155 ટકાનો ઉછાળો નોંધાયો, જ્યારે બીજિંગ વાન્તાઇના શૅરમાં પણ 2000 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપની કોરોનાની વૅક્સિન બનાવી રહી છે. કોરોના વાઇરસની રસી શોધવા માટે તેમણે બે યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે.

વિશ્વના અનેક ધનિકોની કિસ્મત કોરોનાકાળમાં ચમકી છે અને તેમાં એમેઝોનના સંસ્થાપક ઝૅફ બેઝોસ પણ સામેલ છે.

line

કોરોનાને લીધે થયો લાભ

જ્રૅક મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્રૅક મા

પરંતુ હાલમાં સર્જાયેલી મહામારીને લીધે પણ તેમને ઘણો લાભ થયો છે.

કોવિડ-19ની ટેસ્ટ કિટ બનાવતી કંપની બીજિંગ વાન્તાઇ બાયૉલૉજિકલ ફાર્મસી ઍન્ટર્પ્રાઇઝના તેઓ સૌથી વધુ શૅર ધરાવનાર વ્યક્તિ છે.

એપ્રિલમાં, આ કંપનીએ ચાઇનીઝ સ્ટૉક માર્કેટમાં લિસ્ટિંગ કરાવ્યું, આ કંપનીમાં ઝોંગની ભાગીદારીને કારણે ઑગસ્ટ માસમાં તેમની કુલ સંપત્તિમાં 20 બિલિયન ડૉલરનો વધારો થયો.

ડ્રગ કંપનીના નિવેદન અનુસાર કોરોના વાઇરસની રસી શોધવા માટે તેમણે બે યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે અમેરિકા દ્વારા હુઆવેઇ, ટિકટૉક અને વીચૅટ જેવી કંપનીઓ પર પ્રતિબંધો લદાયા હોવાને કારણે ચાઇનીઝ ટેક્નૉલૉજીની માર્કેટ વૅલ્યૂ પર અસર પડી છે.

આ કારણે દેશની ખાદ્યાન્ન અને ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓ બનાવતી કંપનીઓ ટેક્નૉલૉજી બેઝ્ડ કંપનીઓ સાથે હરીફાઈમાં આવી ગઈ, જેના કારણે નવા અબજોપતિ ઉદ્યોગસાહસિકોનાં નામ સામે આવી રહ્યાં છે.

ઉદાહરણ તરીકે આ મહિનાની શરૂઆતમાં નોંગફૂ સ્પ્રિંગના શૅરમાં તેની ટ્રેડિંગના પ્રથમ દિવસે જ 54 ટકાનો વધારો નોંધાયો હતો.

આ અઠવાડિયે ટેક્નૉલૉજી સંલગ્ન કંપનીઓના શૅરમાં ઘટાડાને કારણે તેઓ ચીનના અબજોપતિની યાદીમાં ટોચ પર પહોંચી ગયા.

જોકે, બ્લૂમબર્ગ પ્રમાણે તેઓ જૅક મા કરતાં આગળનું પોતાનું સ્થાન વધુ દિવસો સુધી ટકાવી રાખી નહીં શકે.

અલિબાબાના સહયોગવાળું ઍન્ટ ગ્રૂપ આવતા મહિને ચીન અને હૉંગકૉંગના સ્ટૉક ઍક્સચેન્જમાં લિસ્ટ થવાનું છે, જે તેમની સંપત્તિમાં ચોક્કસ વધારો કરશે.

જો કંપની તેની ટાર્ગેટ વૅલ્યૂએશનને પ્રાપ્ત કરવામાં સફળ થશે તો આ ઑનલાઇન પૅમેન્ટ કંપની જૅક માને 28 બિલિયન ડૉલરની આવક કરાવી શકે છે.

ક્રેડિટ સ્યૂઝ અને હુરુન રિપોર્ટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ ડેટા અનુસાર ગત વર્ષથી ચીન સૌથી વધુ ધનવાનોની સંખ્યા બાબતે અમેરિકા અને ભારતને પાછળ મૂકીને પ્રથમ ક્રમે આવી ગયું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો