LICના એ સ્ટાર એજન્ટ જેમણે 2,467 કરોડ રૂપિયાની પૉલિસી વેચી, પોતે કેટલું કમાયા?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, ભારત સંવાદદાતા

દાયકાઓથી ભરત પારેખની ટેવ છે કે રોજ અખબારોમાં અવસાન નોંધ છપાય તે ધ્યાનપૂર્વક જોઈ લેવી. નાગપુર શહેરના સ્મશાનોમાં પણ રોજ આંટો મારી લેવો. દાયકાઓ સુધી તેમનો આ નિત્યક્રમ બની ગયો રહ્યો છે, કેમ કે તેમનું કામ જીવનવીમાની પૉલીસી વેચવાનું હતું.

પારેખ કહે છે, "કોઈની સ્મશાનયાત્રામાં જવા માટે તમારે ભારતમાં આમંત્રણની જરૂર નથી. ઠાઠડીને ખભો આપનારા મરનારના સગા છે તે પણ તમને ખબર પડી જાય. તમે તેમને મળો અને વાત કરો કે હું વીમા એજન્ટ છું. તમારે વીમા પૉલિસીના દાવાનું કંઈ સેટલમેન્ટ કરાવવાનું હોય તો કહેજો. આમ કહીને તમારે તમારું વીઝિટિંગ કાર્ડ આપી દેવાનું."

શેરી વિક્રેતાઓથી લઈને શ્રીમંત ઉદ્યોગપતિઓ સુધી, ભરત પારેખે બધાને વીમો વેચ્યો છે

ઇમેજ સ્રોત, MANSI THAPLIYAL

ઇમેજ કૅપ્શન, શેરી વિક્રેતાઓથી લઈને શ્રીમંત ઉદ્યોગપતિઓ સુધી, ભરત પારેખે બધાને વીમો વેચ્યો છે

શોકના દિવસો પૂરા થાય એટલે કેટલાક પરિવારોમાંથી ફોન આવવાનો.

ઘણી વાર તેઓ પોતે જ તેમના ઘરે ફરી પહોંચી જાય છે. તેઓ પરિવારને મદદ કરે છે અને સમયસર તમને વળતર મળી જાય તેની કોશિશ કરે છે.

પરિવારના સભ્યના અવસાનથી કેવી આર્થિક તંગી ઊભી થઈ છે, કેટલું દેવું છે, પૂરતા પ્રમાણમાં વીમો લીધેલો છે કે નહીં, બચત અને રોકાણ છે કે નહીં તે પણ જાણવા કોશિશ કરતા હોય છે.

"અવસાનથી ઘરની શી હાલત થાય તે હું જાણું છું. હું બહુ નાનો હતો ત્યારે જ મેં પિતા ગુમાવ્યા હતા."

દેશની સૌથી મોટી વીમાકંપની 'લાઈફ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા'ના 13.6 લાખ એજન્ટોમાંના એક છે 55 વર્ષના ભરત પારેખ.

એલઆઈસીના એક લાખ કર્મચારીઓ છે અને 28.6 કરોડ પૉલિસીઓ કાઢેલી છે.

હાલમાં જાહેર ભરણાને કારણે ચર્ચામાં આવેલું 66 વર્ષ જૂનું આ જીવનવીમા નિગમ ઘરેઘરે જાણીતું નામ છે. જીવનવીમા નિગમને 90% વધારે પૉલિસી પારેખ જેવા વીમા એજન્ટો મારફત કાઢવામાં આવે છે.

ભરત પારેખ એલઆઈસીના સ્ટાર એજન્ટ્સમાં સ્થાન ધરાવે છે.

સુઘડ વસ્ત્રોમાં સજ્જ પારેખ ઉત્સાહી સેલ્સમૅન જેવા છે અને કોઈ ઉપદેશક જેટલો ઉત્સાહ ધરાવે છે.

તેમણે 324 મિલિયન ડૉલર મૂલ્યની વીમા પૉલિસીઓ વેચી છે. તેમના મોટા ભાગના ગ્રાહકો નાગપુરમાં જ છે.

પારેખ કહે છે કે તેમણે 40,000 જેટલી પૉલિસીઓ વેચી છે અને તેમાંથી તેમને નિર્ધારિત કમિશન મળતું હોય છે. તેઓ પ્રિમિયમ એકઠું કરીને ભરી આપવું, દાવાનું નિરાકરણ લાવવું વગેરે સેવાઓ ફ્રીમાં આપે છે.

line

ધમધમતી ઑફિસ અને 35 લોકોનો સ્ટાફ

દાયકાઓથી ભરત પારેખની ટેવ છે કે રોજ અખબારોમાં અવસાન નોંધ છપાય તે ધ્યાનપૂર્વક જોઈ લેવાની

ઇમેજ સ્રોત, MANSI THAPLIYAL

ઇમેજ કૅપ્શન, દાયકાઓથી ભરત પારેખની ટેવ છે કે રોજ અખબારોમાં અવસાન નોંધ છપાય તે ધ્યાનપૂર્વક જોઈ લેવાની

વીમાએજન્ટના ક્ષેત્રમાં ભરત પારેખને સેબિબ્રિટી ગણી શકાય.

મીડિયાના અહેવાલોમાં હાલમાં તેઓ બહુ ચમક્યા છે, કેમ કે તેમની કમાણી એલઆઈસીના ચૅરમૅન કરતાં પણ વધારે છે.

ત્રણ દાયકાથી તેઓ સતત મિલિયન ડૉલર રાઉન્ડ ટેબલના સભ્ય તરીકે પસંદ થતા આવ્યા છે.

વિશ્વના સૌથી અગ્રણી જીવનવીમા અને નાણાકીય સેવા આપતા પ્રોફેશનલ્સના મંડળમાં તેમને આ સ્થાન મળતું આવ્યું છે.

તેમને વકતવ્ય આપવા માટે શાળા, કૉલેજો, બૅન્ક અને મૅનેજમૅન્ટ સ્કૂલમાંથી પણ આમંત્રણ મળે છે. તેમનું એક પ્રેરણાત્મક પ્રવચન તેમણે એક ઑડિયો કૅસેટ કંપનીને વેચ્યું હતું, જેનું શિર્ષક હતું: મીટ ધ નંબર 1, બી ધ નંબર 1 (એક નંબરને મળો, એક નંબર બનો).

ભરત પારેખની ધમધમતી ઑફિસમાં 35 લોકો કામ કરે છે અને ગ્રાહકોને વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે.

તેમાં સૌથી અગત્યની સેવા જીવનવીમા પૉલીસીની છે. નાગપુરના ભદ્ર વિસ્તારમાં વિશાળ ઍપાર્ટમેન્ટમાં પત્ની બબિતા સાથે તેઓ રહે છે.

તેમનાં પત્ની પણ વીમાએજન્ટ છે. હાલમાં જ તેમણે એક આધુનિક એસયુવી છોડાવી છે, કેમ કે તેમને 18 કલાક કામ કર્યા પછી રિલેક્સ થવા માટે લોન્ગ ડ્રાઇવ પર જવાનું ગમે છે.

કોઈ બાળકની જેમ એસયુવીને લીવર આપીને ખુશ થતાં તેઓ કહે છે, "જુઓ, કેવી જોરદાર છે!"

તેમણે બહુ ઝડપી પ્રગતિ કરી છે. તેમણે એક પુસ્તક પણ લખ્યું છે, જેમાં પોતાની જીવનકથાની સાથે સાથે બચત કેમ કરવી તેની સલાહને પણ વણી લીધી છે.

પોતાના પુસ્તકમાં તેમણે વૉલ્ટ ડિઝનીને ટાંકીને લખ્યું છે કે: "તમે સપનાં જોઈ શકો તો સાકાર પણ કરી શકો."

line

18 વર્ષના થયા ત્યારથી જ પૉલિસી વેચવાનું શરૂ કર્યું

બસંત મોહતા (ડાબેથી ત્રીજા) પરિવારના સોળ સભ્યોએ ભરત પારેખ પાસેથી વીમો લીધો છે

ઇમેજ સ્રોત, MANSI THAPLIYAL

ઇમેજ કૅપ્શન, બસંત મોહતા (ડાબેથી ત્રીજા) પરિવારના સોળ સભ્યોએ ભરત પારેખ પાસેથી વીમો લીધો છે

મીલકામદાર પરિવારના પુત્ર તરીકે બાળપણમાં સપનાં જોવાની કોઈ તક ભરતભાઈ પાસે નહોતી. એક રૂમના ભાડાના મકાનમાં તેમનો ઉછેર થયો હતો. માતાપિતા અને ભાઈબહેન તથા વિધવા ફોઈ સાથે એક જ ઘરમાં સૌ રહેતાં હતાં. જિંદગીમાં બહુ કઠણાઈઓ હતી. ભાઈઓ કમાણી કરવા માટે ખોખા બનાવવાનું કામ કરતા હતા.

ભરતભાઈ 18 વર્ષના થયા ત્યારે સવારની કૉલેજ પૂરી કર્યા પછી વીમાની પૉલિસી વેચવાનું શરૂ કર્યું.

ભાડે સાયકલ લઈને ગ્રાહકોને મળવા જતા. કોઈ ગ્રાહક મળી જાય ત્યારે પેપરવર્કનું કામ બહેન કરી આપતી હતી.

તેઓ દેશી કહેવતો કે દાખલા આપીને પૉલિસી વેચતા, જેમ કે તેમણે વાહનોના સ્પેરપાર્ટ્સ વેચવાનું કામ કરતાં પોતાના પ્રથમ ક્લાયન્ટને એવું કહેલું કે, "જીવનવીમો સ્પેર ટાયર જેવો છે, જે તમારી ગાડીમાં પંક્ચર પડે ત્યારે કામ આવે." તેમને આ વાત સ્પર્શી ગઈ અને પૉલિસી કઢાવી લીધી, જેમાંથી ભરતભાઈને પ્રથમ વાર 100 રૂપિયાનું કમિશન મળ્યું હતું.

છ મહિનામાં ભરતભાઈએ છ પૉલિસી વેચી અને વર્ષના અંતે તેમણે લગભગ 15000 રૂપિયાની કમિશનની કમાણી કરી લીધી હતી.

આ કમાણી તેમણે ઘર ચલાવવા આપી દીધી હતી. તેઓ યાદ કરતા કહે છે, "વીમાની પૉલિસી વેચવી બહુ અઘરી છે. હું ઘણી વાર ઘરે આવીને રડી પડતો હતો."

વીમાએજન્ટની છાપ પણ બહુ સારી નથી અને તેઓ લોકોની જિંદગીની અનિશ્ચિતતા પર લાભ લેવાની ગણતરી કરનારા હોવાની બદનામી થતી હોય છે.

આમ છતાં ભરતભાઈ હાર્યા નહીં. વર્ષો વીતતાં તેઓ સ્માર્ટ થતા ગયા.

તેમને લાગ્યું કે જીવતા માણસ સાથે વાતચીત કરવાના બદલે મરણના પ્રસંગ પછી વાતચીત કરવાનું સહેલું પડે છે.

તેમના ગ્રાહકોમાં શેરીના ફેરિયાથી માંડીને બિઝનેસમૅન સુધીના લોકોનો સમાવેશ થાય છે. તેઓ સંબંધો બાંધવામાં અને નેટવર્ક ઊભું કરવામાં માહેર છે.

line

મહેનતની સાથે ટેકનૉલૉજીનો પણ સાથ

ભરત પારેખે તેમનો વ્યવસાય ચલાવવા માટે 30 થી વધુ કર્મચારીઓને રાખ્યા છે

ઇમેજ સ્રોત, MANSI THAPLIYAL

ઇમેજ કૅપ્શન, ભરત પારેખે તેમનો વ્યવસાય ચલાવવા માટે 30 થી વધુ કર્મચારીઓને રાખ્યા છે

પારેખના એક ગ્રાહકનું નામ છે બસંત મોહતા.

પાંચ પેઢીના મીલકામદાર પરિવારના મોહતા નાગપુરથી 90 કિમી દૂર રહે છે. તેમનો 16 સભ્યોનો સંયુક્ત પરિવાર છે. તેમનાં માતા 88 વર્ષનાં છે અને સૌથી નાનો પૌત્ર એક વર્ષનો છે.

તેમણે ભરતભાઈ પાસે જ પોતાનો વીમો ઊતરાવ્યો છે. મોહતા કહે છે કે, "જીવનવીમો જરૂરી છે પણ મને લાગે છે કે વધારે જરૂર એવા એજન્ટની હોય છે, જેના પર તમે ભરોસો મૂકી શકો."

ભરતભાઈ માને છે કે તેઓ સફળ થયા તેનું કારણ જમાનાથી પોતે આગળ ચાલ્યા અને જરૂર પ્રમાણે ખર્ચ પણ કરતા રહ્યા.

તેમણે તોશિબાનું લૅપટૉપ સિંગાપોરથી મંગાવ્યું હતું અને છેક 1995થી કમ્પ્યુટરાઇઝ્ડ રેકૉર્ડ રાખવાનું શરૂ કરી દીધું હતું.

તેમણે વિદેશ જઈને ફાઇનાન્સની ટ્રેનિંગ પણ લીધી. ભારતમાં મોબાઇલ ફોન આવ્યા અને કૉલના ચાર્જ બહુ ઊંચા હતા છતાં તેમણે તરત લઈ લીધો હતો.

પોતાના સ્ટાફના લોકોને પેજર અપાવ્યાં હતાં. સારી ઓફિસ પણ કરી, ક્લાઉડ બેઝ ટેકનૉલૉજીનો ઉપયોગ શરૂ કર્યો અને પોતાની ઍપ પણ તૈયાર કરાવી લીધી છે.

તેઓ રોજ અવસાન નોંધના પાના પર પોતાની જાહેરખબર પણ આપે છે. તેઓ બાળકોના કાર્યક્રમો હોય તેને સ્પોન્સર કરે છે, જેથી શરૂઆતથી જ તેમને પોતાના ગ્રાહકો તરીકે આકર્ષી શકાય.

અકાળે અવસાન થાય તે સંજોગમાં સલામતી માટે ભારતીયો વીમો ઊતરાવતા આવ્યા છે અને ટૅક્સ ભરવાનો થાય ત્યારે તેમાં રાહત મેળવવા માટે વીમો લેવાતા હોય છે.

હવે એલઆઈસીની પોતાની કબૂલાત અનુસાર "મ્યુચ્યુઅલ ફંડ, બૅન્ક ડિપોઝીટ અને નાની બચત"ને કારણે તગડી સ્પર્ધા ઊભી થઈ રહી છે.

જીવનવીમા નિગમ હવે ડિજિટલ જગતમાં પોતાની હાજરી મજબૂત કરવા માગે છે, જેથી ક્લાયન્ટસ સહેલાઈથી ઓનલાઇન પણ વીમો ઊતરાવી શકે.

શું તેના કારણે ભરતભાઈ પારેખ જેવા એજન્ટની કમાણી ઓછી થઈ જશે? 'લાઇફ ઇન્સ્યૉરન્સ એજન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા'ના પ્રમુખ સિંગારપુ શ્રીનિવાસ કહે છે, "ના એવું નહીં થાય. એજન્ટ તો રહેશે જ. વીમા માટે લોકોને રૂબરૂ મળવું પડતું હોય છે, અને ઘણા બધા સવાલો હોય તેના જવાબો આપવાના હોય છે."

line

સફળતાનું 'રહસ્ય'

કૌટુંબિક આલ્બમમાંથી: ભરત પારેખ (નીચે જમણેથી બીજા) છ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે

ઇમેજ સ્રોત, MANSI THAPLIYAL

ઇમેજ કૅપ્શન, કૌટુંબિક આલ્બમમાંથી: ભરત પારેખ (નીચે જમણેથી બીજા) છ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે

જીવનવીમા નિગમ આધુનિકીકરણ કરી રહ્યું છે તેને આવકાર આપતાં પારેખ કહે છે, "તેનાથી બિઝનેસમાં વધારો થશે અને અમને વધારે કામ મળશે".

ઘણું વધારે કામ કરવાનું હોય જ છે. દાખલા તરીકે મરણપ્રસંગોની નોંધ રાખવાનું કામ પતે તે પછી પારેખ અને તેમનો સ્ટાફ જીવિત વ્યક્તિઓની ઉજવણી પણ કરતા રહે છે.

અવસાનનોંધ જોયા પછી તેઓ વૉટ્સઅપ પર પોતાના જૂના ક્લાયન્ટ્સને નિયમિત શુભેચ્છાઓ પણ પાઠવતા રહે છે.

તેઓ કહે છે, "મારે રોજ સંખ્યાબધ લોકોને જન્મદિનની, લગ્નતિથિની શુભેચ્છાઓ મોકલવાની હોય છે."

અમારી મુલાકાત થઈ ત્યારે પણ તેમણે પોતાનો ફોન બતાવીને કહ્યું કે જુઓ આ બધાં નામ, સરનામાં અને તેની સામે નંબરો અને તેમના પ્રસંગો. આજના દિવસે 60 ક્લાયન્ટસનો જન્મદિવસ છે અને 20 જણની લગ્નતિથિ. તેઓ કહે છે, "બધાને મારે શુભેચ્છાઓ મોકલવાની છે. કેટલાકને મારે ગિફ્ટ પણ મોકલવાની છે.".

એક સાથે 40,00 વીમાધારકોના જીવનના બધા જ પ્રસંગોને તેઓ કેવી રીતે યાદ રાખે છે એવું મેં તેમને પૂછ્યું.

મર્માળુ હાસ્ય કરતા ભરત પારેખ કહે છે, "એ તો રહસ્ય છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન