ઑનલાઇન પેમેન્ટ : તમારા પૈસા ભૂલથી બીજાના ખાતામાં જતા રહે તો કેવી રીતે પાછા મેળવવા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુબાગુનમ કન્નન
- પદ, બીબીસી તામિલ
આજના જમાનામાં બધા જ કામો ઑનલાઇન થવા લાગ્યાં છે. જેમના હાથમાં સ્માર્ટફોન હોય છે, તેઓ મોટાભાગની લેવડદેવડ ઑનલાઇન જ કરે છે. તેવું કરવામાં જો ભૂલથી કોઈ વ્યક્તિ ખોટી વ્યક્તિના બૅંક ખાતામાં પૈસા મોકલી દે તો?
જો આવું થાય તો આપણને આપણા પૈસા પરત મળી શકે છે? તેના માટે શું કરવું જરૂરી છે?
એ જાણવા માટે અમે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તામિલનાડુ અને કેરળની ખાનગી બૅંકના સધર્ન રિજનલ મૅનેજર મણિયન કાલિયામૂર્તિ સાથે વાત કરી.
તેઓ કહે છે, "સામાન્યપણે બૅંક આવી કોઈ ઘટના માટે જવાબદારી લેતી નથી. એ ખાતાધારકની જવાબદારી છે. જોકે, બૅંક એ પૈસાને પરત લાવવાના પોતાના પ્રયાસો કરશે."
જ્યારે તમે સીધા બૅંકમાં પૈસા મોકલો છો, તો બૅંક ખાતાની વિગતો અને નામની ચકાસણી કરે છે. કદાચ ખાતામાં જો એક કે બે આંકડા ખોટા હોય તો ખાતાની વિગતો બીજી વ્યક્તિની દેખાશે. તેવામાં જ્યારે એવું લાગે કે પૈસા જમા કરાવનારે જે વિગતો આપી છે તે મળેલી વિગતોથી અલગ છે તો બૅંક તે ટ્રાન્સફર રોકી દેશે અને જમા કરાવનારને તે વિશે પૂછશે.
પરંતુ જો પૈસા બૅંકની ઍપ્લિકેશનથી ઑનલાઇન મોકલવામાં આવ્યા હોય, ઇન્ટરનેટ બૅંકિંગનો ઉપયોગ થયો હોય, યુપીઆઈનો ઉપયોગ થયો હોય, તો તેમાં જમા કરાવનાર વ્યક્તિ જાતે બૅંકના ખાતાની વિગતો ભરે છે, તેની ચકાસણી કરે છે અને પૈસા મોકલે છે.
આવી પરિસ્થિતિમાં જ્યારે તે ખોટા ખાતામાં પૈસા મોકલી દે છે તો તેની જવાબદારી પૈસા જમા કરાવનારની જ છે. પરંતુ પૈસા પરત મેળવવા માટે બૅંક પોતાના બનતા પ્રયાસો કરે છે.

ભૂલથી અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો તેવા કિસ્સામાં શું કરવું?

- હવે જમાનો ઑનલાઇનનો છે. માત્ર શૉપિંગ જ નહીં હવે તો બૅંકિંગ પણ ઑનલાઇન થાય છે
- પરંતુ ઑનલાઇન બૅંકિંગના કેટલાક ગેરફાયદા પણ છે
- આવો જ એક ગેરલાભ છે ભૂલથી અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા મોકલી દેવાની પરિસ્થિતિ
- જો આવું થાય તો તે પરિસ્થિતિમાંથી કેવી રીતે નીકળી શકાય?
- માત્ર બૅંકની ઍપ થકી જ નહીં પરંતુ આવી પરિસ્થિતિ અન્ય કોઈ ઍપ સાથે પણ સર્જાઈ શકે છે, જો આવી પરિસ્થિતિ હોય તો શું કરવું? જાણવા માટે વાંચો અહેવાલ

બૅંક શું કરશે?

મણિયન કાલિયામૂર્તિ કહે છે તે પ્રમાણે, "પહેલાં પૈસા મોકલવા માટે તમને અમારી ઍપ્લિકેશન કે વેબસાઇટ પર જે તે વ્યક્તિના ખાતાની વિગતોની ફરી ચકાસણી કરવાનું કહેવામાં આવશે. ઍપ્લિકેશન તેને બે વખત ચેક કરવાનું કહે છે. તે બાદ પણ ઘણી બૅંકોમાં પૈસા તરત મોકલી શકાતા નથી અને તેના માટે 30 મિનિટ જેટલો સમય લાગે છે. એ 30 મિનિટ બાદ, એક એસએમએસ મળશે કે હવે પૈસા મોકલી શકાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ત્યારબાદ અમે પૈસા મોકલીએ છીએ. પરંતુ જે વ્યક્તિને પૈસા મોકલ્યા છે તેમને પૈસા નથી મળતા ત્યારે અમે ટ્રાન્સફરની વિગતો ફરી તપાસીએ છીએ. અમને ખબર પડે છે કે એક અંક ખોટો ગયો છે. જે ખાતાની વિગતો ભૂલથી ઉમેરવામાં આવી છે તે ખરેખર ઉપલબ્ધ જ નથી, ત્યારે ટ્રાન્સફર આપમેળે અટકી જશે અને તેની માહિતી મળી જશે."
"પરંતુ જો ખાતાની વિગતો ભૂલથી બીજી કોઈ વ્યક્તિની થઈ જાય, તો પૈસા તે વ્યક્તિને મળી જાય છે. એ સમયે જો આપણે બૅંક જઈને પૂછીએ, તો બૅંકના અધિકારી એ બૅંક અને બ્રાન્ચની વિગતો આપે છે જ્યાં પૈસા પહોંચ્યા છે. એ મેળવવા માટે અમને લેખિત પુરાવાની જરૂર પડે છે અને તેના માટે પૈસા ભૂલથી મોકલ્યા હોવાનો પુરાવો આપવો પડે છે."
"પછી તેમણે એ બૅંકની બ્રાન્ચની મુલાકાત લેવી પડે છે જ્યાંથી ભૂલથી પૈસા પહોંચ્યા હોય અને એ જ પ્રક્રિયાનું પાલન કરીને પુરાવા લેખિતમાં રજૂ કરીને પૈસા પરત મેળવવાની અરજી કરવી પડે છે. તેઓ એ ખાતાની વિગતો વિશે જાણશે જ્યાં ભૂલથી પૈસા પહોંચી ગયા હોય. એ જાણવાનો પ્રયાસ થશે કે ભૂલથી મોકલાયેલા પૈસા ખાતામાં છે કે પછી જે તે વ્યક્તિએ તે ખાતામાંથી ઉપાડી લીધા છે."
"જો પૈસા ખાતામાં હોય, તો બૅંક ખાતાના માલિકનો સંપર્ક કરશે અને ભૂલથી થયેલા ટ્રાન્સફરની માહિતી આપીને પૈસા પરત કરવાની અરજી કરશે. આ રીતે પૈસા પરત મળી જશે અને સમસ્યાનું સમાધાન સહેલાઈથી મળી જશે. પણ જો સ્થિતિ આવી નથી અને કોઈએ પૈસા ઉપાડી લીધા છે અને તે ખર્ચી નાખ્યા છે, ત્યારે જ્યાં સુધી પૈસા મેળવનાર વ્યક્તિ પોતાની જાતે ન આપે ત્યાં સુધી પૈસા મળી શકતા નથી. "

જો પૈસા પરત ન મળે તો શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
આવી પરિસ્થિતિમાં કંઈ થઈ શકતું નથી. પૈસા મેળવનાર વ્યક્તિ કહેશે, "મેં આ પૈસા મને મળ્યા છે સમજીને વાપરી નાખ્યા છે. હવે હું એ પૈસા ત્યારે આપી શકું જ્યારે મારા હાથમાં પૈસા હોય."
આવી સ્થિતિમાં કોઈ કાયદાકીય પગલાં લઈ શકાતાં નથી.
તમે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી શકો છો અને તે ફરિયાદની કૉપી બૅંકમાં જમા કરાવીને તેમનું બૅંક ઍકાઉન્ટ ફ્રિઝ થઈ શકે છે.
તેવી સ્થિતિમાં જો તે વ્યક્તિ એ ખાતું પૈસા જમા કરાવવા અને પૈસા ઉપાડવા માટે વાપરે છે તો શક્યતા છે કે તે પૈસા પરત કરવા માટે તૈયાર થઈ જાય જેથી તેમનું ખાતું સામાન્ય સ્થિતિમાં પરત ફરે. ખાતું ત્યાં સુધી ફ્રિઝ રહે છે જ્યાં સુધી તે વ્યક્તિ ખોટી રીતે મેળવેલા પૈસા પરત કરતી નથી.
પરંતુ એવું પણ થઈ શકે છે કે જો તે વ્યક્તિ ખાતું વાપરતી નથી તો તે બીજું ખાતું ખોલાવી શકે છે અને પોતાનું કામકાજ ચલાવી શકે છે. તેના પર ઍકાઉન્ટ ફ્રિઝ કરવાની કોઈ અસર થતી નથી.
પોલીસ પણ ફરિયાદ બાદ તેને પૈસા પરત કરવા માટે માત્ર કહી શકે છે, પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી કે આવી સ્થિતિમાં કોઈ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. તો વ્યક્તિએ પૈસા પરત થવાની રાહ જોવી પડે છે.

જો લાગે કે પૈસા વડા પ્રધાને મોકલ્યા છે...

ઇમેજ સ્રોત, Getty Images
ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રના એક ગામમાં એક ખેડૂતનું સ્થાનિક બૅંકમાં જન ધન ખાતું છે. અચાનક તેમના ખાતામાં 15 લાખ રૂપિયા આવે છે. તેમાંથી તે નવ લાખ રૂપિયા વાપરીને ઘર બનાવે છે. તેમને એવું લાગે છે કે વડા પ્રધાને એક સમયે 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો તે પ્રમાણે તેમને વડા પ્રધાને પૈસા મોકલ્યા છે.
તેમણે તો વડા પ્રધાનને 15 લાખ આપવા બદલ ધન્યવાદ કરતો પત્ર પણ લખ્યો.
પરંતુ છ મહિના બાદ બૅંક તરફથી એક પત્ર આવે છે કે, "તમારા ખાતામાં 15 લાખ રૂપિયા ભૂલથી જમા થયા હતા. મહેરબાની કરીને તેની જેમ બને તેમ જલદી ચુકવણી કરો."
બૅંક જણાવે છે કે પૈસા પિંબલવડી ગામના વિકાસ માટે ફાળવવામાં આવ્યા હતા જે ભૂલથી ખેડૂતના બૅંક ખાતામાં જમા થઈ ગયા હતા. તે પૈસા ખરેખર ગ્રામ પંચાયતમાં જમા કરાવવાના હતા.
આ સ્થિતિમાં ખેડૂતની કોઈ ભૂલ નથી. આ તંત્રની ભૂલ હતી કે તેણે ભૂલથી ખાતામાં પૈસા જમા કરાવી દીધા હતા. ખેડૂતને લાગતું હતું કે એ પૈસા તેમને મળ્યા અને તેનો તેમણે ખર્ચ કરી દીધો. બૅંક મૅનેજમૅન્ટે આ વિશે પોલીસ ફરિયાદ કરી. જોકે, બંને પક્ષને ખબર નથી કે નવ લાખ રૂપિયા ક્યાંથી લાવવા જે ખેડૂતે ખર્ચીને તેનું ઘર બનાવી દીધું.

ગૂગલ પે, પેટીએમ જેવી યુપીઆઈનું શું?

ઇમેજ સ્રોત, Getty Images
બૅંકની લેણદેણ કરવા માટે ખાતાની વિગતો જરૂરી છે. પરંતુ અહીં કેસ અલગ છે. જો તમે મોબાઇલ નંબર ખોટો વાપરી લો અને ખોટી વ્યક્તિને પૈસા મોકલી દો તો તમારે થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન પ્લૅટફૉર્મનો સંપર્ક કરવો પડી શકે છે.
તેઓ તે વ્યક્તિના બૅંક ખાતા અને શાખાની વિગતો પણ આપશે જેને તેમણે ભૂલથી પૈસા મોકલ્યા છે. જે વ્યક્તિએ ભૂલથી પૈસા મોકલી દીધા છે તેમણે બૅંકની બ્રાન્ચે જવું જોઈએ અને પૂરતા પુરાવા સાથે લેખિતમાં અરજી કરવી જોઈએ.
આ કેસમાં પણ ઉપર આપેલી પ્રક્રિયા જ અનુસરવામાં આવે છે. જેમની પાસે પૈસા પહોંચ્યા છે, તેમને પૂછવામાં આવે છે અને જો તે પૈસા પરત ન કરે, તો બૅંક ખાતું પોલીસ ફરિયાદના આધારે ફ્રિઝ કરવામાં આવે છે.
બૅંક હોય કે થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન પ્લૅટફૉર્મ, બંને જગ્યાએ જેમને પૈસા ભૂલથી મોકલવામાં આવ્યા છે તેમની વિગતો કેમ આપવામાં આવતી નથી? માત્ર બૅંક ખાતા અને બ્રાન્ચની વિગત શા માટે આપવામાં આવે છે?
બૅંક ક્યારેય તે વ્યક્તિના ખાતાની વિગતો કે તે વ્યક્તિ વિશે માહિતી નહીં આપે. તેનાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો ખાનગી માહિતી આપી દેવામાં આવે તો, લોકો એકબીજાને પરોક્ષ રીતે મળી શકે છે. બંને લોકો વાટાઘાટો કરી શકે છે અને કંઈ પણ થઈ શકે છે.
બૅંક બ્રાન્ચના માધ્યમથી, જે તે બૅંકના અધિકારીઓ તેમનો સંપર્ક કરશે અને આગળની પ્રક્રિયા હાથ ધરશે. જો તે કામ ન લાગે, તો પોલીસ ફરિયાદ બાદ તેની કૉપી રજૂ કરીને બૅંકનું ખાતું ફ્રિઝ કરવામાં આવે છે અને પૈસા પરત કરવાનું કહેવામાં આવે છે. તેમની વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકતી નથી.
જો કોઈએ મની ટ્રાન્સફર રિવર્સ કરી છે, તો બૅંક જ જેટલી બની શકે તેટલી મદદ કરી શકે છે. પરંતુ જો પૈસા પરત નથી મોકલાયા તો તેને પરત મેળવવા ખૂબ અઘરા છે. તો પૈસા ઑનલાઇન ટ્રાન્સફર કરતાં પહેલાં સારી રીતે ચકાસણી કરો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













