INS વિક્રાંત ભારતીય નૅવીમાં સામેલ : દેશ અને નૌકાદળ માટે કેમ આ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે?

વિક્રાંત જહાજ ભારતીય નૌકાદળ માટે કેમ મહત્ત્વપૂર્ણ

ઇમેજ સ્રોત, Indian Navy

ઇમેજ કૅપ્શન, વિક્રાંત જહાજ ભારતીય નૌકાદળ માટે કેમ મહત્ત્વપૂર્ણ?
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારત સહિત વિશ્વભરનાં નૌકાદળોમાં કહેવાય છે કે, 'મહાન યુદ્ધજહાજો ક્યારેય નાશ નથી પામતાં, તે એક યા બીજા સ્વરૂપે પુનઃજન્મ લે છે.' આ વાત ભારતમાં ડિઝાઇન થયેલા તથા નિર્મિત યુદ્ધજહાજ વિક્રાંત માટે બંધ બેસે છે.

ભારત પાસે INS વિક્રાંતના નામથી યુદ્ધજહાજ હતું, જેણે 1965ના ગોવા મુક્તિસંગ્રામ તથા 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ભારત માટે નિર્ણાયક મનોવૈજ્ઞાનિક ભૂમિકા ભજવી હતી અને વિશ્વના નકશા ઉપર બાંગ્લાદેશ નામનો સ્વતંત્ર દેશ અસ્તિત્વમાં આવ્યો હતો.

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કોચ્ચિ શિપયાર્ડ ખાતે આ જહાજને ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સમાવી લેવામાં આવ્યું. લગભગ એક વર્ષ સુધી તેનાં દરિયાઈ પરીક્ષણ ચાલ્યાં હતાં અને જુલાઈ મહિનામાં તેને ભારતીય નૌકાદળને સોંપી દેવામાં આવ્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બે મહિના પહેલાં ચીને તેનું ત્રીજું વિમાનવાહક યુદ્ધજહાજ 'ફુજિયાન' તરતું મૂક્યું હતું, એટલે INS વિક્રાંતને તેના જવાબરૂપે જોવામાં આવે છે.

કેરળના કોચ્ચિ ખાતેના આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૅવીનું નવો ધ્વજ જાહેર કર્યો હતો.

આ સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન, કેરળના મુખ્ય મંત્રી પનીરયી વિજયન અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

વડા પ્રધાન કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે, 'તે સંસ્થાનવાદી અસરથી મુક્ત હશે અને ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનું પ્રતિનિધિત્વ કરતું હશે,' જેના આધારે એવું માનવામાં આવે છે કે ધ્વજમાંથી સૅન્ટ જ્યોર્જ ક્રોસને હઠાવી દેવામાં આવશે.

લાઇન

INS વિક્રાંત ભારત અને નૅવી માટે કેમ અગત્યનું?

લાઇન
  • ભારત પાસે INS વિક્રાંતના નામથી યુદ્ધજહાજ હતું, જેણે 1965ના ગોવા મુક્તિસંગ્રામ તથા 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ભારત માટે નિર્ણાયક મનોવૈજ્ઞાનિક ભૂમિકા ભજવી હતી
  • આ જહાજની ભૂમિકાના કારણે વિશ્વના નકશા ઉપર બાંગ્લાદેશ નામનો સ્વતંત્ર દેશ અસ્તિત્વમાં આવ્યો હતો
  • શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કોચી શિપયાર્ડ ખાતે નવા વિક્રાંત જહાજને ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સમાવી લેવામાં આવશે
  • આ સાથે જ ભારતીય નૌકાદળનું નવું ચિહ્ન પણ સાર્વજનિક કરાયું
  • સંસ્કૃતમાં વિક્રાંતનો મતલબ 'શૂરવીર' કે 'વિજયી' એવો થાય છે
લાઇન

પુરોગામીનાં પરાક્રમો

સંસ્કૃતમાં વિક્રાંતનો મતલબ 'શૂરવીર' કે 'વિજયી' એવો થાય છે

ઇમેજ સ્રોત, Twitter/indiannavy

ઇમેજ કૅપ્શન, સંસ્કૃતમાં વિક્રાંતનો મતલબ 'શૂરવીર' કે 'વિજયી' એવો થાય છે

સંસ્કૃતમાં વિક્રાંતનો મતલબ 'શૂરવીર' કે 'વિજયી' એવો થાય છે. વિક્રાંતના પુરોગામી એચએમએસ હર્ક્યુલસને ગ્રેટ બ્રિટન પાસેથી ખરીદવામાં આવ્યું હતું. મૅજિસ્ટિક શ્રેણીના આ વિમાનવાહક જહાજનું નિર્માણકાર્ય બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 1945માં તેને લૉન્ચ કરવામાં આવ્યું હતું. તા. 4 માર્ચ 1961ના તેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.

સેવામાં સામેલ થયાના માત્ર નવ મહિનામાં INS વિક્રાંતએ તેનું પહેલું અભિયાન હાથ ધર્યું હતું. ડિસેમ્બર 1961માં દીવ-દમણ અને ગોવાને પૉર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા માટે ભારત દ્વારા દરિયાઈ, જમીન તથા હવાઈ એમ ત્રણેય બાજુએથી હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારો ઈસવીસન 1510થી પોર્ટુગલને અધીન હતા.

જેમાં દરિયાઈ અભિયાનમાં INS વિક્રાંતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોર્ટુગીઝ વિમાનો તેની ઉપર હુમલો ન કરી તે માટે ભારતીય વિમાનોએ હવામાં ચક્કર માર્યા હતા. અંતે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલે શરણાગતિના દસ્તાવેજ ઉપર સહી કરી.

મેજર જનરલ (નિવૃત્ત) ઇયાન કાર્ડોઝોએ તેમના પુસ્તક 'INS ખૂકરી'ના બીજા પ્રકરણમાં લખે છે કે 1970 આવતાં-આવતાં તેના બૉઇલરમાં લીકેજ અને ક્રૅકની સમસ્યા ઉદ્દભવવા લાગી હતી. બીજી બાજુ, પૂર્વ પાકિસ્તાનમાં જે પરિસ્થિતિ થઈ હતી, તેના કારણે યુદ્ધ અનિવાર્ય જણાતું હતું.

તત્કાલીન ઍડમિરલ એસએમ નંદા જાણતા હતા કે INS વિક્રાંતે યુદ્ધ માટે ભૂમિકા ભજવવી પડશે, જો ત્યારે તે સમારકામ હેઠળ હશે તો તેને 'સફેદ હાથી' કહીને વગોવી કાઢવામાં આવશે તથા નૌકાદળની હવાઈ પાંખના ભવિષ્ય ઉપર જોખમ ઊભું થશે. એટલે તેમણે જાતે વિમાનવાહક જહાજમાં રહેલી સમસ્યાઓને દૂર કરવા માટેના પ્રયાસ કર્યા હતા.

પૂર્વના મોરચે PNS ગાઝી નામની સબમરીનને તેનો શિકાર કરવા માટે મોકલવામાં આવી હતી, પરંતુ INS રાજપૂતના માધ્યમથી થાપ આપવામાં આવી હતી. ઇરાદાપૂર્વક INS રાજપૂત પરથી મોટી સંખ્યામાં સંદેશ તથા ચીજવસ્તુઓના ઑર્ડર આપવામાં આવ્યા અને સતત સંચાર ચાલુ રાખવામાં આવ્યો, જેથી કરીને કોઈ મોટા જહાજની પ્રવૃત્તિઓ ઊભી થાય.

ભારતનું બીજું વિમાનવાહક જહાજ INS વિરાટ, જેને અલંગમાં તોડી પાડવામાં આવ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતનું બીજું વિમાનવાહક જહાજ INS વિરાટ, જેને અલંગમાં તોડી પાડવામાં આવ્યું હતું

PNS ગાઝી આ ચાલમાં સપડાઈ ગઈ અને તેનો શિકાર કરવા માટે વિશાખાપટ્ટનમના બંદર પાસે આવી. યુદ્ધ શરૂ થાય ત્યારે જ જો INS વિક્રાંતને ઉડાવી દેવામાં આવે તો ભારતની નૌકા યોજનાઓ ઉપર પાણી ફરી વળે અને તેનું મનોબળ તૂટી જાય તેવી પાકિસ્તાનની ગણતરી હતી.

પરંતુ તા. ત્રીજી ડિસેમ્બર 1971ના પાકિસ્તાને ભારતનાં હવાઈમથકો ઉપર હુમલા કર્યા એના ગણતરીના કલાકો પછી ત્રીજી-ચોથી તારીખની રાત્રે વિશાખાપટ્ટમના દરિયાકિનારે જોરદાર વિસ્ફોટ થયો, તપાસ કરતાં તે PNS ગાઝી હોવાનું બહાર આવ્યું.

INS રાજપૂત દ્વારા ફેંકવામાં આવેલા ગોળાને કારણે તેમાં વિસ્ફોટ થયો, તેના કારણે તે ઝડપભેર દરિયામાં નીચે ઊતરવા ગઈ અને તે બેસી ગઈ, ભારતના દરિયામાં ભારતીય જહાજો માટે પાથરવામાં આવેલી સુરંગોમાં PNS ગાઝી પોતે જ ફસાઈ ગઈ, સબમરીનમાં રહેલાં હથિયારોમાં વિસ્ફોટ થયો અથવા તો તેમાં સુરક્ષિત માત્રા કરતાં વધારે હાઇડ્રોજન એકઠો થવાને કારણે આગ લાગી અને વિસ્ફોટ થયો, જેવી થિયરી વહેતી થઈ છે.

ભારતીય નૌકાદળે ક્યારેય તેનો શિકાર કરવાનો શ્રેય ઔપચારિક રીતે લીધો નથી. મેજર જનરલ કાર્ડોઝો નૌકા નિષ્ણાતોને ટાંકતાં તારણ આપે છે કે સબમરીનમાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં હાઇડ્રોજન એકઠો થયો હશે, જેના કારણે વિસ્ફોટ થયો.

હવે, INS વિક્રાંત નિશ્ચિંત હતું. તેના ઉપરથી ઊડેલાં વિમાનોએ બાંગ્લાદેશનાં અનેક શહેરોમાં બૉમ્બવર્ષા કરી અને યુદ્ધનાં પાસાંને પલટાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

36 વર્ષ સુધી સેવા આપ્યા બાદ તા. 31 ડિસેમ્બર 1997ના દિવસે તેને ભારતીય નૌકાદળમાંથી સેવાનિવૃત્ત કરી દેવામાં આવ્યું હતું. તેમાંથી ગુપ્ત અને સંવેદનશીલ યંત્રો તથા હથિયાર કાઢી લેવામાં આવ્યાં હતાં, એ પછી તેને મ્યુઝિયમ તરીકે વિકસાવવાના પ્રયાસ થયા હતા, પરંતુ તેને સફળતા મળી ન હતી.

અંતે તેને તોડી પાડવામાં આવ્યું હતું. બાઇક બનાવતી કંપની બજાજે તેનું લોખંડ ખરીદ્યું હતું અને તેના લોખંડમાંથી નિર્મિત 'V' શ્રેણીની બાઇક લૉન્ચ કરી હતી.

line

INS વિક્રાંત એટલે...

ભારતનું ત્રીજું વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્યનું રશિયન નામ ઍડમિરલ ગોર્શ્ચોવ હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતનું ત્રીજું વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્યનું રશિયન નામ ઍડમિરલ ગોર્શ્ચોવ હતું

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે બે-બે વિમાનવાહક જહાજ સેવામાં દાખલ કરાવવાનો અનોખો રેકર્ડ લખાશે. તેમણે જૂન-2014માં INS વિક્રમાદિત્ય રાષ્ટ્રને અર્પણ કર્યું હતું અને હવે INS વિક્રાંતને કમિશન કરાવશે.

ભારતીય નૅવીના જણાવ્યા પ્રમાણે, વૉરશિપ ડિઝાઇન બ્યૂરો દ્વારા 'INS વિક્રાંત' (અલબત્ત ઔપચારિકપણે નૌકાદળમાં સામેલ થયા પછીનું નામ) તૈયાર કરવામાં આવી છે. જ્યારે બંદર ખાતા હેઠળ આવતા જાહેરસાહસના એકમ કોચ્ચિ શિપયાર્ડ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારત અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, સ્પેન અને ચીન જેવા ચુનંદા દેશોની શ્રેણીમાં સામેલ થઈ જશે, જે વિમાનવાહક જહાજોનું નિર્માણ કરી શકે છે.

તેના મૂલાધારનું નિર્માણકાર્ય ફેબ્રુઆરી-2009માં શરૂ થયું હતું, જ્યારે ઑગસ્ટ-2013માં તેને લૉન્ચ (નિર્માણકાર્ય પછી પ્રથમ વખત દરિયામાં તરતું મૂકવા માટે વપરાતો શબ્દ) કરવામાં આવ્યું હતું.

અગાઉ ભારતે જહાજમાં વપરાતા લોખંડની આયાત કરવી પડતી હતી. પરંતુ INS વિક્રાંત માટે ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલ્પમૅન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO), સ્ટીલ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (સેલ) તથા મિશ્રધાતુ નિગમ લિમિટેડ દ્વારા ભારતમાં જ સ્ટીલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે ભારતમાં બનતા દરેક યુદ્ધજહાજનું સ્ટીલ ભારતમાં જ બને છે અને તેના નિકાસ માટેની ક્ષમતા પણ ભારતે હાંસલ કરી લીધી છે.

આ સિવાય ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ અને હિંદુસ્તાન ઍરોનોટિકલ લિમિટેડ જેવા જાહેરસાહસના એકમો ઉપરાંત ટાટા, લાર્સન ઍન્ડ ટુબ્રો, કિર્લૉસ્કર અને કેલટર્ન સહિત 100 જેટલા લઘુ અને મધ્યમ એકમોએ જહાજના નિર્માણમાં ફાળો આપ્યો છે.

તેની લંબાઈ 262 મિટર, પહોળાઈ 62 મિટર તથા ઉંચાઈ 59 મિટર જેટલી છે, જ્યારે પાણીમાં ઊતર્યે તેનું કુલ વજન 45 હજાર ટન હશે. તેના ચાર ગૅસ ટર્બાઇન 88 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરશે.

જહાજ મહત્તમ 28 નોટિકલ માઇલની (લગભગ 52 કિલોમિટર) ગતિ આપશે. નોટિકલ માઇલ દરિયામાં અંતર માપવાનું એકમ છે, જે એક કિલોમિટર અને 850 મીટર જેટલું થાય. તે સળંગ સાત હજાર 500 નોટિકલ માઇલ અંદાજે 13 હજાર 875 કિલોમિટરનો પ્રવાસ ખેડી શકે છે.

ત્રણ તબક્કામાં આ જહાજ પાછળ રૂ. 20 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાંથી 76 ટકા હથિયાર તથા અન્ય ચીજો ભારતીય ઉદ્યોગગૃહો પાસેથી ખરીદવામાં આવ્યાં છે. જહાજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે પાંખવાળાં તથા પંખાવાળાં 30 હવાઈજહાજને સાથે લઈ જઈ શકે છે.

તેમાં બે હજાર 300 કમ્પાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં એક હજાર 700 ખલાસીઓના રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ જહાજીઓ તથા અધિકારીઓ માટે વિશિષ્ટ કૅબિનો તૈયાર કરવામાં આવી છે.

તેમાં બે હજાર 500 કિલોમિટર વાયર, 150 કિલોમિટર પાઇપ તથા બે હજાર જેટલા વાલ્વનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 'તરતા વીજ જનરેટર'ની ભૂમિકા પણ ભજવી શકે છે. તેમાં ઑપરેશન થિયેટર, ઇન્ટેન્સિવ કૅર યુનિટ, ડેન્ટલ કૅર યુનિટ, લૅબોરેટરી, સિટી સ્કૅનર, એક્સરે મશીન તથા આઇસોલેશન વોર્ડ જેવી સવલતો છે.

શરૂઆતમાં મિગ-29 વિમાનોને લૉન્ચ કરવામાં આવશે. તેની સાથે રશિયાના કામોવ-31 અને અમેરિકાના એમએચ-60આર હૅલિકૉપ્ટર હશે. આગળ જતાં સ્વદેશી ફાઇટર જેટ તેજસને પણ સમાવિષ્ટ કરવાની યોજના છે. આ વિમાન સ્કી જમ્પિંગ દ્વારા હવામાં ઉડાણ ભરશે, જ્યારે તૂતક પર પરત આવ્યા બાદ તેને અટકાવવા માટે વાયરનો ઉપયોગ કરવામાં આવશે. તેનો આકાર અને કદ તેને હથિયાર સાથેના કે વગરના ડ્રોન લૉન્ચ કરવાને માટે સક્ષમ બનાવશે.

ઑગસ્ટ-2021થી જુલાઈ-2022 દરમિયાન દરિયામાં તેની મશીનરી, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ, ડેક પરની સુવિધા, સંચાર, પરિવહન-નિયમન તથા જીવનરક્ષક પ્રણાલીની પણ ચકાસણી કરવામાં આવી હતી.

જહાજનાં હથિયારો વિશે ખુલાસો કરવામાં નથી આવ્યો, પરંતુ તેની ભૂમિકાના આધારે તેમાં ટૉર્પિડો (પાણીની અંદરથી બીજા જહાજ કે સબમરીન પર પ્રહાર કરી શકે તેવી મિસાઇલ), લૉન્ગ રેન્જ સરફેસ-ટુ-સરફેસ મિસાઇલ તથા સરફેસ-ટુ-ઍર મિસાઇલ હશે એમ માનવામાં આવે છે.

આ સિવાય ઍન્ટિ-ઍરક્રાફ્ટ ગન, ઍન્ટિ-મિસાઇલ નૅવલ ડિકોય સિસ્ટમ પણ હશે, જે તેના તરફ આવતી લેસર ગાઇડેડ મિસાઇલને ડાયવર્ટ કરી શકશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ