મુબારક બેગમ : બ્રાહ્મણ મહિલાનાં નામે બનેલી ઐતિહાસિક મસ્જિદની કહાણી

ઇમેજ સ્રોત, NAMDEV ANJANA/BBC
- લેેખક, અમૃતા કદમ અને નામદેવ અંજના
- પદ, બીબીસી સંવાદદાતા, મરાઠી
પૂણેનાં એક બ્રાહ્મણ મહિલા દિલ્લી આવે છે. તેઓ દિલ્હીમાં એક ગોરાસાહેબનાં બેગમ બની જાય છે. દિલ્હીમાં તેમના નામે એક મસ્જિદ બને છે. આ ભલે ઘણું અજબ લાગતું હોય, પણ આવું હકીકતમાં થયું છે.
રવિવારે દિલ્હીમાં એક મસ્જિદનો ગુંબજ પડી ગયો અને તેનો ઇતિહાસ બહાર આવવાની શરૂઆત થઈ. ગત રવિવારે (19 જુલાઈ) દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. તેના કારણે પુરાણી દિલ્લીમાં બનેલી એક મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ ગયો.
વરસાદને કારણે સામાન્ય રીતે પુરાણી ઇમારતોને નુકસાન થતું હોય છે. પુરાણી દિલ્હીના ચાવડીબજારની સાંકડી ગલીઓમાં આ મસ્જિદ આવેલી છે.
આ લાલ ઈંટોથી બનેલી હતી. તેનું ચોક્કસ સ્થળ હૌજ કાઝી ચોક છે. 19મી સદીમાં આ મસ્જિદ 'રંડીની મસ્જિદ'ના નામથી ઓળખાતી હતી. એટલે સુધી કે હાલ પણ કેટલાક લોકો તેને આ નામથી જાણે છે.
ઘણા લોકોને એ નવાઈ લાગતી હશે કે એક મસ્જિદનું નામ એક સેક્સવર્કરના નામે કેમ રખાયું હશે. તેને 'રંડીની મસ્જિદ' કહેવાતી હતી, પણ તેનું અસલી નામ 'મુબારક બેગમની મસ્જિદ' હતું.
1823માં બનેલી આ મસ્જિદ વિશે એ સ્પષ્ટ નથી કે તેને મુબારક બેગમે બનાવી હતી કે તેમની યાદમાં બનાવાઈ હતી.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં મસ્જિદના ઇમામને દાવો કર્યો, "આ મસ્જિદ ખુદ મુબારક બેગમે બનાવડાવી હતી. તેઓ એક બહુ સારાં માણસ હતાં."જોકે મસ્જિદ કોણે બનાવી તેને લઈને અસ્પષ્ટતા છે, પરંતુ એ સ્પષ્ટ છે કે આવું દુર્લભ હોય છે કે કોઈ મસ્જિદ કોઈ સેક્સવર્કરે બનાવડાવી હોય કે કોઈ એવાં મહિલાની યાદમાં બનાવાઈ હોય, કેમ કે એ સમયે માત્ર બાદશાહ કે તેમનાં પત્નીઓ કે રાજઘરાનાના લોકો જ મસ્જિદ બનાવડાવતાં હતાં.
તેનાથી સ્પષ્ટ થાય છે કે મુબારક બેગમ એ સમયે મોટી હસ્તી હશે. ઇતિહાસમાં તેમનો વધુ ઉલ્લેખ નથી. જોકે તેમના અંગે જે જાણકારી છે, તેનાથી ઘણી રસપ્રદ બાબતોની ખબર પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના અંગે એક રસપ્રદ વાત એ છે કે તેમનું નામ મુબારક હતું અને તેઓ દિલ્હીમાં રહેતાં હતાં. પણ તેઓ મૂળે હિન્દુ હતાં અને તેમાંય એક મરાઠી. તેઓ પૂણેનાં રહેવાસી હતાં.
કેટલીક જગ્યાએ એ ઉલ્લેખ છે કે તેમનું નામ ચંપા હતું, પરંતુ તેની કોઈ પુષ્ટિ નથી થતી. જોકે તેમનું નામ ચંપા હોય કે ગમે તે, તેઓ મુબારક બેગમ કેવી રીતે બન્યાં?
આ છોકરી પૂણેથી દિલ્હી આવી અને કોઈ રીતે તેમના નામે પુરાણી દિલ્હીમાં મસ્જિદ બની, જ્યાં ખૂણેખૂણે મુઘલોની છાપ પડેલી છે.

મુબારક બેગમની જિંદગી

ઇમેજ સ્રોત, NAMDEV ANJANA/BBC
મુબારક મૂળરૂપે હિન્દુ હતાં, જે મુસલમાન બની ગયાં. તેમનું નવું નામ બીબી મહરાતુન મુબારક-ઉન-નિસા-બેગમ હતું. જોકે તેમને મુબારકના નામથી ઓળખવામાં આવતાં હતાં.
તેમનાં લગ્ન પહેલાં બ્રિટિશન રૅસિડેન્ટ જનરલ ડેવિડ ઑક્ટરલોની સાથે થયાં હતાં. કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે તેઓ ડેવિડનાં ઘણાં પત્નીઓમાંનાં એક હતાં.
જનરલ ડેવિડ અકબર શાહ દ્વિતીયના સમયમાં દિલ્હીના રૅસિડેન્ટ ઑફિસર હતા. મૌલવી ઝફર મસાને ધ હિન્દુમાં મુબારક બેગમ અંગે લખ્યું છે કે તેઓ ડેવિડનાં બહુ પ્રિય હતાં. તેમને 13 પત્ની હતી અને મુબારક બેગમ તેમાંનાં એક હતાં.
તેઓ ડેવિડના સૌથી નાના પુત્રનાં માતા હતાં. મુબારક અને ડેવિડે લગ્ન કર્યાં હતાં. ઉંમરમાં નાનાં હોવા છતાં ડેવિડ સાથેના સંબંધમાં તેમનો અધિકાર હતો.
એ કારણે જનરલ ડેવિડે નક્કી કર્યું કે મુબારક બેગમથી પેદા થતાં બાળકોનું લાલનપાલન મુસ્લિમ રીતથી થશે.
દિલ્હી યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર અનિરુદ્ધ દેશપાંડે કહે છે, "બ્રિટિશ અને મુઘલ કૅમ્પ મુબારક બેગમથી નફરત કરતા હતા. મુબારક બેગમ ખુદને લેડી ઑક્ટરલોની કહેતાં હતાં, જેનાથી અંગ્રેજ નાખુશ હતા.
તેઓ પોતાને કુદસિયા બેગમ (એક સમ્રાટનાં માતા) કહેતા હતાં, જે મુઘલોને પસંદ નહોતું. ઑક્ટરલોનીએ તેમના નામે એક પાર્ક બનાવડાવ્યો હતો, જેને મુબારકબાગ કહેવાતો હતો.
મુઘલો આ બાગમાં જતા નહોતા."તેઓ પોતાના નિયમોની રીતે જિંદગી જીવતાં હતાં. જોકે રંડી કે સેક્સવર્કરને વર્તમાન વ્યવસ્થામાં સારી નજરે જોવામાં આવતાં નથી, પણ મુઘલકાળમાં પ્રૉસ્ટિટ્યૂટ્સને એટલી ખરાબ નજરથી જોવામાં આવતાં નહોતાં.
કહેવાય છે કે એ સમયે મુબારક બેગમ એક મશહૂર નામ હતું. દિલ્હીનો અંતિમ સૌથી મોટો મુશાયરો મુબારક બેગમના મહેલમાં આયોજિત કરાયો હતો. આ મુશાયરામાં 40થી વધુ શાયરો આવ્યા હતા અને તેમાં મિર્ઝા ગાલિબ પણ સામેલ હતા.

વ્હાઇટ મુઘલ ડેવિડ ઑક્ટરલોની

ઇમેજ સ્રોત, TWITTER/@DALRYMPLEWILL
સર ડેવિડ ઑક્ટરલોનીનો જન્મ 1758માં બૉસ્ટનમાં થયો હતો. બ્રિટાનિકા એનસાઇક્લોપીડિયામાં તેમનો ઉલ્લેખ મળે છે.
તેઓ 1777માં ભારત આવ્યા હતા. લૉર્ડ લેકની આગેવાનીમાં તેઓ કોઇલ, અલીગઢ અને દિલ્હીની લડાઈમાં સામેલ થયા હતા.
1803માં તેમને દિલ્હીના રૅસિડેન્ટ ઑફિસર બનાવાયા હતા. આગામી વર્ષે તેમને મેજર જનરલ બનાવી દેવાયા હતા.
જ્યારે હોલ્કરોએ દિલ્હી પર હુમલો કર્યો ત્યારે તેઓએ દિલ્હીની સુરક્ષાની જવાબદારી લીધી હતી.
ઑક્ટરલોનીનું મૃત્યુ 1825માં થયું હતું. દિલ્હીમાં રહેતા ડેવિડ ઑક્ટરલોની સંપૂર્ણ રીતે ભારતીય-ફારસી સંસ્કૃતિમાં રંગાઈ ગયા હતા. અનિરુદ્ધ દેશપાંડે કહે છે કે આ કારણે જ તેમને વ્હાઇટ મુઘલ કહેવાતા હતા.

અતીતથી નીકળવાની કોશિશ?
ઝિયા ઉલ સલામ પોતાના પુસ્તક 'વિમિન ઇન મસ્જિદ'માં મુબારક બેગમ વિશે બીજી એક જાણકારી આપે છે.
ઝિયા ઉલ સલામે બીબીસી મરાઠીને જણાવ્યું, "એક છોકરી જે પહેલાં એક પ્રૉસ્ટિટ્યૂટ હતી, તેણે પોતાના અતીતથી નીકળવાની ઘણી કોશિશ કરી.
તેણે સમાજના સૌથી મોટા વર્ગમાં પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી. એ કારણે તેણે બ્રિટિશ જનરલ ડેવિડ સાથે લગ્ન કર્યાં.
ડેવિડના મૃત્યુ બાદ તેણે એક મુસ્લિમ સરદાર સાથે લગ્ન કર્યાં."તેઓ કહે છે, "મસ્જિદ બનાવવી સમાજના ઉચ્ચ વર્ગમાં પોતાની સ્વીકૃતિ બનાવાની કોશિશનો જ ભાગ હતો.
એક વર્ગ માને છે કે આ મસ્જિદ મુબારક બેગમે બનાવડાવી હતી. બીજો વર્ગ માને છે કે જનરલ ડેવિડે આ મસ્જિદ બનાવડાવી હતી અને તેનું નામ મુબારક બેગમના નામે રાખી દીધી હતું. હકીકત એ છે કે મસ્જિદ મુબારક બેગમે બનાવડાવી હતી. ડેવિડે તેના માટે પૈસા આપ્યા હતા."

મસ્જિદનો ઢાંચો કેવો છે?

ઇમેજ સ્રોત, TWITTER/@DALRYMPLEWILL
મસ્જિદના ગેટ પર મસ્જિદ મુબારક બેગમની પ્લેટ લાગેલી છે.
મૂળ મસ્જિદ બે માળની છે. પહેલા માળે મસ્જિદ છે. અહીં નમાઝ માટે હૉલ છે અને કુલ ત્રણ ગુંબજ છે.
આ જ ત્રણ ગુંબજમાંથી એક તૂટી ગયો છે. આખી મસ્જિદ લાલ પથ્થરથી બનેલી છે. મસ્જિદ 1823માં બનેલી છે, આથી કેટલાંક વર્ષોમાં જ તેને બન્યાને 200 વર્ષ પૂરાં થઈ જશે.
વર્તમાન નુકસાન સિવાય બાંધકામમાં કોઈ તૂટ-ફૂટ નથી. પ્રોફેસર અનિરુદ્ધ દેશપાંડે કહે છે કે હૌજ કાઝી વિસ્તારમાં રહેતા લોકો આજે પણ તેને રંડીની મસ્જિદ કહીને બોલાવે છે.
કોઈને આ શબ્દાવલિમાં સહેજ પણ અજીબ લાગતું નથી. ઘણા લાંબા સમયથી અહીંના લોકો આ જ નામનો ઉપયોગ કરે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














