હારૂન રશીદ : 'અલિફ-લૈલા'ના પ્રસિદ્ધ પાત્ર વિશે આપણે કેટલું જાણીએ છીએ?

'બીબીસી રેડિયો થ્રી'ની વિશેષ શ્રેણી 'ઇસ્લામનો સુવર્ણ યુગ'ની આ કડીમાં પ્રોફેસર જુલિયા બ્રે દ્વારા ખલીફા હારૂન રશીદનું વ્યક્તિત્વ રજૂ થયું છે. તેમના સમયમાં બગદાદ કેવું હતું તેના પર પ્રકાશ પાડવાની કોશિશ કરી છે.

હારૂન રશીદને સંસ્કારી અને કલાપ્રેમી શાસક તરીકે યાદ કરવામાં આવે છે. જોકે તેમની કેટલીક ખરાબ યોજનાઓ હિંસા અને અરાજકનું કારણ પણ બની તે વાતના પણ પુરાવા મળે છે.

એવું કેમ થયું? જાણવા માટે વાંચો પ્રોફેસર બ્રૅનો આ લેખ.

હારૂન રશીદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હારૂન રશીદ

બીબીસી 'રેડિયો થ્રી'ની આ શ્રેણીમાં સન 750થી 1258 સુધીનો સમયગાળો આવરી લેવાયો છે. આ સમયગાળાની મહત્ત્વની ઘટનાઓ અને વ્યક્તિત્વો ઉપરાંત સ્થાપત્ય, ચિકિત્સા, સંશોધન અને ચિંતનના ક્ષેત્રમાં થયેલા વિકાસને પણ સમાવી લેવાયો છે. આ રેડિયો કાર્યક્રમનો બીબીસી ઉર્દૂએ અનુવાદ કર્યો છે.

ખલીફા તરીકે હારૂન રશીદ બહુ જાણીતા છે. 'અલિફ-લૈલા'ની પ્રસિદ્ધ કથાના ખલીફા અને લેખક ટૅનિસનનું ઉમદા પાત્ર એટલે હારૂન રશીદ. પણ ખરેખર આપણે તેમના વિશે કેટલું જાણીએ છીએ? આપણે એટલું જાણીએ છીએ કે તેમનો શાસનકાળ ખિલાફતનો 'સુવર્ણ યુગ' ગણાયો છે.

હારૂન રશીદની સલ્તનત મધ્ય એશિયાથી લીબિયા સુધી ફેલાઈ હતી. એ યુગ વિશે ટૅનિસન લખે છે કે, "એક સારો સમય અને સારું સ્થળ, કેમ કે ઉમદા હારૂન રશીદની બુલંદીનો એ સમય હતો."

પરંતુ તે સમય ખરેખર કેટલો સારો હતો?

તે યુગને બહુ પાછળથી 'સુવર્ણ યુગ' કહેવાયો અને કદાચ ખિલાફતના 600 વર્ષના ઇતિહાસમાંથી આ સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એમ થયું હશે.

આ 600 વર્ષમાંથી સન 786થી સન 809 સુધીનો 20 વર્ષથી થોડો ઓછો સમયગાળો હારૂન રશીદની ખિલાફતનો હતો.

મારા ઉપરાંત બીજા પણ ઘણા લોકો માને છે કે કલા, વિજ્ઞાન અને સાહિત્યમાં વધુ સારું કામ હારૂન રશીદ પછીના સમયગાળામાં પણ થયું હતું.

હારૂન રશીદ અને બગદાદનું નામ એક બીજા સાથે જોડાઈ ગયું છે. તેથી લાગે કે બગદાદ બહુ ઉમદા જગ્યા બની ગઈ હશે. અલિફ-લૈલામાં વર્ણન થયું છે તેવું જ સુંદર મજાનું બગદાદ હશે.

ખરેખર બગદાદ તેવું હતું? તેના વિશે કશું કહી શકાય નહીં, કેમ કે હારૂન રશીદ વખતના બગદાદનું કશું બચ્યું નથી.

જોકે આપણે જાણીએ છીએ કે ખિલાફતના છેલ્લાં 10 વર્ષોમાં તેમનું મનપસંદ શહેર રક્કા શામ (હવે સીરિયામાં) પ્રદેશમાં આવેલું હતું. બગદાદની ઉત્તરમાં આવેલું તે નગર હારૂન રશીદની સલ્તનત અને બાઇઝૅન્ટાઇન સામ્રાજ્યની સરહદ પર હતું.

હારૂન રશીદ

ઇમેજ સ્રોત, Getty Images

રક્કામાં પુરાતત્ત્વ નિષ્ણાતોને મહેલો પણ મળી આવ્યા છે અને જૂના જમાનાનાં કારખાનાં પણ મળી આવ્યાં છે. આઠમી સદીમાં કારખાનાં બન્યા હોય તે વાત જ રોમાંચક લાગે છે. જોકે આવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં હારૂન રશીદની ભૂમિકા કેટલી હતી તે આપણે જાણતા નથી.

સાચી વાત એ છે કે હારૂન રશીદ વિશેની કથાઓ છે, તેનાથી વાસ્તવિકતા ઘણી જુદી જણાય છે. મધ્ય પૂર્વના ઇતિહાસના ગ્રંથોમાંથી જે માહિતી મળે છે કે આધુનિક પુરાતત્ત્વ શોધખોળથી જાણવા મળે છે તે બાબતો ઘણી જુદી છે.

મધ્ય પૂર્વના દસ્તાવેજો વાંચીએ તો હારૂન રશીદનું વર્ણન મોટા ભાગે બહુ નબળા શાસક તરીકે થયેલું છે. તેમના હાથમાં ખિલાફત જતી માંડ માંડ બચી હતી. તેમનાં પર માતા અને પત્ની ઝુબૈદાનો પ્રભાવ હતો અને મોટા ભાગનો વહિવટ વગદાર અમીરો જ કરતાં હતા. આ અમીરો અને અમલદારો બારમાકીદ પરિવારના પ્રભાવમાં હતા.

પોતાના શાસનકાળના અંતિમ સમયમાં વહિવટ તેમણે હાથમાં લેવાની કોશિશ કરી હતી. બારમાકીદ (બરમેકિયન) પરિવારના સભ્યોને જેલમાં કેદ કર્યા હતા અને તેમના માનીતા ઝાફરની પણ હત્યા કરાવી દીધી હતી. જોકે તેની સામે સુનિશ્ચિત ભવિષ્યની યોજના બનાવી શક્યા નહોતા.

વારસા માટેની કોઈ પ્રણાલી ઉપલબ્ધિ નહોતી એથી તેમણે પોતાની ખિલાફત ઝુબૈદાથી થયેલા પુત્ર અમીનને સોંપી હતી. તેમનો દાસીથી થયેલો પણ એક પુત્ર હતો. આ સાવકા ભાઈ મામૂનને અડધી સલ્તનત આપવાનું વચન આપ્યું હતું.

પરંતુ તેમના મૃત્યુ બાદ બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું અને તેના કારણે બગદાદ ખંડેર બની ગયું.

મામૂને અમીનની હત્યા કરાવી અને સિંહાસન કબજે કરી લીધું. આ બધી ઘટનાઓને ધ્યાનમાં લેતા હારૂન રશીદના રાજકીય વારસાને શાનદાર કહેવો મુશ્કેલ છે. તેમનો યુગ 'સુવર્ણ યુગ' કહેવાયો હશે, પણ તે બહુ થોડાં વર્ષો માટે જ રહ્યો હતો. જીવનની ચાલીસીમાં પ્રવેશ પછી તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

જોકે અલિફ લૈલાની કહાણીને કારણે હારૂન રશીદનું પાત્ર ઐતિહાસિક બની ગયું. એવું લાગે છે કે આ વાર્તાને કારણે જ વાસ્તવિક હારૂન રશીદનું મૃત્યુ થયું તેનાં ઘણા વર્ષો પછી પાત્ર જીવતું રહ્યું થયું. આપણે આજે આ વાર્તાના હારૂન રશીદને જ જાણીએ છીએ.

વાસ્તવમાં હતા નહીં, પણ થઈ શકે તેવા હતા તેવા દિવસોની આ વાતો છે. ભૂતકાળ ઘણી વાર આગળ વધીને આશાની કિરણ બનીને સામે આવતું હોય છે. તેઓ ઉદાર શાસક હતા અને જીવી ગયા હોત તો સભ્ય સમાજના નિર્માણ માટે જરૂરી બધું જ તેમણે કર્યું હોત.

તેઓ બુદ્ધિજીવીઓ અને શાયરોને આશરો આપતા હતા. દયાળુ હતા અને સૌંદર્યપ્રેમી હતા. તેમને સુંદર અને હોંશિયાર દાસીઓ પસંદ પડતી હતી. શિક્ષિત, ગીતસંગીતની જાણકાર દાસીઓને તેઓ ચાહતા હતા.

તેઓ બહુ પ્રેમાળ પતિ હતા. પત્ની પણ તેમને ચાહતી હતી. ઝુબૈદા બુદ્ધિમાન, ઉદાર અને આત્મવિશ્વાસ ધરાવતાં મહિલા હતાં. ખરાબ સમયમાં પણ તેમણે પતિનો સાથ આપ્યો હતો.

હારૂન રશીદ

ઇમેજ સ્રોત, ANGELO HORNAK

તેમણે સમાજસેવા માટેના ઘણાં મોટાં કામ કર્યાં. ખાસ કરીને મક્કા અને મદીનામાં સુધીના માર્ગો પર એવા સ્થાનકો તૈયાર કરાવ્યાં, જે આજે પણ તેમની યાદગીરી આપે છે.

હારૂન રશીદ આજે માત્ર વાર્તાઓમાં નહીં, પણ આરબ ટીવી ચેનલોમાં પણ જીવંત છે. તેમની કથાઓને યૂટ્યૂબ પર પણ બહુ જોવાતી રહે છે.

ટીવીમાં રજૂ થતા હારૂન રશીદ, તેમનો પરિવાર અને દરબારીઓ અને જનતામાંથી તેમની ભાવનાનું એક ચિત્ર ઊભું થાય છે. જીવનના સંકટનો સામનો કરે છે, વફાદારીની પરીક્ષા કરે છે, હિંસાથી ભરેલા વિશ્વાસઘાતી માહોલમાં જીવન વિતાવે છે અને તેમ છતાં તેનો સામનો કરતાંકરતાં કલા અને નૈતિક સૌંદર્યનું પણ સર્જન કરે છે.

હારૂન રશીદની ટીવી પર રજૂ થતી આ છબી આજના આરબો માટે એક અરીસા સમાન છે. તેમની કહાનીઓમાં એવું ઘણું છે, જે શેક્સપિયરનાં નાટકોમાં અને તે નાટકોનાં ઐતિહાસિક પાત્રોમાં મળે છે.

આ વાર્તાઓમાંથી જ અસલ હારૂન રશીદને તારવવા પડે. ઇતિહાસકારો માને છે કે તેઓ માવડિયા હતા.

તેમનાં માતા ખિજરાન એક ગુલામ કનીઝ હતાં. પિતા ખલીફા અલ-મહદીએ તેમને ગુલામીમાંથી મુક્ત કરી અને પરંપરાથી વિરુદ્ધ જઈને તેની સાથે શાદી કરી હતી.

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનનું આ જૈન મંદિર જેને પુન:સ્થાપિત કરવામાં આવ્યું, કઈ બાબતો માટે છે ખાસ?

જોકે આ પ્રેમકહાણી આગળ જતાં કરૂણ બની હતી. અલ-મહદીનું નાની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું અને ખિરજરાનથી તેમને થયેલા બે પુત્રો વારાફરતી ખલીફા બન્યા હતા.

તે વખતે બંને પુત્રોની ઉંમર શું હતી તે આપણે જાણતા નથી. અનુમાન એવું છે કે તેમની ઉંમર 20 વર્ષની આસપાસ જ હશે. બંનેનાં નામ પયગંબરો પરથી એટલે કે હઝરત મૂસા અને હઝરત હારૂન પરથી રાખવામાં આવ્યા હતા. જોકે બંને ભાઈઓ એક બીજાને નફરત કરતા હતા.

મૂસાને પણ એક નાનો દીકરો હતો અને તેની ઇચ્છા હતી કે પોતાના પછી તેને ખિલાફત મળવી જોઈએ. હારૂનને રાજકુંવર ગણીને તેની સાથે સારો વ્યવહાર કરવાના બદલે તેને પરેશાન કરવામાં આવ્યા હતા.

હારૂનની હત્યા થઈ જાય તેવી શક્યતા હતી, તેથી ખિજરાને બાજી સંભાળી. ખલીફા અલ-મહદીના વખતથી જ ખિજરાન શક્તિશાળી મહિલા હતાં. જોકે મૂસાએ માતાનું પણ અપમાન કર્યું. તેમણે કહ્યું કે તમારે સ્ત્રી તરીકે રાજકાજના મામલામાં ખટપટ કરવાની જરૂર નથી.

આ લડાઈ હવે વ્યક્તિગત નહોતી, પરંતુ બંનેનાં હિતોનો પણ ટકરાવ હતો. મહદી જીવતા હતા ત્યારથી જ માતા અને પુત્ર વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલતી હતી. ખિજરાન અને બારમાકીદ પરિવાર મૂસાને તખ્ત પરથી હઠાવી દેવા માગતો હતો. બંનેએ મળીને મૂસાને હઠાવીને તેની જગ્યાએ હારૂનને ખલીફા બનાવવાનું કાવતરું ઘડી કાઢ્યું.

મૂસાનું પણ થોડા વખતમાં જ મૃત્યુ થઈ ગયું.

એવા પણ ઉલ્લેખો મળે છે કે ખિજરાને તેમને ઝેર આપી દીધું હતું. બીજા એક સંદર્ભ અનુસાર ખિજરાને દાસીનો ઉપયોગ કરીને મૂસાના મોઢા પર તકિયો દબાવીને તેમની હત્યા કરાવી દીધી હતી. આવી વાતો સામે સીધા સરળ એવા ઉલ્લેખો પણ મળે છે કે મૂસાનું મૃત્યુ પેટના અલ્સરથી થયું હતું.

મૂસાનું મૃત્યુ થયું તે પછી સત્તા હારૂનના હાથમાં આવવાને બદલે બારમાકીદ વંશના હાથમાં આવી.

બારમાકીદ પરિવાર અમીર ભદ્ર વર્ગનો હતો અને તેના પૂર્વજો મૂળ ઈરાનના હતા. ભૂતકાળમાં મધ્ય એશિયામાં આવેલા બૌદ્ધ ધર્મસ્થાનના સંરક્ષક તરીકે તેમના વડવાઓ કામ કરતા હતા.

જોકે હવે તેઓ સ્થાનિક પરંપાર પ્રમાણે અરબી બોલવા લાગ્યા હતા અને મુસ્લિમ બની ગયા હતા. ખિલાફતની વ્યવસ્થામાં તેઓ ગોઠવાઈ ગયા હતા અને સત્તા જમાવી રહ્યા હતા.

હારૂન રશીદ

ઇમેજ સ્રોત, Getty Images

આ પરિવારના લોકો રાજકાજમાં કુશળ હતા અને માલિકોને કોઈ મુશ્કેલી ના પડે તે રીતે તેમનું બધું કામકાજ પોતાના માથે લઈ લેવામાં માહેર હતા. બીજું અઢળક ધન ધરાવતા હતા એટલે તેના જોરે વફાદારીઓ ખરીદી લેતા હતા.

બારમાકીદ પરિવારનાં એક મહિલાએ હારૂનનું પાલક માતા તરીકે સ્તનપાન પણ કરાવ્યું હતું. આ રીતે બારમાકીદ પરિવાર સાથે બહુ નીકટનો નાતો હતો. તે વખતે દૂધના સંબંધને લોહીના સંબંધ જેટલો મજબૂત માનવામાં આવતો હતો.

આ ઉપરાંત બારમાકીદ પરિવારના એક વૃદ્ધે હારૂનના શિક્ષક અને સંરક્ષક તરીકે પણ કામ કર્યું હતું. હારૂન તેમને પિતા સમાન ગણતા હતા. આ રીતે યાહ્યા તેમના મંત્રી બની ગયા હતા અને યાહ્યાના બંને પુત્રોએ શાસન ચલાવવાની જવાબદારી વહેંચી લીધી હતી.

હારૂનના આ બંને દૂધભાઈઓ (પિતા અલગ પરંતુ એક જ મહિલાનું દૂધ પીનારા) ફઝલ અને ઝાફર હતા. ફઝલ ભરોસાપાત્ર અને લાયક હતા, જ્યારે જાફર બુદ્ધિમાન આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમની સાથે હારૂનની ગાઢ દોસ્તી થઈ હતી.

આ રીતે પારિવારિક સંબંધોના તાણાવાણા સર્જાયા હતા. તેના કારણે હારૂન રશીદની કહાણી એક પરિવારની નાટકીય ઘટનાઓ તરીકે પણ છે તેમાં નવાઈની વાત નથી. આ વાર્તાઓમાં દરેક ઘટનાને એવી રીતે રજૂ કરવામાં આવી છે કે તેનું મૂળ શોધવામાં મુશ્કેલી પડે.

પરંતુ આ બધી જ કથાઓ પારિવારિક કથાઓ તરીકે દર્શાવાઈ છે. તેમાં વ્યક્તિત્વ, લાગણીઓ, ઇર્ષા, ભય, પ્રેમ અને નફરત બધી જ બાબતો આવી જાય છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મૂસાના મૃત્યુ વિશે ભયાનક કથાનક છે તે આ વાતનું ઉદાહરણ છે. હારૂન આખરે ફઝલ અને યાહ્યાની વિરુદ્ધ કેમ થયા અને ઝાફરને કેમ મરાવી નાખવામાં આવ્યો તેની કથા પણ એનું જ બીજું ઉદાહરણ છે.

મનોવૈજ્ઞાનિક રીતે એવું કહી શકાય છે કે બારમાકીદ પરિવાર પર પોતે આધારિત રહેશે તો મરજી વિના કશું નહીં કરે શકે તેમ હારૂન રશીદને લાગ્યું હતું. તે મનોમન મૂંઝવણ અનુભવતા હશે અને ખાસ કરીને ઝાફરની પ્રતિષ્ઠા માટે તેમને ઇર્ષા થતી હશે.

આ કથાને રૂપકમાં એવી રીતે દર્શાવાઈ છે કે હારૂને બારમાકીદ પરિવાર પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. તેમણે ઝાફરને વશ કરવા માટે પ્રથમ ચૂપચાપ પોતાનાં બહેન અબ્સાસા સાથે તેમની શાદી કરાવી દીધી. બાદમાં બંનેને સાથે સુવા માટેની મનાઈ કરી દીધી.

બંને તેમના આદેશોનું પાલન ના કર્યું અને તેથી હારૂને પોતાના અધિકારોનો ઉપયોગ કરીને ઝાફરની હત્યા કરાવી દીધી. આ કથા ખોટી છે એવું ઇતિહાસકારો સદીઓથી કહેતા આવ્યા છે. પરંતુ બારમાકીદ પરિવારનું રાજકીય પતન શા માટે થયું તે ઇતિહાસકારો જણાવી શકતા નથી.

ઇતિહાસ અનુસાર સાચી ઐતિહાસિક ઘટના તેમના પુત્ર અમીનના અંતની છે.

મૂસાએ હારૂનને આપેલો વાયદો તોડીને પોતાના દીકરાને વારસદાર જાહેર કરી દીધો હતો. તે જ રીતે અમીને પણ પોતાનો વારસો ભાઈ મામૂનને આપવાનો વાયદો કર્યો હતો, પણ તે વાયદો તોડીને પોતાના દીકરાને વારસો આપી દીધો હતો.

હારૂન રશીદ

ઇમેજ સ્રોત, Getty Images

બારમાકીદ પરિવાર સામેની રાજકીય લડાઈમાં ખલીફા હારૂન રશીદ માટે સૌથી મહત્ત્વનું કાર્ય હતું, પોતાના પુત્રોના હાથમાં સત્તા આવે તે માટેનું. પરંતુ તે કામ કરવામાં તેઓ નિષ્ફળ ગયા હતા.

આ માનવ પ્રકૃત્તિની વિરુદ્ધની કથાઓ છે. ફરી એક વાર કથાઓ દ્વારા એવું સ્પષ્ટ કરાયું છે કે નૈતિક રીતે નબળા માણસના હાથમાં સત્તા આપવાથી શું પરિણામ આવે છે.

એવું કહેવાય છે કે ઝુબૈદાના પેટમાં જે રાત્રે અમીનનો ગર્ભ રહ્યો તે રાત્રે તેમને સપનું આવ્યું હતું. સપનામાં ત્રણ મહિલાઓ તેમની પાસે બેઠાં અને તેમના પેટ પર હાથ રાખ્યો. તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર કેવો હશે.

મહિલાઓ કહ્યું કે આ પુત્ર નકામો, વિશ્વાસઘાતી અને મૂર્ખ હશે.

અમીનનો જન્મ થયો તે રાત્રે ફરીથી તે ત્રણેય મહિલાઓ સપનામાં આવ્યાં. તેમણે ફરીથી પોતાની ભવિષ્યવાણી જણાવી હતી.

જે રાત્રે અમીનને દૂધ પીવાનું છોડાવ્યું તે રાત્રે છેલ્લી વાર મહિલા તેમના સપનામાં આવ્યાં. તેમણે કહ્યું કે પુત્રના અપલક્ષણને કારણે તેનું મૃત્યુ અને પતન થશે.

અમીન વિશે જ્યોતિષીઓએ સારીસારી કુંડળીઓ માંડી હતી અને અમીનને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવ્યું હતું, તેમ છતાં આ ભવિષ્યવાણી સાચી પડી. આ કથા જણાવે છે કે મનુષ્યનું ચરિત્ર તેની નિયતી નક્કી કરે છે. તેમાંથી એવો અર્થ પણ કાઢી શકાય છે કે કોઈના ભાગ્યની જાણકારી હોય તો તેનું ચારિત્ર્ય બને કે બગડી શકે છે.

પોતાના ભાઈને સત્તા સોંપશે એવું વચન પાંચ વર્ષના અમીન પાસેથી લેવાયું હતું. 15 વર્ષની ઉંમરે પણ વચન લેવાયું હતું. તે પછી 20 વર્ષની ઉંમરે તેને સત્તા મળી ત્યાં સુધીમાં વચન ના પાળવા માટેની યોજના કરી લેવાનો પૂરતો સમય તેને મળી ગયો હતો.

સાચી વાત એ છે કે તે જમાનામાં વચનના આધારે સત્તા મળતી નહોતી. કાયદાની કોઈ વાત આવતી નહોતી. દરેક ખલીફા પોતાની તાકાતથી જ સત્તા હાંસલ કરતા હતા. હારૂને પણ બારમાકીદની સામે લડત આપીને સત્તા મેળવી હતી.

તેમણે ચૂપચાપ બારમાકીદ પરિવારને વહિવટ ચલાવવા દીધો હતો. એટલે કે તેમણે પિતા પાસેથી વારસામાં મળેલી શક્તિશાળી અમલદારશાહીને યથાવત રાખી હતી.

પરંતુ તેમણે કેટલુંક નવું પણ કર્યું. તેમણે એવો પણ વિચાર આપ્યો કે ખિલાફતે પોતાને ધાર્મિક સત્તા રીકે સાબિત કરવાની છે. તેમણે ખિલાફતને ધાર્મિક હોદ્દા તરીકે લોકપ્રિય બનાવવા માટે કામ પણ કર્યું.

તેમણે સતત ખ્રિસ્તી બાઇન્ઝૅન્ટાઇન સામ્રાજ્ય સામે લડાઈ માટે ટુકડીઓ મોકલી અને પોતે પણ ઘણી વાર જઈને લડ્યા.

તેમણે ઘણી વાર હજયાત્રા કરી અને પવિત્ર સ્થાનો પર કિમતી ચઢાવા ચડાવ્યા. ઝુબૈદાની પણ આવી જ રીત હતી. તેમણે મક્કા અને મદિના માટે જળસંચયની એક યોજના બનાવી હતી. બંને શહેરોની વચ્ચેના માર્ગે વટેમાર્ગુઓને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાવી અને તેની પાછળ મોટો ખર્ચ કર્યો.

વીડિયો કૅપ્શન, 5 હજાર વર્ષ જૂના આ શહેરમાં કેવી સુવિધાઓ હતી, લોકો કેવી રીતે જીવતા?

ઝુબૈદાનાં આ સેવાકાર્યોનો દાખલો લઈને જ ઇસ્લામમાં દાનનો મહિમા વધ્યો હતો.

આ ઉદાહરણ પરથી સેવા માટે સંસ્થાઓ બનાવવાનો ચીલો પડ્યો. સત્તાધીશ પરિવારનાં મહિલા તરીકે ઝુબૈદાએ રાજકાજમાં પોતાની ઓળખ ઊભી કરી હતી. આ રીતે તેઓ પોતાના સમયથી ઘણી આગળ હતાં. તેમણે એવી મહત્ત્વની રાજકીય ભૂમિકા નિભાવી, જે આગામી સમયમાં ઘણી મહિલાઓ નિભાવવાની હતી.

હારૂન અને ઝુબૈદાએ પૂરા પાડેલાં ઉદાહરણો સદીઓ સુધી મુસ્લિમ શાસકો માટે મિસાલ બનીને રહ્યાં. તેમનાં જેવાં કાર્યો કરીને જ સત્તાધીશો ઓળખ ઊભી કરી શકતા હતા.

માત્ર કલ્યાણકારી કાર્યો કરવા કે લડાઈ કરવી એવું પણ નહીં. ન્યાય અપાવવો તેને પણ રાજ્યની જવાબદારી સમજવામાં આવી. તેના માટે ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરાઈ હતી અને કાજીનો હોદ્દો ઊભો કરાયો હતો.

હારૂન ન્યાય, પરિવાર પ્રેમ અને રાજકીય વહિવટ માટે જાણીતા બન્યા એટલે તેમનું અંગત અને જાહેર જીવન અલગ પાડવું મુશ્કેલ છે. પિતાની જેમ તેમને પણ ગીતસંગીત અને શાયરી પસંદ હતા. તેમનાં સાવકાં ભાઈબહેન સંગીતકાર અને શાયર હતાં. તેમની નઝમ આજે પણ પઢવામાં આવે છે.

હારૂન કલાના સંરક્ષક હતા. તેમણે પરંપરાને આગળ વધારીને જાહેર જીવનમાં પણ કલાનું મહત્ત્વ વધાર્યું અને તે પરંપરા સદીઓ સુધી ચાલતી રહી.

તેથી સર્વગ્રાહી રીતે વિશ્લેષણ કરતાં લાગે છે કે હારૂન લોકોના દિમાગમાં લોકપ્રિય છે તે માટે લાયક જ છે. તેમણે સભ્યતાને જીવંત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

હારૂન અને ઝુબૈદાએ એ દર્શાવી આપ્યું હતું કે શાસકો મહાન કાર્યોં કરીને પોતાની પ્રજા સાથે જોડાઈ શકે છે. એટલું જ નહીં, હારૂન, ઝુબૈદા, તેમના સંતાનો અને બારમાકીદ પરિવાર સાથેના તેમના તાણાવાણાની કથાઓ સદીઓ સુધી લોકોને વિચારતા કરતી રહી. આજે પણ તે કથા રોમાંચક લાગે છે અને આજના ઇન્ટરનેટ અને ટીવીની માધ્યમથી લોકોને આજે પણ આકર્ષતી રહે છે.

(આ અહેવાલ સૌપ્રથમ 23 સપ્ટેમ્બર 2020માં પ્રકાશિત થયો હતો)

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો