ઔરંગાબાદ : ઔરંગઝેબની કબર દિલ્હીમાં નહીં પણ ઔરંગાબાદની વચ્ચે કેમ બનાવવામાં આવી?
- લેેખક, શ્રીકાંત બંગાળે
- પદ, બીબીસી મરાઠી, ઔરંગાબાદ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની કૅબિનેટે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનાં નામ બદલવાને મંજૂરી આપી દીધી છે.
મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મુંબઈમાં થયેલી બેઠકમાં કૅબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. હવે ઔરંગાબાદનું નામ સંભાજીનગર, ઉસ્માનાબાદનું નામ ધારાશિવ અને નવી મુંબઈ ઍરપૉર્ટનું નામ ડીબી પાટીલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ હશે.

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
અગાઉ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) નામના તેલંગણાના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી ઔરંગાબાદની મુલાકાતે આવ્યા હતા. ઔરંગાબાદમાં તેમણે મુસ્લિમ બાદશાહ ઔરંગઝેબની કબર પર જઈને પ્રાર્થના કરી તેના પગલે એક નવો રાજકીય વિવાદ ફાટી નીકળ્યો હતો.
ઔરંગાબાદથી 25 કિલોમિટર દૂર આવેલા ખુલતાબાદ શહેરમાં ઔરંગઝેબની કબર છે, પણ દિલ્હીના બાદશાહ ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રમાં અને તે પણ ઔરંગાબાદમાં જ શા માટે છે તેવો સવાલ થવો સ્વાભાવિક છે.
આ સવાલનો જવાબ મેળવવા માટે હું પોતે ખુલતાબાદ ગયો હતો. જે દરવાજામાંથી ખુલતાબાદમાં પ્રવેશવાનું હોય છે તેને નગરખાના કહેવામાં આવે છે.
નગરખાનામાં થોડા અંદર જાઓ એટલે જમણી બાજુ ઔરંગઝેબની મઝાર આવેલી છે. તેમાં પ્રવેશતાં પહેલાં ભારતીય પુરાતત્ત્વ વિભાગનું એક બોર્ડ જોવા મળે છે, જેના પર લખ્યું છે કે આ રાષ્ટ્રીય સ્મારક છે.
કબર પરિસરમાં પ્રવેશતા પહેલાં બૂટ, ચંપલ બહાર કાઢી નાખવા પડે છે. અમે કબર કક્ષના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે અમારી મુલાકાત શેખ શુકૂર સાથે થઈ હતી.

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
સવારનો સમય હોવાથી ભીડ જરાય ન હતી. એક-બે લોકો ઔરંગઝેબની કબર જોવા આવ્યા હતા. શેખ શુકૂર તેમને કબર વિશેની માહિતી આપી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઔરંગઝેબની કબર બહુ સાદગીથી બનાવવામાં આવી છે. એ માત્ર માટીની બનેલી છે. કબર ઉપર સાદી સફેદ ચાદર પાથરવામાં આવી છે. કબરની ઉપર છોડ વાવવામાં આવ્યો છે.
ઔરંગઝેબની કબરની સારસંભાળ રાખતા રહેલા લોકોની પાંચમી પેઢીના વંશજ છે શેખ શુકૂર. કબર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક શ્વાસે કહ્યું હતું કે "આ કબર બાદશાહ ઔરંગઝેબની છે. તેમણે વસીયતનામામાં લખ્યું હતું કે મારી કબર અત્યંત સાદી બનાવજો, તેના પર શાકભાજીના છોડ વાવજો અને તેની પર છત બાંધશો નહીં. ઔરંગઝેબના મૃત્યુ સમયે આ કબરના નિર્માણમાં 14 રૂપિયા, 12 આનાનો ખર્ચ થયો હતો."
ઔરંગઝેબની કબરની એક બાજુ પર એક શિલા છે. તેના પર લખ્યું છે કે ઔરંગઝેબનું સંપૂર્ણ નામ અબ્દુલ મુઝફ્ફર મુહિયુદ્દીન મોહમ્મદ ઔરંગઝેબ આલમગીર હતું. ઔરંગઝેબનો જન્મ 1618માં અને મૃત્યુ 1707માં થયું હતું.
શિલા પર હિજરી કૅલેન્ડર અનુસાર ઔરંગઝેબના જન્મ અને મૃત્યુ વિષયક માહિતી આપવામાં આવી છે.

ઔરંગઝેબે ઔરંગાબાદ શા માટે પસંદ કર્યું?

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
ઔરંગઝેબનું 1707માં અહમદનગરમાં મૃત્યુ થયું હતું. એ પછી તેમનો મૃતદેહ ખુલતાબાદ લાવવામાં આવ્યો હતો.
તેનું કારણ એ હતું કે પોતાની કબર પોતાના ગુરુ સૈયદ ઝૈનુદ્દીન સિરાજીની કબરની બાજુમાં જ હોવી જોઈએ એવું ઔરંગઝેબે તેમના વસિયતનામામાં લખ્યું હતું.
ઇતિહાસકાર ડૉ. દુલારી કુરેશીએ આ સંદર્ભે વાત કરતાં કહ્યું હતું કે "ઔરંગઝેબે વસિયતનામું લખ્યું હતું. તેમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે હઝરત ખ્વાજા ઝૈનુદ્દીન સિરાજીને હું મારા ગુરુ માનું છું. હઝરત ખ્વાજા ઝૈનુદ્દીન સિરાજી ઔરંગઝેબના પૂર્વજ હતા."
"ઔરંગઝેબ પુષ્કળ વાચન કરતા હતા. તેમાં તેઓ સિરાજીને અનુસરવા લાગ્યા હતા. તેથી ઔરંગઝેબે વસિયતનામામાં લખ્યું હતું કે તેમની કબર સિરાજીની કબરની નજીક જ હોવી જોઈએ."

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
એ કબર કેવી હોવી જોઈએ એ પણ ઔરંગઝેબે વિગતવાર લખ્યું હતું.
ડૉ. દુલારી કુરેશીએ કહ્યું હતું કે "હું જેટલા પૈસા કમાયો છું એ પૈસામાંથી જ મારી કબર બાંધજો અને તેના પર શાકભાજીનો એક છોડ વાવજો. ઔરંગઝેબની ઇચ્છા આટલી જ હતી."
"ઔરંગઝેબ ટોપીઓ બનાવતા હતા અને કુરાન શરીફ પણ લખતા હતા. તેમાંથી જે કમાણી થઈ હતી એ નાણાંમાંથી ખુલતાબાદમાં તેમની કબર બાંધવામાં આવી હતી."
ઔરંગઝેબના મૃત્યુ પછી તેમના પુત્ર આઝમ શાહે પિતાની કબર બંધાવી હતી. ઔરંગઝેબની કબર તેમના ગુરુ ઝૈનુદ્દીન સિરાજીની કબર પાસે જ બાંધવામાં આવી છે. એ કબર પર લાકડાની છત બાંધવામાં આવી હતી.
એ પછી 1904-05માં લૉર્ડ કર્ઝન અહીં આવ્યા હતા. તેમણે એવું વિચાર્યું હતું કે આટલા મોટા બાદશાહની કબર આટલી સાદી કઈ રીતે હોઈ શકે. તેથી તેમણે કબરની ચોતરફ આરસની જાળી બનાવડાવી હતી અને કબરને થોડી સજાવી હતી.

'જમીન પરનું સ્વર્ગ'

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
ખુલતાબાદ ધાર્મિક અને ઐતિહાસિક પરંપરા ધરાવતું ગામ છે. ભદ્રા મારુતિ મંદિર ઉપરાંત આ ગામમાં સૂફી સંતો અને ઐતિહાસિક રાજવંશો તથા ઉમરાવોની કબર પણ આવેલી છે.
ખુલતાબાદને જૂના સમયમાં 'જમી પરનું સ્વર્ગ' કહેવામાં આવતું હતું.
ખુલતાબાદનું ભૂતકાળમાં કેટલું મહત્વ હતું તેની માહિતી આપતાં ઇતિહાસના અભ્યાસુ સંકેત કુલકર્ણીએ કહ્યું હતું કે "રોઝા શબ્દનો અર્થ થાય છે સ્વર્ગનું નંદનવન. જમીન પર ક્યાંય સ્વર્ગ છે તો તે ખુલતાબાદ છે એવું કહેવાતું હતું."
"ઈ.સ. 1300માં મુન્તજિબુદ્દીન જર જરી જર બક્ષનું આગમન અહીં થયું તેની સાથે અહીં સૂફીઓ આવવા લાગ્યા હતા."
"એ સૂફીઓ કાબુલ, બુખારા, કંધાર, સમરકંદ, ઈરાન, ઇરાક અને પર્શિયા જેવા દેશોમાંથી પ્રવાસ કરીને ખુલતાબાદ આવતા હતા."
સંકેત કુલકર્ણીએ ઉમેર્યું હતું કે, "ખુલતાબાદ દક્ષિણ ભારતમાં ઇસ્લામનો ગઢ હોવાને લીધે અને સૂફી ચળવળનું કેન્દ્ર હોવાને કારણે દેશ-વિદેશથી અનેક સૂફી અહીં આવતા હતા."
"એ બધાની કબર ખુલતાબાદમાં છે. આવા મોટા સૂફીઓની કબરો ખુલતાબાદમાં હોવાથી ઘણા લોકોને મૃત્યુ પછી અહીં કબરમાં સૂફીઓના સહવાસમાં રહેવાની ઇચ્છા હોય છે."

ઇસ્લામિક ચળવળનું કેન્દ્ર

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
દિલ્હીના નિઝામુદ્દીન ઓલિયાએ દક્ષિણમાં ઇસ્લામનો પ્રચાર કરવા માટે તેમના શિષ્ય મુન્તજિબુદ્દીન જર જરી જર બક્ષને 700 પાલખી, 700 સૂફી ફકીરોની સાથે ઈ.સ. 1300માં દેવગીરી મોકલ્યા હતા. એ વખતે દિલ્હીના અલ્લાઉદ્દીન ખિલજીએ રાજા રામદેવરાય યાદવને પોતાના માંડલિક એટલે કે આશ્રિત રાજા બનાવ્યા હતા.
મુન્તજિબુદ્દીને દૌલતાબાદને પોતાનું કેન્દ્ર બનાવીને બાકીના 700 સૂફી ફકીરોને સંપૂર્ણ દક્ષિણ ભારતમાં મોકલી આપ્યા હતા.
1309માં તેમનું મોત થયું હતું. તેમની દરગાહ ખુલતાબાદની હુડા ટેકરીની તળેટીમાં બનાવવામાં આવી હતી.
સંકેત કુલકર્ણીએ કહ્યું હતું કે "ધર્મપ્રચારની ઝુંબેશ ચાલુ રાખવા માટે નિઝામુદ્દીન ઓલિયાએ તેમના ઉત્તરાધિકારી બુરહાનુદ્દીન ગરીબને 700 પાલખી, મોહમ્મદ પૈગંબરના પોશાક અને ચહેરા પરના વાળ આપીને ખુલતાબાદ મોકલ્યા હતા."
"એ સમયથી ખુલતાબાદ દક્ષિણમાં ઇસ્લામી ચળવળનું કેન્દ્ર બન્યું હતું. બુરહાનુદ્દીન 29 વર્ષ સુધી સેવા આપી હતી."
સંકેત કુલકર્ણીએ ઉમેર્યું હતું કે, "એ પછી મોહમ્મદ તુગલકે દેવગિરીને પોતાની રાજધાની બનાવ્યું હતું. તેમના દરબારમાં કાઝી અને ઇસ્લામી વિદ્વાન દાઉદ હુસૈન શિરાજીની નિમણૂંક જૈનુદ્દીને પોતાના ઉત્તરાધિકારી તરીકે કરી હતી અને તેમનું નામ જૈનુદ્દીન દાઉદ હુસેન શિરાજી રાખવામાં આવ્યું હતું."
"જૈનુદ્દીને 1370 સુધી ઇસ્લામી ચળવળને મજબૂત બનાવી હતી. જૈનુદ્દીન ખ્વાજા પરંપરાના 22મા ખલીફા બન્યા હતા."
"કોઈ વ્યક્તિ ઉત્તરાધિકારી બનવાને લાયક ન જણાતાં જૈનુદ્દીને પોતાના ઉત્તરાધિકારીની નિમણૂંક કરી ન હતી. તેથી તેમના મોત પછી ઈસ્લામી ચળવળ ખંડિત થઈ હતી અને ખુલતાબાદનું મહત્વ થોડું ઘટ્યું હતું."
બાદશાહ ઔરંગઝેબે 17મી સદીમાં જૈનુદ્દીન શિરાજીની દરગાહની મુલાકાત લીધી હતી. જૈનુદ્દીન શિરાજીએ 14મી સદીમાં કરેલા કામમાંથી પ્રેરણા લઈને ઔરંગઝેબે દક્ષિણમાં પોતાની ઝુંબેશ આગળ ધપાવી હતી.
જૈનુદ્દીનની કબર પર હાથ મૂકીને તેમને પોતાના ગુરુ માન્યા હતા. ભારતમાં જે ઠેકાણે પોતાનું મરણ થાય ત્યાં જ દફન કરવાની ઇચ્છા તેમણે વ્યક્ત કરી હતી.

ઔરંગઝેબનું મહારાષ્ટ્ર કનેક્શન

ઇમેજ સ્રોત, PENGUIN INDIA
શાહજહાં બાદશાહ હતા ત્યારે તેમણે તેમના ત્રીજા પુત્ર ઔરંગઝેબને સૂબેદાર તરીકે દૌલતાબાદ મોકલ્યા હતા. ઔરંગઝેબનો સૂબેદાર તરીકેનો પહેલો કાર્યકાળ 1636થી 1644 સુધીનો હતો.
ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, "ઔરંગઝેબે તેનું વડું મથક દૌલતાબાદથી ઔરંગાબાદમાં ફેરવ્યું હતું, કારણ કે તેને ઔરંગાબાદ બહુ ગમતું હતું."
ડૉ. દુલારી કુરેશીએ કહ્યું હતું કે "આ ભૂમિ કેવી છે તે જાણવા માટે ઔરંગઝેબ વેરુળ, દૌલતાબાદ જેવાં દક્ષિણનાં શહેરોમાં ફર્યા હતા. ઔરંગઝેબે વેરુળ વિશે ઘણું લખ્યું છે. એ પછી તેણે દૌલતાબાદથી વેરુળ સુધીનો રસ્તો બનાવડાવ્યો હતો."
"1652માં ઔરંગઝેબને ઔરંગાબાદની સુબેદારી બીજી વખત મળી હતી અને તે ફરી ઔરંગાબાદ આવ્યો હતો. 1652થી 1659 દરમિયાન ઔરંગઝેબે ઔરંગાબાદમાં અનેક ઇમારતો બંધાવી હતી."
"તેમાં ફોર્ટ આર્ક અને હિમાયત બાદ જેવા અનેક બાગનો સમાવેશ થાય છે."
1681-82માં મરાઠા સામ્રાજ્યનું આક્રમણ વધવા લાગ્યું હતું. એ સમયે ઔરંગઝેબ ફરી દક્ષિણમાં આવ્યો હતો અને 1707માં મૃત્યુ થયું ત્યાં સુધી અહીં જ રહ્યો હતો. ઔરંગઝેબનું મૃત્યુ 1707માં અહમદનગરમાં થયું હતું.

પ્રવાસનની દૃષ્ટિએ ખુલતાબાદનું મહત્વ

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
ઔરંગઝેબની પૌત્રી બાની બેગમનો બાગ, તેની બાજુમાં આવેલું તળાવ, ભદ્રા મારુતિનું મંદિર વગેરે જેવાં અનેક પર્યટનસ્થળો ખુલતાબાદમાં આવેલાં છે. ખુલતાબાદની ઓળખ ઔરંગઝેબની કબર પૂરતી મર્યાદિત નથી.
અકબરુદ્દીન ઓવૈસીએ ઔરંગઝેબની કબરની મુલાકાત લીધી તેનાં પગલે રાજકીય આક્ષેપનો ક્રમ પણ ચાલુ થયો છે, પરંતુ પર્યટનની દૃષ્ટિએ ખુલતાબાદનું આગવું અને ઐતિહાસિક મહત્ત્વ હોવાનો ઇતિહાસકારોનો મત છે.
સંકેત કુલકર્ણીએ કહ્યું હતું કે, "સતવાહન વંશના સમયના અવશેષો અહીંથી મળી આવ્યા છે. અહીંથી ત્રણેક કિલોમિટર દૂર વેરુણની કૈલાસની ગુફાઓ આવેલી છે."
"ખુલતાબાદમાં બારથી પંદર મોટી સૂફી સંતોની દરગાહ છે. દરેક દરગાહ પર ઉર્સનું આયોજન કરવામાં આવે છે. તેથી મુસ્લિમો આખું વર્ષ અહીં આવતા રહે છે.
"અહીંથી નજીકમાં જ ભદ્રા મારુતિનું મંદિર પણ આવેલું છે. તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને તે પણ મોટું પર્યટન અને ધાર્મિક કેન્દ્ર છે."
ઔરંગઝેબે ઔરંગાબાદમાં તેમનાં પત્ની માટે 'બીબી કા મકબરા'નું નિર્માણ કરાવ્યું હતું, જે આજે 'દક્ષિણના તાજમહેલ' તરીકે વિખ્યાત છે. દિલ્હીના શહેનશાહ ઔરંગઝેબે તેમના જીવનનાં કુલ 89 પૈકીનાં 36-37 વર્ષ ઔરંગાબાદમાં વિતાવ્યાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













