1857 વિદ્રોહ : રોટલીને લીધે જ્યારે ભારતમાં અંગ્રેજોના 'કંપનીરાજ'નો અંત આવ્યો

19મી સદીમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં એક ફફડાટ ફેલાયો હતો કે ભારતના લોકો ગુપ્ત સંદેશો મોકલવા માટે રોટલીનો ઉપયોગ કરી રહ્યા છે.

1857માં ભારતમાં કંઈક વિચિત્ર બનાવો બનવા લાગ્યા હતા.

ઘઉંના લોટમાંથી વણીને તૈયાર કરાતી 'ચપાતી' એટલે કે રોટલી ભારતમાં એક ગામથી બીજા ગામ પહોંચવા લાગી હતી. રોટલી લઈને એક માણસ ગામમાં આવતો હતો અને ગામના મુખીને આપતો હતો.

અંગ્રેજો

ઇમેજ સ્રોત, FRANCIS HAYMAN/NATIONAL PORTRAIT GALLERY, LONDON

ઇમેજ કૅપ્શન, સમગ્ર ઉત્તર ભારતમાં રોટલીઓ ગામેગામ ફરવા લાગી હતી. ઇન્દોરથી ગ્વાલિયર સુધી રોટી પહોંચતી હતી.

તે પછી મુખી નવી રોટલી બનાવીને આગળના ગામે મોકલતો હતો.

આ રીતે સમગ્ર ઉત્તર ભારતમાં રોટલીઓ ગામેગામ ફરવા લાગી હતી. ઇન્દોરથી ગ્વાલિયર સુધી રોટી પહોંચતી હતી.

રોહિલખંડના વિસ્તારોમાં પણ ફરતી હતી. અવધ થઈને દક્ષિણમાં અલાહાબાદ સુધી પહોંચી હતી, જે હવે પ્રયાગરાજ તરીકે ઓળખાય છે.

બ્રિટિશ સેનાના ઑફિસરોનો અંદાજ હતો કે એક રાતમાં રોટલી 160-200 માઇલનો પ્રવાસ કરી નાખતી હતી. એ વખતની ટપાલસેવા કરતાંય એની પહોંચ વધારે ઝડપી હતી. કેટલીક વાર રોટલી સાથે કમળનું ફૂલ મોકલાતું હતું, ક્યારેય બકરાનું ગોશ્ત પણ ખરું. પરંતુ મોટા ભાગે માત્ર રોટલી જ મોકલાતી હતી.

લગભગ 100 વર્ષ પહેલાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ અને ફ્રેન્ચ સાથીઓ સામે પ્લાસીમાં લડાઈ લડી હતી.

યુદ્ધના મેદાનની બહારની રમતો કરીને પણ યુદ્ધ જીતી લેવાયું હતું. આ રીતે નવાબને હરાવીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મોગલોના વિસ્તારોમાં મહેસૂલ ઉઘરાવાનો હક મેળવી લીધો હતો અને તે રીતે ભારતમાં કંપનીનું રાજ જામવા લાગ્યું હતું.

line

હિંદસ્તાનીઓને શેનો ડર હતો?

ઇસ્ટ ઇન્ડિયા કંપની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લૅન્ડમાં આવેલા પોતાના વડા મથકથી ભારત પર શાસન કરતી હતી.

એક સદી પછી હવે ભારતમાં સંકટની સ્થિતિ ઊભી થઈ હતી.

ઇન્દોરમાં કૉલેરા ફેલાયો હતો. તેના આગલા વર્ષે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અવધને કબજે કરી લીધું હતું અને નવાબને પદભ્રષ્ટ કરીને કોલકાતા મોકલી દેવાયા હતા.

એવી અફવા ફેલાવા લાગી હતી કે બ્રિટિશરો લોટમાં ગાય અને ભૂંડના હાકડાનો ભૂક્કો ભેળવી રહ્યા છે.

કેટલાક એવી અફવા ફેલાવતા હતા કે બ્રિટિશરો દવામાં થૂંકીને તેને ગંદી બનાવતા હતા. (દિલ્હી યુનિવર્સિટીનાં ગેસ્ટ લેક્ચરર હીના અંસારી કહે છે, "લખનૌના સ્થાનિક ઉર્દૂ દૈનિક, 'તિલ્સિમ-એ-લખનૌ'એ લખ્યું હતું કે એક દવાખાનામાં દર્દીએ દવા લેવાની ના પાડી હતી, કેમ કે તેણે દવામાં બ્રિટિશરો થૂક્યા હોવાની અફવા સાંભળી હતી).

લેખક અને ઇતિહાસનાં અનુવાદક રાણા સફવી કહે છે કે અસંતોષનું એક બીજું પણ કારણ હતું: "એવી અફવા હતી કે પ્લાસીના યુદ્ધની 100મી જયંતિ વખતે 1757માં વિદેશી શાસનનો અંત આવશે." આ બધી બાબતોને જોડીને જોઈએ તો ખ્યાલ આવે છે કે લોકોને ડર લાગ્યો હતો કે બ્રિટિશ શાસકને કારણે બધાનું ધર્મપરિવર્તન થઈ જશે.

આવા માહોલમાં રોટલીઓ ફરતી થઈ અને બ્રિટિશરો વિમાણસમાં પડી ગયા.

અધિકારીઓ એક બીજાને આશ્ચર્ય સાથે પત્રો લખવા લાગ્યા હતા અને જણાવી રહ્યા હતા કે ચળવળની શરૂઆતમાં આ રોટલીનો ઉપયોગ સમજાતો નથી. રોટલીનું કંઈક રહસ્ય છે એવું જણાવાતું રહ્યું.

ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરતા આર્મી સર્જન ગિલ્બર્ટ હેડોએ માર્ચ 1857માં પોતાનાં બહેનને પત્રમાં લખ્યું હતું, "હાલમાં સમગ્ર ભારતમાં કંઈક રહસ્યમય બની રહ્યું છે."

"તેનો અર્થ કોઈને સમજાતો નથી ... ક્યાંથી શરૂ થયું તેની કોઈને ખબર નથી, શું હેતું છે તે ખબર નથી અને કોઈ ધાર્મિક વિધિ માટે છે કે પછી ગુપ્ત કોઈ સમુદાયનું છે કંઈ ખબર પડતી નથી."

"ભારતનાં અખબારોમાં આની જ ચર્ચા ચાલે છે અને તેને 'ચપાતી મૂવમેન્ટ' કહેવામાં આવી રહી છે."

મથુરામાં ત્યારે મૅજિસ્ટ્રેટ તરીકે રહેલા માર્ક થૉર્નહિલે લખ્યું હતું: "એક માણસ ગામમાં આવ્યો અને ચોકીદારને રોટલી આપી ગયો અને કહી ગયો કે તેના ચાર ટુકડા કરવાના છે."

"પછી તેને આસપાસનાં ચાર ગામના ચોકીદારોને વહેંચવાના છે. આગળ તેમને પણ આવું જ કરવાનું કહેવા જણાવાયું હતું. નવ દિવસ આ ચમત્કાર ચાલ્યો હતો અને પછી વાતો બંધ થઈ હતી."

રોટલીની સાથે શું સંદેશ જતો હતો તેની પણ ચર્ચા થવા લાગી હતી.

line

મુસ્લિમ અને હિંદુ બંને સૈનિકો કેમ નારાજ હતા?

મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરની છેલ્લી તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરની છેલ્લી તસવીર

નૉટિંગહમ યુનિવર્સિટીમાં બ્રિટિશ ઇતિહાસના જાણકાર અરૂણ કુમાર કહે છે, "સામ્રાજ્યના અધિકારીઓ માટે તે વિદ્રોહની નિશાની હતી અને ભારતીયોના સામ્રાજ્યવિરોધી રાષ્ટ્રીય વિરોધનું પ્રતીક હતી. સ્કૉટલૅન્ડમાં ક્રૉસ ફરતો થયો હતો તે રીતે રોટલી એ રાજકીય સંગઠન અને બળવાનું સાધન બની હતી." (બળેલાં ક્રૉસને દેખાડીને સ્કૉટલૅન્ડનાં વંશીય જૂથોએ સશસ્ત્ર બળવાનું આહ્વાન કર્યું હતું.)

જોકે કેટલાકે તેને એમ કહીને નકારી કાઢ્યું હતું કે રોગોને દૂર ભગાવવા માટેની વિધિ છે. ભારતના ઇતિહાસમાં પણ આવી રીતે સંદેશાની વાતો થતી આવી છે.

કુમાર કહે છે, "તીર તથા કેટલાંક આદિવાસી કુળોમાં અમુક પ્રકારનાં પાન, નાળિયેર કે ઘડાનો પણ સંદેશા માટે ઉપયોગ થતો રહેતો હતો. રોગચાળો, તહેવારો, સંગઠિત થવા માટે તથા બળવા માટે તેનો ઉપયોગ થતો હતો."

કુમારના જણાવ્યા અનુસાર પૂર્વ ભારતની કોળ પ્રજા છોટાનાગપુરમાં 1931-32માં તીર મોકલીને સંદેશા મોકલતી હતી.

પૂર્વ ભારતના સંથાલ આદિવાસીઓ સાગનાં પાન અને સિંદૂર મોકલીને સૌને એકઠા થવા માટે સંદેશ મોકલતા હતા.

કુમાર કહે છે, "પણ એ બધી સ્થાનિક બાબતો હતી, જ્યારે રોટલી ચળવળ વધારે વ્યાપક પ્રદેશમાં ફેલાઈ હતી."

"ઉત્તર ભારતમાં રોટલી સૌથી વધારે પ્રતીકાત્મક હતી. ગ્રામીણ વિસ્તાર તેના કારણે એક થઈ શકે." બાદમાં મહાત્મા ગાંધીએ પણ ગ્રામીણ ભારતને એક કરવા માટે મીઠા જેવાં પ્રતીકોનો ઉપયોગ કર્યો હતો.

સફવી કહે છે કે મૈનુદ્દીન હસનખાન નામના પહાડગંજના પોલીસ અધિકારીએ પણ આ રીતે રોટલી ફરતી થઈ તે વિશે નવાઈથી વાત કરી હતી. "તે પછીના મહિને ફેબ્રુઆરીમાં રોટલી ચારે બાજુ મોકલવામાં આવી હતી અને સંદેશ અપાયો હતો, તે બહુ જોખમી છે," એવી વાત તેમણે ચાર્લ્સ મેટકાફના પુસ્તકમાં કહી છે.

10 મે 1857ના રોજ બ્રિટિશ લેફ્ટનન્ટ ડે કાન્ત્ઝો ટ્રેઝરીનું રક્ષણ કરતા

ઇમેજ સ્રોત, Culture Club/Getty

ઇમેજ કૅપ્શન, 10 મે 1857ના રોજ બ્રિટિશ લેફ્ટનન્ટ ડે કાન્ત્ઝો ટ્રેઝરીનું રક્ષણ કરતા

આ પુસ્તક 1898માં આવ્યું હતું, 'ટુ નૅરેટિવ્ઝ ઑફ મ્યુટિની ઇન દિલ્હી.'

પુસ્તક મુજબ ખાને વધુમાં કહ્યું હતું કે: "હું દિલ્હીની બહાર આવેલા પહાડગંજમાં થાનેદાર હતો. દરરોજ સવારે ઇન્દ્રપુટ ગામનો ચોકીદાર આવીને કહેતો હતો કે સરાઇનો ચોકીદાર ફરુખ ખાન રોજ ચપાતી લઈને આવે છે."

તેમણે કહ્યું કે પોતાને પણ પાંચ રોટલી બનાવીને આસપાસનાં પાંચ ગામમાં મોકલવાં કહેવાયું હતું. એ જ રીતે પાંચેય ગામે પાંચ-પાંચ રોટલી બનાવીને બીજા ગામમાં મોકલવાની.

"જાર અને ઘઉંનો લોટ ભેગો કરીને રોટલી બનાવવાની. માણસની હથેળી જેટલી અને બે તોલા જેટલી બનાવવાની," એમ જણાવી ખાને વધુમાં કહેલું કે "મને બહુ નવાઈ લાગેલી પણ ચોકીદારની વાત સાચી લાગેલી. આ વાત અગત્યની હતી અને તેના કારણે હિન્દુસ્તાનનાં ગામડાંમાં સૌ સાવધ થઈ ગયા હતા."

રોટલીને બળવાના પ્રતીક તરીકે વાપરવાની વાત જમણેરી વિનાયક સાવરકરે પણ 'ઇન્ડિયન વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સ 1857'માં લખી હતી.

તેમના જણાવ્યા અનુસાર બ્રિટિશ સામ્રાજ્યથી નારાજ ભારતીયો પોતાની નારાજી રોટલી ફેલાવીને દર્શાવી રહ્યા હતા.

તે પછી બીજી એક અફવા ચાલી. બ્રિટિશ સેનાએ ભારતીય દળો માટે નવી ઍન્ફિલ્ડ રાઇફલો લાવી હતી.

તેની કારતૂસોમાં ભૂંડ અને ગાયનું માંસ લગાડ્યું હોવાનું જણાવાયું. મુસ્લિમ અને હિન્દુ બંને સૈનિકો આનાથી નારાજ થાય.

આ કારતૂસની ઉપરનું પડ દાંતથી તોડીને કાઢવું પડે એટલે સમસ્યા વધી પડી હતી. પોતાનો ધર્મ ભ્રષ્ટ થઈ જશે એમ સમજીને હિન્દુ અને મુસ્લિમ સૈનિકો ભડકી ગયા હતા. ખાસ તો ગૌમાંસ ના ખાનારા જ્ઞાતિના સૈનિકોએ કારતૂસ ખોલવાની ના પાડી દીધી. આમાંથી જ આખરે સેનામાં મોટા પાયે બળવો થયો હતો.

માત્ર સૈનિકોનો નહીં, પણ લોકોનો પણ બળવો હતો.

દિલ્હીમાં બહાદુરશાહ, કાનપુરમાં નાનાસાહેબ (હટાવી દેવાયેલા મરાઠા પેશ્વા બાજીરાવ દ્વિતીયના દત્તક પુત્ર), ઝાંસીમાં લક્ષ્મીબાઈ અને લખનૌમાં મૌલવી અહમદુલ્લા શાહ અને જનરલ બખ્ત ખાન અને દક્ષિણમાં તાત્યા ટોપે જેવા નેતાઓ ઊભા થયા.

આ બધાએ ભેગા મળીને વિરોધ કર્યો અને મેથી સપ્ટેમ્બર સુધી લડાઈ ચાલી. જોકે તે પછી બ્રિટિશરોએ બદલો લેવા મોટા પાયે દિલ્હીમાં કત્લેઆમ કરી હતી.

line

રોટલીને કારણે આ લડાઈ થઈ હતી?

બંગાળના નવાજ સિરાજ-ઉદ-દૌલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બંગાળના નવાજ સિરાજ-ઉદ-દૌલા

સફવી કહે છે, "1857ની શરૂઆતમાં રોટલી ફરતી થઈ હતી અને તેના દ્વારા હિન્દુસ્તાનીઓને એવો સંદેશ આપવામાં આવી રહ્યો હતો કે ઍન્ફિલ્ડની કારતૂસમાં ભૂંડ અને ગાયનું માંસ છે. મોટા ભાગના અહેવાલોમાં કહેવાયું હતું કે એવું કંઈ થઈ રહ્યું નહોતું."

"તેના કારણે બળવો થયો હોય તેવું લાગતું નહોતું. બાદમાં આ વાતને બળવાખોરોએ જોડી દીધી હશે."

હાલના દાયકામાં થયેલા સંશોધનોમાં એ વર્ષે બનેલા બનાવો વિશે નવીન પ્રકાશ પડ્યો છે.

ઘણા ઇતિહાસકારો માને છે કે બળવા માટેનો સંદેશ લાવણી, તમાશા, કઠપૂતળી જેવા પરંપરાગત મનોરંજનના માધ્યમથી ફેલાવામાં આવ્યો હતો.

સાથે જ પત્રોથી, અખબારોમાં, ચોપાનિયાંથી, પાટિયાંથી પણ સંદેશ ઝડપથી ફેલાવાયો હતો.

આ દસ્તાવેજોમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે એકતા વધે તે માટેના પ્રયાસો હતા અને સાથે જ મોગલરાજને પાછું લાવવાની કોશિશ હતી.

આ રીતે લખાણથી તથા મૌખિક રીતે પ્રચાર થતો હતો તે એવો હતો કે સામ્રાજ્યવાદીઓને સમજમાં ના આવે.

અંસારી પણ આવી જ વાત કરતા કહે છે, "એવી માન્યતા છે કે બળવાખોરોએ મૌખિક પ્રચાર કર્યો હતો અને રોટી તથા કમળથી પ્રચાર કર્યો હતો, તેના બદલે એવું જોવા મળ્યું છે કે ઘણું બધું લખાયેલું અને છપાયેલું સાહિત્ય મળ્યું છે જે દર્શાવે છે કે બળવાખોરોએ આધુનિક પદ્ધતિઓ અપનાવી હતી."

"ઇન્ડિયન નેશનલ આર્કાઇવ્ઝ પાસે ઘણા બધા દસ્તાવેજો છે, જેમાં બળવાખોર નેતાઓના હુકમો અને જાહેરનામાં છે. આ ઉપરાંત તે લોકોએ બંધારણ પણ ઘડ્યું હતું અને દિલ્હીમાં વ્યવસ્થા માટે અદાલતની પણ સ્થાપના કરી હતી."

દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર સૈયદ ઝહિર હુસૈન જાફરી આ સાથે સહમત થતા કહે છે, "છપાયેલા શબ્દોથી 1857 માટે લોકોને સંગઠિત કરાયા હતા. લગભગ 74 જેટલાં પૅમ્ફ્લેટ મળ્યાં છે, જે નેતાઓએ તૈયાર કર્યા હતા અને ઇતિહાસકારોને મળ્યા છે."

1857માં બ્રિટિશ લેફ્ટનન્ટ ડે કાન્ત્ઝો મૈનપુરીમાં સૈનિકોને શાંત પાડતા

ઇમેજ સ્રોત, Print Collector/Getty

ઇમેજ કૅપ્શન, 1857માં બ્રિટિશ લેફ્ટનન્ટ ડે કાન્ત્ઝો મૈનપુરીમાં સૈનિકોને શાંત પાડતા

"સ્થાનિક નેતાઓએ, મનસબદારોએ, નવાબો, રાજા અને રાણીએ લખેલાં જાહેરનામાં પણ મળ્યાં છે."

"20મી સદીમાં સાવરકરે રોટલીના પ્રતીકની વાત કરી હતી, પણ તેના માટે કોઈ સ્રોત ટાંક્યો નહોતો."

આમ છતાં મોટા ભાગના આ બનાવો વિશેના સાહિત્યમાં આ પુરાવાને ધ્યાનમાં લીધા વિના ચપાતીની જ વાત વધારે થતી રહી છે.

કેટલાક ઇતિહાસકારો માને છે કે સામ્રાજ્યના સત્તાધીશોએ જ આ બળવો કેટલો પદ્ધતિસરનો હતો તે વાતને દબાવી દેવા માટે લખાયેલા પુરાવાને એક કોરાણે કરીને આવી વિચિત્ર વાતોને વહેતી કરી હતી.

બળવાખોરોને બદનામ કરવા અને તેમને સંદેશને દબાવી દેવા માટેનો આ એક વધુ પ્રયાસ હતો.

1857ના કારણે ભારતમાં બ્રિટિશ શાસનનું સ્વરૂપ બદલાઈ ગયું. તે પછીનાં વર્ષોમાં બ્રિટિશરોએ સમગ્ર દેશમાં પોતાનું જાસૂસીતંત્ર ગોઠવી દીધું હતું.

'વર્નાક્યુલર પ્રેસ ઍક્ટ 1878' પસાર કરી દેવાયો, જેથી ફરીથી વિરુદ્ધમાં કોઈ સાહિત્ય પ્રસિદ્ધ ના થાય. તેને ગૅગિંગ ઍક્ટ કહેવાતો હતો, કેમ કે તે પ્રેસનો અવાજ દબાવી દેવા માટે હતો.

પ્રાદેશિક ભાષામાં પ્રગટ થતાં અખબારોમાં બ્રિટિશ નીતિઓ વિરુદ્ધ ના લખાય તે માટેનો આ કાયદો હતો.

આ રીતે તે વર્ષની શરૂઆતમાં ભારતમાં ગામેગામ રોટલી ફરતી થઈ હતી અને તેની સાથે જ ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પણ અંત આવી ગયો અને આખરે સત્તા બ્રિટિશ તાજ પાસે જતી રહી.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો