બંદાસિંહ બહાદુર: એ શીખ યોદ્ધા જેમણે મુગલ સલ્તનતને હચમચાવી દીધી

ઇમેજ સ્રોત, MANOOHAR PUBLISHERS
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
બંદાસિંહ બહાદુર માટે એવું કહેવાય છે કે તેઓ પોતાનું જીવન વિપરિત દિશામાં જીવ્યા હતા. કિશોરાવસ્થામાં સંત બની ગયેલા બંદાસિંહ બાદમાં સંસારમાં પાછા ફર્યા હતા.
એવું ભાગ્યે જ બનતું હોય છે કે હિંદુ ધર્મગ્રંથોના વિદ્વાન સંસારમાં પાછા ફરે અને એક બહાદુર યોદ્ધા અને કુશળ આગેવાન સાબિત થાય.
ટૅક્સાસની શીખ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહસંસ્થાપક હરિન્દરસિંહ લખે છે, "38 વર્ષની ઉંમર સુધીમાં બંદાસિંહ બહાદુરે જીવનની બે પરાકાષ્ઠા જોઈ લીધી હતી. ગુરુ ગોવિંદસિંહ સાથે મુલાકાત થઈ તે પહેલાં તેઓ વૈષ્ણવ અને શૈવ પરંપરાને અનુસરતા રહ્યા હતા."
"પરંતુ તે પછી તેમણે લશ્કરી તાલીમ લીધી, શસ્ત્રો અને સેના વિના 2500 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને 20 મહિનામાં સરહિંદ પર કબજો કરીને ખાલસારાજની સ્થાપના કરી હતી."
ગુરુ ગોવિંદસિંહ સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, PUBLICATION BUREAU PUNJABI UNIVERSITY
બંદાસિંહ બહાદુરનો જન્મ 27 ઑક્ટોબર, 1670માં રાજૌરીમાં થયો હતો. બહુ નાની ઉંમરે તેમણે ઘર છોડી દીધું અને વૈરાગી બની ગયા. તેમણે માધોદાસ વૈરાગી નામ ધારણ કર્યું હતું.
ઘરેથી નીકળીને તેઓ દેશભરમાં ભ્રમણ કરતા રહ્યા અને તે રીતે મહારાષ્ટ્રના નાંદેડમાં પહોંચ્યા.
નાંદેડમાં 1708માં તેમની મુલાકાત શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ સાથે થઈ. ગુરુ ગોવિંદસિંહે તેમને કહ્યું કે તમારું તપસ્વી જીવન ત્યાગો અને પંજાબના લોકોને મુગલોની ગુલામીમાંથી મુક્ત કરવાનું કામ કરો.
જે. એસ. ગરેવાલે તેમના પુસ્તક 'શીખ્સ ઑફ પંજાબ'માં લખે છે, "ગુરુએ બંદાસિંહને એક તલવાર, પાંચ તીર અને ત્રણ સાથીઓ આપ્યાં. સાથે જ ફરમાન લખીને આપ્યું હતું કે પંજાબમાં મુગલો સામેની લડાઈમાં શીખોનું નેતૃત્વ તેઓ કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોપાલસિંહે પોતાના પુસ્તક ગુરુ ગોવિંદસિંહમાં આ ઘટનાનું વર્ણન કર્યું છે, "ગુરુએ બંદા બહાદુરને ત્રણ સાથીઓ સાથે પંજાબ કૂચ કરવાનો આદેશ આપ્યો. તેમને કહેવાયું કે તમારે સરહિંદ નગર કબજે કરવાનું છે અને તમારા હાથે જ વઝીરખાનને મૃત્યુદંડ દેવાનો છે. તે પછી ગુરુ પણ તમારી પાસે આવી પહોંચશે."

બંદા બહાદુર પંજાબ પહોંચ્યા

ઇમેજ સ્રોત, ALEPH BOOKS
બંદાસિંહ બહાદુર પંજાબ તરફ નીકળી પડ્યા તેના થોડા દિવસ પછી જ જમશીદખાન નામના એક અફઘાને ગુરુ ગોવિંદસિંહ પર ખુકરી(છરી જેવું એક પ્રકારનું હથિયાર)થી હુમલો કર્યો હતો. ગુરુ ગોવિંદસિંહ ઘણા દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા હતા.
રાજમોહન ગાંધીએ પોતાના પુસ્તક 'પંજાબ એ હિસ્ટ્રી ફ્રૉમ ઔરંગઝેબ ટુ માઉન્ટબેટન'માં લખ્યું છે:
"ઘાયલ થયા તે પછી પોતાના મૃત્યુ પહેલાં ગુરુ ગોવિંદસિંહ પોતાના પુરોગામીની જેમ કોઈને આગળના ગુરુ નીમી શક્યા હોત. પરંતુ તેમણે એવું કર્યું નહોતું. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુરુ ગ્રંથસાહેબને જ શીખોના કાયમી ગુરુનો દરજ્જો આપવામાં આવે."
વર્ષ 1709માં મુગલ બાદશાહ બહાદુરશાહ હજી દક્ષિણમાં લડાઈમાં વ્યસ્ત હતા, ત્યારે બંદા બહાદુર પંજાબની સતલજ નદીની પૂર્વમાં પહોંચી ગયા હતા.
તેમણે શીખ ખેડૂતોને પોતાની સાથે જોડવાનું અભિયાન શરૂ કરી દીધું હતું. તેમણે સૌપ્રથમ સોનીપત અને કૈથલમાં મુગલોનો ખજાનો લૂંટી લીધો.
જાણીતા ઇતિહાસકાર હરિરામ ગુપ્તાએ પોતાના પુસ્તક 'લેટર મુગલ હિસ્ટ્રી ઑફ પંજાબ'માં તે વખતના મુગલ ઇતિહાસકાર સફી ખાનને એવું કહેતા ટાંક્યા છે કે "ત્રણથી ચાર મહિનામાં જ બંદા બહાદુરની સેનામાં લગભગ પાંચ હજાર ઘોડા અને આઠ હજાર પાયદળ સૈનિકો જોડાઈ ગયા હતા. થોડા દિવસમાં સૈનિકોની સંખ્યા વધીને 19,000 થઈ ગઈ હતી."

સમાના પર હુમલો

ઇમેજ સ્રોત, HAYHOUSE INDIA
જમીનદારોના અત્યાચારોથી ત્રાસી ગયેલા સરહિંદના ખેડૂતોનું જીવન બહુ કપરું બની ગયું હતું. તેઓ કોઈ બહાદુર નેતાની રાહમાં જ હતા. તેઓ એ પણ નહોતા ભૂલ્યા કે ગુરુ ગોવિંદસિંહના પુત્રોની શી દશા થઈ હતી. .
તે વિસ્તારના શીખોએ બંદાને ધન તથા ઘોડા આપ્યાં. ઘણા મહિનાથી મનસબદાર સૈનિકોને પગાર આપી રહ્યા નહોતા. તેથી રોજગારી માટે આ સૈનિકો પણ કોઈને શોધી રહ્યા હતા અને તેઓએ બંદા બહાદુરની સાથે જોડાઈ જવાનું નક્કી કર્યું હતું.
ઔરંગઝેબ પછી નવા આવેલા મુગલ બાદશાહ બહાદુરશાહની છાપ ઉદારવાદી હતી. બીજું કે તેઓ પંજાબ અને દિલ્હીથી દૂર હતા એટલે તેમના સૂબાઓ અને લોકો પણ તેમને નબળા સમજવા લાગ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
લોકોના મનમાં બાદશાહનો ડર હતો તે દૂર થવા લાગ્યો હતો. નવેમ્બર, 1709માં બંદા બહાદુરના સૈનિકોએ સરહિંદના એક કસબા સમાના પર હુમલો કરી દીધો.
હરિરામ ગુપ્તા લખે છે, "સમાના પર એટલા માટે હુમલો કરવામાં આવ્યો કે 34 વર્ષ પહેલાં ગુરુ તેગબહાદુરનો શિરચ્છેદ કરનારો અને ગુરુ ગોવિંદ સિંહના પુત્રોની હત્યા કરનારો વઝીરખાન આ જ નગરમાં રહેતો હતો."
"સમાનાની પાસે સિધૌરામાં મનસબદાર ઉસ્માનખાન હતો. તે ગુરુ ગોવિંદસિંહ સાથે દોસ્તી રાખનારા એક મુસ્લિમ પીરને પરેશાન કરતો હતો. તેથી ત્યાં પણ કત્લેઆમ કરવાનો આદેશ અપાયો. બાદમાં સફીખાને લખ્યું હતું કે બંદાએ મુગલ અફસરોને કહ્યું કે તમારા હોદ્દાઓ છોડી દો."
સમાના બચાવવા માટે સરસિંહને કોઈ મદદ દિલ્હીમાંથી મોકલાઈ નહોતી. સરહિંદ દિલ્હી અને લાહોરની વચ્ચે આવેલું નગર છે.
અહીં મુગલોએ મોટાંમોટાં ભવનો બનાવીને રાખ્યાં હતાં અને તે વખતે લાલ મલમલનું કાપડ બનાવવા માટે આ નગર દેશભરમાં મશહૂર હતું.

સરહિંદ પર વિજય

ઇમેજ સ્રોત, HAYHOUSE INDIA
બંદા બહાદુરે મે 1710માં સરહિંદ પર આક્રમણ કર્યું. હરીશ ઢિલ્લોંએ પોતાના પુસ્તક 'ફર્સ્ટ રાજ ઑફ ધ શીખઃ ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ બંદાસિંહ બહાદુર'માં લખ્યું છે, "બંદાની સેનામાં 35000 લોકો હતા. તેમાંથી 11000 ભાડૂતી સૈનિકો હતો. વઝીર ખાન પાસે સારી તાલીમ પામેલા 15000 સૈનિકો હતા. સૈનિકો આછા હતા, પણ વઝીરની સેના પાસે શીખોની સેના કરતાં વધારે સારાં હથિયારો હતાં."
"તેની પાસે ઓછામાં ઓછી બે ડઝન તોપ હતી અને તેના અડધોઅડધ સૈનિકો ઘોડેસવાર હતા."
22 મે, 1710ના રોજ થયેલી લડાઈમાં બંદાએ સૌપ્રથમ સેનાના મધ્યમાં જ હુમલો કરી દીધો. એવું મનાતું હતું કે સૌથી નબળું તોપખાનું હોય તેને વચ્ચે રાખવામાં આવતું હોય છે. તેના પર હુમલો કરવાની જવાબદારી તેમણે ભાઈ ફતહ સિંહને સોંપી હતી.
હરીશ ઢિલ્લોં લખે છે, "આમને સામને લડાઈ થઈ ત્યારે ફતહ સિંહે વઝીર ખાનના માથા પર વાર કર્યો હતો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
"સરહિંદના સૈનિકોએ જોયું કે તેના સેનાપતિનું માથું કપાઈ ગયું છે એટલે મેદાન છોડીને ભાગવા લાગ્યા હતા."
આ લડાઈમાં બંદા બહાદુરની જીત થઈ. સરહિંદ શહેરને ખેદાનમેદાન કરી નખાયું. ત્યારબાદ બંદા બહાદુરને ખબર મળ્યા કે યમુના નદીના પૂર્વ તરફ હિન્દુઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. એથી તેમણે યમુના નદી પાર કરીને સહારનપુર પર હુમલો કરીને તેની ખાનાખરાબી કરી નાખી.
બંદા બહાદુરના હુમલાની સફળતા પછી ઉત્સાહમાં આવી ગયેલા સ્થાનિક શીખ લોકોએ જાલંધર દોઆબમાં રાહોન, બટાલા અને પઠાણકોટનો કબજો કરી લીધો.

નવા સિક્કા અને મોહર જાહેર કરાયા

ઇમેજ સ્રોત, HAYHOUSE INDIA
બંદાસિંહ બહાદુરે પોતાના નવા સત્તા કેન્દ્રને લોહગઢનું નામ આપ્યું. સરહિંદની જીતની યાદગીરીમાં નવા સિક્કા પડાવવામાં આવ્યા અને નવી મોહર પણ જાહેર કરવામાં આવી.
આ સિક્કા પર ગુરુ નાનક અને ગુરુ ગોવિંદ સિંહની તસવીરો હતો. 1710માં 66 વર્ષના મુગલ બાદશાહ બહાદુરશાહ પોતે જ બંદાસિંહ બહાદુર સામે લડવા માટે મેદાનમાં ઊતર્યા હતા.
દક્ષિણમાંથી પરત આવ્યા પછી બહાદુરશાહ (અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર નહીં.) દિલ્હીમાં રોકાયા નહીં અને સીધા જ લોહગઢ તરફ કૂચ કરી. મુગલ ફોજ બંદાની સેના કરતાં ઘણી મોટી હતી. તેના કારણે બંદા બહાદુરને વેશ બદલીને લોહગઢની નીકળી જવા માટે મજબૂર બનવું પડ્યું.
એસ.એમ. લતીફે પોતાના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ પંજાબ'માં લખ્યું છે, "બંદા બહાદુરને ધ્યાનમાં રાખીને જ મુગલ બાદશાહ બહાદુરશાહે હવે આદેશ કર્યો હતો કે હવે દિલ્હીના બદલે લાહોર તેમની રાજધાની રહેશે."
"લાહોરથી તેમણે બંદાને પકડવા માટે પોતાના સેનાપતિને મોકલ્યા. જોકે ત્યાં સુધીમાં બંદા પત્ની તથા કેટલાક સાથીઓ સાથે પહાડોમાં છૂપી જગ્યાએ જતા રહ્યા હતા. સેનાપતિ ખાલી હાથે પાછા ફર્યા એટલે બહાદુરશાહે તેમને કિલ્લામાં જ કેદ કરી દેવાનો આદેશ કર્યો. લાહોરમાં શીખોના પ્રવેશ પર મનાઈ કરી દેવાઈ. જોકે બંદાના સાથીઓ રાત્રે રાવી નદીમાં તરીને લાહોરના બહારના વિસ્તારોમાં પહોંચી જતા હતા. મુગલરાજના માણસોને તંગ કરીને સવારે પાછા તરીને સામે કાંઠે જતા રહેતા હતા."

ફર્રુખસિયરે બંદાને પકડવાની જવાબદારી સમદ ખાનને સોંપી

ઇમેજ સ્રોત, HAYHOUSE INDIA
1712માં બાદશાહ બહાદુરશાહનું મૃત્યુ થયું. તે પછી સત્તા માટે અંદરોઅંદર લડાઈ થઈ તેમાં જહંદરના હાથમાં પહેલા સત્તા આવી. પરંતુ બાદમાં તેના ભત્રીજા ફર્રુખસિયરને મુગલ તાજ પહેરવા મળ્યો.
ફર્રુખસિયરે કાશ્મીરના સૂબેદાર અબ્દુલ સમદ ખાનને બંદાસિંહ બહાદુર સામેની લડતની જવાબદારી સોંપી.
સમદે 1713 સુધીમાં બંદા બહાદુરને સરહિંદ છોડી દેવા માટે મજબૂર કર્યા. જોકે તે પછીય સમદ અને બંદાના સૈનિકો વચ્ચે લડાઈ ચાલતી રહી હતી. આખરે સમદ ખાનને બંદા બહાદુરને નાંગલ ગામના એક કિલ્લા સુધી ખદેડવામાં સફળતા મળી. હાલના ગુરુદાસપુર શહેરથી ચાર માઇલ દૂર આ કિલ્લો આવેલો છે.
તે કિલ્લા ફરતે જોરદાર ઘેરો ઘાલવામાં આવ્યો. તેની અંદર અનાજ પણ ના પહોંચે તેવી રીતે ઘેરો રખાયો. કિલ્લામાં અનાજની તંગીને કારણે ભૂખમરાની સ્થિતિ આવી અને તે વખતે બંદાના સૈનિકોએ ગધેડા અને ઘોડાના માંસથી જીવન ટકાવી રાખ્યું.
હરિરામ ગુપ્તા લખે છે, "ઝાડપાન અને માંસ પર ગુજારો કરીને બંદા બહાદુરે તાકાતવાન મુગલ સેના સામે આઠ મહિના સુધી ટક્કર લીધી. આખરે ડિસેમ્બર, 1715માં સમદ ખાનને કિલ્લામાં ઘૂસવાની તક મળી."

બંદા બહાદુરને દિલ્હી લઈ જવાયા

ઇમેજ સ્રોત, HAYHOUSE INDIA
બંદા બહાદુરે આત્મસમર્પણ કરી લીધું તે પછી તેમના ઘણા બધા સાથીઓને ગુરદાસ નાંગલમાં જ મારી દેવાયા. બીજા લોકોને લાહોર પરત ફરતી વખતે રાવી નદીના કિનારે કતલ કરી દેવાયા.
એસ.એમ. લતીફ લખે છે, "સૂબેદારે વિજેતાની જેમ લાહોર શહેરમાં પ્રવેશ કર્યો. તેની પાછળ બંદા અને તેમના સૈનિકો ચાલી રહ્યા હતા."
"બધા કેદીઓને બેડીઓ બાંધવામાં આવી હતી અને ગઘેડા અથવા ઊંટ પર બેસાડવામાં આવ્યા હતા."
સમદ ખાને બાદશાહ પાસે બંદા બહાદુરને પોતે જ દિલ્હી લઈ જાય તે માટે મંજૂરી માગી. પરંતુ બાદશાહે મંજૂરી આપી નહોતી. તેથી બીજા દિવસે સમદ ખાને તેના પુત્ર ઝકરિયા ખાનને આ કેદીઓને દિલ્હી લઈ જવા જણાવ્યું.
27 ફેબ્રુઆરીએ આ જુલૂસે દિલ્હીમાં પ્રવેશ કર્યો હતો. તેને જોવા માટે દિલ્હીવાસીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા.
જે.બી.એસ. યુબિરૉયે પોતાના પુસ્તક 'રિલીજન, સિવિલ સોસાયરી ઍન્ડ ધ સ્ટેટ: અ સ્ટડી ઑફ શીખીઝમ'માં લખ્યું છે, "ફેબ્રુઆરી 1716માં દિલ્હી આવેલા એક અંગ્રેજે વર્ણન કર્યું છે કે તેણે દિલ્હીમાં પ્રવેશી રહેલા જુલૂસને જોયું હતું, જેમાં લગભગ 744 જીવિત શીખ કેદીઓ હતા."
"બબ્બેની જોડીમાં તેમને કાઠી વિનાના ઊંટો પર બાંધવામાં આવ્યા હતા. એટલે કે 377 ઊંટોનો કાફલો ચાલી રહ્યો હતો. દરેક કેદીનો એક હાથ પાછળ લોખંડની બેડીમાં બાંધેલો હતો. આ ઉપરાંત લાંબાં વાંસ પર માર્યા ગયેલા 2000 શીખોનાં માથાં લટકાવાયાં હતાં. તેની પાછળ બંદા બહાદુરને એક લોખંડના પીંજરામાં પૂરીને હાથી પર લઈ જવામાં આવી રહ્યા હતા. તેમના બંને પગમાં પણ લોખંડની બેડીઓ હતી. તેની બંને બાજુ ખુલ્લી તલવાર સાથે મુગલ સિપાહીઓ હતા."

કેદીઓને મારી નાખવાનો આદેશ

ઇમેજ સ્રોત, HAYHOUSE INDIA
આ કેદીઓને એક અઠવાડિયા સુધી કેદમાં રાખવામાં આવ્યા અને ત્યારબાદ 5 માર્ચ, 1716ના રોજ તેમની કતલ કરવાનું શરૂ થયું હતું.
રોજ સવારે કોટવાલ સરબરાહ ખાન આ કેદીઓને કહેતા, "તમને તમારી ભૂલ સુધારવાની આખરી તક આપવામાં આવે છે. શીખ ગુરુઓ પરનો ભરોસો જતો કરો અને ઇસ્લામ ધર્મ કબૂલ કરી લો. તમારા જીવ બક્ષી દેવામાં આવશે."
હરીશ ઢિલ્લોં લખે છે, "દરેક શીખે હસતાંહસતાં પોતાનું માથું હલાવીને કોટવાલને ના પાડી. સાત દિવસો સુધી શીખ કેદીઓનો નરસંહાર થયો તે પછી થોડા દિવસ હત્યા રોકવામાં આવી. કોટવાલે ફર્રુખસિયને સલાહ આપી કે પોતાના નિર્ણય પર વિચાર કરવા માટે બંદા બહાદુરને થોડા દિવસનો સમય આપવો જોઈએ. જેલમાં એકાંતવાસમાં રાખવામાં આવેલા બંદા બહાદુરની કોટડી પાસેથી જ્યારે પણ કોટવાલ પસાર થતા હતા ત્યારે તેઓ પોતાની માળા ફેરવતા દેખાતા હતા."

કોટવાલે ક્રૂરતાની હદ વટાવી દીધી

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE
9 જૂન, 1716ના રોજ બંદા અને તેમના કેટલાક સાથીઓને કુતુબ મિનાર પાસે મહરૌલીમાં બહાદુરશાહની કબર પર લઈ જવાયા. કબર સામે તેમને માથું નમાવવાનું કહેવામાં આવ્યું. બંદાના ચાર વર્ષના પુત્ર અજય સિંહને તેમની સામે રાખવામાં આવ્યો.
હરીશ ઢિલ્લોં લખે છે, "કોટવાલ સરબરાહ ખાનના ઇશારા પર અજય સિંહના તલવારથી ટુકડાં કરી દેવામાં આવ્યાં. આમ છતાં બંદા સ્થિર બેઠા રહ્યા. અજય સિંહનું કાળજું કાઢીને બંદા બહાદુરના મોંઢામાં ઠૂંસવામાં આવ્યું. તે પછી જલ્લાદે બંદા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. તેમના શરીરના ટુકડાં કરવામાં આવ્યા અને શક્ય હોય ત્યાં સુધી તેમને જીવતા રાખવામાં આવ્યા. આખરે જલ્લાદે તલવારથી તેમનું માથું ધડથી અલગ કર્યું."
બંદાસિંહ બહાદુરના મોતના બે વર્ષ પછી સૈયદ ભાઈઓએ મરાઠાઓની મદદથી ફર્રુખસિયરને ગાદીએથી હઠાવી દીધા. તેમને પકડી લેવાયા અને તેમની આંખો ફોડી નાખવામાં આવી.
એ પછી મુગલ સામ્રાજ્ય વિખેરાવા લાગ્યું. છેલ્લે એવી સ્થિતિ આવી કે દિલ્હીના બાદશાહ અંગ્રેજોની કઠપૂતળી બનીને રહી ગયા. દિલ્હીના લાલ કિલ્લાથી કુતુબ મિનાર સુધી જ મુગલ સામ્રાજ્ય સીમિત થઈ ગયું.
કાબુલ, શ્રીનગર અને લાહોર પર રણજિત સિંહે કબજો કરી લીધો. દક્ષિણ ભારતથી પાનીપત સુધીના વિશાળ વિસ્તાર પર મરાઠાઓનો કબજો થયો હતો.
રવીન્દ્રનાથ ટાગોરે બંદા બહાદુરના સન્માનમાં એક કવિતા લખી હતી 'બંદી વીર'.
પંચ નદીર તીરે
વેણી પાકાઈ શીરે
દેખિતે દેખિતે ગુરુર મંત્રે
જાગિયા ઉઠીચે શીખ
નિર્મમ નિર્ભીક...


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












