નાદીરશાહ કોહિનૂર હીરાની સાથે દિલ્હીમાંથી કેટલી સંપત્તિ લૂંટીને ગયા હતા?

ઇમેજ સ્રોત, MUSEE_GUIMET_PARIS
- લેેખક, ઝફર સૈયદ
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
12 મે, 1739ની સાંજ. દિલ્હીમાં જબરી હલચલ મચી છે. શાહજહાંનાબાદમાં રોશની અને લાલ કિલ્લામાં જશ્નનો માહોલ છે.
ગરીબોને શરબત, પાન અને ખાવાનું વહેંચાઈ રહ્યું છે. ફકીરોની ઝોળીને રૂપિયાથી ભરી દેવામાં આવી રહી છે.
દરબારમાં ઈરાની બાદશાહ નાદીરશાહની સામે મુઘલ સલ્તનતના તેરમા તાજદાર મહમદશાહ બેઠા છે.
જોકે, તેમના માથે શાહી તાજ નથી, કેમ કે અઢી મહિના પહેલાં જ નાદીરશાહે તેમની સલ્તનત છીનવી લીધી હતી.
56 દિવસ દિલ્હીમાં રહ્યા બાદ નાદીરશાહ આજે હવે ઈરાન પાછા ફરવાના છે. તેઓ હિન્દુસ્તાનનું સુકાન ફરી મહમદશાહને સોંપી દેવા માગે છે.
નાદીરશાહે સદીઓથી જમા થયેલો મુઘલ ખજાનો સાફ કરી નાખ્યો હતો. શહેરના તમામ અમીર અને અગ્રણી લોકોને પણ લૂંટી લીધા હતા. જોકે, હવે દિલ્હીની મશહૂર તવાયફ (જેનો આગળ ઉલ્લેખ આવશે) તેમણે એક ખાનગી માહિતી આપી છે.
તેમણે નાદીરશાહને કહ્યું છે કે તમે બધું જ લૂંટી લીધું પણ મહમદશાહે પોતાની પાઘડીમાં જે છુપાવી રાખ્યું છે, તેની આગળ આ ખજાનાની કશી વિસાત નથી.
નાદીરશાહ ઘાટ ઘાટનું પાણી પીનારો જમાનાનો ખાધેલો માણસ હતો. તેમણે પણ તક જોઈ એવી ચાલ ચાલી, જેને હુકમનું પત્તું કહી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે મહમદશાહને કહ્યું, "ઈરાનમાં એક રિવાજ છે કે ખુશીનો પ્રસંગ હોય ત્યારે ભાઈઓ એકબીજાની પાઘડી બદલે છે. આજે આપણે ભાઈ ભાઈ છીએ, તો કેમ એ રિવાજ ના પાળીએ."
મહમદશાહ પાસે માથું નમાવવા સિવાય કોઈ રસ્તો નહોતો. નાદીરશાહે પોતાની પાઘડી ઉતારીને તેમના માથા પર પહેરાવી દીધી અને તેમની પાઘડી પોતાના માથે પહેરી લીધી.
એ રીતે દુનિયાનો સૌથી મશહૂર હીરો કોહિનૂર (સાચો ઉચ્ચાર કોહ-એ-નૂર, કોહેનૂર છે) ભારતમાંથી ઈરાન પહોંચી ગયો હતો.

રંગીલા બાદશાહ

આ હીરાના માલિક મહમદશાહ તેમના પરદાદા ઔરંગઝેબનું શાસન હતું ત્યારે 1702માં જન્મ્યા હતા.
તેમનું અસલી નામ રોશન અખ્તર હતું. તેમને 29 ડિસેમ્બર 1719ના રોજ શાહી ઇમામ સૈયદ બ્રાદ્રાને ગાદી પર બેસાડ્યા હતા.
તેમને સલ્તનત-એ-તૈમુરિયાના તખ્ત પર બેસાડીને 'અબુ અલ ફતહ નસીરુદ્દીન રોશન અખ્તર મહમદશાહ'નો ખિતાબ અપાયો હતો.
તેમનું તખલ્લુસ 'સદા રંગીલા' એવું હતું. તખલ્લુસ સાથે આટલું મોટું નામ કોઈ યાદ ના રાખી શકે એટલે જનતાએ બંનેને ભેગા કરીને 'મહમદશાહ રંગીલા' એવું નામ કરી દીધું હતું.
મહમદશાહનો જન્મ થયો ત્યારે ઔરંગઝેબે હિન્દુસ્તાનમાં કટ્ટર ઇસ્લામનો અમલ લાગુ કરી દીધો હતો.
તેમનો સૌથી પહેલો ભોગ કલાકારો બન્યા હતા, કેમ કે તેઓ ઇસ્લામના નિયમોનું પાલન કરતા નથી એવું કહેવાતું હતું. તેનું એક રસપ્રદ ઉદાહરણ ઇટાલિયન યાત્રી નિકોલો મનૂચીએ નોંધ્યું છે.
તેઓ કહે છે કે ઔરંગઝેબના જમાનામાં સંગીત પર પ્રતિબંધ લાગ્યો તેના કારણે ગાયકો અને સંગીતકારો બેકાર બની ગયા હતા. આખરે તંગ આવીને એક હજાર કલાકારોએ શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાંથી સરઘસ કાઢ્યું.
તેઓ જનાજામાં નીકળ્યા હોય તેવી રીતે રોતા-કકળતા નીકળ્યા હતા. ઔરંગઝેબે પૂછ્યું કે, "આ કોનો જનાજો છે અને રોકકળ કેમ કરી રહ્યા છો?"
કલાકારોએ જવાબ આપ્યો, "આપે સંગીતની કતલ કરી નાખી છે એટલે તેને દફનાવવા જઈ રહ્યા છીએ." ઓરંગઝેબે કહ્યું, "કબર થોડી ઊંડી ખોદજો."
દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે તે નિયમ જાણીતો છે. આ નિયમ ઇતિહાસ અને માનવ સમાજને પણ લાગુ પડે છે. જે બાબતને જેટલી દબાવવામાં આવે તેટલી તે વધારે જોરથી ઊછળે છે.
તેથી ઔરંગઝેબના ગયા બાદ મહમદશાહના જમાનામાં દરેક પ્રકારની કલા પૂર્ણપણે ફરી ખીલી ઊઠી હતી.

બે અંતિમો

ઇમેજ સ્રોત, SAN_DIEGO_MUSEUM_OF_ART
આનું સૌથી રસપ્રદ ઉદાહરણ 'મરક-એ-દિલ્હી' પુસ્તકમાંથી મળે છે. આ પુસ્તક મહમદશાહના દરબારી કલી ખાને લખ્યું હતું. તે વખતે દિલ્હીમાં જીવન કેવી રીતે ધબકતું હતું તેનું તાદૃશ્ય વર્ણન પુસ્તકમાં છે.
આ પુસ્તકથી એક અજબ વાત જાણવા મળે છે કે માત્ર બાદશાહ જ નહીં, દિલ્હીના લોકોની જિંદગી બે અંતિમો વચ્ચે ફંગોળાઈ રહી હતી.
એક બાજુ એશો-આરામથી ભરી જિંદગી હતી. તેમાંથી પ્રજા થાકે ત્યારે ઓલિયાઓના શરણે જતા હતા. તેમાંથી પણ ફરી કંટાળે ત્યારે ફરીથી મોજમજામાં લોકો પડી જતા હતા.
'મરક-એ-દિલ્હી'માં આંહઝોરના કદમ શરીફ, કદમ ગાહ હજરત અલી, નિઝામુદ્દીન ઓલિયાના મકબરા, કુતુબસાહબની દરગાહ અને એવાં બીજાં ડઝનબંધ સ્થળોનો ઉલ્લેખ આવે છે.
આવાં સ્થળોએ શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હતી. અગિયારમી શરીફ સમગ્ર દિલ્હીમાં બહુ ધામધૂમથી મનાવાતી હતી. ફાનસ લગાવીને રોશની કરવામાં આવતી હતી અને મહેફિલો થતી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીજી બાજુ આ જમાનામાં સંગીતને પણ પ્રોત્સાહન મળ્યું. દરગાહમાં એવા ઘણા સંગીતકારોનો ઉલ્લેખ મળે છે, જેમનો શાહી દરબાર સાથે પણ નીકટનો સંબંધ હતો.
તેમાં અદા રંગ અને સદા રંગનાં નામો જાણીતાં હતાં. તેમણે ખયાલ-તર્જ-એ-ગાયકીને નવી ઊંચાઈ આપી હતી. આજે પણ તેઓને એ માટે યાદ કરાય છે.
પુસ્તકમાં જણાવ્યા અનુસાર, "સદા રંગ પોતાના નખથી સાજ છેડતા કે દિલો ધડકી ઊઠતા અને તેમના ગળામાંથી અવાજ નીકળે તે સાથે જ લોકોનો જાણે જીવ નીકળી જતો હતો."
તે વખતની એક બંદિશ આજે પણ ગાવામાં આવે છેઃ
મહમદશાહ રંગીલે સજના તુમ બિન કારી બદરયા, તન ના સુહાએ
મહમદશાહ રંગીલે સજના તુમ્હારે બિન કાલે બાદલ દિલ કો નહીં ભાએ
દરગાહ કુલીમાં ડઝનબંધ કવ્વાલ, ઢોલકબાજ, પખવાજ વગાડનારા અને ભાટોનો પણ ઉલ્લેખ મળે છે, જેમનો સંબંધ શાહી દરબાર સાથે હતો.

હાથીઓનો ટ્રાફિકજામ

ઇમેજ સ્રોત, METMUSEUM
આવા જમાનામાં નૃત્ય પણ શા માટે પાછળ રહે? તવાયફ નૂર બાઈનો ઉલ્લેખ આગળ કર્યો છે.
તેમના કોઠા પર અમીરો અને પ્રભાવશાળી લોકોના હાથીઓની એટલી ભીડ થઈ જતી હતી કે ટ્રાફિકજામ થઈ જતો હતો.
મરક-એ-દિલ્હી પુસ્તકમાં લખ્યું છે, "તેની મહેફિલનો ચસકો જેને પણ લાગ્યો, તેમનું ઘર બરબાદ થયું. જેમના દિમાગમાં તેની દોસ્તીનો નશો ચડ્યો, તે બગલાની જેમ ચક્કર કાપ્યા જ કરતા."
"કેટલાયે પોતાની મૂડી તેની પાછળ ગુમાવી દીધી. એ કાફિર પાછળ અગણિત લોકોએ પોતાની બધી ધનદોલત ગુમાવી દીધી હતી."
નૂર બાઈએ નાદીરશાહ સાથે પણ સંબંધ બાંધી લીધો હતો. એવી શક્યતા છે કે એકાંતની ક્ષણોમાં જ તેમણે નાદીરશાહને કોહિનૂર હીરાની વાત જણાવી દીધી હશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે, એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ ઘટનાનો ઉલ્લેખ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ઇતિહાસકાર થિયો મેટકૉફે કોહિનૂર વિશે લખેલા પુસ્તકમાં કર્યો છે. ઘણા ઇતિહાસકારો આ વાત પર શંકા પણ કરે છે.
આમ છતાં આ કથા એટલી પ્રચલિત થઈ છે કે આજે પણ ભારતમાં તે કિસ્સો યાદગાર ગણાય છે. દરગાહ કુલી ખાને બીજી એક તવાયફ અદ બેગમ વિશે અજાયબ વાત લખી છે -
"અદ બેગમ દિલ્હીની મશહૂર બેગમ છે, જે પાયજામો પહેરતી નથી. તેના બદલે પોતાના શરીરના નીચેના ભાગમાં પાયજામાની જગ્યાએ ફૂલ અને પાંદડા લગાવી દે છે."
"ફૂલપાનની એવી સજાવટ કરતી હતી કે જાણે પહેરણ હોય. આવી રીતે તે અમીરોની મહેફિલમાં જતી."
"એટલી સરસ સજાવટ કરી હોય કે કોઈને ખબર પણ ના પડે કે પાયજામો પહેર્યો નથી. આ રહસ્ય ખૂલે નહીં ત્યાં સુધી તેની કારીગરીને કોઈ પારખી શકતું નહોતું."
તે મીર તકી મીરની જવાનીનો સમય હતો. એવી પણ શક્યતા છે કે તેમણે નીચેનો શેર અદ બેગમથી પ્રભાવિત થઈને લખ્યો હોય-
જી ફટ ગયા હૈ રશ્ક સે ચસપાં લિબાસ
ક્યા તંગ જામા લિપટા હૈ ઉસકે બદન સે સાથ
તે વખતે મહમદશાહનાં દિવસ-રાત કેવી રીતે વીતતા તેનું વર્ણન પણ મળે છે.
સવારે ઝરોખા પર આવીને દર્શન આપવાના અને હાથીઓની લડાઈ જોઈને મજા લેવાની.
તે વખતે કોઈ ફરિયાદી આવી જાય તો સાંભળી લેવાનો. બપોરે જાદુગર, નકલખોર અને ભાટ લોકોને માણવાના. સાંજે નૃત્ય અને સંગીત અને રાતે...
બાદશાહને બીજો પણ એક શોખ હતો. તેઓ ઘણી વાર સ્ત્રીઓ જેવો પોષાક પહેરીને રેશમી પોશાક પહેરીને દરબારમાં આવતા હતા.
તે વખતે તેમના પગમાં મોતી ભરેલાં જૂતાં રહેતાં હતાં. જોકે, પુસ્તકોમાં લખાયું છે કે નાદીરશાહના હુમલા પછી તેઓ મોટા ભાગે સફેદ વસ્ત્રો પહેરીને જ સંતોષ માની લેતા થયા હતા.
ઔરંગઝેબના વખતમાં મુઘલ ચિત્રકારી પણ મુરઝાઈ ગઈ હતી, તે પણ ફરી ખીલવા લાગી હતી. તે વખતના જાણીતા ચિત્રકારોમાં નિધા મલ અને ચિત્રમનનો સમાવેશ થતો હતો.
તેમનાં ચિત્રો મુઘલ ચિત્રકારીના સુવર્ણયુગના કલાકારોની બરાબરી કરી શકે તેવાં હતાં. શાહજહાં પછી પહેલી વાર મુઘલ દરબારમાં ચિત્રકારોનો બીજો પ્રવાહ શરૂ થયો હતો.
તે શૈલીની વિશેષતા એ હતી કે તેમાં હળવા રંગોનો વધારે ઉપયોગ થતો હતો. અગાઉનાં મુઘલ ચિત્રોમાં સમગ્ર ફ્રેમને ખીચોખીચ ભરી દેવામાં આવતી હતી.
મહમદશાહના જમાનામાં સાદગીની અને કેટલીક જગ્યા ખાલી છોડવાની પ્રથા શરૂ થઈ હતી. તે વખતની એક જાણીતી તસવીરમાં ખુદ મહમદશાહને એક કનીજ સાથે સેક્સ કરતા દેખાડાયા છે.
એવું કહેવાય છે કે બાદશાહ નામર્દ છે તેવી અફવા દિલ્હીમાં ફેલાઈ હતી. તેથી તે અફવા દૂર કરવા આવું ચિત્ર કરાવ્યું હતું. આજે તો આવા ચિત્રને 'પૉર્ન આર્ટ'ની શ્રેણીમાં જ રાખવામાં આવે.

સોનાની ચકલી

આવી સ્થિતિમાં સત્તા કોણ સંભાળતું હશે અને ચલાવતું હશે?
અવધ, બંગાળ અને દખ્ખણના ઉપજાઉ અને સમૃદ્ધ સૂબાઓ પોતપોતાના પ્રદેશોમાં બાદશાહ બની ગયા હતા. આ બાજુ દક્ષિણમાં મરાઠાઓ દિલ્હી સલ્તનતને ઉખાડી ફેંકવા માટે ખાંડા ખખડાવી રહ્યા હતા.
જોકે, સલ્તનતને સૌથી મોટો માર પશ્ચિમમાંથી નાદીરશાહના હુમલાને કારણે પડ્યો હતો.
નાદીરશાહે શા માટે હિન્દુસ્તાન પર હુમલો કર્યો તેના ઘણા કારણો શફીકુર્રહમાને તેમના પુસ્તક 'તુઝકે નાદરી'માં જણાવ્યા છે.
જેમ કે હિન્દુસ્તાનના ગાયકો 'નાદરના ધીમ-ધીમ' બોલીને અમારી મજાક ઉડાવતા હતા.
તથા 'અમે હુમલો કરવા નહીં પણ ફૂફી જાન (ફઇબા)ને મળવા આવ્યા છીએ' વગેરે. મજાકની વાત જુદી છે, પણ તેનાં અસલી બે કારણો હતાં.
પ્રથમ : હિન્દુસ્તાનની સેના નબળી પડી ગઈ હતી. બીજું : હિન્દુસ્તાન ધનદોલતથી ભરેલું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
સામ્રાજ્ય નબળું પડી ગયું તે પછીય હજીય કાબુલથી બંગાળ સુધી મુઘલ શહેનશાહના સિક્કા પડતા હતા. રાજધાની દિલ્હી તે વખતે દુનિયાનું સૌથી મોટું શહેર હતું.
લંડન અને પેરિસ બંનેની ભેગી મળીને થાય તેના કરતાંય વધારે 20 લાખની તેની વસતિ હતી. તે દુનિયાના સૌથી સમૃદ્ધ શહેરોમાં એક ગણાતું હતું.
તેથી નાદીરશાહે 1739માં ખૈબરઘાટના જાણીતા રસ્તેથી હિન્દુસ્તાન પર ચડાઈ કરી.
એવું કહેવાય છે કે નાદીરશાહની ફોજ આવી રહી છે તેવું કહેવાતું ત્યારે તેઓ જવાબમાં કહેતા : 'હનૂજ દિલ્લી દૂર અસ્ત' એટલે કે હજી દિલ્હી બહુ દૂર છે, અત્યારથી ચિંતા કરવાની જરૂર નથી."
નાદીરશાહ આખરે દિલ્હીથી 100 માઇલ દૂર પહોંચ્યા ત્યારે મહમદશાહને પહેલી વાર પોતાની સેનાની નેતાગીરી કરવાનું આવ્યું.
તેમના લશ્કરની સંખ્યા લાખોમાં હતી પણ તેમાં મોટા પ્રમાણમાં રસોઈયા, સંગીતકારો, કુલીઓ, સેવકો અને સરકારી માણસો વધારે હતા. લડનારા સૈનિકોની સંખ્યા માંડ એકાદ લાખ હતી.
તેની સામે ઈરાની સેના ફક્ત 55 હજારની હતી, જે લડીને ઘડાયેલી હતી. તેની સામે હસીમજાક કરી રહેલા મુઘલ સૈનિકો હતા. કરનાલના મેદાનમાં ફક્ત ત્રણ જ કલાકમાં યુદ્ધનો ફેંકલો આવી ગયો હતો.
નાદીરશાહે મહમદશાહને પકડીને કેદ કરી લીધા અને દિલ્હીમાં વિજેતા તરીકે દાખલ થયા.

કત્લેઆમ

બીજા દિવસે ઇદ-ઉલ-જુહા હતી. દિલ્હીમાં મસ્જિદોમાં નાદીરશાહના નામના ખુત્બા પઢવામાં આવ્યા. ટંકશાળમાં તેમના નામના સિક્કા પાડવાનું શરૂ થઈ ગયું.
હજી થોડા જ દિવસ થયા હતા ત્યાં શહેરમાં અફવા ફેલાઈ કે એક તવાયફે નાદીરશાહની હત્યા કરી દીધી છે.
આ અફવા સાંભળીને દિલ્હીના લોકોમાં હિંમત આવી અને ઈરાની સૈનિકોની કત્લ કરવાની શરૂ કરી દીધી. તે પછી શું થયું તેનું ઇતિહાસમાં આવી રીતે વર્ણન થયેલું છે :
"સૂરજનાં કિરણો હજી આકાશમાં ફૂટતાં હતાં ત્યાં નાદીરશાહ દુર્રાની પોતાના ઘોડા પર સવાર થઈને લાલ કિલ્લાની બહાર નીકળ્યા."
"તેનું શરીર બખ્તરથી મઢેલું હતું. માથા પર લોઢાનું કવચ હતું અને કમરે તલવાર બાંધેલી હતી."
"તેના સેનાપતિ અને સૈનિકો સાથે હતા. તે લોકો ચાંદનીચોકમાં આવેલી રોશનઉદ્દૌલા મસ્જિદ તરફ જઈ રહ્યા હતા. મસ્જિદમાં જઈને તેમણે મ્યાનમાંથી પોતાની તલવાર કાઢી."
આ તેમના સિપાહીઓને ઈશારો હતો. સવારના નવ વાગ્યા હતા અને કત્લેઆમ શરૂ થઈ ગઈ હતી. સિપાહીઓએ ઘરોમાં ઘૂસીને લોકોની હત્યા કરવાનું શરૂ કરી દીધું હતું.
હત્યાકાંડને કારણે એટલું લોહી વહ્યું કે નાળાઓમાં વહેવા લાગ્યું. લાહોરી દરવાજા, ફૈઝ બજાર, કાબુલા દરવાજા, અજમેરી દરવાજા, હૌઝ કાઝી અને જોહરી જોહરી બજારમાં મૃતદેહોના ખડકલા થઈ ગયા હતા.
હજારો સ્ત્રીઓ સાથે બળાત્કાર થયા, સેંકડો લોકોએ કૂવામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. કેટલાક પોતાની દીકરીઓ અને પત્નીઓની જાતે હત્યા કરી નાખી, જેથી તેઓ ઈરાની સૈનિકોના હાથમાં ના પડે.
ઇતિહાસમાં લખાયા અનુસાર તે દિવસે 30,000 દિલ્હીવાસીઓની હત્યા કરી દેવાઈ હતી. આખરે મહમદશાહે પોતાના વડા પ્રધાનને નાદીરશાહ પાસે મોકલ્યા.
તેમણે ઉઘાડા પગે અને ઉઘાડા માથે નાદીરશાહ સામે હાજર થઈને એક શેર કહ્યો :
'દીગર નમાઝદા કસી તા બા તેગ નાઝ કશી
મગર કહ ઝિંદા કની મુર્દા રા વ બાજ કશી'
(હવે કોઈ નથી બચ્યું જેને તું તારી તલવારથી કત્લ કરી શકે, સિવાય કે તું મરેલાને જીવતા કરીને તેની ફરીથી કત્લ કરે.)
આ સાંભળ્યા પછી નાદીરશાહે પોતાની તલવારને મ્યાન કરી અને તે પછી તેમના સૈનિકોએ હત્યા કરવાનું બંધ કર્યું. કત્લેઆમ બંધ થઈ તે પછી લૂંટ શરૂ થઈ. શહેરને જુદા જુદા હિસ્સામાં વહેંચી દેવાયું.
સેનાને ત્યાં ફરજમાં મૂકી દેવાઈ, જેથી થાય તેટલી લૂંટ કરી શકાય. જેમણે પોતાની સંપત્તિ છુપાવવાની કોશિશ કરી તેના પર અત્યાચાર કરાયો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
શહેરમાં લૂંટફાટ થઈ ગઈ તે પછી નાદીરશાહે શાહીમહલ તરફ નજર કરી. તેનું વર્ણન નાદીરશાહના દરબારમાં ઇતિહાસકાર તરીકે રહેલા મહદી અસ્ત્રાબાદીએ કંઈક આવી રીતે કર્યું છે :
'થોડા દિવસોમાં જ શાહી ખજાનો ખાલી કરી દેવાનો હુકમ મજૂરોને આપી દેવાયો હતો. ત્યાં હીરા, મોતી, ઝવેરાત, સોના અને ચાંદીનો એટલો મોટો ખજાનો હતો કે તેમણે સપનામાં પણ ક્યારેય જોયો નહોતો.'
'અમે દિલ્હીમાં હતા તે દરમિયાન શાહી ખજાનામાંથી કરોડો રૂપિયા નાદીરશાહના ખજાનામાં મોકલી દેવાયા હતા. દરબારના ઉમરાવ, નવાબ અને રાજાઓને કરોડો રૂપિયા અને હીરાઝવેરાત ધર્યાં હતાં.'
એક મહિના સુધી સેંકડો મજૂરો સોના, ચાંદીના ઝવેરાત અને વાસણોને ગાળીને તેની ઈંટો બનાવતા રહ્યા હતા, જેથી તેને સહેલાઈથી ઈરાન લઈ જઈ શકાય.
શફીકુર્રહમાને 'તુઝક-એ-નાદરી'માં તેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. 'અમે દયાની પ્રતીક્ષા કરી રહેલા મહમદશાહને મંજૂરી આપી હતી કે અમને ભેટમાં આપી શકાય તેવી કોઈ સારી વસ્તુ આપવાનું તેઓ ભૂલી ગયા હોય તો સાથે બાંધીને આપી શકે છે.'
'લોકો પોક મૂકીને રડી રહ્યા હતા કે અમારા વિના લાલ કિલ્લો ખાલી ખાલી લાગશે. હકીકત એ હતી કે અમને પણ લાલ કિલ્લો ખાલી ખાલી લાગી રહ્યો હતો.'
નાદીરશાહે કુલ કેટલી દોલત લૂંટી હતી? ઇતિહાસકારોના એક અનુમાન પ્રમાણે તે વખતે તેમણે લૂંટેલા માલની કિંમત 70 કરોડ રૂપિયાની હતી.
આજના હિસાબે તે 156 અબજ ડૉલર એટલે કે દસ લાખ પચાસ હજાર કરોડ રૂપિયા થાય. માનવ ઇતિહાસની તે સૌથી મોટી લૂંટ હતી.

ઉર્દૂ શાયરીનો સુવર્ણયુગ

મુઘલોની દરબારી અને સરકારી કામકાજની ભાષા ફારસી હતી. જોકે, આમ આદમીના જીવનમાં દરબારની પકડ ઢીલી પડતી ગઈ તેમ તેમ લોકોની ભાષા એટલે કે ઉર્દૂ વધારે પ્રચલિત થવા લાગી.
તેથી જ મહમદશાહ રંગીલાના શાસનને ઉર્દૂ શાયરી માટે સુવર્ણયુગ કહેવામાં આવે છે. મહમદશાહ તખ્ત પર બેઠા તે સાથે જ યુગની શરૂઆત થઈ ગઈ હતી.
1719માં વલી દખ્ખણીની ઉર્દૂ શાયરી દિલ્હી પહોંચી અને લોકપ્રિય બની. દિલ્હીના શાંત પાણીમાં વમળો ઊમટ્યાં અને ચાહકોને પ્રથમ વાર લાગ્યું કે ઉર્દૂમાં પણ આવું સરસ સર્જન થઈ શકે છે.
તે જમાનામાં ઉર્દૂને રેખ્તા, હિંદી અથવા દખ્ખણી એવા નામે પણ ઓળખવામાં આવતી હતી.
થોડા સમયમાં જ ઉર્દૂ શાયરી ફેલાઈ ગઈ અને તેમાં શાકીર નાજી, નઝમુદ્દીન અબૂર, શદફઉદ્દીન મઝમૂન અને શાહ હાતિમ વગેરે નામો ઊપસી આવ્યાં.
શાહ હાતિમના શીષ્ય એટલે મિર્ઝા રફી સૌદા, જેમના જેવું સર્જન આજ સુધી કોઈ કરી શક્યું નથી. સૌદાના સમકાલીન હતા મીર તકી મીર, જેમની ગઝલનો મુકાબલો આજ સુધી કોઈ કરી શક્યું નથી.
તે જ જમાનામાં મીર દર થયા, જેમને આજ સુધીના સૌથી મોટા સૂફી શાયર માનવામાં આવે છે.
એ જમાનાના મીર હસનની મસનવી 'સહર-ઉલ-બયાન' આજે પણ નમૂનેદાર ગણાય છે.
એટલું જ નહીં, તે જમાનાના દ્વિતીય કક્ષાના ગણાતા શાયરોમાં પણ એવાં એવાં નામો છે, જે અન્ય કોઈ જમાનામાં ચાંદની જેમ ચમકી શકે એટલાં તેજમય હતાં. તેમાં મીર સૌજ, કાયમ ચાંદપુરી, મિર્ઝા ગાલિબ અને મીર ઝાહક વગેરેનો સમાવેશ થાય છે.

આખરી પરિણામ

સતત દારૂનો નશો અને અફીણની લતને કારણે મહમદશાહની સલ્તનત અંદરથી ખોખલી થઈ ગઈ હતી. ખુદ પણ લાંબું જીવી શક્યા ન હતા.
46 વર્ષની ઉમરે જ અચાનક બીમાર પડી ગયા. તેમને હયાત બખ્શ બાગ લઈ જવાયા, પણ બચાવી શકાયા નહીં. આખી રાત બેહોશ રહ્યા પછી બીજા દિવસે તેમનું મોત થયું. નિઝામુદ્દીન ઓલિયાની મઝારમાં અમીર ખુસરોની બાજુમાં તેમને દફન કરાયા.
એ તારીખ હતી 15 એપ્રિલ અને વર્ષ હતું 1748. એક રીતે તેમનું મોત થયું તે સારું થયું હતું, કેમ કે એ જ વર્ષે નાદીરશાહના એક સેનાપતિ અહમદશાહ અબ્દાલીએ હિન્દુસ્તાન પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.
બાબર, અકબર કે ઔરંગઝેબની સરખામણીએ મહમદશાહ કોઈ લડાયક સેનાપતિ ન હતા. નાદીરશાહ સામે કરનાલની લડાઈ સિવાય કોઈ યુદ્ધમાં તેમણે સેનાની આગેવાની પણ લીધી નહોતી.
તેમનામાં મુઘલો જેવી ક્ષમતા નહોતી. તેઓ મર્દ-એ-અમલ નહીં પણ મર્દ-એ-મહેફિલ હતા. ઔરંગઝેબની જેમ યુદ્ધની કલાના માહેર નહોતા પણ કલાઓમાં માહેર હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
શું મુઘલ સલ્તનતના પતનની તમામ જવાબાદરી મહમદશાહ પર નાખી શકાય ખરી?
અમને લાગે છે કે તેમ કહેવું યોગ્ય નથી. ખુદ ઔરંગઝેબની કટ્ટર વિચારસરણી, તેમનું અત્યાચારી શાસન અને કારણ વિના સેનામાં વધારો કરવાના કારણે શાસનના પાયામાં લૂણો લાગી જ ગયો હતો.
જે રીતે તંદુરસ્ત શરીરને સંતુલિત ભોજન જોઈએ, તે રીતે તંદુરસ્ત સમાજ માટે શક્તિશાળી સેના સાથે ઉદાર અને ખુશહાલ શાસન જરૂરી છે.
ઔરંગઝેબે તલવારને જ મહત્ત્વ આપ્યું, જ્યારે તેના પૌત્રે હુસ્ન અને સંગીતને જ મહત્ત્વ આપ્યું. તેનું શું પરિણામ આવ્યું તે સૌની સામે જ છે.
આવી વિપરીત સ્થિતિ, બહારના હુમલા અને શક્તિશાળી દરબારીઓનાં કાવતરાં સામે પણ મહમદશાહે મુઘલ સલ્તનતને જાળવી રાખી તે જ તેમની સફળતા હતી.
તેમની પહેલાં માત્ર બે જ મુઘલ બાદશાહ અકબર અને ઔરંગઝેબ થયા હતા, જેમણે આનાથી વધારે લાંબો સમય શાસન કર્યું હોય. બીજી બાજુ મહમદશાહને છેલ્લા શક્તિશાળી મુઘલ બાદશાહ પણ કહી શકાય છે.
તેમની પછી આવેલા મુઘલ બાદશાહોની હેસિયત દરબારીઓ, રોહિલા, મરાઠા અને છેલ્લે અંગ્રેજોની કઠપૂતળીથી વિશેષ કશી નહોતી.
રંગીન મિજાજને બાજુએ રાખીએ તો કહી શકાય કે મહમદશાહ રંગીલાએ હિન્દુસ્તાની ગંગા-જમનાની સંસ્કૃતિને તથા કલા-સાહિત્યને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હતું.
તેમની આ ભૂમિકાની અવગણના કરવી તેમને અન્યાયરૂપ ગણાશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
















