લૉરેન્સ બિશ્નોઈ : પોલીસ કૉન્સ્ટેબલના પુત્રની વિદ્યાર્થીનેતાથી ગૅંગસ્ટર બનવા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2010 તારીખ 11 અને 12 એપ્રિલની મધ્યરાત્રિનો સમય હતો. ચંદીગઢના પોશ ગણાતા સૅક્ટર-11ના બંગલામાં પાર્ક કરેલી ઍસ્ટીમ તથા પજેરો ગાડીને આગને હવાલે કરી દેવામાં આવી હતી. આ સિવાય બંગલા પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કામ પંજાબ યુનિવર્સિટીની ચૂંટણી દરમિયાનની અદાવતને કારણે કરવામાં આવ્યું હતું. પોલીસે 12 બોરની રાયફલ તથા 0.32 બોરની પિસ્તોલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી, જેમાંથી એક હતો લૉરેન્સ બિશ્નોઈ જે પહેલી વખત કાયદાની ચુંગાલમાં ફસાયો હતો.
એ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહીં, આજે લૉરેન્સ અનેક કેસ સંદર્ભે જેલમાં બંધ છે. તાજેતરમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પણ લૉરેન્સ અને તેના સાગરીત ગોલ્ડી બરાડનું નામ બહાર આવ્યું હતું.એ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહીં, આજે લૉરેન્સ અનેક કેસ સંદર્ભે જેલમાં બંધ છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પણ લૉરેન્સ અને તેના સાગરીત ગૉલ્ડી બરાડનું નામ બહાર આવ્યું હતું. આ સિવાય બિશ્નોઈ ગૅંગે અભિનેતા સલમાન ખાનને ધમકી આપી હતી, જેની પાછળ વ્યવસાયિક ઉપરાંત લૉરેન્સની આસ્થાનો વિષય પણ જવાબદાર માનવામાં આવે છે.
આ સિવાય બિશ્નોઈ ગૅંગે ફિલ્મઅભિનેતા સલમાન ખાનને ધમકી આપી હતી, જેની પાછળ પ્રોફેશનલ ઉપરાંત લૉરેન્સની આસ્થાનો વિષય પણ જવાબદાર ગણાય છે.
લૉરેન્સની સામે અનેક એફઆઈઆર દાખલ થયેલી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ અને દિલ્હી સહિત અનેક સ્થળોએ તેમની સામે હત્યા, હત્યાના પ્રયાસ, હથિયારધારા, ખંડણી, કારચોરી, ઘરોમાં ગેરકાયદેસર પ્રવેશ તથા સુલેહ-શાંતિના ભંગ જેવી ફરિયાદો નોંધાયેલી છે.લૉરેન્સ દિલ્હીની બહુસુરક્ષિત મનાતી તિહાડ જેલમાં બંધ હતો અને ત્યાંથી જ ગૅંગ ચલાવતો હોવાના આરોપ લાગતા રહે છે. કૅનેડા, પંજાબ તથા અન્ય સ્થળોએ ફેલાયેલા તેના સાથીઓ આદેશોનું પાલન કરે છે.સોમવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સરહદપાર દાણચારીના મામલે ગુજરાત એટીએસને લૉરન્સ બિશ્નોઈનો કબજો સોંપી દીધો છે. બિશ્નોઈ પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાની આશંકાને પગલે એટીએસ એની પૂછપરછ કરવા માગે છે.
લૉરેન્સ 2018થી રાજસ્થાનના ભરતપુરની મધ્યસ્થ જેલમાં બંધ હતો. ડિસેમ્બર-2020માં તેમને ભરતપુરથી ખસેડવાની સુરક્ષાવ્યવસ્થાની સુનાવણી થઈ, ત્યારે તેમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં દલીલ આપી હતી કે તેની સામેના અનેક કેસ તે જેલમાં બંધ હતા, તે સમયના છે. માત્ર કોઈના નિવેદનના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસ માટે લૉરેન્સનું કેટલું મહત્ત્વ છે એ વાતનું અનુમાન એના પરથી કરી શકાય કે ડીએસપી દરજ્જાના પોલીસ અધિકારીના નેતૃત્વમાં બે ઇન્સ્પેક્ટર તથા 17 અન્યોને તહેનાત કરવામાં આવ્યા હતા. જેમાં કેદીઓની ગાડી ઉપરાંત ત્રણ વાહનોનો કાફલો હતો. જેમાં હથિયારધારી કૉન્સ્ટેબલ ઉપરાંત કમાન્ડોનો પણ સમાવેશ થતો હતો.
દેવિંદર બમ્બિહા (સિંદ્ધુ) અને લૉરેન્સ ગૅંગની વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલતી હતી. દેવિંદરનું ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું પરંતુ લક્કી પટિયાલ નામનો તેમનો સાથી કથિત રીતે આર્મિનિયામાંથી ગૅંગને ઑપરેટ કરી રહ્યો છે. મૂસેવાલાની હત્યા પાછળ પણ આ ગૅંગવૉર જ જવાબદાર માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'રૂપાળો લૉરેન્સ'

ઇમેજ સ્રોત, Getty Images
'આજતક'ના અહેવાલ પ્રમાણે, લૉરેન્સ બિશ્નોઈનો જન્મ 22 ફેબ્રુઆરી, પંજાબના ફિરોઝપુર જિલ્લાના ફજિલ્લકામાં થયો હતો.
તેના પિતા લવિંદરસિંહ હરિયાણા પોલીસમાં કૉન્સ્ટેબલ હતા, જ્યારે માતા ભણેલાં-ગણેલાં ગૃહિણી હતાં. જન્મસમયે લૉરેન્સ દૂધ જેવો ઊજળો હતો, એટલે તેમનાં માતાએ જ તેમનું નામ 'લૉરેન્સ' રાખ્યું હતું. આમ તો લૉરેન્સ ખ્રિસ્તી નામ છે, પરંતુ તેમનો મતલબ 'સફેદ ચમકદાર' એવો થાય છે.
લૉરેન્સના નાનપણમાં જ પિતાએ પોતાની સરકારી નોકરી છોડી દીધી અને ગામડે પરત આવી ખેતીનો વારસાગત વ્યવસાય કરવા લાગ્યા હતા.
લૉરેન્સનું પ્રાથમિક શિક્ષણ વતનમાં જ પૂર્ણ કર્યું. ત્યારબાદ લૉરેન્સે ચંદીગઢની બહુપ્રતિષ્ઠિત ડીએવી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં સ્ટુડન્ટ પૉલિટિક્સમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળતા મળી અને આ નિષ્ફળતા ગુનાખોરી સુધી દોરી ગઈ.
ભવિષ્યમાં અહીંથી જ તેને ગૅંગ માટે માણસો મળવાના હતા. હાલ તેની ગૅંગમાં 600 કરતાં વધુ સભ્ય હોવાનું કહેવાય છે.
લૉરેન્સની ગૅંગ ગૉલ્ડી બરાડ સંભાળે છે, જેમનું સાચું નામ સતિંદર સિંહ છે અને તે પંજાબના ફરિદકોટનો છે. બંને વચ્ચે કૉલેજકાળમાં મૈત્રી થઈ હતી. 2021થી એ કથિત રીતે કૅનેડા નાસી છૂટ્યા અને ત્યાંથી જ ઑપરેટ કરે છે.
સલમાન, લૉરેન્સ અને બિશ્નોઈ
એપ્રિલ-2018માં રાજસ્થાનની સ્થાનિક કોર્ટે ફિલ્મ અભિનેતા સલમાન ખાનને કાળિયારના શિકારના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ની શૂટિંગ દરમિયાન કાળિયાર હરણનો શિકાર કરવાનો આરોપ સાબિત થયો હતો.
શિકારસ્થળ પરથી તેના ઠેકાણા સુધી સલમાનનું પગેરું દાબવામાં તથા તેમની વિરુદ્ધ જુબાની આપીને સજા અપાવવા સુધીમાં બિશ્નોઈ સમુદાયના લોકોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બિશ્નોઈ સમુદાયની મહિલાએ ભૂલા પડી ગયેલા કે અનાથ થઈ ગયેલાં કાળિયારના બચ્ચાને સ્તનપાન કરાવ્યું હોય કે ઉછેર કર્યો હોય તેવા અનેક દાખલા રાજસ્થાનનાં ગામડાંમાં મળી રહે છે.
લૉરેન્સ પોતે પણ મૂળતઃ રાજસ્થાનના બિશ્નોઈ પરિવારનો છે.
'જનસત્તા અખબાર'ના અહેવાલ અનુસાર દોષિત ઠર્યા બાદ લૉરેન્સે તેના સાગરીત સંપત નેહરાને સલમાનની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું. સંપત માટે સામાન્ય પિસ્તોલ જ હતી, જેની મદદથી સલમાનને હાનિ પહોંચાડવી શક્ય ન હતી, એટલે તેમણે આ કામ માટે ખાસ રાયફલ લીધી હતી. આ માટે રેકી પણ કરી લીધી હતી અને એ પછી વિદેશ નાસી છૂટવાની તૈયારી કરી લીધી હતી.
મૂળ રાજસ્થાનના રાયગઢના સંપતના પિતા ચંદીગઢ પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. સંપત પોતે ઉત્તમ દરજ્જાનો ઍથ્લીટ હતો અને રાષ્ટ્રીયસ્તરે રમી ચૂક્યો હતો.
જોકે, એણે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન રાજકારણમાં ઝંપાલવ્યું અને ભણતર-રમતથી દૂર થઈ ગયો.
લૉરેન્સને પંજાબ ઉપરાંત રાજસ્થાન અને દિલ્હીમાં નેટવર્ક ફેલાવવામાં મદદ કરી હતી. મૂસેવાલાની હત્યા બાદ સલમાન ખાન તથા તેમના પિતાને પણ હત્યાની ધમકી મળી હતી. જેમાં 'GB' અને 'LB'એવી ટૂંકાક્ષરી હતી, જેનો અર્થ 'ગૉલ્ડી બરાડ' અને 'લૉરેન્સ બિશ્નોઈ' કાઢવામાં આવ્યો હતો.
પોલીસનો દાવો છે કે પબ્લિસિટી મેળવવા માટે ગૅંગે આ કામ કર્યું હતું. મૂસેવાલાની હત્યા પછી બરાડની સામે ઇન્ટરપોલની (ઇન્ટરનેશનલ પોલીસ) રેડ કૉર્નર નોટિસ કઢાવીને તેને ભારત લાવવા પંજાબ પોલીસે તજવીજ હાથ ધરી છે.
ગૅંગ્સ ઑફ પંજાબ

ઇમેજ સ્રોત, getty Images
અનેક પંજાબી ગૅંગસ્ટર્સની ફેસબુક પ્રોફાઇલ્સ પણ છે. તેઓ 'ગન, ગૉલ્ડ અને ગડ્ડી (કાર)' સાથેની તસવીરો પોસ્ટ કરે છે, જેમાં ગૅંગસ્ટર્સની પરસ્પર મુલાકાતોની તસવીરો પણ હોય છે. પંજાબી ગૅંગસ્ટરે જેલમાંથી જ ફેસબુક લાઇવ કર્યું હોવાના દાખલા પણ નોંધાયેલા છે.
તેઓ આધુનિક હથિયારો, ચમકતી ગાડીઓ અને લાઇફસ્ટાઇલનું પ્રદર્શન કરે છે, જે યુવામાનસને આંજી દેવા માટે પૂરતું હોય છે. આ સિવાય તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર જવાબદારી પણ સ્વીકારે છે.
મૂસેવાલાની હત્યા બાદ લૉરેન્સના સાથી ગૉલ્ડી બરાડે ફેસબુક પોસ્ટ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. ગૉલ્ડી કૅનેડામાં રહીને ગૅંગ ઑપરેટ કરતો હોવાનું કહેવાય છે.
આ સિવાય પંજાબમાં ખાલિસ્તાનની માગ કરી રહેલાં ઉગ્રવાદી સંગઠનો, સરહદ પારના ડ્રગ્સ સ્મગ્લર્સ અને ગૅંગસ્ટર્સનું એક ખતરનાક કૉકટેલ ઊભું કરે છે.
ડ્રગ્સ સમગ્લર્સને તેમનો માલ દેશભરમાં ફેલાવવામાં મદદ મળે છે, બીજી બાજુ, ગૅંગસ્ટર્સને એન-94, એકે સિરીઝની રાયફલો, બૅરેટા કે ગ્લૉક 17 જેવી આધુનિક પિસ્તોલો મળે છે.
લૉરેન્સે તેના ફેસબુક પ્રોફાઇલમાં લખેલું, "અલગ સ્ટાઇલમાં સમાજસેવા"
લૉરેન્સ બિશ્નોઈ, ગૉલ્ડી બરાડ તથા કાલા રાણા સહિતના ગૅંગસ્ટર્સે સ્ટુડન્ટ યુનિયન પૉલિટિક્સથી અંડરવર્લ્ડની દુનિયામાં પગ મૂક્યો હતો, જ્યારે સંપત નહેરા અને વિક્કી ગૌંડર ગુનાખોરીની દુનિયામાં આવ્યા તે પહેલાં ખેલવીર હતા.
વિક્કી ડિસ્ક થ્રૉઅર હતો અને મોટા ભાગનો સમય મેદાન ઉપર પ્રૅક્ટિસ કરવામાં ગાળતો હતો, એટલે તેમને 'ગૌંડર' એવું ઉપનામ મળ્યું હતું. તેમનું ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું.
પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, "દરેક ગૅંગસ્ટર સૌ પહેલાં સામાન્ય ક્રિમિનલ જ હોય છે, પરંતુ જ્યારે તેની સાથે રાજકીય હેતુ ભળે ત્યારે તેઓ શક્તિશાળી ગૅંગસ્ટર થઈ જાય છે. એ પછી પોતાની હાજરી દેખાડવા માટે તેઓ મોટા ગુના આચરવા લાગે છે."
રાજનેતા તેમને પોતાનાં હિતો સાધવા માટે રાખે છે અને એક વખત પોલીસને ગૅંગના રાજકીય આકાઓ વિશે જાણ તો હોય છે, એટલે જ તેઓ આંખ આડા કાન કરવાનું પસંદ કરે છે.
માન વધારશે 'માન'?#

ઇમેજ સ્રોત, Alamy
'ઇન્ડિયા ટુડે'ના (13 જૂન 2022, પેજ નંબર 20) અહેવાલ મુજબ, પંજાબના નવા ચૂંટાયેલા મુખ્ય મંત્રી ભગવંત માને એપ્રિલ મહિનામાં 'ઍન્ટિ-ગૅંગસ્ટર ટાસ્કફોર્સ'નું ગઠન કર્યું હતું અને સ્પેશિયલ ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) પ્રબોધકુમારને તેનું સુકાન સોંપવામાં આવ્યું હતું.
'વીઆઈપી કલ્ચર'ને નાબૂદ કરવાના લોકરંજક પગલા તરીકે આમ આદમી પાર્ટીની સરકારે મૂસેવાલાની હત્યાના એક દિવસ પહેલાં 400થી વધુ લોકોની સુરક્ષા હઠાવી દીધી હતી, અથવા ઘટાડી દીધી હતી. જેના કારણે માન સરકાર ઉપર ભારે માછલાં ધોવાયાં હતાં. એ પછી પંજાબ સરકારે હાઈકોર્ટમાં સુરક્ષાવ્યવસ્થાને બહાલ કરવાની વાત કહી હતી.
એક સમયે પંજાબમાં 'એ', 'બી' અને 'સી' કૅટેગરીના કુલ 545 ગૅંગસ્ટર હતા, જેમાંથી 515ની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે અનેક ગૅંગસ્ટરો દેશ છોડીને પંજાબ, દુબઈ, થાઈલૅન્ડ આર્મિનિયા અને પાકિસ્તાન નાસી છૂટ્યા હતા.
આમાથી કેટલાકે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને ડ્રગ્સના તસ્કરો સાથે ગઠબંધન સાધ્યું છે. કૅનેડાસ્થિત લૉરેન્સના સાગ્રિત ગૉલ્ડી બરાડનું નામ ખાલિસ્તાની ઉગ્રવાદી લખબીરસિંહ રોડ તથા તેના કૅનેડાસ્થિત દીકરા ભગત બરાડ સાથે જોડવામાં આવે છે.
ગુપ્તચર સૂત્રોને ટાંકતા લખે છે કે પંજાબી ગાયકો, ફિલ્મસ્ટાર્સ તથા અન્યો પાસેથી ખંડણી ઉઘરાવવા માટે તેઓ સ્થાનિક ગૅંગોની મદદ લે છે. 2018માં ગાયક-અભિનેતા પ્રવેશ વર્માની દિલપ્રિતસિંહ દહાનની ગૅંગે હત્યા કરાવી નાખી હતી. પ્રવેશે ખંડણીની રકમ આપવાનો ઇન્કાર કર્યો હતો. અનેક પંજાબી ગાયકો તથા અભિનેતાઓની કૅનેડાયાત્રા દરમિયાન ભગત બરાડ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













