સિદ્ધુ મૂસેવાલા: સામાન્ય પરિવારમાંથી સુપરસ્ટાર બનનારા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કોણે કરી?

    • લેેખક, દલીપ સિંહ
    • પદ, બીબીસી પંજાબી

પંજાબી ગાયક અને અભિનેતાથી લઈને રાજકારણી બનેલા સિદ્ધુ મૂસેવાલાની માનસામાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. માનસાના એસએસપી ગૌરવા તોરાએ તેની પુષ્ટિ કરી છે અને તેમના શરીરમાં ચાર જગ્યાએ ગોળીના નિશાન મળ્યા હોવાનું જણાવ્યું છે.

સિદ્ધુ મૂસેવાલા

ઇમેજ સ્રોત, SIDHU MOOSE WALA/FB

માનસાના સિવિલ સર્જન ડૉ. રંજીત રાયે પણ મીડિયાને જણાવ્યું કે સિદ્ધુનું મૃત્યુ હૉસ્પિટલ લઈ જતી વખતે થયું હતું.

સિદ્ધુ મૂસેવાલાએ 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેમણે માનસા મતક્ષેત્રમાંથી કૉંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય સિંગલા સામે હારી ગયા હતા.

કૉંગ્રેસ પાર્ટી દ્વારા પંજાબની રાજનીતિમાં કારકિર્દી બનાવવા ઇચ્છનારા સિદ્ધુ મૂસેવાલા પંજાબના લોકપ્રિય ગાયક હતા.

તેમના ગીતો યુટ્યુબ પર લાખો વ્યૂ ધરાવે છે અને લોકોમાં સારા એવા પ્રચલિત છે. જોકે, તેમના ગીતો દ્વારા 'ગન કલ્ચર'ને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

3 ડિસેમ્બર 2021ના રોજ પંજાબ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અને તત્કાલીન મુખ્ય મંત્રી ચરણજીતસિંહ ચન્નીની ઉપસ્થિતિમાં તેમને કૉંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા.

કોની પર છે હત્યાનો આરોપ?

પંજાબ પોલીસ

ઇમેજ સ્રોત, PUNJAB POLICE

સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસની તપાસ માટે પંજાબના મુખ્ય મંત્રીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવાનો આદેશ આપ્યો છે.

આ કેસની તપાસ માનસાના એસ.પી. ધર્મવીર સિંહ, ડી.એસ.પી., ઇન્વેસ્ટિગેશન વિશ્વજીત સિંહ અને સીઆઈએ ઇન-ચાર્જ પ્રિથિપાલ સિંહ કરી રહ્યાં છે.

બીબીસી પંજાબીના અહેવાલ અનુસાર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં પોલીસ ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ભૂમિકાની તપાસ કરી રહી છે. પંજાબના ડીજીપીનું પ્રાથમિક તારણ છે કે આ લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ અને લકી પટિયાલ ગ્રૂપ વચ્ચેના હિંસક ઘર્ષણમાંથી બની છે.

ડીજીપીએ કહ્યું કે, બિશ્નોઈ ગ્રૂપે હત્યાની જવાબદારી લીધી છે અને એવું લાગી રહ્યું છે કે તેમણે વિકી મિથુખેરાની હત્યાનો બદલો લીધો છે.

ડીજીપીનું કહેવું છે કે મિથુખેરા કેસમાં શૂટરોની ઓળખ થઈ છે જેમના નામ સની, અનિલ નાથ અને ભોલુ છે અને ત્રણે હરિયાણાના છે, જેમની દિલ્હી પોલીસે ધરપકડ કરેલી છે.

ઉલ્લેખનીય છે ડીજીપી જે વિકી મિથુખેરાની હત્યાની વાત કરે છે તે કેસમાં મૂસેવાલાના મૅનેજર શગુનપ્રીતનું પણ નામ આરોપી તરીકે છે પણ તેઓ ઑસ્ટ્રેલિયા ભાગી ગયા છે.

line

ગામથી શરૂઆત

સિદ્ધુ મૂસેવાલા

ઇમેજ સ્રોત, CHARANJIT SINGH CHANNI/FB

અંદાજે ચાર વર્ષ પહેલાં પંજાબી ઍન્ટરટેનમેન્ટની દુનિયામાં પ્રવેશનારા શુભદીપસિંહ સિદ્ધુ જલદી જ સિદ્ધૂ મૂસેવાલા નામથી મશહૂર થઈ ગયા.

એક વખત એક ચૅનલ દ્વારા કૉલેજ પરિસરમાં હોસ્ટ કરવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન શુભદીપસિંહે ભીડમાંથી બહાર નીકળીને ગીત ગાવાની તક માગી હતી.

ઍન્કરે જ્યારે તેમને નામ પૂછ્યું તો તેમણે શુભદીપસિંહ સિદ્ધુ જણાવ્યું અને જ્યારે તેમણે ગીત ગાયું તો લોકો તાળીઓ વગાડતા રહી ગયા.

એક સમય હતો જ્યારે તેમને પોતાના વિશે જણાવવું પડતું હતું. જોતજોતામાં તેમની પ્રસિદ્ધિનો ગ્રાફ ઊપર જતો ગયો અને તેઓ સિદ્ધુ મૂસેવાલા નામથી પ્રખ્યાત થઈ ગયા. આ પ્રસિદ્ધિ પાછળ 'ગન કલ્ચર'ને લઈને તેમણે બનાવેલા ગીતો પણ જવાબદાર છે.

પંજાબના માનસા જિલ્લાના મૂસા ગામના વતની સિદ્ધુ મૂસેવાલાના માતા ચરણજીત કૌર મૂસા ગામનાં સરપંચ છે. સરપંચની ચૂંટણી દરમિયાન તેમણે પોતાના માતા માટે પ્રચાર કર્યો હતો.

સિદ્ધુ મૂસેવાલાએ સરદાર ચેતન સિંહ સર્વહિતકારી વિદ્યા મંદિર, માનસાથી બારમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. બાદમાં તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી અને કૅનેડાથી એક વર્ષીય ડિપ્લૉમાની પદવી પણ મેળવી હતી.

કૉંગ્રેસમાં જોડાતી વખતે સિદ્ધુએ કહ્યું હતું, "સંગીત બાદ હવે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. મારો સંબંધ ગામ સાથે છે. અમે સામાન્ય પરિવારના લોકો છીએ. મારા પિતા સેનામાં હતા. ભગવાને ઘણી પ્રગતિ કરાવી છે અને અમે અત્યારે પણ એ જ ગામમાં રહીએ છીએ."

line

સિદ્ધુ મૂસેવાલાના ગીતો અને ફિલ્મો

સિદ્ધુ મૂસેવાલા

ઇમેજ સ્રોત, Joseph Okpako

સિદ્ધુ મૂસેવાલાના ઘણા ગીતો સુપરહિટ થયા છે. યુટ્યુબ પર હાઈ, ધક્કા, ઑલ્ડ સ્કૂલ, સંજૂ જેવા ગીતો લાખો વખત જોવામાં આવ્યા છે.

આ ગીતો દ્વારા 'ગન કલ્ચર'ને કથિત રીતે પ્રોત્સાહન આપવા માટે મૂસેવાલાની આલોચના પણ થઈ અને તેમના પર કેસ પણ થયા.

ગાયક તરીકે પોતાની છાપ ઊભી કર્યા બાદ સિદ્ધુ મૂસેવાલાએ ફિલ્મોમાં પણ પગપેસારો કર્યો.

મૂસેવાલાએ 'યસ આઈ એમ સ્ટુડન્ટ', 'તેરી મેરી જોડી', 'ગુનાહ', 'મૂસા જટ્ટ હૈ', 'જટ્ટ દા મુંડા ગૌન લગા' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સિદ્ધુ મૂસેવાલાના ગીતો બૉલીવૂડમાં પણ પ્રચલિત છે. ફિલ્મ સ્ટાર રણવીરસિંહ અને વિક્કી કૌશલે પણ સિદ્ધુના ગીતોની સ્ટોરીઝ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

line

સિદ્ધુ મૂસેવાલા : કેસ અને વિવાદ

સિદ્ધુ મૂસેવાલા

ઇમેજ સ્રોત, SIDHU MOOSE WALA

સિદ્ધુ મૂસેવાલાનું નામ વિવાદોથી ઘેરાયેલું છે. ફાયરિંગ કરતા તેમના બે વીડિયો વાઇરલ થયા છે. તેમાંથી એક વીડિયો બરનાલાની બડબર ફાયરિંગ રેન્જમાં રાઇફલ ફાયરિંગનો હતો. મે 2020માં સંગરુર અને બરનાલામાં તેમના સહિત નવ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય એક વીડિયોમાં સિદ્ધુ મૂસેવાલા સંગરુરની લડ્ડા કોઠી રેન્જમાં પિસ્તોલથી ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા. બન્ને વીડિયો લૉકડાઉન સમયના હતા. પોલીસે પહેલાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અને બાદમાં બંને કેસોમાં આર્મ્સ ઍક્ટનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આ પહેલાં માનસા પોલીસ તરફથી ફેબ્રુઆરી 2020માં હથિયારોને પ્રોત્સાહન આપવાના આરોપસર ફરિયાદ નોંધવામાં આવી હતી.

ત્યાર બાદ સિદ્ધુ મૂસેવાલા પોતાના ગીત "ગબરું તે કેસ જેડા સંજય દત્ત તે"થી વિવાદમાં આવ્યા હતા. આ ગીતને પગલે પંજાબ ક્રાઇમ બ્રાંચે તેમના વિરુદ્ધ ગન કલ્ચર અને હિંસાને પ્રોત્સાહન આપવા બદલ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

16 જુલાઈ 2020ના રોજ તેમનું 'સંજૂ' નામનું ગીત રીલિઝ થયું હતું. જેમાં ખુદ પર થયેલા આર્મ્સ ઍક્ટ અંતર્ગતના કેસની સરખામણી સંજય દત્ત વિરુદ્ધ થયેલા કેસ સાથે કરી હતી.

ઑલિમ્પિક શૂટર અને વરિષ્ઠ પોલીસ અધિકારી અવનીત કૌર સિદ્ધૂએ પણ ફેસબુકના માધ્યમથી સિદ્ધુ મૂસેવાલાને સલાહ આપી હતી.

સિદ્ધુ મૂસેવાલા

ઇમેજ સ્રોત, SIDHU MOOSE WALA/FB

પાર્ટીમાં સામેલ થયા બાદ તત્કાલીન પંજાબ કૉંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુને પત્રકારોએ સિદ્ધુ મૂસેવાલાના ગન કલ્ચરને પ્રોત્સાહિત કરનારા ગીતો વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે તેનો નિર્ણય પંજાબની જનતા કરશે.

ફેબ્રુઆરી 2020માં એક સ્ટેજ શો દરમિયાન સિદ્ધુ મૂસેવાલાએ કહ્યું હતું, "કેસ થવાનો અર્થ એ નથી કે વ્યક્તિ દોષિત છે. મારા પર કેસ થયો છે, પછી લોકોએ છ ચૂંટણી જીતાડી."

કોરોના મહામારી દરમિયાન પણ મૂસેવાલા ચર્ચામાં રહ્યા. તેમણે પોતાના એક ગીતમાં એક કડીનો ઉપયોગ કર્યો હતો. જેમાં શહીદ ભગત સિંહ નગર જિલ્લાના બંગા પાસે એક ગામ પઠલાવા માર્ચ 2020માં અચાનક ચર્ચામાં આવી ગયું હતું.

આ ગામ 18 માર્ચે એક વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું. મૃત્યુ બાદ ખબર પડી હતી કે મૃતક કોરોનાથી પીડિત હતો. ત્યાર બાદ સમગ્ર ગામને સીલ કરી દેવામાં આવ્યું હતું.

મૂસેવાલાએ પોતાના ગીતમાં એ ગામને પંજાબમાં કોરોના વાઇરસનાં કેન્દ્ર તરીકે રજૂ કર્યું હતું. આ ગીતને પંજાબના તત્કાલિન ડીજીપી દિનકર ગુપ્તાએ પણ પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી શૅર કર્યું હતું.

પઠલાવા ગામનાં લોકોએ ગીત પર નારાજગી વ્યક્ત કરતાં ગામને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગ્રામજનોએ તત્કાલીન મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહને પત્ર પણ લખ્યો હતો.

line

પંજાબ પોલીસના અભિયાનનો ભાગ

સિદ્ધુ મૂસેવાલા

ઇમેજ સ્રોત, ANI

લૉકડાઉન દરમિયાન સિદ્ધુ મૂસેવાલા પણ ડૉક્ટરોને સન્માનિત કરવા માટે પંજાબ પોલીસના એક અભિયાનનો ભાગ હતા. ઍપ્રિલમાં તેમણે પંજાબ પોલીસ સાથે માનસાના એક ડૉક્ટરનો જન્મદિવસ ઉજવ્યો હતો.

સિદ્ધુ મૂસેવાલાનો વિરોધ પણ થતો રહ્યો અને પ્રશંસા પણ, પરંતુ જ્યારે નવજોતસિંહ સિદ્ધુ 3 ડિસેમ્બરે દિલ્હીમાં સિદ્ધુ મૂસેવાલાને મળીને બહાર આવ્યા ત્યારે તેમણે કહ્યું, "ભાઈ (રાહુલ ગાંધી)એ સિદ્ધુ મૂસેવાલાના ઘણા વખાણ કર્યા છે. સિદ્ધુ મૂસેવાલાના ગીતો લાખો વખત જોવામાં આવે છે. મને તો એ પણ ખ્યાલ નથી કે તેની પાછળ કેટલા શૂન્ય આવે છે. તેઓ એક રૉકસ્ટાર છે. ભાઈ હવે એક રાજનેતા બની ગયા છે."

મૂસેવાલા રાજનેતા બનતા તે પહેલાં ધોળા દિવસે તેમની હત્યા કરી દેવાઈ છે અને પોલીસ તેને લઈને તપાસ કરી રહી છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો