નવસારી : લગ્નમાં પ્રેમીએ પ્રેમિકાને ગિફ્ટમાં મોકલ્યો બૉમ્બ, વરરાજાએ ખોલ્યો અને ધડાકો થયો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"રાજુએ મારી મોટી દીકરીને સાત વર્ષ સુધી પ્રેમના નામે છેતરી અને એક દીકરીની મા બનાવી. મારી નાની દીકરીનાં લગ્નમાં ભેટના નામે એણે ટૅડીબીયરમાં બૉમ્બ મોકલ્યો અને મારા જમાઈની આંખો લઈ લીધી. હું લાચાર બાપ બીજું તો શું કરું, મારા જમાઈને એક આંખ આપી દઈશ."

લતેશ અને જાગૃતિની લગ્નની તસવીર

ઇમેજ સ્રોત, Deepali Pandya

ઇમેજ કૅપ્શન, લતેશ અને જાગૃતિની લગ્નની તસવીર

આ શબ્દો છે કે દીકરીના રંગેચંગે લગ્ન કરાવ્યાના બીજા દિવસે ભેટમાં મોકલાયેલા બૉમ્બમાં વિસ્ફોટ થતાં બન્ને આંખ અને હાથ ગુમાવનારાં જમાઈના દુ:ખી સસરા હરીશ દળવીના.

નવસારીના વાંસદાના મીંઢબારી ગામમાં રહેતા હરીશ દળવીએ દીકરી સલમાનાં ધામધૂમથી લગ્ન કરાવ્યાં હતાં. દીકરીની જાન વળાવીને હરીશભાઈ અને તેમનો પરિવાર નિરાંતનો દમ લઈ જ રહ્યો હતો કે ત્યાં જ સલમાનો ફોન આવ્યો કે 'ઘરે બ્લાસ્ટ થયો છે અને પતિ લતેશને બહુ વાગ્યું છે.'

બીબીસી સાથેની વાતચીતમાં હરીશભાઈ જણાવે છે, "હું ઘરે આરામ કરતો હતો અને અચાનક જ મારી નાની દીકરી સલમાનો ફોન આવ્યો કે લગ્નની ભેટમાં મળેલી કોઈ વસ્તુમાં વિસ્ફોટ થયો છે. હું મોટરસાઇકલ લઈને સીધો જ મારા જમાઈ લતેશના ઘરે પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો લતેશ અને એનો ભત્રીજો જિયાંશ લોહીલુહાણ હાલમાં પડ્યા હતા."

line

"જમાઈને હું મારી એક આંખ આપી દઈશ"

હરીશ દળવી: જમાઈને હું મારી એક આંખ આપી દઈશ

ઇમેજ સ્રોત, Deepali Pandya

ઇમેજ કૅપ્શન, હરીશ દળવી: જમાઈને હું મારી એક આંખ આપી દઈશ

"ઘરમાં વિસ્ફોટને પગલે બધું જ વેરવિખેર થઈ ગયું હતું. લતેશ અને એના ભત્રીજાને અમે હૉસ્પિટલમાં લઈ ગયા. મારી દીકરીએ કહ્યું કે એ લોકો લગ્નની ભેટો જોતાં હતાં એવામાં એ પોતાની નણંદ સાથે ચા બનાવવા રસોડામાં ગઈ અને ધડાકાનો અવાજ આવ્યો. તેમણે દોડીને જોયું તો ઇલેક્ટ્રિક પ્લગમાં ભરાવાયેલા ટૅડીબીયરમાં વિસ્ફોટ થયો હતો અને એમનો પતિ અને ભત્રીજો લોહીલુહાણ પડ્યા હતા."

હરીશભાઈ ઉમેરે છે, "અમે યાદ કર્યું તો ખબર પડી કે મારી મોટી દીકરી જાગૃતિની બહેનપણી આરતીએ ટૅડીબીયર આપ્યું હતું. આરતીને પૂછતાં ખબર પડી કે રાજેશ પટેલે એને એ ગિફ્ટ જાગૃતિને આપવા કહ્યું હતું. રાજશે જાગૃતિને લગ્નની લાલચ આપીને એક દીકરીની મા પણ બનાવી હતી."

"અમારી શંકા પાક્કી થઈ ગઈ કે જેણે મારી મોટી દીકરીની જિંદગી બગાડી હતી એણે જ આ જ કામ કર્યું છે. મોટી દીકરીનું જીવન તો બરબાદ કરી નાખ્યું પણ નાની દીકરીનો શો ગુનો? મારા જમાઈનું ડાબું કાંડું ઊડી ગયું છે અને ડૉક્ટર કહે છે કે એની આંખો પણ હવે કામ નહીં કરે. "

"મારા નિર્દોષ જમાઈ માટે હું બીજું તો કંઈ કરી શકું એમ નથી પણ મારી એક આંખ એને આપી દઈશ."

આ કેસની તપાસ કરી રહેલા વાંસદાના પી.એસ.આઈ. વીરેન્દ્રસિંહ વાઘેલા કહે છે, "લતેશને ટૅડીબીયર આપનાર મોટી દીકરી જાગૃતિની બહેનપણી આરતીની પૂછપરછ કરી. પૂછપરછમાં જાણવા મળ્યું કે જાગૃતિ જેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી એ રાજેશ પટેલે આ ટૅડીબીયર જાગૃતિની દીકરીને આપવા એને કહ્યું હતું."

"આરતીના જણાવ્યા અનુસાર રાજેશ એની પાસે ખૂબ રડ્યો હતો અને કહેતો હતો કે જાગૃતિ એની કોઈ ગિફ્ટ નહીં લે પણ એ આ ટૅડીબીયરને એની દીકરીને આપી દે. એણે લગ્નના દિવસે ટૅડીબીયર આપ્યું હતું, જેના આધારે અમે રાજેશ પટેલની ધરપકડ કરી છે."

line

'ભાઈની જિંદગી તો બરબાદ થઈગઈ'

રાજેશ પટેલ

ઇમેજ સ્રોત, Deepali Pandya

ઇમેજ કૅપ્શન, રાજેશ પટેલ

રાજેશ અને જાગૃતિ અંગે વાત કરતાં હરીશભાઈ જણાવે છે, "મારી દીકરી નોકરી કરતી હતી ત્યારે એને રાજેશ પટેલ સાથે પ્રેમ થઈ ગયો હતો. એણે મારી દીકરીને લગ્નનું વચન આપ્યું હતું અને એક દીકરીને મા પણ બનાવી હતી. પણ એણે વચન પાળ્યું નહીં અને જાગૃતિ અમારા ઘરે આવી ગઈ."

"રાજેશ અવારનવાર જાગૃતિને મારી નાખવાની ધમકી આપતો હતો. પણ એ ખરેખર આવું કૃત્ય કરશે એવી અમને ખબર હોત તો અમે પોલીસમાં ફરિયાદ કરી દીધી હોત."

આ મામલે વાત કરતાં સુરતના રેન્જ આઈ.જી. રાજુકમાર પાંડિયને જણાવ્યું, "ટૅડીબીયર એફ.એસ.એલ.માં મોકલતાં જાણવા મળ્યું કે એમાં ડિટોનેટર અને જીલેટીનનો ઉપયોગ થયો છે. રાજેશ પટેલની અમે આકરી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે કૂવા ઊંડા કરવા માટે ડિટોનેટર અને જીલેટીન વેચતી એક કંપનીમાં કામ કરતા એના મિત્ર મહેશ પંડ્યા પાસેથી એણે આ વસ્તુઓ ખરીદી હતી. "

"એને ટૅડીબીયરમાં એવી રીતે ફિટ કરી હતી કે એને ઇલેક્ટ્રિક પ્લગમાં ભરાવતાં જ વિસ્ફોટ થાય. એની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી જાગૃતિ અને એની બાળકીને ખતમ કરવા માટે એણે કૉમન ફ્રેન્ડ આરતી માટે એ ટૅડીબીયર મોકલ્યું હતું."

રેન્જ આઈ.જી. પાંડિયન જણાવે છે કે રાજેશ પહેલાંથી જ પરણેલો હતો અને તેને પહેલી બે પત્નીથી બે બાળકો પણ હતાં. એણે જાગૃતિને કથિત રીતે પ્રેમમાં ફસાવી હતી અને સાત વર્ષથી એની સાથે લગ્ન કર્યાં વગર રહેતો હતો. એમને એક દીકરી પણ છે.

જાગૃતિ દ્વારા વારંવાર લગ્નની વાત કરાતાં બન્ને વકીલ પાસે ગયાં હતાં અને વકીલે બીજાં લગ્ન કરાવવાની ના પાડતાં જાગૃતિ પોતાની છ વર્ષની બાળકીને લઈને પિતાના ઘરે આવી ગયાં હતાં.

એ બાદ રાજેશ એને હેરાન કરતો હતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે આ મામલે રાજેશને વિસ્ફોટકો આપનારા એના મિત્ર મહેશ પંડ્યાની પણ ધરપકડ કરી છે.

વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને બને આંખો ગુમાવનારા લતેશ તડવીનાં બહેન અમિતાએ આ અંગે વાત કરતાં જણાવ્યું, "રાજેશ પટેલને મારી ભાભીની બેહેન સાથે ઝઘડો હતો તો એમાં મારા ભાઈનો શો વાંક? ભાઈએ તો એની બન્ને આંખ અને કાંડુ ગુમાવી દીધાં. મારી ભાભીના પિતા કહે છે કે હું એક આંખ આપીશ પણ મારા ભાઈની જિંદગી તો બરબાદ થઈ ગઈને!"

આ મામલે આરોપીની માનસિકતા અંગે વાત કરતાં મનોચિકિત્સક ડૉક્ટર પ્રશાંત ભીમાણી જણાવે છે, "આવા લોકો ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઑર્ડરથી પીડાતા હોય છે. આ પ્રકારના મનોરોગીઓ 'મારી નહીં તો કોઈની નહીં' એવી ભાવના ધરાવતા હોય છે. આવા લોકોને ઍબનોર્મલ પઝેસિવનેસ પણ ધરાવતા હોય છે. એવામાં જો એની પ્રિય વ્યક્તિ રિસાઈ જાય તો તેઓ એને પાઠ ભણવવા માગતા હોય છે."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો