ચાર્લ્સ શોભરાજ : દિલધડક રીતે જેલ તોડનારા અને વેશબદલામાં માહેર 'બિકિની કિલર'ની કહાણી

ઇમેજ સ્રોત, PRAKASH MATHEMA/Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
નેપાળની સુપ્રીમ કોર્ટે ફ્રાન્સના સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. બીબીસી નેપાળી સેવા અનુસાર, આ નિર્ણય તેની ઉંમરના આધારે લેવામાં આવ્યો છે. શોભરાજ 78 વર્ષના છે અને તેઓ હૃદયની બીમારીથી પીડિત છે. બે અમેરિકન પ્રવાસીઓની હત્યાના આરોપમાં શોભરાજ 2003થી નેપાળની જેલમાં બંધ છે. કોર્ટે તેમને મુક્ત કર્યાના 15 દિવસમાં તેમના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો છે.
એણે ન્યૂમૅર ઍડૉલ્ફ, સુંદર શોભરાજ, ત્રાનવાન યુયુ, ડેવિડ એલન ગોર, જેન બેલમૉન્ટ, આલ્બર્ટ ગૉયોટ, બૉનજોર જેવાં પંદરથી વધુ નામ ધારણ કરીને દુનિયાના અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો અને ગુનાને અંજામ આપ્યો. મીડિયાની હેડલાઇનમાં 'સિરિયલ કિલર', 'બિકિની કિલર' કે 'સર્પેન્ટ'ના નામથી સ્થાન મેળવ્યું હતું, પરંતુ વાસ્તવમાં તેનું નામ હતું ચાર્લ્સ શોભરાજ.
ચાર્લ્સ શોભરાજ પર થાઈલૅન્ડ, નેપાળ, ભારત અને તુર્કી એશિયાઈ દેશોમાં 20થી વધુ પર્યટકોની હત્યા કરવાનો આરોપ છે.
નેટફ્લિક્સની વેબસિરીઝ 'ધ સર્પેન્ટ'ને કારણે પણ તેઓ ફરી તેના વિશે ખાસ્સી ચર્ચા જગાવી હતી.
આ પહેલાં 'ધ શેડો ઑફ કોબરા', નેશનલ જિયોગ્રાફિક (ધ સર્પેન્ટ), એબીસી ન્યૂઝ (ધ સર્પન્સ સ્પિક્સ) અને નેટવર્ક ઑસ્ટ્રેલિયા (વિટનેસ) સહિત અનેક ચેનલો તેના ઉપર ડૉક્યુડ્રામા રજૂ કરી ચૂકી છે. ભારતમાં 'મેં ઔર ચાર્લ્સ' નામની ફિલ્મ બની હતી.
ચાર્લ્સ 10થી વધુ ભાષા જાણે છે, તેનું વ્યક્તિત્વ મોહક છે. તે વેશ બદલવામાં માહેર છે. હત્યા સિવાય દિલધડક રીતે જેલમાંથી નાસી છૂટવું, ડ્રગ્સનો વેપાર અને 'પૈસા લઈને પોતાની કહાણી' કહેવા માટે કુખ્યાત છે.
77 વર્ષીય ચાર્લ્સ શોભરાજ છેલ્લાં 18 વર્ષથી કાઠમાંડુની સુંધારા જેલમાં બંધ હતા, જ્યાં તે બે પર્યટકોની હત્યાની સજા કાપી રહ્યો હતા. જ્યાંથી તેણે બ્રિટિશ પત્રિકાઓને ઇન્ટરવ્યૂ આપ્યા હતા, જેમાં તેણે પોતાની ભાવિ યોજનાઓ અંગે ચિતાર આપ્યો હતો.
એક ભારતીય અને એક નેપાળી પોલીસ અધિકારીને કારણે ચાર્લ્સે તેના જીવનનાં 25 વર્ષ કરતાં વધુનો સમય જેલની પાછળ વિતાવવો પડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ચાર્લ્સ, માતાપિતા અને....

ઇમેજ સ્રોત, AFP/GETTYIMAGES
ચાર્લ્સ શોભરાજનો જન્મ વિયેતનામના સાઈગૉનમં તા. છઠ્ઠી એપ્રિલ 1944ના દિવસે થયો હતો. ફ્રાન્સના સંસ્થાનમાં પેદા થયો હોવાને કારણે ચાર્લ્સને ફ્રાન્સનું નાગરિકત્વ મળ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાઇગૉન પર જાપાનનો કબજો થયો હતો.
ચાર્લ્સનાં માતા વિયેતનામી હતાં, જ્યારે પિતા ભારતીય હતા. પિતા સાથેના સંબંધોની ખિન્નતા આજીવન ચાર્લ્સના મનમાં રહેવા પામી હતી.
નેપાળના પૂર્વ પોલીસ અધિકારી બિશ્વ લાલ શ્રેષ્ઠાએ ચાર્લ્સના જીવન પર 'ચક્રવ્યૂહ : ગુરુમુખ ચાર્લ્સ શોભરાજ'ના નામથી પુસ્તક (પૃષ્ઠ ક્રમાંક 154થી 158) લખ્યું છે. જેમાં તેઓ જણાવે છે:
'ચાર્લ્સના પિતા હૂતચંદ શોભરાજ મૂળ પંજાબના સિંધી હતા. ભારતની આઝાદી પૂર્વે તેઓ વેપાર-ધંધા માટે વિયેતનામ આવી ગયા. અહીં તેમનો ધંધો ધમધોકાર ચાલતો હતો, એટલે તેઓ સાંજના સમયમાં શહેરનાં ક્લબોમાં મનોરંજન માટે જતા હતા.'
'જ્યાં શહેરનો સંભ્રાંત અને ભણેલોગણેલો વર્ગ મનોરંજન માટે આવતો. ક્લબોમાં પશ્ચિમી મ્યુઝિક વાગતું.'
'આવી જ એક મુલાકાત દરમિયાન હૂતચંદ સ્વરૂપવાન યુવતી નૂઈ રોઝેલને મળ્યાં. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને તેઓ સાથે રહેવા લાગ્યાં.'
'આ સંબંધ થકી ચાર્લ્સનો જન્મ થયો. ફ્રાન્સના વિખ્યાત રાષ્ટ્રપતિ ચાર્લ્સ દ'ગોલના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું.'
'હૂતચંદ શરૂઆતમાં તેમના સંતાન ઉપર બરાબર ધ્યાન આપતા, પરંતુ ભારતની આઝાદી બાદ હૂતચંદને વતનમાં પણ વેપારની તકો દેખાવા લાગી. એટલે વિયેચનામ અને ભારત વચ્ચેની અવરજવર વધી જવા પામી.'
'બાદમાં તેમણે બે અન્ય મહિલાઓ સાથે લગ્ન કર્યાં. અને કુલ 16 સંતાનોના પિતા બન્યા. બીજી બાજુ, નૂઈએ ફ્રાન્સના સૈન્ય અધિકારી સાથે લગ્ન કર્યાં.'
શરૂઆતમાં નવા પિતાએ ચાર્લ્સનું પોતાના સંતાનની જેમ ધ્યાન રાખ્યું. પરંતુ જ્યારે પોતાના સંતાન થયાં ત્યારે તેમનું અને નૂઈનું ચાર્લ્સ પરથી ધ્યાન હઠવા લાગ્યું. ચાર્લ્સને તેનાં માતાપિતાનો 'પૂર્ણપ્રેમ' મળતો બંધ થઈ ગયો.
1963માં ચાર્લ્સે એશિયાઈ દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. એ સમયે તેણે અપરાધની દુનિયામાં પગ મૂક્યો હોવાનું માનવામાં આવે છે.

લવ, સેક્સ ઔર ધોખા

ઇમેજ સ્રોત, SPICE
1970ના દાયકામાં પશ્ચિમી દેશોના 'બૅકપેકર' નાગરિકોમાં નેપાળ, ભારત કે થાઈલૅન્ડ જેવા દેશોમાં રજાઓ ગાળવા માટે નીકળી પડવાનું ચલણ હતું. જેમાંથી અમુક લોકો સ્વતંત્રતા અને સ્વચ્છંદતા તરફ વળી ગયેલા 'હિપ્પી' પણ હતાં.
સ્થાનિક પોલીસ પણ પર્યટકોમાં ભય ન ફેલાય તે માટે તથા 'ઉપરની આવક' માટે જાહેરમાં શરાબ અને ડ્રગ્સની નશાખોરી સામે આંખ આડા કાન કરતી હતી.
ચાર્લ્સની ગુનો આચરવાની પદ્ધતિ (મૉડસ ઑપરેન્ડી) એકસરખી હતી. તે ફ્રૅન્ચ કે અંગ્રેજી જાણતા નશાકારક દ્રવ્યોના શોખીન પર્યટકોને ટાર્ગેટ કરતો હતો.
મફતનાં ડ્રિન્કસ, સારાં આચરણ અને વ્યવહાર દ્વારા તે વિશ્વાસ જીતતો અને પછી વિશ્વાસઘાત કરતો હતો.
સ્ત્રીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે શારીરિકસંબંધ પણ બાંધતો હતો. આ હત્યાઓને ચાર્લ્સ ખૂબ જ ભયાનક રીતે અંજામ આપતો હતો.
નશામાં શાનભાન ગુમાવી દેનારાઓને ગળું દબાવીને કે સળગાવીને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
તમામ મૃતકોને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. 1972થી 1982 દરમિયાન તેણે 20થી વધુ હત્યાને અંજામ આપ્યો હતો, જોકે ખરો આંકડો ક્યારેય બહાર નથી આવ્યો.

ઇમેજ સ્રોત, PRAKASH MATHEMA
ચાર્લ્સ શિકારના પૈસા અને પાસપૉર્ટ લૂંટી લેતો. મૃતકના પાસપૉર્ટના આધારે તે પોતાનો વેશ બદલીને નવા શિકારની ખોજમાં નીકળી પડતો, જેના કારણે તે 'સર્પન્ટ' તરીકે કુખ્યાત બન્યો હતો.
શરૂઆતની હત્યાઓમાં જે યુવતીઓ ચાર્લ્સનો ભોગ બની, તેમાંથી બે બિકિનીમાં મળી આવી હોવાથી તેને મીડિયાએ 'બિકિની કિલર' એવું નામ આપ્યું હતું. મૃતકો મોટાભાગે પશ્ચિમી દેશોના હોવાથી ત્યાંના મીડિયામાં આ હત્યારા વિશે ખૂબ છપાતું અને વંચાતું.
આવી જ રીતે થાઇલૅન્ડમાં તેણે હત્યાઓને અંજામ આપ્યો હતો, જે બદલ તેની સામે વૉરંટ કાઢવામાં આવ્યું હતું. થાઇલૅન્ડ ખાતે ડચ ડિપ્લૉમેટ તથા તેમનાં પત્ની હત્યારાનું પગેરું દબાવ્યું હતું. તેમનાં પ્રયાસો ઉપર નેટફ્લિકસની સિરીઝ 'ધ સર્પન્ટ' કેન્દ્રિત છે.
ચાર્લ્સ અફઘાનિસ્તાન, ગ્રીસ અને તુર્કીમાં જેલમાં ગયો હતો, પરંતુ અધિકારીઓને લાંચ આપીને કે થાપ આપીને બહાર નીકળી જતો હતો. ક્રાઇમ કૅરિયર દરમિયાન તેની સામે છેતરપિંડી, લૂંટ, હત્યાનો પ્રયાસ સહિતના અનેક ગુના દાખલ થયા હતા.
ચાર્લ્સને આશંકા હતી કે થાઈલૅન્ડમાં તેણે કરેલી પાંચ હત્યા માટે મૃત્યુદંડ મળશે, એટલે તેણે એક યુક્તિ અપનાવી. જેના માટે મેદાન બન્યું ભારત.
1971માં તે ભારતની જેલમાં હતો, પણ અપેંડિસાઇટિસનું બહાનું કરીને બહાર નીકળ્યો અને બાદમાં ફરાર થઈ ગયો. આથી, તે પોલીસતંત્રની ખામીઓ વિશે વાકેફ હતો.

યુવતીઓ આકર્ષાતી પણ...

દિલ્હી પોલીસના પૂર્વ અધિકારી આમોદ કંઠના કહેવા પ્રમાણે, "ચાર્લ્સ ફ્રેન્ચ લઢણવાળી અંગ્રેજી બોલતો. તે ફિલસૂફી, સાહિત્ય કે અન્ય કોઈ મુદ્દે વાત છેડીને મહિલાઓને આકર્ષતો અને મહિલાઓ આકર્ષાઈ જતી."
"પરંતુ તેના મોં માંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. તેનું ઑરલ હાઇજિન ખૂબ જ ખરાબ હતું. હું તેને કહેતો, 'જે છોકરીઓ તારી તરફ આકર્ષાય છે, તેમના નાકમાં ખામી હશે અથવા તો તેનું ઓરલ હાઇજિન પણ તારા જેવું હશે.' ચાર્લ્સએ વાતને હસી કાઢતો."
કંઠ માને છે કે શોભરાજનું અંગ્રેજી અને કાયદાનું જ્ઞાન 'સરેરાશ' હતા અને મીડિયાએ ચાર્લ્સને જરૂર કરતાં વધુ મહત્ત્વ આપ્યું અને તેને 'ગ્લૅમરાઇઝ્ડ' કરી દીધો હતો.
કંઠ કહે છે કે 'એક મહિનાની પૂછપરછ દરમિયાન હું ક્યારેય તેને ખુરશી ઉપર બેસવા દેતો ન હતો. હું તેને અહેસાસ કરાવવા માગતો હતો કે તું વિદેશી હોય કે સારી-સારી વાતો કરતો હોય, તારી ગ્લેમરાઇઝ્ડ સ્ટોરીઓ છપાતી હોય, તો પણ તું આરોપી છે.'
દિલ્હી પોલીસની બાતમીના આધારે બૉમ્બે પોલીસે સ્થાનિક હોટલ ઉપર રેડ કરી હતી, પરંતુ ચાર્લ્સ ત્યાંથી નીકળી ગયો હતો. તે ગોવા થઈને બૅંગ્લૉર જવાનો હતો.
મહારાષ્ટ્ર પોલીસ ચાર્લ્સનું પગેરું દાબતી ગોવા પહોંચી હતી, જ્યાં તેની ધરપકડ થઈ હતી. ગોવાથી ચાર્લ્સને બૉમ્બે (હાલનું મુંબઈ) લાવવામાં આવ્યો હતો.
તેને દિલ્હી લાવવા માટે કંઠને મોકલવામાં આવ્યા હતા. ચાર્લ્સને બીએસએફ (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ)ના વિશેષ વિમાનમાં દિલ્હી લાવવામાં આવ્યો હતો, જેથી તે ફરી એકવાર ફરાર ન થઈ જાય.
કહેવાય છે કે દિલ્હી પોલીસનાં એક ઉચ્ચ મહિલા પોલીસ અધિકારી પણ ચાર્લ્સની વાતોમાં આવી ગયાં હતાં અને તેને જરૂરી સવલતો પૂરી પાડી હતી.

તિહારમાંથી ફરાર

1976માં ચાર્લ્સ શોભરાજને પકડી લેવામાં આવ્યો. તેને દિલ્હીની બહુ સુરક્ષિત મનાતી તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન એક મહિલા વકીલ સાથે તેની મુલાકાત થઈ અને તે ચાર્લ્સથી આકર્ષાઈ ગઈ. જેલના અધિકારીઓની મીઠી નજર હેઠળ એ વકીલની ચાર્લ્સની કોટડીમાં અવરજવર થતી રહી હતી.
ચાર્લ્સે તેનો ઉપભોગ કર્યો અને નાસી છૂટવાની યોજનામાં ઉપયોગ પણ કર્યો હતો.
10 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ તેણે જેલમાંથી બહાર નીકળવા માટે એક યોજના ઘડી કાઢી હતી, જે એટલી ખતરનાક હતી કે તેણે આંતરરાષ્ટ્રીયસ્તરે ભારતીય પોલીસતંત્રની ફજેતી કરી.
ચાર્લ્સે જેલમાં પોતાના ખોટા જન્મદિવસની પાર્ટી આપી, જેમાં સાથીકેદીઓ અને જેલના કર્મચારીઓને કસ્ટર્ડ આપવામાં આવ્યું હતું, જેમાં કેફીપદાર્થ ભેળવવામાં આવ્યા હતા.
જેને ખાઈને થોડી જ વારમાં 170થી વધુ લોકોએ શાનભાન ગુમાવી દીધા હતા.
ચાર્લ્સ તથા તેના ચાર સાગરીત દિલ્હીની સૌથી સુરક્ષિત મનાતી તિહાર જેલમાંથી ધોળાદિવસે ફરાર થઈ ગયા હતા.

ઇમેજ સ્રોત, DEVENDRA MAN SINGH
ચાર્લ્સ પોતાની યોજના અંગે એટલો આશ્વસ્ત હતો કે તેણે જેલની બહાર સાથી મિત્રો સાથે ફોટા પણ પડાવ્યા હતા.
આ સમાચારે ભારત જ નહીં, પરંતુ વિશ્વભરના સમાચારમાધ્યમોમાં સ્થાન મેળવ્યું. ચાર્લ્સે પોતાની આત્મકથા માટે ઑસ્ટ્રેલિયન પત્રકારને જણાવ્યું:
"જ્યાર સુધી મારી કોઈની સાથે વાત કરવાની તક છે, ત્યાર સુધી હું કોઈને પણ મારી વાતમાં ફસાવી શકું છું અને ફોસલાવી શકું છું."
તિહારમાંથી તે કેવી રીતે ફરાર થયો અને ત્રણેક અઠવાડિયાંમાં ફરીથી ધરપકડ બાદ તેની પૂછપરછ કરનારા દિલ્હી પોલીસના પૂર્વ આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર આમોદ કંઠે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું:
"ચાર્લ્સ ફરાર થયો તેમાં તેનું 'ડેરિંગ' ન હતું, પરંતુ 'મેનિપ્યુલેશન' હતું. તેણે જેલના સાથી કેદીઓ, હાઈપ્રોફાઇલ કેદીઓ અને જેલના કર્મચારી-અધિકારીઓને પણ હાથવતા રાખ્યા હતા."
કંઠ 1974ની બેચના પોલીસ અધિકારી છે અને તેમણે ગોવા તથા અરૂણાચલ પ્રદેશના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) તરીકે પણ ફરજ બજાવી છે.

ટૂંકી જેલની લાંબી ગણતરી

ઇમેજ સ્રોત, AFP/Getty Images
જેલમાંથી ફરાર થયા બાદ ચાર્લ્સે પશ્ચિમી દેશમાંથી ભારતની મુલાકાતે આવેલા વિદ્યાર્થીનો સ્વાંગ લીધો હતો. તેણે બારમાં જઈને ખુલ્લેઆમ શરાબ પણ પીધો તથા હમપ્યાલાઓને ઇટાલીમાં બનેલી પિસ્તોલ પણ દેખાડી હતી.
આની પાછળ ચાર્લ્સ શોભરાજની ગણતરી હતી એટલે જ તેણે સજાના અંતભાગમાં આમ કર્યું હતું. જો તે જેલની બહાર મોકલી દેવામાં આવે તો ભારત સરકાર તેને થાઈલૅન્ડ પ્રત્યાર્પિત કરી દે છે.
આથી, મૃત્યુદંડથી બચવા માટે તેણે જેલમાંથી ફરાર થવાનું અને ફરીથી પકડાય જવાનું તરકટ રચ્યું. આ કામમાં ડેવિડ હોલ નામના અંગ્રેજ ફોટોગ્રાફરે તેની મદદ કરી, જે તેનો ખાસ સાગરીત હતો.
ચાર્લ્સની ગણતરી હતી કે જેલમાંથી નાસી છૂટવાના આરોપ સબબ તેની સામે કેસ ચલાવવામાં આવશે અને ત્રણેક વર્ષ સુધીની સજા થશે. ત્યાર સુધીમાં થાઇલૅન્ડમાં તેની સામેનું વૉરન્ટ રદબાતલ થઈ જશે.
કંઠના કહેવા પ્રમાણે, "તિહાર જેલમાંથી બહાર નીકળવા માટે તેને પૈસાની જરૂર હતી. તિહાર જેલમાં ચાર્લ્સની મુલાકાત શેઠિયા સાથે થઈ. કૌભાંડ આચરવાના આરોપ સબબ તે જેલમાં હતો."

ઇમેજ સ્રોત, AFP
"શેઠિયા તેની સામે જુબાની આપનાર સાક્ષીને મરાવી નાખવા માગતો હતો. આથી, તે ચાર્લ્સને પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો. પૈસાની લેણદેણ તથા સોપારીની વિગતની ચિઠ્ઠી, હથિયાર અને રૂપિયાની હેરફેરમાં ડેવિડ મારફત થઈ હતી."
ડેવિડને આશંકા હતી કે ચાર્લ્સ તેની હત્યા કરાવી નાખશે. આથી તેણે રૂપિયા, હથિયાર તથા સોપારી અંગે સૂચના આપતી હસ્તલિખિત નોંધ વગેરેના ફોટોગ્રાફ લઈ લીધા હતા.
ચાર્લ્સ સામે કોર્ટમાં જેલમાંથી ફરાર થવાનો કેસ ચાલી રહ્યો હતો, ત્યારે જ કંઠે નાટ્યાત્મક ઢબે એ ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા. પોલીસની સામે ડેવિડ અને શેઠિયાએ વટાણા વેરી દીધા હતા, જેના કારણે ચાર્લ્સને લાંબી સજા થઈ હતી.
1997માં ચાર્લ્સ ભારતની જેલમાંથી બહાર આવ્યો, ત્યારે થાઈલૅન્ડમાં તેની સામે કેસ ચલાવવાની સમયસીમા વીતી ગઈ હતી અને તે 'આઝાદ' હતો.

ચાર્લ્સનો 'ચાર્મ' યથાવત્

ઇમેજ સ્રોત, AFP/Getty Images
સપ્ટેમ્બર-2003માં આંતરરાષ્ટ્રીય અખબારોએ અહેવાલ છાપ્યા કે ચાર્લ્સ શોભરાજે નેપાળમાં દેખા દીધી છે. આ સમાચારે બિશ્વ લાલ શ્રેષ્ઠા નામના વકીલનું ધ્યાન ખેંચ્યું.
28 વર્ષ પહેલાં 1975માં થાઈલૅન્ડમાં ગુનાઓને અંજામ આપ્યા બાદ તે નેપાળની રાજધાની કાઠમાંડુ પહોંચ્યો હતો. કાઠમાંડુમાં તેને કોની જો નામનાં અમેરિકન મહિલા કોની જો બ્રૉન્ઝિચ તથા કૅનેડિયન નાગરિક લૉરેન્ટ કેનીની હત્યા કરી નાખી હતી. તે પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો.
આ હત્યાઓને પગલે નેપાળ આવતા પશ્ચિમી પર્યટકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નેપાળમાં પણ આ પ્રકારની નિર્મતાપૂર્વક હત્યા આઘાતજનક બાબત હતી.
કાઠમાંડુમાં થયેલી હત્યાના કેસમાં બિશ્વ લાલ શ્રેષ્ઠા નામના પોલીસ અધિકારીએ ચાર્લ્સ સામે ચાર્જશિટ તૈયાર કરી હતી. ચાર્લ્સ નેપાળમાંથી ફરાર થઈ ગયો હોવા છતાં બિશ્વ લાલે તેનું પગેરું દાબવાનું છોડ્યું ન હતું અને તેના વિશે માહિતી મેળવવાનું ચાલુ રાખ્યું હતું.
નેપાળની પોલીસે કાઠમાંડુના એક વિખ્યાત કેશિનોમાંથી ચાર્લ્સની ધરપકડ કરી હતી. ચાર્લ્સનું કહેવું હતું કે તેની સામે કોઈ પુરાવા નથી.

ઇમેજ સ્રોત, Robert NICKELSBERG
આ તબક્કે બિશ્વ લાલ મેદાનમાં આવ્યા. તેમણે ન કેવળ ચાર્લ્સ સામેના પુરાવા અદાલતમાં રજૂ કર્યા, પરંતુ સુપ્રીમ કોર્ટ સુધી કેસ પણ લડ્યો અને જીત્યા પણ.
ચાર્લ્સે તેના જેલવાસ દરમિયાન 2004માં જેલના ચાર કર્મચારીઓને સાધીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયસર ખુલ્લો પડી ગયો હતો અને મદદ કરનાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
શોભરાજની કોટડીમાંથી મળેલાં મોબાઇલ, વાયરલેસ ફોન અને લેપટોપની તપાસમાં ભાગવાની યોજનાનો પર્દાફાશ થયો હતો.
જેલવાસ દરમિયાન નિહિતા બિશ્વાસ નામનાં મહિલા વકીલ ચાર્લ્સને મળવાં આવ્યાં. દિલ્હીની જેમ જ તેઓ પણ ચાર્લ્સના મોહપાશમાં સપડાય ગયાં હતાં. નિહિતાનું કહેવું છે કે તેમણે બંનેએ લગ્ન કરી લીધું છે.
2004માં નેપાળની સ્થાનિક અદાલતે કાઠમાંડૂમાં થયેલી હત્યા માટે 20 વર્ષની જેલની સજા ફટકારી. 2010માં સર્વોચ્ચ અદાલતે તેની સજાને બહાલ રાખી હતી.
2014માં સ્થાનિક અદાલતે તેને કૅનેડિયન નાગરિકની હત્યાના કેસમાં વધુ 20 વર્ષની જેલની સજા ફટકારી. જેને ચાર્લ્સે પડકારી ન હતી.
ઑક્ટોબર-2015માં બોલીવૂડના અભિનેતા રણદીપ હુડ્ડા, જ્યારે ચાર્લ્સને મળવા માટે કાઠમાંડુની જેલમાં ગયા, ત્યારે તેનું મિત્રવર્તુળ અને લોકપ્રિયતા જોઈને ચોંકી ગયા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મેં ઔર ચાર્લ્સ

ઇમેજ સ્રોત, SPICE
બોલીવૂડમાં પણ ચાર્લ્સના જીવન ઉપર ફિલ્મ 'મેં ઔર ચાર્લ્સ' બની છે. વર્ષ 2015માં રજૂ થયેલી આ ફિલ્મમાં રણદીપ હુડ્ડાએ ચાર્લ્સની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ચાર્લ્સ શોભરાજની કહાણીને આમોદ કંઠના દૃષ્ટિકોણથી દર્શાવવામાં આવી છે.
ફિલ્મમાં રણદીપ હુડ્ડાએ ચાર્લ્સ શોભરાજની, આદિલ હુસૈને આમોદ કંઠની, રીચા ચઢ્ઢાએ ચાર્લ્સની વકીલ પ્રેમિકાની તથા ટિસ્કા ચોપરાએ આદિલનાં પત્નીની ભૂમિકા ભજવી હતી.
પોતાના જીવનની 'કહાણી' કહેવા માટે પૈસા લેતા ચાર્લ્સે, નિર્માતાઓને નોટિસ મોકલવાનું વિચાર્યું હતું. પરંતુ બાદમાં તે 'આમોદ કંઠના દૃષ્ટિકોણ'થી દર્શાવવામાં આવી હોવાથી કેસ કરવાનું માંડી વાળ્યું હતું.
અભિનેતા રણદીપ હુડ્ડા જ્યારે ચાર્લ્સને કાઠમાંડૂની જેલમાં મળ્યો, ત્યારે ચાર્લ્સે આમોદને 'સલામ' કહેવડાવ્યા હતા.
ફિલ્મના પ્રચાર દરમિયાન હુડ્ડાએ દાવો કર્યો હતો કે અમિતાભ બચ્ચનની વિખ્યાત ફિલ્મ 'ડોન'નો ડાયલોગ 'ડોન કા ઇંતેજાર તો ગ્યારાહ મુલકો કી પુલીસ કર રહી હૈ, લેકિન ડોન કો પકડના મુશ્કીલ હી નહીં, નામૂમકીન હૈ.' ચાર્લ્સ શોભરાજના જીવન ઉપરથી લેવામાં આવ્યો હતો.
આમોદ કંઠના કહેવા પ્રમાણે, "મારી 33 વર્ષની પોલીસ કારકિર્દી દરમિયાન મારો પનારો અનેક ખૂંખાર આતંકવાદીઓ અને ક્રિમિનલો સાથે પડ્યો છે, પરંતુ મેં ચાર્લ્સ જેટલો 'ગંદો' અને 'ઘૃણાસ્પદ' ગુનેગાર નથી જોયો."
કંઠે જેસિકાલાલ હત્યાકેસ, બીએમડબલ્યુ કેસ, લલિત માકણ તથા હર્ષદ મહેતા સહિત અનેક હાઈપ્રોફાઇલ કેસની તપાસ કરી છે.

એક સારો 'પ્રયાસ'

ઇમેજ સ્રોત, Hindustan Times
એક મહિનાની તપાસ દરમિયાન કંઠે જેટલા લોકો સાથે વાત કરી તેમનું પણ એવું માનવું હતું કે અસામાન્ય બાળપણને કારણે જ તે ગુનાના રસ્તે વળી ગયો હતો.
કંઠના મગજમાં બાળકો માટે કંઈક કરવાનો વિચાર પહેલાંથી જ ચાલી રહ્યો હતો, ચાર્લ્સની કહાણી અને બાળપણના સંબંધને પિછાણ્યા બાદ તેમનો કંઈક કરી છૂટવાનો નિર્ધાર મજબૂત બન્યો.
એ અરસામાં દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળી. અનેક બાળકો ઘરબાર વિનાના નોંધારા થઈ ગયાં. આ તબક્કે કંઠના નેતૃત્વમાં દિલ્હી પોલીસ, દિલ્હી સ્કૂલ ઑફ સોશિયલ વર્ક અને શ્રમિક વિદ્યાપીઠના યત્નથી 'પ્રયાસ'ની શરૂઆત થઈ.
અનૌપચારિક શિક્ષણ દ્વારા 25 બાળકોના જીવનને ફરીથી પાટે ચડાવવાનો પ્રયાસ શરૂ થયો. આજે 700 પ્રૉફેશનલ ઉપરાંત દેશ-વિદેશમાં સેંકડો લોકો સ્વયંસેવક તરીકે 'પ્રયાસ જુવેનાઇલ એઇડ સેન્ટર' સાથે જોડાયેલા છે.
સંસ્થાનો દાવો છે કે આજે 10 રાજ્ય (અને સંઘપ્રદેશમાં) 200 જેટલા સેન્ટર મારફત સંસ્થા હાંસિયામાં રહેલા તબક્કાના 50 હજાર જેટલા બાળકો અને મહિલાઓનાં જીવનમાં પરિવર્તન લાવવા માટે 'પ્રયાસ'રત છે.
કંઠ સ્વીકારે છે કે ગુનાની દુનિયામાં ચાર્લ્સ જેટલો આગળ વધ્યો, તેની પાછળ અમુક અંશે તેનું 'ડાર્ક ચાઇલ્ડહૂડ' પણ જવાબદાર હતું.
ચાર્લ્સે તેની ડાયરીમાં લખ્યું, "તમે પિતા તરીકેની ફરજ બરાબર નથી બજાવી. એ વાત ઉપર ખેદ વ્યક્ત કરવા માટે હું તમને મજબૂર કરી દઈશ." આજે કદાચ તેની એ ભવિષ્યવાણી ખરી સાબિત થઈ રહી છે.
(ચાર્લ્સ શોભરાજને નેપાળની સુપ્રીમ કોર્ટે ગુનેગાર ઠેરવ્યો છે અને ભારતમાં પણ તે અનેક વખત જેલની સજા કાપી ચૂક્યા છે. બીબીસીની પૉલિસી મુજબ એક વખત જે દોષિત ઠરે એટલે તેના માટે સન્માનજનક શબ્દ વાપરવામાં નથી આવતા, એટલે અહીં ચાર્લ્સને એકવચનમાં સંબોધન કર્યું છે.)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













