નડિયાદમાં 'ઘરે બેઠા ડેટા એન્ટ્રી'ને નામે હજારો લોકો સાથે 50 કરોડની છેતરપિંડી કેવી રીતે કરાઈ?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું ખેતી કરી ગુજરાન ચલાવું છું. મારા ગામના લોકોએ ડેટા એન્ટ્રીના કામમાં નાણા રોક્યા હતા જેથી હું પણ તેમની સાથે આ સ્કીમમાં જોડાયો હતો. આ કંપનીમાં કુલ 8 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. મારી પત્નીનાં દાગીના ગીરવી મૂકીને 3 લાખ રૂપિયા લીધા હતા. ઉપરાંત 3 લાખ રૂપિયા વ્યાજે લઈ રોક્યા હતા. મારા કુલ આઠ લાખ રુપિયા ડૂબ્યાં છે, મારા ગામનાં 400 લોકો આ કૌભાંડનો ભોગ બન્યા છે."
નડિયાદથી ઑપરેટ થતી માસ્ટર સોલ્યુશન નામની કંપનીએ ઑનલાઇન ડેટા એન્ટ્રીના નામે "એકના ડબલ"ની લાલચ આપી હજારો લોકોને છેતર્યાં છે અને ઉપરોક્ત વાત છેતરપિંડીનો ભોગ બનેલા નડિયાદના ચકલાસી ગામના શૈલેષની છે.

ઇમેજ સ્રોત, Getty Images
છાસવારે ગુજરાતમાં પ્રકાશમાં આવતી "એકના ડબલ"ની સ્કીમના નામે છેતરપિંડીનો આ તાજેતરનો કિસ્સો છે.
આવી લોભામણી સ્કીમના નામે થતાં કૌભાંડો રોકવા માટે રાજ્ય સરકારે ગુજરાત પ્રૉટેક્શન ઇન્ટ્રેસ ઑફ ડિપોઝિટર્સ ઍક્ટ લાગુ કર્યો છે.
તાજેતરની છેતરપિંડી "એક કા ડબલ"ની પ્રચલિત સ્કીમ કરતાં થોડી અલગ છે. તેમાં "ડેટા એન્ટ્રી કરો અને ઘરે બેઠા પૈસા કમાવો" સૂત્ર હેઠળ બેરોજગારોને આકર્ષિત કરીને પૈસા પડાવવાનું કરોડો રુપિયાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન નડિયાદથી કરવામાં આવતું હતું.
જે બૅનર હેઠળ લોભામણી સ્કીમ લાગુ પાડવામાં આવી હતી તે માસ્ટર સોલ્યુશન અને માસ્ટર ડિજિટલ ટેકનૉલજી પ્રા.લિ. નામની કંપની નડિયાદમાં એક શોપિંગ સેન્ટરની એક દુકાનમાં ખોલવામાં આવી હતી.
ફરિયાદ અનુસાર, કૌભાંડીઓએ 22 હજાર લોકો સાથે છેતરપિંડી આચરીને અંદાજે 50 કરોડનું ફુલેકું ફેરવ્યું છે.
તારીખ 22 મે 2022ના રોજ નડિયાદના દીક્ષુ દેસાઈએ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવતાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દીક્ષુ દેસાઈએ ફરિયાદમાં કંપનીના ચાર શખ્સોનું નામ આપ્યું છે. જેમાં કંપનીના સિંગ નામના પાર્ટનર, મિતુલ અને ચિરાગ નામના કંપનીના મૅનેજર અને રાહુલ વાઘેલા સામે
આઇપીસીની 420 સહિતની કલમ ઉપરાંત ગુજરાત પ્રૉટેક્શન ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ ઍક્ટની કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ રાહુલ વાઘેલા તથા તેમનાં પત્ની ગૌરીની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય આરોપીઓની તપાસ ચાલી રહી છે.
કોડના નામે ફ્રોડ

ઇમેજ સ્રોત, iStock
આ સમગ્ર કૌભાંડમાં ફરિયાદ કરનાર દીક્ષુ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "મારા એક મિત્ર દ્વારા હું રાહુલ વાઘેલાની કંપનીના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ હું રાહુલ વાઘેલાને મળવા ગઈ હતી ત્યારે તેમણે મને કહ્યું હતું કે, તે વિદેશની કંપની પાસેથી ડેટા એન્ટ્રીનું કામ મેળવે છે. વિદેશી કંપની તેને એક ડેટા એન્ટ્રીના 10 રૂપિયા આપે છે. તેની સામે તે ડેટા એન્ટ્રીનો એક રૂપિયો ચુકવે છે. તેમની આ વાતમાં આવીને મેં 90 હજાર રૂપિયાના પ્લાનમાં રોકાણ કર્યું હતું.
"નાણા ભર્યા બાદ અમને એક કોડ આપવામાં આવતો હતો. તેમજ પ્લાન પ્રમાણે ડેટા એન્ટ્રીનું કામ આપવામાં આવતું હતું. મારા 90 હજારના પ્લાનમાં મને રોજની 1 હજાર ડેટા એન્ટ્રી આપવામાં આવતી હતી. એક ડેટા એન્ટ્રીનો એક રૂપિયો અને જો ખોટી એન્ટ્રી થાય તો એક રૂપિયો કપાતો હતો."
"મને શરૂઆતના થોડોક સમય રેગ્યુલર પૈસા મળતા હતા પરંતુ દિવાળી બાદ પૈસા આવવાના બંધ થઈ ગયા હતા. મારા વોલેટમાં મારા કામના 92 હજાર રૂપિયા છે. જે અંગે માગણી કરતા દરેક વખતે રાહુલ વાઘેલા તેમજ કંપનીના સ્ટાફ દ્વાર અલગ અલગ બહાના બતાવી દેવામાં આવતા હતા."
તેમણે વધુમાં જણાવ્યું હતુ, "અમારી પાસે 11 મહિનાનો કરાર કરાવવામાં આવ્યો હતો. જે અનુસાર 11 મહિના બાદ ડિપોઝિટ પેટે જમા કરાવેલા 90 હજાર અમને પરત કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતુ.
તેઓ કહે છે કે "મેં છેલ્લા 5 મહિનાથી અનેક ધક્કા ખાધા પરંતુ ડિપોઝિટના પૈસા પરત કરવામાં આવ્યા નથી. જેથી મે રાહુલ અને તેમના તેના સાગરિતો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સ્કેમના તમામ પીડિતોએ ભેગા મળીને એક વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું છે. આ વૉટ્સૅપ ગ્રૃપમાં જેમની સાથે છેતરપિંડી થઈ છે એવાં 387 લોકો જોડાયાં છે. આ સિવાય અન્ય લોકો પણ આ સ્કેમનો ભોગ બન્યાં હોઈ શકે છે. જેથી આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે."

ભોગ બનનાર 40 લોકોનું નિવેદન લેવાયું

ઇમેજ સ્રોત, iStock
છેતરપિંડીનો ભોગ બનેલા નડિયાદના ચકલાસી ગામના શૈલેષ કહે છે, "મારા કુલ 8 લાખ રુપિયા ડૂબ્યા છે અને આ મુદ્દે મારા પરિવારમાં કંકાસ ચાલી રહ્યો છે. રોજ આ મુદ્દે બોલાચાલી થાય છે. મેં તો બાળકોના ભવિષ્ય માટે પૈસા રોક્યા હતા. જો આ પૈસા પરત નહીં આવે તો હું તો બરબાદ થઈ જઈશ. હું ખેતીમાં રાત દિવસ મજૂરી કરું છું. અમારા ગામના 400 લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે."
આ સ્કીમમાં 5 લાખ રૂપિયાની રકમ ગુમાવનાર ધ્રુવિક પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "આ છેતરપિંડીમાં વિદેશમાં રહેતા મારા માતા પિતાએ મોકલાવેલા 5 લાખ રૂપિયા ડૂબી ગયા અને સાથે છેલ્લા 7 મહિનાના રોજના 5-6 કલાક વેડફાઈ ગયા છે. છેલ્લા 7 મહિનાથી હું 4200 ડેટા એન્ટ્રી કરતો હતો. હું IELTSની તૈયારી કરી રહ્યો છું તેમાં આ સમયનો સદુપયોગ કરી શક્યો હોત પરંતુ અફસોસ કે હું આ છેતરપિંડીનો શિકાર બની ગયો."
પાલજ ગામના ખેડૂત 42 વર્ષીય સમીર પટેલે જણાવ્યું, "મેં મારી ખેતીની આવકમાંથી બચાવેલા એક લાખ રૂપિયા આ સ્કીમમાં રોક્યા હતા. અમારા ગામના લોકોનાં અંદાજે 17 લાખ રૂપિયા આ સ્કીમમાં રોકાયા હતા. અમારા અને આસપાસના ગામનાં લોકોનાં પરસેવાની કમાણીના આ રુપિયા હતા."
નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી. પી. ચૌહાણે બીસીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, " માસ્ટર સોલ્યુશન તથા માસ્ટર ડિજિટલ ટેકનૉલૉજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક તેમજ મૅનેજર સહિતના સ્ટાફ સામે ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ અનુસાર 50 કરોડના ફ્રોડનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. આ ફરિયાદનાં અનુસંધાનમાં ભોગ બનેલા 40 જેટલાં લોકોનાં અત્યાર સુધીમાં નિવેદન લેવામાં આવ્યા છે. આ છેતરપિંડીના આરોપી રાહુલ વાઘેલા અને તેની પત્ની ગૌરી વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ ચાલી રહી છે."
ઉલ્લેખનીય છે કે, આવી છેતરપિંડીમાં સમાજમાં આબરૂ જવાના ડરે અને મૂર્ખ ઠરવાના ડરે લોકો ફરિયાદ કરવા સામે આવતાં નથી. એટલે આ સમગ્ર કૌભાંડ કેટલાં કરોડનું છે તે અંગેનું સત્ય બહાર લાવવું મુશ્કેલ બને છે.

મોડસ ઑપરેન્ડી શું હતી?

ઇમેજ સ્રોત, Laxmi Patel
નડિયાદ શહેરના એક શોપિંગ સેન્ટરમાં આરોપીઓએ એક દુકાનમાં માસ્ટર ડિજિટલ ટેકનૉલૉજી પ્રા.લિ. નામની કંપની શરુ કરી હતી. આ કંપનીની સત્તાવાર વેબસાઇટ mdtpl.masterdigitaltechnology.com અને મોબાઇલ ઍપ્લિકેશન હતી.
રોકાણકારોએ જુદાં-જુદાં પ્લાન ખરીદે તે અનુસાર આ વેબસાઇટ અને મોબાઇલ ઍપ્લિકેશનના લોગિન અને પાસવર્ડ આપવામાં આવતા હતાં. જેનો ઉપયોગ કરીને રોકાણકારે ડેટા એન્ટ્રી કરવાની રહેતી હતી.
વેબસાઇટ ઉપર 6થી 8 ડિજિટના બારકોડ પ્રોજેક્ટમાં ડિપોઝિટની રકમ પર જુદાં-જુદાં રેટ ઑફ ઇન્કમનું વળતર તથા ઑનલાઇન 1 બારકોડદીઠ ડેટા એન્ટ્રીનો એક રુપિયો મળશે તેવી જાહેરાત મૂકી લોકોને લાલચ આપવામાં આવી હતી.
એક બારકોડની એન્ટ્રી દીઠ એક રુપિયો રોકાણકારના ડિજિટલ વોલેટમાં જમા થતો હતો જ્યારે એક ખોટી એન્ટ્રી ઉપર એક રુપિયો કપાતો હતો. શરુઆતમાં આ નાણા ઉપાડી શકાતા હતા.
આ કંપનીએ શરુઆતમાં લોકોને "ઘરે બેઠા ડેટા એન્ટ્રી કરીને કમાણી કરો"ની જાહેરાત કરીને ભરમાવ્યાં હતાં. જેમાં લોકોએ 75 હજારથી માંડીને લાખો રુપિયા રોકીને લોગિન અને પાસવર્ડ મેળવ્યા હતા.
થોડાં મહિના બાદ રોકાણકારોને એન્ટ્રીની સામે રકમ આપવાનું બંધ કરી દેવાતા રોકાણકારોએ ઑફિસે આંટાફેરા શરૂ કર્યાં હતા. અને આખરે ફરિયાદીઓની સંખ્યા વધી ત્યારે આરોપીઓ કંપનીનું શટર પાડીને ગાયબ થઈ ગયા હતા.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












