મોબાઇલ: ફોન ચોરાઈ જાય અને કોઈ ઉપયોગ ન કરી શકે એ માટે શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી મુન્ડો
- પદ, બ્રાઝિલ
તમે ઘરથી દૂર મજા કરતા હો અને ઘડીભર ફોનને ભૂલી જાવ. પછી ખિસ્સાં ફંફોળો, બૅગ ફંફોસો, ક્યાં મૂક્યો હતો તે યાદ કરતા શોધો પણ એવું બને કે તે ક્યાંય ન મળે.
ચોર તો પલકવારમાં ફોન ચોરી લેવામાં ઍક્સપર્ટ હોય છે.
ફોન ગુમાવ્યા પછી તમને ખરાબ લાગે અને બીક લાગે કે ફોનમાં રહેલા ગોપનીય દસ્તાવેજો અને વ્યક્તિગત માહિતી સાથે ચેડાં તો નહીં થાય ને? નવો ફોન ખરીદવામાં ખિસ્સાને માર પડે તે અલગ.
એટલે જ તો અમે તમને તમારો મોબાઇલ ફોન ચોરાઈ જાય તો વધારાનું નુકસાન ટાળવા શું કરવું તે અંગે કેટલીક ટિપ્સ આપીએ છીએ.

1. ફોનને લૉક કરવો
જો તમારો સેલ ફોન ચોરાઈ ગયો હોય, તો ડિજિટલ સિક્યૉરિટીના નિષ્ણાત અને સાયબરલૅબ્સ-પીસેફ ગ્રૂપના ડિરેક્ટર એમિલિયો સિમોનીના જણાવ્યા અનુસાર, પ્રથમ પગલું એ ભરવું કે ફોન ખોવાઈ જાય પછી તરત જ ફોન નંબર બ્લૉક કરી દેવો.
તેઓ કહે છે, "મોબાઇલ ઑપરેટરના કસ્ટમર કૅર પર ફોન કરીને નંબર બ્લૉક કરાવી દેવો જેથી નંબર બિનઉપયોગી થઈ જાય. કસ્ટમર કૅર નંબર મોબાઇલ ઑપરેટરની વેબસાઇટ્સ પરથી મળી શકે છે."
આઈએમઈઆઈ (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડૅન્ટિટી) દ્વારા આમ કરી શકાય છે. આઈએમઈઆઈ,એક આંતરરાષ્ટ્રીય રજિસ્ટ્રી છે જે તમારા સેલ ફોનને તત્કાલ બંધ કરવાની મંજૂરી આપે છે. એટલા માટે આઈએમઈઆઈ કોડ લખીને હંમેશા સાથે રાખવો.
આઈએમઈઆઈ નંબર સામાન્ય રીતે ઉપકરણના બૉક્સ પર અથવા સેલ ફોન પર લખેલો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈએમઈઆઈ શોધવાનો એક સરળ રસ્તો એ છે કે તેને કૉલ પૅડ પર *#06# કોડ લખીને મેળવી શકાય છે.

2. ઍપ્લિકેશન્સના પાસવર્ડ બદલી નાખવા

ઇમેજ સ્રોત, Getty Images
એમિલિયો સિમોનીના જણાવ્યા અનુસાર, તમારે મોબાઇલ ફોન પરની ઍપ્લિકેશન્સના પાસવર્ડ બદલવા જરૂરી છે, નહીંતર અન્ય લોકો તેને ઍક્સેસ કરી શકે છે.
આ એટલા માટે પણ જરૂરી છે કે ચોર અન્ય પાસવર્ડ અને કુટુંબના સંપર્કો જેવી તમારી અંગત અને સંવેદનશીલ માહિતીને સરળતાથી ઍક્સેસ કરી શકે છે.
એમિલિયો સિમોની કહે છે, "સામાન્ય રીતે, બૅંકિંગ ઍપ્લિકેશનો આપમેળે પ્રમાણિત થતી નથી. પરંતુ ઇમેઇલ અને સોશિયલ મીડિયા જેવા અન્ય સાધનોમાં જેની પાસે મોબાઇલ ઉપકરણ હોય તે એસએમએસ ઑથેન્ટિકેશન દ્વારા પાસવર્ડ બદલી શકે છે."
તેમાની કેટલીક ઍપ્લિકેશન્સમાં ટૂલની વૅબસાઇટ્સ પર પાસવર્ડ બદલી શકાય છે, જેના દ્વારા મોબાઇલ ધારક તત્કાલ બધું બદલી શકે છે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ નેટવર્કમાં વેબસાઇટના સિક્યૉરિટી અને લૉગિન સેક્શનમાં પાસવર્ડ બદલી શકાય છે. જીમેઇલમાં, પાસવર્ડ બદલવાનો વિભાગ વ્યક્તિગત માહિતી વિશેના વિભાગમાં હોય છે.

3. નાણાકીય સંસ્થાઓને જાણ કરવી

ઇમેજ સ્રોત, Getty Images
જેમનો મોબાઇલ ફોન ચોરાઈ ગયો હોય તેમણે તેમની બૅંક અને અન્ય નાણાકીય સંસ્થાઓને જાણ કરવી જરૂરી છે.
આમ કરવાથી બૅન્ક મોબાઇલ ફોન પર ઍપ્લિકેશનને અવરોધિત કરી શકે છે અને ચોરના તૃતીય-પક્ષ ખાતામાં નાણાની હેરફેરને પણ અટકાવી શકાય છે.
આ સેવા માટે દરેક બૅન્કની પોતાની ચેનલ હોય છે. તેને સામાન્ય રીતે સંસ્થાની વેબસાઇટ પરથી મેળવી શકાય છે. બૅંકના ફોન નંબર ગૂગલ પરથી પણ મળી શકે છે.
4. કુટુંબ અને મિત્રોને સૂચિત કરવું
જેમનો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તેમના માટે કુટુંબ અને નજીકના મિત્રોને જાણ કરવી એ બીજું મહત્ત્વનું કાર્ય છે.
એમિલિયો સિમોની સમજાવે છે, "ઘણીવાર, ગુનેગારો મૅસેજિંગ ઍપ્લિકેશન અથવા સોશિયલ નેટવર્કમાં સંબંધીઓના સંપર્કને શોધી કાઢે છે અને તેમની પાસે જઈને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરે છે, પૈસા અથવા બૅંકની વિગતો માગે છે."

5. ફરિયાદ નોંધાવવી

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસનો સંપર્ક કરીને અથવા પોલીસ સ્ટેશન જઈને સેલ ફોન (અથવા અન્ય કોઈ વસ્તુ)ની ચોરીની નોંધણી કરાવવી એ ગુનાની જાણ માટે જરૂરી છે.
પુરાવા તરીકે પોલીસ ફરિયાદની તમારી બૅંક, વીમા કંપની કે સત્તાવાળાઓને જરૂર પડી શકે છે.
ઘણી વખત, મોબાઇલ ફોનમાં આપણે ઓળખ દસ્તાવેજો રાખ્યા હોય તો તેની પણ ચોરી થઈ શકે છે. જો તમારે ક્યાંક ઓળખના પુરાવાની જરૂર પડે તો પુરાવા તરીકે પોલીસ રિપોર્ટ હાથ ઉપર રાખવો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
સિમોનીના મતે, ફરિયાદ નોંધાવવાનો બીજો ફાયદો એ છે કે તે પોલીસ માથે "ગુનાની તપાસ કરવાની કાનૂની ફરજ" આવી પડે છે.
જો કે મોબાઇલ ફોનને પરત મેળવવો ઘણો મુશ્કેલ હોય તો પણ, તમારા રિપોર્ટ પરથી જ્યાં આ પ્રકારના ગુનાઓ વારંવાર કરવામાં આવતા હોય તેવા ચોક્કસ સ્થાનોને ઓળખવામાં મદદ મળી શકે છે.
એ રીતે, પોલીસ નાગરીકોને સજાગ કરવા માટે જાહેર સૂચનાઓ પ્રકાશિત કરી શકે છે. પોલીસ કાર્યવાહી સરળ બને છે અને તેઓ ગુનેગારોની પ્રવૃત્તિઓ વિશે વધુ જાણકારી મેળવી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













