નડિયાદ : ટોલનાકાએ પૈસા આપ્યા વગર જતો રહેનાર બાળકીનો ખૂની બિયરના બિલથી કઈ રીતે પકડાયો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'ટોલનાકાના કર્મચારી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે અમે એક આઈ10 કાર પકડી. કારમાંથી લિકર શૉપમાંથી ખરીદેલા બિયરનું બિલ અને આધારકાર્ડ મળ્યાં, જેના આધારે તપાસ કરી તો અમે ક્રિકેટના સટ્ટામાં લાખો રૂપિયા હારી ગયેલા સટોડિયાએ ખંડણી માટે પાડોશની છોકરીનું અપહરણ કરી હત્યા કરનાર અને ગુનામાં મદદ કરનાર એમનાં માતા, ભાઈ અને બે સગીર દોસ્તો સુધી પહોંચી શકયા.' આ શબ્દો છે નડિયાદના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.બલદાણીયાના.
નડિયાદમાં બાળકીની હત્યા અને અપહરણના કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને બે સગીર આરોપીઓ સામે જુવેનાઇલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
નડિયાદમાં પાંચ વર્ષ પહેલાં ક્રિકેટના સટ્ટામાં દેવાદાર થયેલા 22 વર્ષના યુવાને ભાઈ અને માતા સાથે મળીને 18 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવવા માટે સાત વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું.
કોર્ટમાં થયેલી દલીલ અનુસાર પકડાઈ જવાની બીકે બાળકીને નદીમાં નાખી દીધી હતી અને ત્યાર બાદ 24 કિલોમિટર દૂર પાણીમાં તણાઈને આવેલો મૃતદેહ મળ્યો હતો.
બાળકીનો મૃતદેહ મળી આવ્યો ત્યારે ગુનેગારને શોધવો પોલીસ માટે ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર હતું.

કેવી રીતે ગુમ થઈ હતી બાળકી?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
18 સપ્ટેમ્બર 2017માં નડિયાદના પૉશ ગણાતા વિસ્તારમાં રહેતાં નિવૃત્ત શિક્ષિકા કુસુમ પટેલની પૌત્રી અચાનક સોસાયટીમાંથી રમતાં-રમતાં ગુમ થઈ ગઈ. આખી સોસાયટી અને અડોશ-પાડોશના લોકોએ એને આખાય નડિયાદમાં શોધી પણ કોઈ પત્તો નહીં મળતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.
60 વર્ષનાં કુસુમ પટેલને નિવૃત્તિ પછી પેન્શન મળતું હતું. તેમનાં મોટાં પુત્રી પરણેલાં હતાં અને પુત્ર પણ પોતાનાં લગ્ન પછી યુકેમાં રહેતા હતા.
કુસુમ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "2009માં મારા દીકરા અમિતનાં લગ્ન અમારી જ જ્ઞાતિની છોકરી ગાયત્રી સાથે થયાં હતાં. પહેલા અમિત યુકે ગયો અને પછી મારી પુત્રવધુ ગાયત્રી પણ ત્યાં જતી રહી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ત્યાં એમને એક પુત્રી થઈ જેનું નામ તાન્યા રાખ્યું. તાન્યા ભારત આવી અને ત્રણ વર્ષની થઈ ત્યાં સુધી એના મામાના ઘરે રહેતી. પછી હું શિક્ષિકા તરીકે નિવૃત્ત થઈ એટલે તાન્યા સાથે નડિયાદના સંતરામ રોડ પર મારી મોટી દીકરીના ડુપ્લૅક્સ બંગલામાં રહેતી હતી."
કુસુમ પટેલ કહે છે કે, "તાન્યા આખીય સોસાયટીમાં બધાની લાડકી હતી. એ સવારે સ્કૂલે જાય પછી ત્રણ વાગ્યે ઘરે આવે. ભણે અને શાળાનું લેસન કરે અને સોસાયટીમાં બાળકો સાથે રમવા જાય."
"એ દિવસે રાત્રે જામીને એણે કહ્યું કે અમારા પાડોશમાં રહેતી એની બહેનપણીના ઘરે જવું છે. હું એને મૂકીને ઘરે આવી. રાત્રે આઠ વાગે લેવા ગઈ તો મને કહ્યું કે એ ઘરે જવા માટે નીકળી ગઈ છે."
"અમે આખીય સોસાયટી શોધી પણ ક્યાંય ના મળી. રાત્રે અમારી સોસાયટીના લોકોએ આખાય નડિયાદમાં શોધખોળ કરી પણ ના મળી. એટલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. 22મી એ એનો મૃતદેહ નદીમાંથી મળ્યો."
આ કેસની તપાસ કરનાર નડિયાદના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. બલદાણીયાએ બીબીસી ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે, નિવૃત્ત શિક્ષિકા કુસુમ પટેલના કોઈ દુશ્મન નહોતા, અમારા માટે આ કેસમાં ગુનેગારને શોધવો અઘરો હતો પણ વાસદ ટોલનાકાના કર્મચારીની અમે માત્ર રૂટિન પૂછપરછ કરી તો અમને એક કડી મળી."
ટોલનાકના કર્મચારી પાસેથી પોલીસને જાણવા મળ્યું કે, "ચાર-પાંચ દિવસ પહેલાં સફેદ આઈ10 કાર લઈને એક વ્યક્તિ ટોલનાકા પર પૈસા ભર્યા વગર ગઈ હતી. ટોલનાકાથી જતા એની સાથે એક બાળકી હતી અને પાછા આવતા કોઈ નહોતું."

ટોલનાકા અને બિયરનું બિલ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
નડિયાદની સેશન્સ કોર્ટમાં વાસદ ટોલનાકાના કર્મચારી ગણપત રાઠોડે પોતાની જુબાનીમાં કહ્યું કે, "આમ તો ટોલનાકા પરથી સંખ્યાબંધ ગાડીઓ પસાર થાય છે પણ આ સફેદ આઈ10 કાર ચલાવનારે ટોલ ટૅક્સ ભર્યો નહતો અને દાદાગીરી કરી હતી."
"કાળા કાચવાળી કારમાં જતા અને આવતા ટૅક્સ નહોતો ભર્યો અને દાદાગીરી કરી હતી એટલે મને એ કાર અને એનો નંબર યાદ રહી ગયો હતો. આમ તો કોઈ કાર યાદ ના રહે પણ કારચાલક છોકરાએ જતી વખતે મારામારી કરવાનું જ બાકી રાખ્યું હતું ."
નડિયાદ પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં લખ્યું છે કે "અમને કારનો નંબર મળ્યો, એના આધારે અમે કારના મલિકને શોધી કાઢ્યો."
"પિન્ટુ નામના કારમલિકની પહેલાં કાર જપ્ત કરીને એની પૂછપરછ કરી જેમાં તેણે કહ્યું કે એના નાનપણના મિત્ર મિત પટેલે એની કાર અંબાજી જવા માટે લીધી હતી અને રાત્રે પરત આપી ગયો હતો. એણે એ પછી બીજા કોઈને કાર આપી નથી. પિન્ટુના મોબાઇલ ફોનની વિગતો ચૅક કરી તો એની વાત સાચી હતી અને એ પોલીસને મદદ કરતો હતો."
આ કેસના તપાસ અધિકારી નડિયાદના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી,બી.ખામ્ભલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "એ કારની તપાસ કરી તો કારમાંથી મિતનું આધારકાર્ડ મળ્યું અને નરેશ પટેલ નામના માણસની લિકર પરમિટ મળી. 26 નંગ બિયર લિકરશૉપમાંથી ખરીદ્યાનું બિલ પણ મળ્યું."
"આધારકાર્ડના સરનામા પર તપાસ કરતાં એ છોકરો મળ્યો કે જે તાન્યાની શોધખોળ માટે વારંવાર પોલીસ સ્ટેશન આવતો હતો. તે તાન્યાનાં દાદી કુસુમ પટેલની મદદ કરતો હતો. અમે એની કડકાઈથી પૂછપરછ કરી તો એ ભાંગી પડ્યો અને કહ્યું કે એને એની માતા જિગિષા, ભાઈ ધ્રુવ અને બે મિત્રોની મદદથી તાન્યાનું અપહરણ કર્યું હતું."
તેણે પોલીસને જણાવ્યુંકે સટ્ટામાં દેવું થઈ ગયું હતું એટલે કુસુમ પટેલ પાસેથી ખંડણી માગવાનાં હતાં. એના માટે આગોતરું આયોજન પણ કરી રાખ્યું હતું.
તેણે માન્યું હતું કે,"મારા મિત્ર કૌશલને કુસુમ પટેલનો નંબર આપી વડોદરા મોકલ્યો હતો ત્યાંથી તેણે હિન્દીમાં ધમકી આપી 18 લાખ રૂપિયાની ખંડણી માંગવાની હતી. એટલે હું અને મારો ભાઈ ધ્રુવ ઘરે આવી ગયા હતા પણ પોલીસની હિલચાલ અને શહેરમાં શરૂ થયેલી તાન્યાને ન્યાય અપાવવાની માગ વધતાં, અખબારોમાં સમાચાર આવતાં અપહરણમાં મારી મદદ કરનાર મારી માતાએ મને કૌશલને પાછો બોલાવવાનું કહ્યું. મેં મારા મિત્ર કૌશલને અમારા પાડોશીના ફોન પરથી ફોન કરીને પરત નડિયાદ બોલાવી લીધો હતો."

આરોપી મિતના પિતાએ જ આપી તેની વિરુદ્ધ જુબાની

ઇમેજ સ્રોત, Bhargav Parikh
બાળકીના અપહરણ અને હત્યાના કેસમાં સટોડિયા મિતના પિતા વિમલ પટેલની જુબાની મહત્ત્વની સાબિત થઈ.
વિમલ પટેલે નડિયાદની કોર્ટમાં આપેલી જુબાનીમાં કહ્યું કે, "મારા બે દીકરા મિત અને ધ્રુવ છે. મિત બારમા ધોરણ સુધી ભણેલો છે તો ધ્રુવ દસમા સુધી ભણેલો છે. બંને છોકરા કોઈ કામધંધો કરતા નથી. મારા દીકરા મિતને ત્રણ વર્ષથી ક્રિકેટનો સટ્ટો રમવાની આદત પડી ગઈ હતી."
"મેં એને રોક્યો તો મારી પત્ની જિગિષાએ એનું ઉપરાણું લીધું. મારા બંને દીકરા અને પત્ની કમાતાં નથી. મારા પિતાની જમીન પર અમારા કુટુંબનું ગુજરાન ચાલે છે."
"મિતને હું ખોટા કામ કરતા રોકતો ત્યારે મિત મને મારતો હતો. મિત 2017માં રમાયેલી આઈ.પી.એલની મૅચમાં સટ્ટો રમ્યો હતો અને પૈસા હારી ગયો હતો. મારી પાસે પૈસા માગ્યા અને મેં ના પડી તો મને માર માર્યો."
"અમારા ઘરે તેનો એક મિત્ર પણ રહેવા આવ્યો હતો. એક દિવસ મિત, તેનો મિત્ર અને મારી પત્ની વાતો કરતાં હતાં કે સામેના ઘરમાં રહેતાં કુસુમ પટેલના દીકરાએ ઉત્તરસંડામાં દુકાન ખરીદવા 18 લાખ રૂપિયા મોકલ્યા છે, જો બાળકીનું અપહરણ કરીને ખંડણી માંગીએ તો દાદી પોતાની પૌત્રી ને બચાવવા પૈસા આપી દેશે."
વિમલ પટેલે પોતાની જુબાનીમાં કહ્યું છે કે, "મેં આવું અપહરણ જેવું કામ કરવાની ના પડી તો મને માર માર્યો. એ પછી મારી પત્ની, મિતનો મિત્ર અને મિત મારી ગેરહાજરીમાં વાતો કરતાં હતાં. મારા પિતાની તબિયત બગડી એટલે હું ગામડે ગયો અને પરત આવ્યો ત્યારે ખબર પડી કે અમારા પાડોશી કુસુમ પટેલની પૌત્રી ગુમ છે."
"મેં મિત અને મારી પત્નીને પૂછ્યું કે તમે તો અપહરણ નથી કર્યુંને તો મિતે મને મારવાની ધમકી આપીને ચૂપ રહેવા કહ્યું અને એ પોતે કુસુમ પટેલની પૌત્રીને શોધવા નીકળતો."
"મને મારી પત્ની ઘરની બહાર નીકળવા નહોતી દેતી. સિમકાર્ડ બદલીને ખાનગીમાં મોબાઇલ ફોન પરથી કૉલ કરીને વાતો કરતી."
તેમણે પોલીસને જણાવ્યું હતું કે જે દિવસે પોલીસ તેમના ઘરે આવીને મિત અને તેમની પત્ની જિગિષાને ઉપાડી ગઈ, ત્યાર બાદ તેમની હિંમત ખૂલી અને તેમણે પોલીસને સત્ય જણાવ્યું.

તાન્યાને કેવી રીતે ફોસલાવી હતી?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
કોર્ટમાં રજૂ કરાયેલી રિમાન્ડ ડાયરીમાં મિત અને માતા જિગિષાએ કબૂલ કર્યું કે, તાન્યા સોસાયટીમાં રમીને પોતાના ઘરે જતી હતી ત્યારે ચૉકલેટની લાલચ આપી.
જિગિષાએ તાન્યાને મિતના મિત્રની આઈ10 કારમાં બેસાડી હતી. ત્યાંથી મિત એને વલ્લભવિદ્યાનગર લઈ ગયો અને આઈસ્ક્રીમ ખવડાવ્યો. રાત થતાં દાદી પાસે જવાની જીદ્દ કરતી તાન્યાને ઘેનમાં રાખવા માટે ઊંઘની દવા પણ લાવ્યા હતા.
પરંતુ તે કાબૂમાં ના રહેતાં એને મહી નદીમાં નાખી દીધી હતી. અને એના દોસ્તને નવા કપડાં અપાવી વડોદરા મોકલ્યો હતો.
ખંડણી માગવા માટે કુસુમ પટેલનો નંબર અને નવું એક સિમકાર્ડ આપ્યું હતું, પણ મામલો બગડી જતાં મિતના મિત્રને પરત બોલાવી લીધો હતો.
જેના ત્યાંથી ઊંઘની દવાનું પ્રિસ્કિપશન લીધું હતું એ નડિયાદના ડૉક્ટર ભટ્ટે કોર્ટમાં પોતાની જુબાનીમાં કહ્યું કે, "ધ્રુવ એમની પાસે આવ્યો હતો અને એના દાદા ત્રણ દિવસથી સૂતા નથી માટે ઊંઘની દવા આપવાની વાત કરી રડ્યો હતો એટલે મેં માનવતાના ધોરણે ત્રણ ઊંઘની ટૅબલેટ્સ લખી આપી હતી. મને કલ્પના પણ નહોતી કે આ પ્રકારે નાની બાળકીની હત્યા થશે."
તો નડિયાદમાં જ્યાંથી સિમકાર્ડ લીધાં હતાં એ દુકાનના મલિકને ખોટા પુરાવા આપી ત્રણ સિમકાર્ડ લીધાં હતાં અને વલ્લભવિદ્યાનગરમાં જ્યાં આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો એ પાર્લરના વેઇટરે પણ કહ્યું કે "એ છોકરીનું વર્તન અમને અજુગતું લાગ્યું હતું."
આ કેસના સરકારી વકીલ ગોપાલ ટહુકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પોલીસના પુરાવા, લોકોની જુબાની અને એના પિતાએ આપેલી જુબાનીને ધ્યાનમાં રાખીને કોર્ટે જિગિષા, મિત અને એના ભાઈને આજીવન કેદની સજા આપી છે જયારે મિતના બંને દોસ્ત સગીર હોવાથી એમનો કેસ અત્યારે જુવેનાઇલ કોર્ટ માં ચાલુ છે પણ પકડાયેલા પાંચમાંથી ત્રણ લોકોને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા અને બાળકીનાં માતાપિતાને વળતર પેટે ચાર લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે."
નડિયાદ સેશન્સ કોર્ટના ઍડિશનલ જજ ડી.આર.ભટ્ટે જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની આજીવન સજા ફટકારતાં નોંધ્યું છે કે "સત્તામાં હારેલા પૈસા મેળવવા માટે બાળકીનું અપહરણ કરી હત્યા કરવા જેવા ગંભીર ગુનામાં સમાજમાં એક દાખલો બેસે એટલે આવી કડક સજા જરૂરી છે, જેથી નાની બાળકીઓ સાથે અપરાધ કરતા કોઈ પણ વ્યક્તિ બે વાર વિચાર કરે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












