ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વિના હાથમાં નાખેલી ચિપથી કેવી રીતે પેમેન્ટ થઈ શકે?

ઇમેજ સ્રોત, PIOTR DEJNEKA
- લેેખક, કૅથેરાઇન લૅથમ
- પદ, બિઝનેસ સંવાદદાતા
પૅટ્રિક પૉમેન કોઈ દુકાનમાં કે રેસ્ટોરાં જઈને પૈસાની ચુકવણી કરે ત્યારે આસપાસના લોકો ચોંકી જાય છે.
આનું કારણ એ કે 37 વર્ષના પૉમેન કોઈ કાર્ડ વાપરતા નથી કે મોબાઇલ ફોનનો પણ ઉપયોગ નથી કરતા. તેના બદલે તેઓ પોતાના ડાબો હાથ કૉન્ટેક્ટલૅસ કાર્ડ રિડરની ઉપર રાખે છે અને પેમેન્ટ થઈ જાય છે.
નેધરલૅન્ડમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા પૉમેન કહે છે, "આ જોઈને કેશિયરને જે અચરજ થાય તે અદ્ભુત હોય છે!"
2019થી આ રીતે પોતાના હાથનો ઉપયોગ કરીને તેઓ ચુકવણી કરી શકે છે, કેમ કે તેમના હાથની અંદર એક માઇક્રોચિપ બેસાડી દેવામાં આવી છે.
હાથમાં ચિપ નાખવાની પ્રક્રિયા વિશે તેઓ કહે છે, "કોઈ તમને ચૂંટલો ભરે ત્યારે થાય બહુ એટલું થાય."
માણસના શરીરની અંદર માઇક્રોચિપ નાખવાનો પ્રથમ પ્રયોગ 1998માં કરવામાં આવ્યો હતો, પરંતુ વ્યાપારી ધોરણે આ ટેકનૉલૉજી છેલ્લા એક દાયકાથી જ ઉપલબ્ધ થઈ છે.
કૉન્ટૅક્ટલેસ પેમેન્ટ માટે આ રીતે ચિપ લગાવવાની બાબતમાં બ્રિટિશ-પોલિશ કંપની વૉલેટમોર જણાવે છે કે આ ચિપ ગત એક વર્ષથી વેચવાની શરૂ થઈ છે.

એક ગ્રામ કરતાં પણ ઓછું વજન અને ચોખાના એક દાણા જેવડી ચિપ

ઇમેજ સ્રોત, PATRICK PAUMEN
કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ વૉજેક પાપરોતા કહે છે, "રિયો બીચ પર ડ્રિન્ક માટે, ન્યૂ યૉર્કમાં કૉફી માટે, પેરિસમાં વાળ કપાવવા અથવા તમારી શેરીમાં કરિયાણાની દુકાને તમે આ રીતે ઇમ્પ્લાન્ટ કરેલી ચિપથી પેમેન્ટ કરી શકો છે. કૉન્ટેક્ટલૅસ પેમેન્ટ જ્યાં પણ સ્વીકારવામાં આવતું હોય ત્યાં આ ચિપ કામ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૉલેટમોરની ચિપ એક ગ્રામ કરતાં પણ ઓછું વજન ધરાવે છે અને ચોખાના એક દાણા જેવડી જ છે.
આ નાનકડી માઇક્રોચિપની સાથે એક ટચૂકડી ઍન્ટેનાને છે, જેને બાયોપૉલિમર મટીરિયલની અંદર ગોઠવી દેવામાં આવેલી હોય છે. પ્લાસ્ટિક જેવું આ મટીરિયલ છે, જે કુદરતી પદાર્થોમાંથી મળે છે.
પાપરોતા ઉમેરે છે કે આ ચિપ સલામત છે, તેની ટેકનૉલૉજીને સત્તાવાર મંજૂરી મળેલી છે અને શરીરમાં ઇમ્પ્લાન્ટ કરવાની સાથે જ તે કામ કરતી થઈ જાય છે અને શરીરમાં તે એક જ જગ્યાએ ચોટેલી રહેશે. તેને બૅટરીની જરૂર નથી કે બીજી રીતે ઊર્જાની જરૂર નથી.
કંપની કહે છે અત્યાર સુધીમાં તેમણે આવી 500થી વધુ ચિપ્સ વેચી છે.
વૉલેટમોરની ટેકનૉલૉજી નિયર-ફિલ્ડ કમ્યુનિકેશન તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ કૉન્ટેક્ટલૅસ પેમેન્ટ માટે મોબાઇલ ફોનમાં થાય છે. અન્ય પ્રકારની ટેકનૉલૉજી રેડિયો-ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશ (આરએફઆઈડી) છે, જે સામાન્ય રીતે કૉન્ટેક્ટલૅસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાં જોવા મળે છે.
આપણામાંથી મોટા ભાગના લોકોને શરીરની અંદર જ ચિપ લગાવી દેવાની વાત ચોંકાવનારી લાગે, પણ 2021માં યુકે અને યુરોપિયન યુનિયનમાં 4000 લોકોનો એક સરવે થયો તેમાં 51 ટકા લોકોએ જણાવ્યું હતું કે તે લોકો ચિપ શરીરમાં લગાવવા માટે વિચારશે.
ટકાવારીમાં પરિણામ આપ્યા વિના આ અહેવાલમાં જણાવાયું હતું કે પ્રતિસાદ આપનારા લોકો માટે "શરીરની અંદર ચિપ નાખવાની વાત અને સલામતીની વાત મોટી ચિંતાનું કારણ છે."

દરવાજા ખોલવા માટેની ચિપ

ઇમેજ સ્રોત, WALLETMOR
પૉમેન કહે છે કે તેમને આવી કોઈ ચિંતા નથી થતી.
તેઓ કહે છે, "લોકો રોજબરોજ જે ટેકનૉલૉજી વાપરે છે તે જ આ ચિપમાં છે. દરવાજા ખોલવા માટેની ચિપ, જાહેર પરિવહનમાં પ્રવાસ માટે મળતા કાર્ડ્સ, બૅન્ક કાર્ડ્સ વગેરેમાં કૉન્ટેક્ટલૅસ પેમૅન્ટ થાય છે."
"અંદર જે નાની ઍન્ટેના હોય છે તેના આધારે કેટલા દૂર રહીને કૉન્ટૅક્ટ થશે તે નક્કી થતું હોય છે. RFID [અથવા NFC] રિડરનું ઇલૅક્ટ્રોમૅગ્નેટિક ફિલ્ડ હોય છે તેની અંદર આ ઇમ્પ્લાન્ટ આવે પછી જ કામ કરે છે. ચિપ અને રીડર વચ્ચે મૅગ્નેટિક સંપર્ક થાય ત્યારે જ ચિપ રીડ થઈ શકે છે."
પોતે ક્યાં છે તેની જાણ આનાથી થઈ જાય એ બાબતની પોતાને ચિંતા નથી એમ તેઓ કહે છે.
તેઓ કહે છે, "RFID ચિપ્સ પાલતુ પ્રાણીમાં રાખવામાં આવે છે, જેથી તે ખોવાઈ જાય ત્યારે શોધી શકાય. પરંતુ ચિપથી તેમને શોધી કાઢવા સહેલાં નથી, કેમ કે જ્યાં સુધી પ્રાણીના સમગ્ર શરીરનું સ્કૅનિંગ કરીને ક્યાં ઇમ્પ્લાન્ટ છે તે શોધીને તેને રીડ કરવામાં આવે ત્યારે જ શોધી શકાય છે."
આ ચિપ વિશે મુદ્દો એ છે કે આગળ જતાં તે કેટલા ઍડવાન્સ થાય છે અને તેમાં વ્યક્તિના કેટલા અંગત ડેટા ઉમેરવામાં આવે છે. બીજું કે આવી રીતે તેમાં માહિતી રાખ્યા પછી તેને સલામત રાખી શકાય છે કે કેમ અને શું ખરેખર આવી વ્યક્તિને ટ્ર્રૅક કરી શકાય છે ખરી.

આ ટેકનૉલૉજીનું જોખમ શું છે?

ઇમેજ સ્રોત, THEODORA LAU
ફાઇનાન્શિયલ ટેકનૉલૉજીના ઍક્સપર્ટ થિયોડોરા લાઉ 'બિયૉન્ડ ગૂડઃ હાઉ ટેકનૉલૉજી ઇઝ લિડિંગ અ બિઝનેસ ડ્રિવન સૉલ્યૂશન' નામના પુસ્તકનાં સહલેખક છે.
તેઓ કહે છે કે આ રીતે પેમેન્ટ ચિપ લગાવવી એ માત્ર "ઇન્ટરનેટ ઑફ થિંગ્ઝનું ઍક્સટેન્શન જ છે". તેમના કહેવાનો અર્થ એ છે કે બે ચીજને જોડીને તેનાથી ડેટાની આપ-લેની વધુ એક રીત જ છે.
જોકે તેઓ કહે છે કે ભલે કેટલાક લોકો માટે સહેલાઈથી અને ઝડપથી પેમેન્ટ કરી દેવાની વાત હોય, પણ તેના આ ફાયદા સામે જોખમ શું છે તેને પણ જોઈ લેવા જોઈએ. ખાસ કરીને આવી ચિપમાં વ્યક્તિની વધારે અંગત માહિતી ઉમેરાશે ત્યારે શું થઈ શકે છે તે વિચારી લેવું જોઈએ.
"તમે સુવિધા ખાતર કેટલું જોખમ લેવા તૈયાર છો?" એવો સવાલ તેઓ પૂછે છે. "ખાનગીપણા અને સુરક્ષાની બાબતમાં આપણે ક્યાં હદ બાંધીશું? આ અગત્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મનુષ્ય જોડાયેલા હોય ત્યારે તેની સંભાળ રાખવાની જવાબદારી કોની હશે?"
રીડિંગ યુનિવર્સિટીની હૅન્લી બિઝનેસ સ્કૂલના પ્રોફેસર નડા કૅકાબડ્સ પણ ચેતવે છે કે આવી ચિપ વધારે આધુનિક બનશે ત્યારે ભયજનક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.
તેઓ કહે છે, "ટેકનૉલૉજીની એક અંધારી બાજુ હોય છે, જેનો દુરુપયોગ થઈ શકે છે. વ્યક્તિના સ્વાતંત્ર્યનું જેના મન કોઈ મહત્ત્વ ના હોય તેના માટે મનુષ્યોને નિયંત્રિત કરવાનું, ઉપયોગ કરવાનું અને દબાવવાનું વધુ એક સાધન મળી જાય છે."
"આ ડેટાની માલિકી કોની? તે કોને જોવા મળશે? અને આપણે પાલતુ પ્રાણીઓને ચિપ લગાવીએ તે રીતે મનુષ્યને પણ ચિપ લગાવી દેવી તે નૈતિક રીતે યોગ્ય છે ખરું?"
તેઓ ચેતવણી આપતા કહે છે કે "થોડા ફાયદા થાય છે, તેની સામે ઘણા લોકો પરવશ બની જશે."

બાયોહૅકર

ઇમેજ સ્રોત, PAUMEN
વિન્ચૅસ્ટર યુનિવર્સિટીના ઇનોવેશનના સિનિયર લૅક્ચરર સ્ટિવન નોર્ધમ કહે છે કે આવી ચિંતાઓનું કોઈ કારણ નથી. શૈક્ષણિક ક્ષેત્રમાં સક્રિય રહેવા સાથે નોર્ધમે યુકેની બાયો ટેક નામની કંપની પણ સ્થાપી છે, જે 2017થી ઇમ્પ્લાન્ટ કરી શકાય તેવી કૉન્ટેક્ટલૅસ ચિપ બનાવી રહી છે.
તેમની કંપની એવા ઇમ્પ્લાન્ટ્સ બનાવી રહી છે જે અશક્ત વ્યક્તિઓને ઉપયોગી થાય અને તેઓ કોઈ જગ્યાએ જાય ત્યારે ચિપના કારણે આપોઆપ દરવાજો ખૂલી જાય.
તેઓ કહે છે, "અમને રોજ આ માટેની પૂછપરછ આવે છે. અમે યુકેમાં 500 જેટલા ઇમ્પ્લાન્ટ્સ કર્યા પણ છે, પણ કોવિડને કારણે તેમાં થોડો ઘટાડો થયો છે."
તેઓ દલીલ કરતા કહે છે કે, "આ ટેકનૉલૉજી પ્રાણીઓમાં વર્ષોથી ઉપયોગમાં આવી રહી છે. તે બહુ નાની હોય છે અને સુષુપ્ત પડી રહે છે. તેનાથી કોઈ જોખમ હોતું નથી."
નેધરલૅન્ડના પૉમેન પોતાને "બાયોહૅકર" ગણાવે છે - એવી વ્યક્તિ જે પોતાના શરીરમાં ટેકનૉલૉજીની વસ્તુને દાખલ કરવાની છૂટ આપે, જેથી તેની કામગીરી સુધારી શકાય. તેમણે કુલ 32 ઇમ્પ્લાન્ટ્સ કરાવ્યા છે, જેમાં આપોઆપ દરવાજો ખોલવાથી ચિપથી માંડીને ઍમ્બેડેડ મૅગ્નેટનો પણ સમાવેશ થયા છે.
તેઓ કહે છે, "ટેકનૉલૉજી સતત સુધરતી જતી હોય છે એટલે હું નવી નવી લીધા કરું છું. મારા ઇમ્પ્લાન્ટથી મારા શરીરમાં ઉમેરો થાય છે. મને તેમના વિના જીવવું નહીં ગમે."
"એવા લોકો પણ રહેવાના, જે પોતાના શરીરમાં કોઈ છેડછાડ ના કરાવવા માગતા હોય. આપણે તેમને માન આપવું જોઈએ, પણ તે લોકોએ પણ અમારા જેવા બાયોહૅકર્સને માન આપવું જોઈએ."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













