ગુજરાતના 'ડૉલરિયા ગામ'ના નીલ ઉર્ફે હિતેશ પટેલે કઈ રીતે આચર્યું કરોડોનું કૌભાંડ?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારી સાથે 25 લાખની છેતરપિંડી થઈ છે. આ પૈકી 15 લાખ રૂ. મેં ઉધાર લઈને રોકાણ કર્યું હતું. જ્યાં સુધી એ લોનના હપ્તા ભરીશ ત્યાં સુધી આ કૌભાંડી બાપ-દીકરાને યાદ કરતો રહીશ. પ્લીઝ મારું નામ ન છાપશો."

પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે જણાવતાં રાજસ્થાનના જયપુરના એક પીડિત રડમસ થઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે તેમના સાથે થયેલી છેતરપિંડીની વાત બહાર આવે તો લોકો તેમને ઘૃણાની નજરે જોશે.

કંઈક આવું જ ગુજરાત અને દેશનાં અન્ય રાજ્યોના ઘણા લોકો સાથે બન્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ લાખોની કથિત છેતરપિંડી કરનારા બાપ-દીકરાની જોડી ગુજરાતના મહેસાણાના આખજ ગામની છે.

અમદાવાદ શહેરથી માત્ર 70 કિ.મી.ના અંતરે આવેલા અને ગુજરાતના ડૉલરિયા ગામ તરીકે ઓળખાતા મહેસાણા જિલ્લાનું આખજ ગામ ફરી ચર્ચામાં છે.

ગુજરાતના આખજ ગામની પાંચ હજારની વસતિ છે પણ ગામના બે હજાર લોકો અમેરિકા સહિત અન્ય વિદેશમાં વસવાટ કરે છે.

ગુજરાતમાં આખજ ગામ ડૉલરિયા ગામ તરીકે ઓળખાય છે કેમ કે, અહીં દરેક પરિવારમાંથી કોઈને કોઈ વિદેશમાં વસવાટ કરે છે.

જોકે, હાલ મહેસાણાની શાન એવા આખજ ગામના લોકો આ બાપ-બેટાના નામે બદનામ થઈ રહ્યા છે.

આખજ ગામના 41 વર્ષીય નીલ ઉર્ફે હિતેશ પટેલ અને તેમના પિતા ગોરધનભાઇ પટેલે વિવિધ કંપનીઓ અને મોબાઇલ ઍપ્લિકેશનો બનાવી અને દેશનાં અલગ-અલગ રાજ્યોના લોકો જોડે કરોડોની છેતરપિંડી કર્યાનું કૌભાંડ થયાના આરોપો થયા છે.

ગુજરાતમાં પણ આ કૌભાંડનો ભોગ બનેલા લોકોની સંખ્યા મોટી હોવાનું અનુમાન છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં પણ આ કૌભાંડનો ભોગ બનેલા લોકોની સંખ્યા મોટી હોવાનું અનુમાન છે

ગુજરાતમાં પણ આ કૌભાંડનો ભોગ બનેલા લોકોની સંખ્યા મોટી હોવાનું અનુમાન છે. ગુજરાતના લોકો વિવિધ પોલીસ સ્ટેશન અને સાઇબર ક્રાઇમમાં અરજીઓ કરી રહ્યા છે પણ તાજેતરમાં બનેલા એક ઘટનાક્રમના લીધે તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.

ગત 20મી ફેબ્રુઆરી 2022ની વહેલી સવારે હૈદરાબાદ પોલીસે અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ધામા નાખ્યા હતા. અહીંથી તેમણે ગુજરાતના મહેસાણાના આખજ ગામના વતની ગોરધનભાઇ પટેલને ઝડપી પાડ્યા હતા અને હૈદરાબાદ લઈ ગયા હતા.

આ અંગે હૈદરાબાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર સી. એચ. ગંગાધરે જણાવ્યું હતું કે, " ગોરધન પટેલની અમે ધરપકડ કરી છે. જે કંપનીના નામે ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે, તેમાં તે એમડી છે. તેલંગણા રાજ્યમાં આ કંપનીના ફ્રોડની પાંચ ફરિયાદો થઈ છે. જ્યારે દેશનાં અલગ-અલગ રાજ્યોમાં 90 જેટલી પોલીસ ફરિયાદ થઈ હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. રાજસ્થાન પોલીસ અને કર્ણાટક પોલીસે ગોરધન પટેલની કસ્ટડી માટે અમારો સંપર્ક કર્યો છે. "

ઉલ્લેખનીય છે કે, નીલ પટેલ ઉર્ફે હિતેશ પટેલ અને તેમના પિતા ગોરધનભાઈ પટેલે સ્ક્વીક્સ ટેકનૉલૉજી સર્વિસિસ (Squeaks) કંપની સ્થાપી હતી. આ કંપની અંતર્ગત વિવિધ વેબસાઇટ અને મોબાઇલ ઍપ્લિકેશન બનાવીને લોકોને છેતર્યા હોવાનો આરોપ છે..

જોકે, આ સ્ક્વીક્સ ટેકનૉલૉજી સર્વિસીસમાં નીલના પિતા ગોરધન પટેલ ડિરેક્ટર તરીકે હતા જેથી તેઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ નીલ પટેલ પણ ઝડપાયા હતા.

બીજી તરફ ગુજરાતમાં પણ કૌભાંડી નીલ ઉર્ફે હિતેશ પટેલ અને ગોરધન પટેલના ફ્રોડનો લોકો ભોગ બન્યાની ફરિયાદો ઊઠી રહી છે પણ આ અંગે અમદાવાદ સાયબર સેલના ડીસીપી અમિત વસાવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "આ કેસ અંગે મારા ધ્યાનમાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ આવી નથી."

line

'મોટા રાજનેતા અને અધિકારીઓ દ્વારા કૌભાંડીનું એકાઉન્ટ શૅર કરાતું'

FIR

ઇમેજ સ્રોત, Hariyana Police

ઇમેજ કૅપ્શન, FIR

રાજસ્થાનના જયપુરના પીડિત પોતાની સાથે છેતરપિંડી અંગે પિતા-પુત્રની જોડીએ અપનાવેલ રીત અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, "ગત સપ્ટેમ્બર 2020માં ટ્વિટરના માધ્યમથી નીલ પટેલ ઉર્ફે હિતેશ પટેલના સંપર્કમાં આવ્યો હતો. ટ્વિટર એકાઉન્ટ વેરિફાઇડ હતું. રાજનેતા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કૌભાંડી નીલ પટેલનું એકાઉન્ટ શેર કરવામાં આવતું હતું. જેથી મને નીલ પટેલની ઉપર ભરોસો બેઠો હતો."

"પહેલાં નીલ પટેલની નારદ પે ઍપની સ્કીમ હતી જેમાં તમે 15 હજારનો પ્લાન લો તો તમને દર મહિને રૂ. 3,334 પરત આવે. એક વર્ષ પછી તમને 15 હજાર પણ પરત મળે. મેં આ સ્કીમમાં બહુ પ્લાન લીધા અને મારી બહેનને પણ આ પ્લાનમાં રોકાણ કરવાની ભલામણ કરી. આ પ્લાનમાં ત્રણ મહિના સુધી પૈસા આવ્યા હતા પછી બંધ થઈ ગયા હતા. આ સિવાય નીલ પટેલની 15 હજાર રૂપિયામાં આઇફોનની સ્કીમ હતી. જેમાં બે આઇફોન મગાવ્યા હતા. ત્યાર બાદ નીલ પટેલ એપલ ફોન આપતો નથી તેવો દેશભરમાં હોબાળો થયો હતો. મારા બે ફોન આવી ગયા હતા જેથી મને આ નીલ પટેલ ઉપર ભરોસો હતો."

તેઓ પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વધુ જણાવતાં કહે છે કે, "નીલ પટેલે મને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે ટ્રેડિંગ શીખવવાની સ્કીમ આપી હતી જેમાં તેઓ ટ્રેડિંગ શીખવશે અને સર્ટિફિકેટના 43 હજાર ભરવા કહ્યું હતું. આ સર્ટિફિકેટ મેળવ્યા બાદ બે વર્ષ સુધી નોકરી અપાવવાની લાલચ આપી હતી. મારાં લગ્ન કરવાનાં હતાં અને મારી જોબ સિક્યૉર ન હતી જેથી મેં ટ્રેડિંગના રૂપિયા ભર્યા હતા. ટ્રેડિંગ શીખવ્યા બાદ તેણે ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમમાં રોકાણના નામે પૈસા લીધા હતા. તેણે જણાવ્યું હતું કે ત્રણ મહિના લોકિંગ પિરિયડ રહેશે. ત્રણ મહિના સુધી રોકાણ સામે એક ટકો વ્યાજ આપશે. ત્રણ મહિના બાદ ક્રિપ્ટોકરન્સીને વેચાણ કરી શકાશે. મેં 20 બીટકોઇન અને પાંચ ઇથેરિયમ ખરીદ્યા હતા. આ અરસામાં કૌભાંડી સામે હોબાળો થયો હતો. નીલ પટેલે અમને ખાતરી આપી હતી કે, મારા પિતા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તો હું જેને જોઇતા હોય તેને પૈસા પરત આપવા તૈયાર છું. લોકોને તેની ઉપર ભરોસો બેઠો હતો. કેટલાક લોકોએ પૈસા પરત લઈ લીધા હતા."

તેઓ વધુમાં જણાવે છે કે, " આ બાદ કૌભાંડી નીલ પટેલે ધ બુલેરન કરીને એક વેબસાઇટ બનાવી હતી. એક એકાઉન્ટ અને પાસવર્ડ આપ્યા હતા જેના આધારે આ વેબસાઇટ ઉપર લોગઇન કરો એટલે તમારા એકાઉન્ટમાં ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમ હોવાનું દર્શાવાતું હતુ. આ પછી ટેસ્લામાં રોકાણના નામે પણ અમારી સાથે છેતરપિંડી કરાઈ હતી. ટેસ્લાના એક હજાર ડૉલરના શૅર ખરીદ્યા હતા અને હું તમને 10 હજાર ડૉલર કરાવી આપીશ તેમ કહી તેણે એક હજાર ડૉલર પડાવ્યા હતા. એક હજાર ડૉલરના બદલામાં નીલ પટેલે અમેરિકામાં રહેતા કોઈ વ્યક્તિના નામનો ચેક પણ મોકલ્યો હતો. આ ચેક અમે એક રિલેટીવ પાસે બૅંકમાં કેશ કરાવવા ગયા હતા તો તે બાઉન્સ થયો હતો પછી આ કૌભાંડી નીલ પટેલ ગાયબ થઈ ગયો હતો. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી માંડીને વેબસાઇટ જડતા ન હતા."

પોતાની સાથે છેતરપિંડી થયાનું ભાન થયા બાદ અંગેની વાત જણાવતાં તેઓ કહે છે કે, "પાંચ મહિના પહેલાં હું ગુજરાતના મહેસાણાના આખજ ગામમાં પહોંચ્યો હતો જ્યાં હું નીલના પિતા ગોરધન પટેલને મળ્યો હતો તેમણે પૈસા પરત આપવાની ખાતરી આપી હતી. જોકે, બે મહિના સુધી પૈસા પરત મળ્યા ન હતા, જેથી હું ગત ડિસેમ્બરમાં ફરી હું કૌભાંડનો ભોગ બનેલા 20થી 30 લોકોની સાથે આખજ આવ્યો હતો જ્યાં ગામના લોકોએ સમાજની વાડીમાં ગોરધન પટેલ સાથે બેઠક કરાવી હતી. 15 દિવસમાં પૈસા પરત આપવાની ખાતરી આપીને બધાને સમજાવીને પરત મોકલ્યા હતા. "

line

કરોડોની છેતરપિંડી?

બાપ-દીકરાની જોડીએ કઈ રીતે આચરી છેતરપિંડી?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાપ-દીકરાની જોડીએ કઈ રીતે આચરી છેતરપિંડી?

અમદાવાદ શહેરના રહેવાસી અને ખાનગી કંપનીમાં નોકરી કરતા આકાશ જણાવે છે કે, " નીલ પટેલના કૌભાંડમાં મારી સાથે કુલ 2.35 લાખની છેતરપિંડી થઈ છે. નારદ પે અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ચીટિંગ કરવામાં આવ્યું છે. આ અંગે ઓનલાઇન સાયબર સેલમાં ફરિયાદ કરી છે. આ નીલ પટેલના ગામ આખજમાં હું ચારથી પાંચ વાર જઈ આવ્યો છું. દર વખતે તેમના પિતા ગોરધનભાઇ પટેલ દ્વારા પૈસા પરત આપવાનું આશ્વાસન આપવામાં આવતું હતુ પણ એક વર્ષ થઈ ચૂક્યું છે પણ આજદિન સુધી એક રૂપિયો પરત મળ્યો નથી. મારી સાથે ગુજરાતના દસથી 15 લોકો સંપર્કમાં છે જેઓ પણ નીલ પટેલના કૌભાંડનો ભોગ બન્યા છે. આ તમામ પીડિતો દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે જોકે, તમામની માત્ર અરજી લેવામાં આવી છે. પોલીસ ફરિયાદ હજુ સુધી લેવાઈ નથી."

મૂળ ગુજરાતના વતની અને હાલ મુંબઈમાં રહેતાં એક ગુજરાતી યુવાને જણાવ્યું હતું કે, "નીલ પટેલ નામના કૌભાંડીએ મારી સાથે 16 લાખનું કૌભાંડ કર્યું છે. મેં મારી માતા-બહેનની બચતની રકમનું રોકાણ કર્યું હતું સાથે ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂપિયા ઉપાડીને તેમા રોક્યા હતા. પણ આ તમામ રૂપિયા હાલ તો ડૂબ્યા છે. અમે પૈસા ડૂબ્યાનો ખ્યાલ આવતાં નીલ પટેલના ગામમાં ગયા હતા જ્યાં મને તેમના પિતા ગોરધન પટેલ મળ્યા હતા તેઓએ પોતાનું વૈભવી મકાન દેખાડીને યુગાન્ડાથી રૂપિયા કમાઇને આવ્યા હોવાનું કહ્યું હતુ. પૈસા પરત આપવાની ખાતરી આપી હતી. જોકે, આજદિન સુધી પણ એક રૂપિયો પરત આવ્યો નથી. "

અન્ય એક પીડિત એવા કચ્છ જિલ્લાના રહેવાસી દિનેશ જણાવે છે કે, "મારી સાથે છ લાખની છેતરપિંડી થઈ છે. કૌભાંડી નીલ પટેલ દ્વારા બનાવવામાં આવેલી નારદ ઍપ અને ઇથેરિયમ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી છે. આ અંગે અમે ગ્રાહકસુરક્ષામાં ફરિયાદ કરી છે પણ હવે અમને એક પણ રૂપિયો પરત આવે તેવી આશા નથી. આ સમગ્ર પ્રકરણમાં ગુજરાતમાં કોઈ કડક કાર્યવાહી થઈ રહી નથી. "

હરિયાણાના જિંદના રહેવાસી શ્રીકૌશિક સ્થાનિક સ્તરે લોકલ ટ્રેડિંગનો ધંધો કરે છે તેઓ પણ નીલ પટેલના કૌભાંડમાં પોતાને 16 લાખનો ચૂનો લાગી ચૂક્યો હોવાની વાત કરે છે.

તેઓ જણાવે છે કે, "નીલ પટેલ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડમાં ગુજરાતમાં પણ અંદાજે 15 જેટલા લોકો ભોગ બન્યા છે તેઓ અમારા નિયમિત સંપર્કમાં છે. ગુજરાત પોલીસ દ્વારા તેઓની ફરિયાદ ન લેતી હોવાનું તેઓ અમને જણાવે છે. હું એપ્રિલ 2021થી નીલ પટેલ સામે ફરિયાદ કરી રહ્યો છું, તેમજ મેં ટેલિગ્રામ ગ્રૂપ બનાવ્યું છે જેમાં મારી સાથે 250 લોકો જોડાયેલા છે. નીલ પટેલે ગત અઠવાડિયે મને ફોન કરી ધમકી આપી હતી અને કહ્યું હતું કે, મારા મોટા પપ્પા ભાજપના ધારાસભ્ય હતા. મારી સામે ગુજરાતમાં ફરિયાદ થશે નહીં. તમે પણ આ સમગ્ર પ્રકરણથી દૂર રહો. નીલ પટેલ દ્વારા જે મને કહેવાયું હતું તે સંદર્ભમાં જોઈએ તો, હાલમાં ગુજરાતમાં પણ નીલ પટેલના કૌભાંડનો ભોગ બનેલા લોકો છે પણ તેઓની ફરિયાદ નોંધાઈ રહી નથી. આથી, મને નીલ પટેલ જે ધમકી આપી રહ્યો હતો તે સાચી લાગી રહી છે."

આ અંગે આખજ ગામના એક રહેવાસી પોતાની ઓળખ છુપાવવાની શરતે જણાવે છે કે, " ગોરધનભાઈ પટેલ મહેસાણાના આખજ ગામના મૂળ વતની છે પણ તેઓ ત્રણ વર્ષ પહેલાં આખજમાં પરત રહેવા આવ્યા હતા. તેઓ યુગાન્ડામાં રહેતા હતા. સાતથી આઠ વર્ષ યુગાન્ડામાં વસવાટ કર્યો હોવાનું કહેવાય છે. તેઓ ગામમાં પરત આવ્યા બાદ તેમણે તેઓનું ગામમાં આવેલું પૈતૃક મકાન નવેસરથી બનાવવાની કામગીરી કરી હતી જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા હતા. આ મકાનનો વૈભવ એવો હતો કે, તેમણે ઘરની અંદર લિફ્ટ નખાવી છે. જ્યારે ગોરધનભાઈએ ગામમાં મકાન બનાવવાનો આરંભ કર્યો હતો તે વેળાએ ગ્રામજનોએ તેમને પૃચ્છા કરી હતી કે, અચાનક આટલો બધો ખર્ચ કરીને મકાન કેમ બનાવી રહ્યા છો તેઓ એવું કહેતા હતા કે, તેમના દીકરા હિતેશ ઉર્ફે નીલને અમેરિકામાં લોટરી લાગી છે."

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "ગોરધનભાઇ પટેલ ગામમાં આવ્યાનાં ત્રણ વર્ષના વસવાટ દરમિયાન સામાજિક પ્રવૃત્તિઓમાં જોતરાયા હતા. તેમણે ગામમાં દાન આપવાની પ્રવૃત્તિ પણ વધારી હતી. તેઓ ગામમાં આર્થિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓ માટે પુસ્તક વિતરણ કરતા હતા સાથે ગામમાં આવેલી વિવિધ સંસ્થાઓમાં નાની-મોટી રકમનું દાન પણ દેતા હતા. આ પ્રકારે ગોરધનભાઈ પટેલ ફરી ગામમાં મૂળ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આ અરસા દરમિયાન તેમણે ગામમાં પણ આઇફોન મોબાઇલ આપવાની સ્કીમમાં ગ્રામજનોને વિશ્વાસમાં લેવાનું શરૂ કર્યું હતું. જેમાં તેમણે 15 હજાર રૂપિયા આપો અને 60 હજારની કિંમતનો આઇફોન મેળવો તેવી સ્કીમ શરૂ કરી હતી જેમાં કેટલાક ગામના લોકોએ પણ સ્કીમમાં રૂપિયા ભર્યા હતા. જોકે, આ સ્કીમ નિષ્ફળ જતાં ગોરધનભાઈએ કેટલાક ગ્રામજનોને રૂપિયા પરત કર્યા છે."

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો