ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની કમાન સંભાળનાર પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં નિષ્ફળ કેમ ગયાં?
ઉત્તર પ્રદેશમાં 403 બેઠકોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. અહીં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે, તો બીજી તરફ કેન્દ્રના રાજકારણમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટીની ભૂમિકા ભજવી રહેલી કૉંગ્રેસ રાજ્યમાં માત્ર બે બેઠકો સુધી મર્યાદિત થઈ ગઈ છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને કુલ સાત બેઠકો મળી હતી અને પાર્ટીનો વોટશૅર 6.25 ટકા હતો. જ્યારે આ વખતે ચૂંટણીમાં તેમને મેળેલા મતોની ટકાવારી ઘટીને 2.34 ટકા થઈ ગઈ છે.

ઇમેજ સ્રોત, ANI
યુપીની ચૂંટણીમાં કૉંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધીના હાથમાં હતી.
ચૂંટણીપરિણામો આવ્યાં બાદ, કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર સ્વીકાર્યું કે, 'પાર્ટી પોતાની મહેનતને મતમાં ફેરવવામાં સફળ થઈ નથી.'
તેમણે લખ્યું, "લોકશાહીમાં લોકોનો મત સર્વોપરી છે. અમારા કાર્યકરો અને નેતાઓએ સખત મહેનત કરી, સંગઠન બનાવ્યું, લોકોના મુદ્દાઓ ઉપર લડ્યા. પરંતુ અમે અમારી મહેનતને મતમાં ફેરવવામાં સફળ ના થયા."
જોકે, વિધાનસભા ચૂંટણીપરિણામો પહેલાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી અને તેમને નિરાશ ન થવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, 'અમારી લડાઈ હમણાં જ શરૂ થઈ છે અને આપણે નવી ઊર્જા સાથે આગળ વધવાનું છે.'
બીજી તરફ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, "હું નમ્રતા સાથે પરિણામનો સ્વીકાર કરું છું. જેમને જનાદેશ મળ્યો છે તેઓને અભિનંદન. હું કૉંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો તેમની મહેનત માટે આભાર માનું છું. અમે આમાંથી બોધપાઠ લઈશું અને લોકોનાં હિતો માટે કામ કરવાનું ચાલુ રાખીશું.''
આવી પરિસ્થિતિમાં, એવી પણ ચર્ચા થઈ રહી છે કે શું કૉંગ્રેસને એવો અંદાજ હતો કે તે આ ચૂંટણીમાં વધુ સફળતા મેળવી શકે તેમ નથી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં પાર્ટીની કમાન મજબૂતીથી સંભાળી હતી, સાથે રોડ શો અને રેલીઓ દ્વારા ઘણી ભીડ ભેગી કરી હતી, તેમ છતાંય પ્રિયંકા ગાંધી તેમની મહેનતને મતમાં ફેરવવામાં નિષ્ફળ ગયાં હતાં.
ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધીએ 'લડકી હૂં લડત સકતી હૂં'નું સૂત્ર આપ્યું હતું અને લખનૌમાં 'મહિલા ચૂંટણીઢંઢેરો' અથવા 'મહિલા મૅનિફૅસ્ટો' બહાર પાડતાં કહ્યું હતું કે તેમની પાર્ટીની પ્રાથમિકતા મહિલાઓ હશે.
તે જ સમયે, તેમણે મહિલા સશક્તીકરણ માટે ઘણાં વચનો આપ્યાં હતાં, જેમાં મુખ્યત્વે 40 ટકા બેઠકો પર મહિલાઓની ઉમેદવારી હતી.
પ્રિયંકાએ પોતાનું વચન પૂરું કર્યું હતું અને પહેલી યાદીમાં જ 50 મહિલાઓને ઉમેદવાર તરીકે પસંદ કરી હતી. તેમાં ઘણી એવી મહિલા ઉમેદવારો પણ હતી જેમણે અગાઉ ક્યારેય ચૂંટણી લડી નહોતી.

નેતૃત્વ પર પ્રશ્નો

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશના રાજકારણને નિકટથી જાણતા વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી કહે છે, "પ્રિયંકા ગાંધીની 40 ટકા ટિકિટની જાહેરાત એક પબ્લિસિટી સ્ટંટ હતો. તેનો કોઈ રાજકીય કે સામાજિક આધાર ન હતો."
આ મુદ્દા વિશે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર અમિતા વર્મા કહે છે કે, "ચૂંટણીપરીણામો પ્રિયંકા ગાંધીના નેતૃત્વ ઉપર પ્રશ્નો ઊભા કરે છે. તેમણે પોતાનું ધ્યાન ચૂંટણીપ્રચાર પર કેન્દ્રિત કર્યું, પરંતુ કૉંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક લડાઈ પર તેમણે ધ્યાન આપ્યું નહીં. આ ઉંપરાત તેમનું અભિયાન રાજકીય કરતાં વધુ સામાજિક લાગ્યું હતું."
તેઓ કહે છે, "રાજ્યમાં કૉંગ્રેસના ચહેરાઓ જેમ કે જિતીન પ્રસાદ, આરપીએન સિંહ અને લલિતેશપતિ ત્રિપાઠી તેમનાંથી નારાજ હતા. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો, રાહુલ ગાંધી પાસે ગયા તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી સાથે વાત કરો,પરંતુ તેઓએ મુલાકાત કરી જ નહીં. આટલા બધા લોકો પાર્ટી છોડી ગયા, તેમને દૂર કરવામાં આવ્યા, સંગઠન નબળું પડી રહ્યું હતું છતાં તેમણે એ તરફ ધ્યાન ન આપ્યું."
"બીજી તરફ જે મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી તેમાં કોઈ સારા ઉમેદવાર જ નહોતા અને ફક્ત વિક્ટિમ કાર્ડ રમવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમ કે કૉંગ્રેસે બળાત્કારપીડિતાનાં માતાને ટિકિટ આપી હતી."
તેમના મતે, "કૉંગ્રેસ પોતાની પરંપરાગત બેઠકો જેમ કે અમેઠી અને રાયબરેલીમાં પણ જ નથી, તેથી કૉંગ્રેસના નેતૃત્વ પર પણ ઘણા સવાલો ઊભા થાય છે."

કૉંગ્રેસ પાસે ગુમાવવાનું કંઈ નથી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વાણિજ્યના જાણકાર રાજકીય પત્રકાર સિદ્ધાર્થ કલહંસ કહે છે કે, "કૉંગ્રેસ જાણતી હતી કે તેની પાસે ગુમાવવા માટે કે મેળવવા માટે કંઈ જ નથી અને આ ચૂંટણી તેમના માટે મોટા ભાગે એક પ્રયોગ હતો કારણ કે છેલ્લી વખત જે ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા તેઓ પાર્ટી છોડીને જતા રહ્યા છે."
વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી હતી અને કૉંગ્રેસને સાત બેઠકો મળી હતી. આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર બે બેઠકો જ મેળવી શકી છે.
સિદ્ધાર્થ કલહંસના કહેવા પ્રમાણે, "આ વખતે પાર્ટીએ ગ્રાઉન્ડ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને યુવાનોને ટિકિટ આપી હતી. ભલે કૉંગ્રેસે આ ચૂંટણીમાં કોઈ ખાસ પ્રદર્શન કર્યું નહોતું, પરંતુ 2017 વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પોતાના પાર્ટીચિહ્ન સાથે જે 300 વિધાનસભા બેઠકો પર ઊતરી જ નહોતી, તે તમામ બેઠકો પર આ વખતે કૉંગ્રેસ પ્રિયંકા ગાંધી મારફતે, તેના મતદારો સુધી પહોંચવામાં સફળ રહી છે."
તેમના કહેવા મુજબ, "એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે જો પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડી હોત તો કદાચ થોડી અસર થઈ હોત, પરંતુ પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ પક્ષનાં સ્ટાર પ્રચારક હતાં, અને ક્રાઉડપુલિંગ અથવા ભીડ એકત્રિત કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આવી પરિસ્થિતિમાં જો તેઓ ચૂંટણી લડ્યાં હોત તો સમગ્ર રાજ્યને સમય ન આપી શક્યાં હોત."

નબળી સંસ્થા

ઇમેજ સ્રોત, Congress
રામદત્ત ત્રિપાઠી અને અમિતા વર્મા બંનેનું માનવું છે કે અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધીના રોડ શોમાં ભીડ તો બહુ ભેગી થઈ હતી, પરંતુ બંને પક્ષોએ તેમના સંગઠન પર ધ્યાન આપ્યું ન હતું.
કૉંગ્રેસે ન તો કોઈ સ્થાનિક નેતાને ઊભા કર્યા કે ન તો કોઈને સંગઠન કે સમુદાયના લોકોને નેતાઓ બનાવ્યા હતા. તેવામાં હાથરસમાં બળાત્કારનો મામલો હોય કે લખીમપુર ખીરીના ખેડૂતોનો મુદ્દો, જેના માટે પ્રિયંકા ગાંધીએ ખૂબ જ જોરશોરથી અવાજ ઉઠાવ્યો હતો. પણ તેની ખાસ કોઈ અસર થઈ નહીં કારણ કે લોકોએ પોતાનાં મનમાં એવી ઘારણા બનાવી લીધી હતી કે તેઓ દિલ્હીથી આવ્યાં છે અને પાછાં જતાં રહેશે.
સિદ્ધાર્થ કલહંસ ઉત્તર પ્રદેશમાં યોજાયેલ ચૂંટણીને દ્વિધ્રુવીય ગણાવે છે. તેઓ કહે છે, "મુખ્ય હરીફાઈ ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે હતી. તો આવી પરિસ્થિતિમાં, આ બન્ને મોટી પાર્ટીઓનો વોટ શેર વધવાનો હતો. કૉંગ્રેસનો વોટ શેર ચોક્કસપણે ઘટ્યો છે, પરંતુ પ્રિયંકા ગાંધીના પ્રયાસોની પ્રશંસા થવી જોઈએ."
છેલ્લા કેટલાંક વર્ષોથી પ્રિયંકા ગાંધી રાજકારણમાં બહુ સક્રિય નહોતાં, પરંતુ જે રીતે તેઓ ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય જોવાં મળ્યાં એ જોતાં કેટલાક નિષ્ણાતો માને છે કે, "કૉંગ્રેસને અંદાજ હતો કે પાર્ટી આ ચૂંટણીમાં કોઈ ચમત્કાર કરી શકવાની નથી. આ તૈયારી 2024 માટેની હતી."
સિદ્ધાર્થ કલહંસ કહે છે, "પ્રિયંકા ગાંધીએ ચૂંટણી દરમિયાન પણ કહ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશ છોડશે નહીં. તેથી એવું લાગે છે કે તેઓ રાજ્ય છોડવાનાં નથી. તેઓ સમજી રહ્યાં છે કે અહીંયા જ પાર્ટીનું મેદાન મજબૂત કરવું પડશે કારણ કે આંતરિક રીતે, તેઓ જાણતાં જ હતાં કે પાર્ટી બહુ કંઈ કરી શકવાની પસ્થિતિમાં નથી. પ્રિયંકાએ ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું હતું."
તેમના કહેવા પ્રમાણે, "કૉંગ્રેસ પાર્ટી માટે લોકોનાં મનમાં સહાનુભૂતિ જાગી છે. પરંતુ મતદાર એક વિશ્વાસ સાથે આવે છે. જો તેઓ પહેલાંથી લોકોની વચ્ચે જોડાયેલ રહ્યાં હોત તો કદાચ મતદારોએ તેમને મત આપ્યા હોત, કારણ કે લોકોને હજુ પણ શંકા છે કે પ્રિયંકા ચૂંટણી પછી આવશે કે નહીં."
જાણકારોનું માનવું છે કે "પ્રિયંકા ગાંધી છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજકારણમાં બહુ સક્રિય નહોતાં, પરંતુ હવે તેઓ સમજી ગયાં છે કે આવા દિવસો વધુ ટકશે નહીં કારણ કે જો નરેન્દ્ર મોદીને વર્ષ 2024માં પડકાર આપવો હોય તો પાર્ટીએ દરેક પડકારનો સામનો કરવો પડશે. ઉત્તર પ્રદેશમાં પાર્ટીને દરેક પરિસ્થિતીમાં મજબૂત કરવી પડશે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












