ગુજરાતનો એ ડબલ મર્ડર કેસ જેમાં ડૉક્ટર બહેને ભાઈ-ભત્રીજીને સાયનાઇડ આપી મારી નાખ્યાં અને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'નાનપણથી તેને પૈસાનું અભિમાન હતું. સ્કૂલ સમયથી તે અનેક તોફાન કરતી. ક્લાસ બંક કરતી. કિન્નરી સ્કૂલમાં ભણતી હતી ત્યારથી તેને એક છોકરા સાથે પ્રેમ હતો. પિતાને આ સંબંધો પસંદ નહોતો, એટલે છૂટા હાથે પૈસા વાપરવાની ટેવવાળી કિન્નરીની પૉકેટમની બંધ થઈ ગઈ.'

'જેને પિતા પણ પૈસા નહોતા આપતા તે કિન્નરીને ભાઈ જિગર ખાનગીમાં પૈસા આપતા હતા'. આ નિવેદન કિન્નરીનાં બહેને કોર્ટમાં આપ્યું હતું.

તો પછી ભાઈ-બહેનનો આ સંબંધ ડબલ મર્ડર સુધી કેવી રીતે પહોંચી ગયો?

ડૉ. કિન્નરી પટેલ

ઇમેજ સ્રોત, Alkesh Pandya

ઇમેજ કૅપ્શન, ડૉ. કિન્નરી પટેલને ભાઈ-ભત્રીજીની હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારાઈ છે

ગુજરાતના પાટણમાં એક ડૉક્ટર મહિલાને તેમના જ ભાઈ અને 14 મહિનાની બાળકીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા હાલમાં જ ફટકારવામાં આવી છે.

કોર્ટમાં ત્રણ વર્ષ સુધી ચાલેલા ડબલ મર્ડરના આ કેસમાં ડૉક્ટર કિન્નરી પટેલ પર ઠંડા કલેજે તેના ભાઈ અને ભત્રીજીની હત્યાનો આરોપ સાબિત થયો છે. પોતાના જ પરિવારમાં બે લોકોની હત્યાનો ડૉક્ટરનો ફૂલપ્રૂફ પ્લાન એક ઇમેલ અને મૅસેજથી ખુલ્લો પડી ગયો હતો.

ડૉક્ટર કિન્નરી પટેલ આમ તો સંપન્ન પરિવારમાંથી આવે છે અને તેમના પિતા નરેન્દ્ર પટેલ અમદાવાદમાં લોખંડનો વેપાર કરે છે. તેમનો પરિવાર કરોડો રૂપિયાનો માલિક છે.

પરિવારમાં બે દીકરી છે અને એક દીકરો હતો. સૌથી મોટી પુત્રીનાં લગ્ન થઈ ગયાં અને ડૉ. કિન્નરી પટેલ પરિવારમાં સૌથી નાની પુત્રી હતી, વચલો ભાઈ જિગર હતો.

line

ભાઈનાં લગ્ન પછી કિન્નરી માટે કેવી રીતે બધું બદલાઈ ગયું?

જિગર

ઇમેજ સ્રોત, Alkesh Pandya

ઇમેજ કૅપ્શન, ડૉ. કિન્નરી પટેલનો ભાઈ જિગર

કિન્નરીનાં બહેને કોર્ટમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે, "કિન્નરી પહેલેથી સ્વછંદી હતી પરંતુ ભાઈ જિગર તેને સાચવતા."

જિગરનાં લગ્ન સુરેન્દ્રનગરની યુવતી ભૂમિ સાથે થયાં હતાં. લગ્ન પછી જિગરનો સમય બહેન કિન્નરી કરતાં વધુ પત્ની ભૂમિ સાથે વીતવા લાગ્યો. ભૂમિ અને કિન્નરી સરખી ઉંમરનાં હતાં તથા બંને વચ્ચે અણબનાવ પણ થતો હતો.

કિન્નરી પોતાની સાથે મેડિકલનો અભ્યાસ કરતા બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની હતી પરંતુ તેની સાથે પણ કિન્નરીનો પૈસા માટે ઝઘડો થતો હતો, કારણ કે પિતા પાસેથી પૈસા મળતા બંધ થઈ ગયા હતા.

કિન્નરીને ગમે તે રસ્તે પૈસા મેળવવા હતા પરંતુ તેના પ્રેમીને આ મંજૂર નહોતું. ત્યાર બાદ શાળાના સમયથી ચાલતો સંબંધ તૂટી ગયો અને કિન્નરીના બૉયફ્રેન્ડે લગ્ન કરી લીધાં.

તપાસ સમયે તેમના ફોન ડીટેલ્સમાં કિન્નરીનો નંબર સામે આવતા તેમણે કોર્ટમાં જણાવ્યું કે 'લગ્ન પછી પણ કિન્નરી તેમને ફોન કરીને પરેશાન કરતી હતી.'

ત્યાર બાદ કિન્નરીએ ડૉક્ટર તરીકે અમદાવાદમાં પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી પરંતુ તેમની પાસે વધુ દર્દીઓ આવતા નહોતા. કિન્નરીના ખર્ચા વધુ હતા અને એ પ્રમાણે આવક ઓછી પડતી હતી. પરિવારમાંથી પણ તેને ઓછા પૈસા મળતા હતા.

આ દરમિયાન કિન્નરી બીજી એક વ્યક્તિના પ્રેમમાં પડી પણ પરિવારને આ પ્રેમસંબંધ સ્વીકાર્ય નહોતો.

કોર્ટમાં રજૂ કરાયેલી દલીલો અનુસાર પૈસા અને ઝઘડાળું સ્વભાવને કારણે કિન્નરીનો આ પ્રેમસંબંધ પણ વધુ ચાલ્યો નહીં.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કિન્નરી પોતાના બીજા પ્રેમીને ફોન કરતી. પોલીસની તપાસ બાદ કિન્નરીના બીજા પ્રેમીએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું.

પરિવારમાંથી માત્ર ભાઈ જિગર જ કિન્નરીને મદદ કરતો હતો. જોકે પોતાનાં લગ્ન બાદ જિગર પણ પહેલાંની જેમ કિન્નરી જેટલા પૈસા માગે તેટલા પૈસા આપી શકવાની પરિસ્થિતિમાં નહોતો.

જિગરનાં પત્ની ભૂમિ ગર્ભવતી થયાં અને તેમણે સાતમા મહિને જ પુત્રીને જન્મ આપ્યો. પ્રિમૅચ્યોર પુત્રીની સારવાર પાછળ જિગરનો ખર્ચ વધવા લાગ્યો. બીજી બાજુ ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરતી કિન્નરીની પૈસાની માગ ઓછી થતી નહોતી.

કોર્ટમાં કિન્નરીના પરિવારના સભ્યોનાં નિવેદનો પ્રમાણે "એમના ઘરમાંથી ચાંદી, સોનું અને રોકડા રૂપિયા ગુમ થઈ ગયાં, પરંતુ ઘરમાં ક્યાંક મુકાઈ ગયાં હશે એવું વિચારીને પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી નહોતી. જિગરની પુત્રી ધીમે-ધીમે મોટી થઈ રહી હતી. જિગરની પત્ની ભૂમિ તથા બહેન કિન્નરી વચ્ચે ઝઘડા પણ થતા, ત્યારે અનેક વખત જિગરના પિતા સમાધાન કરાવતા હતા."

line

કેવી રીતે થયું હતું જિગર અને પુત્રીનું મૃત્યુ

અદાલત

ઇમેજ સ્રોત, Alkesh Pandya

જિગરના મૃત્યુના આઠ મહિના પહેલાંથી જિગરની તબિયત બગડવા લાગી હતી. જિગરનું પાંચમી મે 2019ના મૃત્યુ થયું હતું અને તેના 25 દિવસ પછી 30મી મે 2019ના રોજ તેમની પુત્રીની હત્યા થઈ હતી.

પાટણની કોર્ટમાં સાબિત થયા મુજબ 'કિન્નરી પોતાના ભાઈ જિગર અને ભત્રીજીને મારી નાખવામાં સફળ થઈ પરંતુ ભાભી ભૂમિ બચી ગયાં. પરિવારમાં માત્ર 25 જ દિવસમાં બે મૃત્યુ થતાં પિતા અને ભાભી ભૂમિને બંનેનાં મૃત્યુ પાછળ કોઈનો હાથ હોવાની શંકા ગઈ તથા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું.'

પોલીસ તપાસમાં કંપારી છૂટી જાય તેવો હત્યાનો પ્લાન સામે આવ્યો.

આ કેસની લાંબી તપાસ કરનાર પોલીસ અધિકારી આરજી ચૌધરીએ જ્યારે તપાસની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે જિગર છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. જ્યારે જિગર કામ પર જાય ત્યારે બહેન કિન્નરી તેમને ગ્લૂકોઝવાળું પાણી આપતી અને સવારે જિગર માટે ચા બનાવતી.

પોલીસ તપાસ વિશે કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું એ મુજબ, જિગરની તબિયત ચા પીધા પછી સારી નહોતી રહેતી અને પછી કિન્નરી ગ્લૂકોઝવાળું પાણી પીવાની સલાહ આપતી. પરિવારજનોએ અન્ય ડૉક્ટરો પાસે સલાહ લીધી પરંતુ જિગરની તબિયતમાં કોઈ સુધારો આવતો નહોતો.

જિગરની બગડતી તબિયત સારી થાય તે માટે પ્રાર્થના કરવા માટે પરિવારજનોએ 'કુળદેવી'નાં દર્શન કરવાનું નક્કી કર્યું. એ સમયે કિન્નરીએ જિગરને ગ્લૂકોણવાળું પાણી આપ્યું અને તેમને ફરી ખેંચ આવવાની શરૂ થઈ.

જિગરને તરત પરિવારના ઓળખીતા ડૉક્ટરને ત્યાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું અને ઓક્સિજન પણ ઓછો હતો. ડૉક્ટર જિગરને દવા આપે અને ઓક્સિજન આપવાનું શરૂ કરે તે પહેલાં જ જિગરનું મૃત્યુ થઈ ગયું હતું.

જિગરની મરણોત્તર ક્રિયાઓ ચાલતી હતી ત્યારે કિન્નરીએ અસ્વસ્થ રહેતાં ભૂમિને પણ ગ્લૂકોઝવાળું પાણી આપ્યું. પરંતુ ભૂમિને પાણીનો સ્વાદ બરાબર ના લગતાં તેમણે વધુ પાણી પીવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેમની તબિયત લથડી જતાં તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યાં.

કોર્ટમાં સાબિત થયા મુજબ આ દરમિયાન કિન્નરીએ જિગર અને ભૂમિની 14 મહિનાની બાળકીને સાયનાઇડ આપ્યું હતું જેનાથી તેનું મૃત્યુ થયું હતું. તે સમયે કિન્નરીએ પરિવારજનોને કહ્યું કે બાળકી પ્રિમૅચ્યોર હતી અને બીમાર રહેતી હતી એટલે તેનું મૃત્યુ થઈ ગયું છે.

line

'કિન્નરીની દવાથી જ કેમ તબિયત ખરાબ થાય છે?'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

25 દિવસની અંદર જિગર અને પછી તેમની નાનકડી પુત્રીનાં મૃત્યુ થતાં પરિવારના સભ્યોને શંકા ગઈ કે કિન્નરીની આપેલી દવા પછી જ લોકો કેમ બીમાર પડે છે?

પોલીસ તપાસ અનુસાર, જિગર માટે થોડા સમય પહેલાં કિન્નરીએ પોતાના પિતરાઈ ભાઈના હાથે દવા મોકલાવી હતી. એ દવા લીધા બાદ જિગરની તબિયત બગડી ગઈ હતી. જ્યારે પિતરાઈ ભાઈએ કિન્નરીને બીજી દવા આપવા માટે ફોન કર્યો ત્યારે કિન્નરીએ તેમને ધમકાવીને એ જ દવા આપવાનું કહ્યું હતું.

કિન્નરી અને જિગરના પિતરાઈ ભાઈએ પોલીસને આપેલા નિવેદન બાદ તપાસ અધિકારીઓએ કિન્નરીની હૉસ્પિટલ અને એમના ઘરમાં તપાસ હાથ ધરી હતી જેમાં ધતૂરાનાં બી અને પોટેશિયમ સાયનાઇડ મળ્યું હતું.

પોલીસને વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે કિન્નરી અમદાવાદમાં સોલા વિસ્તારની ઝૂંપડપટ્ટી પાસેથી શાંતિ દંતાણી નામનાં મહિલા પાસેથી ધતૂરાનાં બી લાવી હતી અને ચામાં ધતૂરાનાં બી નાખતી હતી. કિન્નરી પાણીમાં ધતૂરાનાં બી ઉકાળીને એ પાણીમાં ગ્લૂકોઝ નાખીને આપતી હતી જેથી સ્વાદ પકડાય નહીં.

પોલીસ તપાસ અનુસાર, કિન્નરીને આ નુસખો પોતાના ઇન્ટરનેટ ફ્રેન્ડ અશ્વિન પાસેથી મળ્યો હતો. પોલીસે કિન્નરીના લેપટૉપ અને ફોન કબજામાં લીધાં અને ત્યારે તેના હાથમાં કિન્નરીનો એ મૅસેજ પણ લાગ્યો જે તેણે પોતાના બીજા બૉયફ્રેન્ડને મોકલ્યો હતો. આ મૅસેજમાં તેણે લખ્યું હતું કે, 'હું મારા ભાઈને તડપાવી-તડપાવીને મારી રહી છું.'

પોલીસને કિન્નરીના ઇમેલ પણ મળ્યા જેમાંથી જિગર, ભૂમિ અને તેમની પુત્રીની હત્યાનો આખો પ્લાન ખુલ્લો પડી ગયો.

line

પોટેશિયલ સાયનાઇડની વ્યવસ્થા કરી

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

કોર્ટમાં રજૂ કરાયેલ પક્ષ અનુસાર, કિન્નરીએ સોની પાસેથી પોટેશિયમ સાયનાઇડ મેળવવા માટે બીજી યોજના બનાવી હતી. કિન્નરીએ પરિવારનાં વર્ષોથી જાણીતા સોનીને કહ્યું કે તે ડેન્ટિસ્ટ છે અને દાંત પર લગાવવાની કૅપ બનાવવા માટે ઘાટ બનાવવાનું શીખવું છે.

સોનીએ કારીગર પાસે કિન્નરીને ટ્રેનિંગ અપાવી પરંતુ જ્યારે ધાતુને સોના જેવું ચમકાવવા માટે એણે સોની પાસે પોટેશિયમ સાયનાઇડ માગ્યું ત્યારે તેમણે ઇનકાર કરી દીધો, કારણ કે પોટેશિયમ સાયનાઇડ પ્રતિબંધિત છે.

પોલીસ તપાસ અનુસાર, કિન્નરીએ કારીગરને ફસાવીને તેની પાસેથી પોટેશિયમ સાયનાઇડ ક્યાંથી મળી શકે એ જાણી લીધું. સોનીએ જેટલું પોટેશિયમ સાયનાઇડ મગાવ્યું હતું તેના કરતાં વધારે, ત્રણ લોકોને મારી શકાય તેટલું પોટેશિયમ સાયનાઇડ કિન્નરી મગાવી લીધું હતું.

પોલીસની તપાસ પ્રમાણે, જ્યારે પરિવાર કુળદેવીનાં દર્શન કરવા જવાનો હતો ત્યારે કિન્નરીએ જિગરને ધતૂરાનું પાણી આપ્યું અને જ્યારે તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા ત્યારે પોટેશિયમ સાયનાઇડની ટૅબલેટ ખવડાવી દીધી.

જિગરના મૃત્યુ પછી બારમા દિવસે ભાભી ભૂમિને કિન્નરીએ ધતૂરાનું પાણી આપ્યું પરંતુ તેમણે ઓછું પાણી પીધું જેથી તેઓ બચી ગયાં.

પોલીસ તપાસ અનુસાર ભૂમિને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં અને કિન્નરી તેમને પણ પોટેશિયમ સાયનાઇડ આપવાની હતી પરંતુ હૉસ્પિટલમાં ઘણાં બધાં સગાં હોવાને કારણે તેની યોજના સફળ ન થઈ શકી.

રોષે ભરાયેલી કિન્નરીએ ઘરે આવીને ગુસ્સામાં 14 મહિનાની ભત્રીજીને પોટેશિયમ સાયનાઇડ આપી દીધું હતું અને તેનું પણ મૃત્યુ થઈ ગયું હતું.

line

ત્રણ વર્ષ ચાલ્યો કેસ અને આજીવન કેદની સજા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Soumen Hazra / EyeEm

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પાટણની સેશન્સ કોર્ટમાં ત્રણ વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ એડિશનલ સેશન્સ જજ અશ્વિન શાહે ડૉક્ટર કિન્નરી પટેલને પોતાના ભાઈ અને ભત્રીજીની હત્યા તથા ભાભીની હત્યાના પ્રયાસ બદલ જ્યાં સુધી જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત જિગરનાં પત્ની ભૂમિ પટેલને વળતર આપવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને આદેશ કર્યો છે.

સરકારી વકીલ મિતેશ પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોર્ટે આ ચુકાદો આપતા પહેલાં નોંધ્યું છે કે ડૉક્ટરની ફરજ લોકોનો જીવ બચાવવાની હોય છે પરંતુ અહીં પોતાના સ્વાર્થ માટે ભાઈ અને માસૂમ ભત્રીજીનું ખૂન કર્યું છે અને ભાભીની હત્યાનો પ્રયાસ કર્યો છે."

"માટે એને સમાજમાં દાખલો બેસે એવી સજા કરી છે અને ભોગ બનનાર જિગરનાં પત્નીને વળતર આપવાનો આદેશ કર્યો છે."

સરકારી વકીલ

ઇમેજ સ્રોત, Alkesh Pandya

ઇમેજ કૅપ્શન, સરકારી વકીલ મીતેશ પંડ્યા

"મર્ડરનો પ્લાન ફૂલપ્રૂફ હતો. કેટલાક સાક્ષીઓ હોસ્ટાઇલ થયા હતા પણ એક ઇમેલ અને મૅસેજ મહત્ત્વપૂર્ણ પુરાવા સાબિત થયા. ઉપરાંત ધતૂરાનાં બી લાવી આપનાર મહિલા, પોટેશિયમ સાયનાઇડ લાવવામાં મદદ કરનાર વ્યક્તિ અને બીજા સાક્ષીની જુબાનીથી અમે ગુનેગારને સજા અપાવવામાં સફળ રહ્યા છીએ."

કિન્નરીનાં ભાભી અને મૃતક જિગરનાં પત્ની ભૂમિ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ ચુકાદાથી મને સંતોષ છે. ભૂતકાળમાં કિન્નરીએ મને વિધવા બનાવવાની ધમકી આપી હતી પણ હું માનતી હતી કે ગરમ સ્વભાવ છે અને બે પ્રેમસંબંધો તૂટી જતાં ઉશ્કેરાટમાં બોલતી હશે."

"પરંતુ ગામની જમીન અને મકાન વેચવાની એની ઉતાવળ વખતે અમે ધ્યાન આપ્યું હોત તો કદાચ આ બનાવ ન બન્યો હોત."

કિન્નરીના વકીલ પી.ઓ. બારોટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોર્ટે અમારી વાત માન્ય નથી રાખી. આ ચુકાદાને અમે ગુજરાત હાઈકોર્ટમાં પડકારીશું."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો