અમદાવાદ : મોંઘવારીમાં ઘર ચલાવવા સવારે સિક્યૉરિટી ગાર્ડ અને સાંજે સેલ્સમૅન બનનારની કહાણી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
(સમગ્ર વિશ્વમાં વધી રહેલી મોંઘવારી સામે સંઘર્ષ કરીને ઘર ચલાવવા માટે 'સેકન્ડ ઇન્કમ' મેળવવા મથતા લોકો પર બીબીસીની વિશેષ સિરીઝની આ કહાણી છે)
"આજની મોંઘવારીમાં ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે એટલે ઘર ચલાવવા હું દિવસના અઢાર કલાક કમ કરું છું. માંડ ચાર કલાક આરામ કરું છું. સંતોષ એ વાતનો છે કે ઈમાનદારીની રોટી ખાઉં છું અને મારાં બાળકોને ભણાવીને મોટાં અધિકારી બનાવીશ."
આ શબ્દો છે અમદાવાદની એક બૅન્કમાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા અને બપોર પછી રૅડીમેડ કપડાના સેલ્સમૅન અને દરજીકામ કરતા નૌશર પઠાણના.
નૌશર પઠાણ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ભાડાના ઘરમાં પોતાના પરિવાર સાથે રહે છે. સ્નાતક થયેલા નૌશર પઠાણ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "અમે પહેલાં વિજાપુરમાં રહેતા હતા. મારા પિતાને ધંધામાં મોટી ખોટ ગઈ. અમારે અમારા ગામનાં મકાન અને દુકાન વેચવાં પડ્યાં. અમે ચાર ભાઈબહેનને ખાવાના ફાંફા પડી ગયા. કામધંધાની શોધમાં મારા પિતાજી અમદાવાદ આવ્યા અને અહીં સુરક્ષાકર્મી તરીકે નોકરી કરી. અમદાવાદ આવ્યો ત્યારે હું આઠ વર્ષનો હતો. અમને સરકારી શાળામાં ભણવા બેસાડ્યાં. મારા પિતાનો પગાર ટૂંકો હતો એટલે સવારે શાળાએથી છૂટીને હું ચાની દુકાન પર કામ કરવા જતો."


- નૌશર પઠાણ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ભાડાના ઘરમાં પોતાના પરિવાર સાથે રહે છે
- એક ખાનગી સિક્યૉરિટી એજન્સીમાં શરૂઆતમાં સિક્યૉરિટી મૅન તરીકે કામ કરતા હતા
- કૉમ્યુટર આવડતું હતું એટલે થોડા સમયમાં સિક્યૉરિટી ઓફિસર બની ગયા
- નૌશરે રૅડીમેડ કપડાં બનાવતી ફેકટરીમાં સુરક્ષાકર્મી તરીકેની ફરજ પુરી થાય પછી સિલાઈનું કામ શરુ કર્યું અને બહેનના લગ્નની લૉન ભરી
- નૌશર સવારે 6 વાગ્યે સિક્યૉરિટી કંપનીની નોકરી પર જાય છે, ત્યાંથી બપોરે ત્રણ વાગ્યે છૂટીને ઘરે આવીને તૈયાર કરેલાં કપડાંના સેમ્પલ લઈ રૅડીમેડની દુકાનમાં વેચવા જાય છે અને રાત્રે 11 વાગ્યે ઘરે આવે છે

આગળ અભ્યાસના ઓરતા અધૂરા રહ્યા

ઇમેજ સ્રોત, Bhargav Parikh
નૌશર શાળા પુરી કરીને કૉલેજમાં ગયા ત્યારે પણ ભણવાનો ખર્ચ કાઢવા માટે કામ કરતા હતા. તેમને ફૅશન ડિઝાઇનિંગનું ભણવું હતું પણ પૈસાના અભાવને કારણે આગળ ભણી ના શક્યા.
તેઓ કહે છે, "નાની ઉંમરે મારી શાદી થઈ ગઈ હતી એટલે કૉલેજની આગળનો અભ્યાસ પડતો મૂક્યો અને નોકરીની શોધ શરૂ કરી. એક ખાનગી સિક્યૉરિટી એજન્સીમાં શરૂઆતમાં સિક્યૉરિટી મૅન તરીકે કામ કરતો હતો. સવારે સિક્યૉરિટી મૅનનો ડ્રેસ પહેરીને ઊભો રહેતો, ભણતર કંઈ કામ ન લાગ્યું પણ મને કૉમ્પ્યુટર આવડતું હતું એટલે હું થોડા સમયમાં સિક્યૉરિટી ઓફિસર બની ગયો."
આ સમયગાળામાં નૌશરના ઘરે દીકરી અને દીકરાનો જન્મ થયો. ઘરખર્ચ વધવા લાગ્યો. નૌશરનાં બહેનનાં લગ્ન માથે આવ્યાં એટલે એમણે બૅન્કમાંથી લૉન લીધી.
લૉનની ભરપાઈ કરવા માટે નૌશરે રેડીમેડ કપડાં બનાવતી ફેકટરીમાં સુરક્ષાકર્મી તરીકેની ફરજ પૂરી થાય પછી સિલાઈનું કામ શરુ કર્યું અને બહેનનાં લગ્નની લૉન ભરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૌશર કહે છે, "મારા કામની ધગશ જોઈ એમ.એફ. શેખ નામના ડિઝાઇનરે મને ડિઝાઇન બનાવ્યા બાદ નમૂનાની સિલાઈ કરવાનું કામ સોંપ્યું. એક દિવસ મેં એમને નવાં કપડાંની ડિઝાઇન બનાવવામાં મદદ કરી તો મારા કામથી ખુશ થઈને એમણે મને ડિઝાઇન બનાવતા શીખવી. આ રીતે હું કપડાની ડિઝાઇન બનવવા લાગ્યો અને એવા કપડાં ખૂબ વેચાયાં."
આ દરમિયાન નૌશરે એમ.એફ. શેખ સાથે મળીને નવો વ્યવસાય શરૂ કર્યો.
નૌશર કહે છે, "મારા ગુરુ શેખ કપડાની રફ ડિઝાઇન બનાવે અને હું કૉમ્પ્યુટર પર સરખી કરું. અમે ફર્મા બનાવીને નાની રેડીમેડ કપડાં બનાવતી ફેકટરીઓમાં મોકલવા લાગ્યા. મારી પાસે પૈસા નથી એટલે એ પૈસાનું રોકાણ કરે અને હું એ કપડાં તૈયાર થાય એટલે દરરોજ વેચવા જાઉં."

સવારના 6થી રાતના 11 સુધી કામ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
દૈનિક ક્રમ વિશે વાત કરતાં નૌશર કહે છે, "રોજ સવારે હું 6 વાગ્યે સિક્યૉરિટી કંપનીની નોકરી પર જાઉં છું. ત્યાંથી બપોરે ત્રણ વાગ્યે છૂટીને ઘરે આવી તૈયાર કરેલાં કપડાંનાં સૅમ્પલ લઇ રૅડીમેડની દુકાનમાં વેચવા જાઉં છું અને રાત્રે 11 વાગ્યે ઘરે આવું છું. બે શિફ્ટમાં કામ કર્યા વગર મારે છૂટકો નથી."
ઘરખર્ચ ગણાવતા નૌશર કહે છે, "અમે ભાડાના મકાનમાં રહીએ છીએ અને હું મહિને 6 હજાર રૂપિયા મકાનનું ભાડું આપું છું. એક દીકરો આઠ મહિનાનો છે, મોટી દીકરી અને બીજો દીકરો અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે. બંનેની મહિને ચાર હજાર ફી ભરું છું. શાળાએ જવા-આવવાનું રીક્ષાભાડું અને ટયૂશનની ફીના મહિને બે હજાર રૂપિયા થાય છે. વીજળીનું બિલ અને પેટ્રોલનો ખર્ચ ઉમેરતાં મહિને 16થી 17 હજારનો તો ફિક્સ ખર્ચ થાય છે."
આવક અંગે વાત કરતા નૌશર કહે છે, "સિક્યૉરિટી એજન્સીમાં મારો પગાર 21 હજાર છે. પગારમાંથી 16-17 હજાર બાદ કરતા 4-5 હજાર રૂપિયા વધે. આ રકમમાંથી ઘરમાં દૂધ, શાકભાજી અને કરિયાણાનો ખર્ચ કેવી રીતે નીકળે? એટલે મારે એક વધારાની નોકરી કરવી પડે છે. એમાંથી હું મહિને 18થી 19 હજાર કમાઉં છું."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
નૌશરના કહેવા અનુસાર તેમની પાસે થોડા પૈસા હાથ ઉપર હોય તો વધુ કમાણી થઈ શકે. કારણ કે તેઓ જે કપડાં બનાવે એના કાપડના રોકડા પૈસા આપવા પડે છે. જ્યારે વેચેલા માલના પૈસા ૩૦ દિવસે મળે છે.
તેમની પાસે હાથ ઉપર પૈસા હોય તો તેઓ અમદાવાદમાં વધુ જગ્યાએ ફરીને માલ વેચી શકે, પણ પૈસાની અછતના કારણે તેમ કરી શકતા નથી.

ઇમેજ સ્રોત, Bhargav Parikh
નૌશરનાં પત્ની મેઝબીન બીબીસી સાથે વાત કરતાં કહે છે, "મારા પતિ દિવસમાં બે નોકરી કરીને 18થી 19 કલાક કામ કરે છે. અમે એકદમ કરકસરથી રહીએ છીએ. કારણ કે બાળકો મોટાં થશે એમ ભણવાનો ખર્ચ પણ વધશે. હું મારા પતિને મદદ કરવા માગુ છું પણ બાળકો નાનાં હોવાથી કામ કરી નથી શકતી. બાળકો થોડા મોટા થશે પછી હું પણ ઘરમાં કામ કરી મારા પતિને મદદ કરીશ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













