60 રૂપિયા માટે નગ્ન મૉડલ બનનારાં મહિલાની કહાણી, તેમના જ શબ્દોમાં

    • લેેખક, ધનલક્ષ્મી મણિ મુદલિયાર
    • પદ, બીબીસી માટે

પાંચ વર્ષની હતી ત્યારે હું ચેન્નઈથી મુંબઈ આવી હતી. મારે બે ભાઈ અને ચાર બહેનો હતાં. અમે મહાલક્ષ્મીની ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતાં. મારાં માતાપિતા અશિક્ષિત હતાં. તેઓ કચરો વીણવાનું કામ કરતાં. મારાં માતાપિતા આવા કામથી વારંવાર કંટાળી જતાં હતાં. અમને ભીખ માગવા મોકલતાં હતાં.

ધનલક્ષ્મી

ઇમેજ સ્રોત, BBC/PRASHANT NANAWARE

મહાલક્ષ્મી પછી અમે ધારાવીમાં રહેવા ગયા, રોજ પેટ ભરવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. તેથી શિક્ષણ મળ્યું નહીં. જોકે, અમે ભાઈ-બહેનો માટુંગાના લેબર કૅમ્પ ખાતેની મહાનગરપાલિકાની સ્કૂલમાં થોડો વખત ભણ્યાં હતાં.

ભણવાથી કશું મળવાનું નથી એવું વિચારીને મારાં માતા મને ઘરકામ કરવા મોકલતાં હતાં. એ કારણસર હું અશિક્ષિત જ રહી.

અમે ધારાવીથી ભાત અને તળેલી માછલી ટોપલામાં લઈને ગ્રાન્ટ રોડમાં નીશા થિયેટર બહાર વેચવા જતા હતા. તેથી ફિલ્મો પ્રત્યે હું બાળપણથી જ આકર્ષિત થઈ હતી.

મેં થિયેટરમાં જોયેલી પહેલી ફિલ્મ હતી 'શોલે'. મારાં માતાપિતાને પણ એ ફિલ્મ બહુ ગમી હતી. અમે થિયેટરમાં જઈને તે ફિલ્મ ચાર વખત જોઈ હતી. એ દિવસોમાં રંગીન ટેલિવિઝન ન હતું. શનિવાર-રવિવારે દૂરદર્શન પર ફિલ્મો પ્રસારિત કરવામાં આવતી હતી. એ વખતે ઝૂંપડાંમાં ફિલ્મો જોવા માટે આઠ આના ચૂકવવા પડતા હતા.

line

14 વર્ષે મને પરણાવી દેવાઈ

ધનલક્ષ્મી

ઇમેજ સ્રોત, BBC/PRASHANT NANAWARE

મારા પિતાએ ધારાવી ખાતેની અમારી ઝૂંપડી પણ વેચી નાખી હતી અને અમે ફરી માટુંગામાં સરસ્વતી સ્કૂલ સામેની ફૂટપાથ પર ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં હતાં.

હું બાર વર્ષની હતી ત્યારે માહિમ ચર્ચની સામે આવેલી ઇમારતમાં એક મુસ્લિમ પરિવારને ત્યાં ઘરકામ કરવા જતી હતી. મારા પિતા બહુ દારૂ પીતા અને મારી માતાને ઢોરમાર મારતા. તેથી હું ઘરકામ કરતી ત્યાં આવીને મારાં મા રડતાં બેસી રહેતાં. આખરે માલિકણે મને કામ પરથી કાઢી મૂકી. એ કામ છૂટ્યા પછી મેં સાસૂન ડૉકમાં પ્રોન માછલી છોલવાનું કામ પણ કર્યું હતું.

એ સમયે મારાં મોટા ભાઈ-બહેનનાં લગ્ન થઈ ગયાં હતાં. મારાં માતાને મારાં લગ્નની ચિંતા થતી હતી.

એ જ સમયે મારાં માતાના પરિચિત મણિ નામના એક પુરુષ અમારા ઘરે આવ્યા હતા. તેઓ ઉંમરમાં મારાથી 10-12 વર્ષ મોટા હતા. તેમની સાથે લગ્ન કરી લેવા પરિવારજનોએ મને આગ્રહ કર્યો હતો.

એ સમયે હું માત્ર 14 વર્ષની હતી, પણ નાની વયની દીકરીનાં લગ્ન કરવાં ન જોઈએ એવી સમજ મારાં માતાપિતાને ન હતી. આખરે મને મણિ સાથે પરણાવી દેવામાં આવી હતી.

મારા મોટા ભાઈ ચરસ-ગાંજાનો વ્યસની હોવાને કારણે મરી ગયા હતા અને બીજા ભાઈ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. મોટાં બહેન પણ તેમના પતિના મૃત્યુ પછી ભાંગી ગયાં હતાં.

એ પછી ભાઈ અને બહેનનાં નાનાં બાળકોને મેં જ સંભાળ્યાં હતાં. હું બીજાનાં બાળકોને સંભાળું એ મારા પતિને પસંદ ન હતું. તેથી એ મને ત્રાસ આપતા હતા. હું મહેનત કરીને જે પૈસા કમાતી એ પૈસા તેઓ દારૂ પીવામાં ઉડાવી નાખતા હતા.

બીજી તરફ મારા પિતા મારાં માતા સાથે મારઝૂડ કરતા હતા. આખરે એક દિવસ તેમણે માહિમ રેલવે ટ્રેક પર આપઘાત કર્યો હતો.

line

'લોકોને મારું શરીર જોઈતું હતું'

ધનલક્ષ્મી

ઇમેજ સ્રોત, BBC/PRASHANT NANAWARE

ઇમેજ કૅપ્શન, નાની વયે વિધવા થયા બાદ વધી મુશ્કેલી

મારો મોટો દીકરો છ વર્ષનો થયો ત્યારે હું બીજી વખત ગર્ભવતી થઈ હતી. એ જ વખતે મારા પતિનું મૃત્યુ થયું હતું. હું બહુ નાની વયે વિધવા થઈ ગઈ હતી. તેથી બાળકોનાં પાલનપોષણની બધી જવાબદારી મારા પર આવી પડી હતી.

યુવા અવસ્થામાં હું સુંદર દેખાતી હતી. કામ મેળવવા બહુ રઝળપાટ કરતી હતી, પણ અનેક લોકો મને ખરાબ નજરે જોતા હતા.

વ્યવહારિક જ્ઞાન ઓછું હોવાને કારણે એવા લોકોના બોલવાનો અર્થ હું સમજી શકતી ન હતી. તેઓ મને કામ આપવા તૈયાર હતા, પણ કામના બદલામાં તેમને મારું શરીર જોઈતું હતું. મને તે પસંદ જ ન હતું, તેથી હું એ રસ્તે ક્યારેય ગઈ નહીં.

માહિમમાં રહેતાં રાજમ્મા જે. જે. સ્કૂલમાં કામ કરતાં હતાં. હું તેમની પાસે સતત કામની માગ કરતી હતી, પણ તેઓ ટાળ્યા કરતાં હતાં. પોતે જે. જે. સ્કૂલમાં ઝાડુ મારવાનું કામ કરતાં હોવાનું રાજમ્માએ મને કહ્યું હતું.

એક દિવસ હું રાજમ્માનો પીછો કરીને જે. જે. સ્કૂલમાં પહોંચી ગઈ. એ વખતે હું 24-25 વર્ષની હોઈશ. આખી સ્કૂલમાં ફરી વળી પણ રાજમ્માનો કોઈ પત્તો મળ્યો નહીં. રાજમ્માને શોધ્યા સિવાય હું સ્કૂલમાંથી પાછી જઈશ નહીં એવું મેં નક્કી કર્યું હતું. મને કામની સખત જરૂર હતી.

પાણી પીવા માટે હું એક બંધ ક્લાસરૂમની પાછળ ગઈ અને બારીમાંથી રૂમમાં ડોકિયું કર્યું. મને રાજમ્માના ઉઘાડા પગ દેખાયા, પણ એક વિદ્યાર્થીએ મને ત્યાંથી હઠાવી. મેં પૂછ્યું, રાજમ્મા અંદર છે? વિદ્યાર્થીએ મારું નામ પૂછીને મને રૂમમાં પ્રવેશ આપ્યો. એ પછી મેં જે દૃશ્ય જોયું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

રાજમ્મા તમામ વસ્ત્રો કાઢીને નગ્નાવસ્થામાં ઊભાં હતાં.

રાજમ્માએ બરાડીને સવાલ કર્યો કે "અહીં શા માટે આવી છે?" મને મરાઠી ભાષા આવડતી નથી. તેથી અમે તામિલ ભાષામાં વાત કરતાં હતાં.

મેં કહ્યું કે "શું કરું રાજમ્મા? મારાં બાળકો નાનાં છે. મને કામની સખત જરૂર છે. હું તમારા ભરોસે બેઠી છું, પણ તમે આ કેવું કામ કરો છો?"

રાજમ્માએ કહ્યું કે "આ કામ જ છે. તું અંદર આવી ગઈ છે અને તે અહીં બધું જોઈ લીધું છે. તેથી ભૂખ્યા પેટે મરવાને બદલે આ કામ કર. બહાર જઈને હોબાળો કરતી નહીં."

જોકે, મેં એ કામ કરવાનો ઇનકાર કર્યો હતો. હું વિચારવા લાગી કે આ તે કેવું કામ છે?

એ જ વખતે એસ. એમ. પવાર અને એમ. પી. પવાર સર રૂમમાં આવ્યા. હું કામ કરી શકીશ કે કેમ એવું તેમણે રાજમ્માને પૂછ્યું. રાજમ્માએ તેમને હા પાડી. રાજમ્માએ મને કહ્યું કે તારી નોકરી ફિક્સ થઈ ગઈ.

વિચાર કરીને જણાવીશ એવું મેં કહ્યું ત્યારે રાજમ્માએ બરાડીને કહ્યું કે "વિચાર પછી કરજે. અત્યારે કામ શરૂ કર. દિવસના 60 રૂપિયા મળશે. કપડાં પહેરીને બેસો તો 50 રૂપિયા. ન્યૂડ કામ ક્યારેક જ મળે છે, પણ તારું શરીર ઘાટીલું છે એટલે તને બધા વર્ગોમાં કામ મળશે."

મેં એ દિવસથી કામની શરૂઆત કરી હતી. નવાં મૉડલ આવ્યાનું જાણીને વિદ્યાર્થીઓમાં ધમાચકડી શરૂ થઈ ગઈ હતી. એક વિદ્યાર્થીએ મને બેસવા માટે ટેબલ આપ્યું. સર્વોત્તમ એંગલ મેળવવા બધા સારી જગ્યા શોધવા લાગ્યા હતા.

સર ક્લાસમાં આવ્યા અને મારું નામ પૂછ્યું. મેં કહ્યું કે મારું નામ ધનલક્ષ્મી છે. એ સાંભળીને તેઓ ખુશ થયા અને બોલ્યા કે "વાહ, તારા નામમાં તો ધન અને લક્ષ્મી બન્ને છે."

મને વિચાર આવ્યો કે મારી પાસે તો બેમાંથી એકેય નથી, પરંતુ માતા-પિતાએ સારું નામ રાખ્યું એટલે સરસ.

line

ન્યૂડ મૉડલ તરીકે સૌપ્રથમ અનુભવ

પૈસા માટે ન્યૂડ મૉડલ તરીકે કર્યું કામ

ઇમેજ સ્રોત, BBC/PRASHANT NANAWARE

ઇમેજ કૅપ્શન, પૈસા માટે ન્યૂડ મૉડલ તરીકે કર્યું કામ

મને બહુ શરમ આવતી હતી. મેં પૂછ્યું કે "અહીં પાર્ટિશન નથી?"

રાજમ્માએ સવાલ કર્યો કે "પાર્ટિશન શા માટે? તેની પાછળ કપડાં કાઢીને તું આટલું ચાલીને આવવાની છે? બહુ વિચાર કરીશ નહીં. અહીં જ કપડાં કાઢીને બાજુની ખુરશી પર રાખી દે."

દીપક નામના એક વિદ્યાર્થીને કહીને તેમણે ટેબલ મગાવી આપ્યું. ત્યારે મને બહુ રડવું આવ્યું હતું.

મારો દીકરો બે વર્ષનો હતો. એ સ્તનપાન કરતો હતો. તેથી મારાં સ્તન ભરેલાં હતાં, પણ વિદ્યાર્થીઓએ મને સમજાવ્યું કે તમે કોઈ ચિંતા કરશો નહીં. જેટલી વાર બેસી શકાય એટલી વાર બેસો. તમારે વિરામ જોઈતો હોય ત્યારે કહેજો.

બધાં કપડાં કાઢીને હું જેમ-તેમ બેઠી. વિદ્યાર્થીઓ ચિત્ર દોરતા હતા અને મારાં સ્તનમાંથી દૂધ ઝરતું હતું. હું આમતેમ જોઈ રહી હતી અને એ દૂધ હળવા હાથે લૂંછતી હતી. મારી મૂંઝવણ વિદ્યાર્થીઓના ધ્યાનમાં આવી ગઈ. બીજા દિવસે પાછા આવવાની શરતે તેમણે મને કામના અડધા દિવસે જ ઘરે જવાની પરવાનગી આપી હતી.

line

60 રૂપિયાથી 1000 રૂપિયા સુધી

એ સમયે કૉલેજમાં રાજમ્માનો બધા બહુ આદર કરતા હતા. વિદ્યાર્થીઓ તેમને પગે લાગતા હતા એ જોઈને મને આશ્ચર્ય થતું હતું. હું નવીસવી હતી અને મારી ઉંમર ઓછી હતી તેથી કોઈ મને પગે લાગતું ન હતું.

થોડા સમય પછી હું વિદ્યાર્થીઓ સાથે સારી રીતે હળીમળી ગઈ હતી. તેમની સાથે વાતચીત કરતી થઈ ગઈ હતી. કામ કરતાં-કરતાં ઘણું બધું શીખી. વિદ્યાર્થીઓ શું કામ કરે અને શા માટે કરે છે સમજાયું.

એ પાછળની વિચારસરણી સમજાઈ. છેલ્લાં 20-25 વર્ષથી આ કામ કરું છું, પણ જે. જે.ની પ્રતિષ્ઠાને ક્યારેય ડાઘ લાગવા દીધો નથી.

અત્યારે ન્યૂડ પેઇન્ટિંગ માટે બેસવાના 1,000 રૂપિયા મળે છે અને વસ્ત્રો સહિત મૉડલિંગ કરવા માટે 400 રૂપિયા. બીજાં મૉડલ લાવવાની શરૂઆત ધીમે-ધીમે મેં પોતે પણ કરી હતી. નવાં મૉડલને કામ માટે તૈયાર કરવાની જવાબદારી મારી હોય છે. હવે વિદ્યાર્થીઓ મને પગે લાગતા થયા છે.

અનેક કલાકારો મારો બહુ આદર કરે છે. મેં બાંદ્રામાં જગતાપ સર સાથે પણ બહુ કામ કર્યું છે. અગાઉ મારી પાસે મોબાઇલ ન હતો ત્યારે પીસીઓમાંથી ફોન કરીને નિશ્ચિત સ્ટુડિયોમાં જવું પડતું હતું.

મેં જાતજાતના કલાકારો સાથે કામ કર્યું. તેમણે પણ મને બહુ મદદ કરી છે. કોઈ કલાકારે મારી સામે ખરાબ નજરથી ક્યારેય જોયું નથી. કામ પૂર્ણ થાય પછી હું આર્ટ ગૅલરીમાં જઈને કલાકારોની કૃતિઓ પણ જોઉં છું.

સર જે. જે. મહાવિદ્યાલયના જોન ડગ્લસ સરે મને બહુ મદદ કરી છે. અમારા માટે બાળકોની પરીક્ષાનો સમય બહુ જ મહત્ત્વનો હોય છે. ઘરમાં મરણ થયું હોય તો પણ કામ પર જવું જ પડે, કારણ કે બાળકોના ભવિષ્યનો સવાલ હોય છે. તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી.

રવિ જાધવ, કલ્યાણી મૂળ્યે બહુ સારા માણસો છે. અમે સાથે બહુ વાતો કરી છે. 'ન્યૂડ' ફિલ્મમાં મારી કથા છે. મને એ ફિલ્મ ગમી, પણ તેનો અંત મને ન ગમ્યો.

એપ્રિલમાં જે. જે. મહાવિદ્યાલયમાં યોજાયેલા કાર્યક્રમમાં કલ્યાણી સ્ટેજ પર આવી ત્યારે લોકોએ જેટલી તાળીઓ વગાડી હતી, તેના કરતાં વધારે તાળીઓ મારા માટે વગાડી હતી. એ સર્વોચ્ચ આનંદની ક્ષણ હતી.

ફિલ્મ બહુ વખણાઈ છે. લોકોને લાગતું હશે કે એ ફિલ્મ માટે મને બહુ બધા પૈસા મળ્યા હશે, પણ મને માનધન તરીકે એક સાડી અને 20,000 રૂપિયા જ આપવામાં આવ્યા છે. જે પૈસા મળ્યા એ બધા કરજ ચૂકવવામાં વપરાઈ ગયા છે.

હું ન્યૂડ મૉડલ તરીકે કામ કરું છું, એ મેં મારાં બાળકોને ક્યારેય જણાવ્યું ન હતું. મેં તેમને કહેલું કે હું મહાવિદ્યાલયમાં સફાઈનું, પ્રાધ્યાપકો માટે ચા બનાવવાનું અને મૉડલિંગનું કામ કરું છું.

જોકે, આ ફિલ્મ પ્રદર્શિત થવાની હતી એ પહેલાં મેં બાળકોને એ વિશે જણાવ્યું હતું. મેં તેમને કહેલું કે ફિલ્મમાં હું નથી, પણ કથા મારી જ છે. એ સાંભળીને તેઓ હસવા લાગ્યા હતા. ફિલ્મ પ્રદર્શિત થયા પછી તેમને હકીકત સમજાઈ હતી. શરૂઆતમાં તેમને ગમ્યું ન હતું, પણ પછી મેં તેમને વિગતવાર સમજાવ્યું હતું.

જે. જે. મહાવિદ્યાલયમાં મોટો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પણ મેં મારા પરિવારજનોને બોલાવ્યા ન હતા. એ બધાએ બાદમાં ટીવી પર કાર્યક્રમ જોયો હતો અને તેમને સારું લાગ્યું હતું. મમ્મીને બહાર કેટલો બધો આદર મળે છે, એ જાણીને તેમને આનંદ થયો હતો. તેમને મારા પ્રત્યે ગર્વ થયો હતો.

મારી મોટી પુત્રવધુએ પણ હકીકત સ્વીકારી લીધી છે એ જાણીને બહુ આનંદ થાય છે.

line

વસવસો યથાવત્

આટલાં વર્ષો સુધી ન્યૂડ મૉડલ તરીકે કામ કર્યા છતાં હાથમાં કશું બચ્યું નથી

ઇમેજ સ્રોત, BBC/PRASHANT NANAWARE

ઇમેજ કૅપ્શન, આટલાં વર્ષો સુધી ન્યૂડ મૉડલ તરીકે કામ કર્યા છતાં હાથમાં કશું બચ્યું નથી

આટલાં વર્ષો સુધી ન્યૂડ મૉડલ તરીકે કામ કર્યા છતાં હાથમાં કશું બચ્યું નથી. હાલ હું મારાં સંતાનો સાથે કુર્લામાં રહું છું, પણ માથે પોતાના ઘરની છત નથી. પેટનો ખાડો પૂરવાના સંઘર્ષમાં બાળકોને ન ભણાવી શકવાનો રંજ છે.

મારા બન્ને દીકરાઓ પરેલમાં મોબાઇલની દુકાનમાં કામ કરે છે. મોટાં દીકરીના લગ્ન થઈ ગયાં છે અને તેને ત્યાં ચાર વર્ષનો દીકરો છે. પૈસાની અછત કાયમ રહે છે.

રજાઓને કારણે મહાવિદ્યાલય બંધ છે. તેથી ચર્ની રોડના એક લેડિઝ ટૉઈલેટમાં દિવસના 200 રૂપિયાના પગારે સુપરવાઇઝર તરીકે કામ કરું છું.

અનેક કલાકારો મોટા થઈ ગયા, પણ અમારા જેવા પ્રત્યે કોઈએ ધ્યાન આપ્યું નથી એ દુઃખની વાત છે. હું વિધવા છું. મને પેન્શન મળતું નથી. અમારા માટે કોઈ સરકારી યોજના પણ નથી. શરીર સારું હશે ત્યાં સુધી કામ મળતું રહેશે, પણ એ પછી શું તેનો ડર સતત લાગ્યા કરે છે.

(શબ્દાંકન: પ્રશાંત નનાવરે)

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો