ઇઝરાયલમાં યોજાનાર ચાર અરબ દેશ અને અમેરિકાની મહત્ત્વપૂર્ણ બેઠક ભારત માટે કેમ અગત્યની?

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇઝરાયલ અને અરબ દેશોના પારસ્પરિક સંબંધો સુધરતા જણાય છે. આ કડીમાં ઇઝરાયલમાં ચાર અરબ દેશોના એક મોટા સમ્મેલનનું આયોજન થઈ રહ્યું છે, જેમાં સામેલ થવા માટે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન પણ પહોંચી ગયા છે.

ઇઝરાયલી પીએમ નફ્તાલી બેનૅટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી પીએમ નફ્તાલી બેનૅટ

આ સમ્મેલનમાં સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, મોરક્કો અને ઇજિપ્ત (મિસર)ના વિદેશમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. ઇઝરાયલ આટલા બધા અરબ દેશોના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનું આયોજન કરી રહ્યો હોય એવું પહેલી જ વાર બની રહ્યું છે.

આ બેઠક ઇઝરાયલના રણપ્રદેશ નેગેવમાં યોજાઈ રહી છે અને આશા રાખવામાં આવે છે કે આ બેઠકમાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની સાથે જ ઈરાન પરમાણુ સમજૂતી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

રશિયાને એકલા પાડી દેવાના પોતાના ઉદ્દેશ સાથે અમેરિકા મધ્યપૂર્વના દેશોનું સમર્થન ઇચ્છે છે. પરંતુ આ ક્ષેત્રમાં રહેલા કોઈ પણ દેશ રશિયા પર આકરા પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી.

આ દેશોને બીક છે કે એની અસર ઘઉંની આયાત પર પડી શકે છે.

જેરુસલેમથી બીબીસી સંવાદદાતા યોલાંદે નેલે જણાવ્યું કે, "એવું પહેલી વાર બની રહ્યું છે જેમાં ઇઝરાયલ આ પ્રકારના ઐતિહાસિક સમ્મેલનનું આયોજન કરી રહ્યું છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે મધ્યપૂર્વમાં અમેરિકાના સહયોગી દેશોને સમાન હિતો કઈ રીતે એકજૂથ કરે છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન

ઇઝરાયલી વિદેશમંત્રી યાએર લૅપિડની સાથે આ બેઠકમાં યુએઈ, બહેરીન, મોરક્કો, ઇજિપ્તના વિદેશમંત્રીઓ અને અમેરિકાના એન્ટની બ્લિંન્ક ભાગ લેશે.

આ બેઠકના સમયને મહત્ત્વનો ગણાવતાં જેરુસલેમમાંના બીબીસીના સહયોગી પત્રકાર હરેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, "આ ટાઇમિંગ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કેમ કે મધ્યપૂર્વમાં એક પ્રકારે રિ-અલાઇન્મેન્ટ થઈ રહ્યું છે. અમેરિકાનાં જેટલાં પણ સહયોગી રાષ્ટ્ર છે એમાં થોડો ખળભળાટ થઈ ગયો છે."

"ખાસ કરીને અફઘાનિસ્તાનની બાબતમાં અમેરિકાનો જેવો અભિગમ રહ્યો ત્યાર બાદ લોકો એક પ્રકારની અસુરક્ષિતતાનો અનુભવ કરે છે. આ દૃષ્ટિએ જોઈએ તો આ બેઠક ખૂબ જ મહત્ત્વની છે, ખાસ કરીને એટલા માટે કે અમેરિકા પણ એમાં ભાગ લઈ રહ્યું છે."

તેમણે કહ્યું કે, "અમેરિકન વિદેશમંત્રી આ બધા દેશોને આશ્વાસન આપતા જણાય છે કે તેઓ એમની સાથે ઊભા છે અને એમની સુરક્ષાની જવાબદારી અમેરિકાની પણ છે. આ ઉપરાંત આ બેઠકમાં આર્થિક પ્રવૃત્તિ, એનર્જી સિક્યૉરિટી વધારવાની રીતો પર પણ ચર્ચા થશે."

હરેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, "આ બેઠકના વ્યૂહાત્મક મહત્ત્વને પણ નજરઅંદાજ કરી શકાય એમ નથી, કેમ કે એક બાજુ, અમેરિકા મધ્યપૂર્વમાં પોતાની શાખ ગુમાવતો દેખાય છે અને આ બેઠકથી એવું લાગે છે કે તે આ બધા દેશોને ફરીથી એકજૂથ કરવાની કવાયત શરૂ કરવા જઈ રહ્યો છે."

ઇઝરાયલ માટે આ બેઠક મહત્ત્વની છે, કેમ કે દાયકાઓથી એ પ્રયત્ન કરી રહ્યો છે કે પેલેસ્ટાઇનની બાબતને અલગ રાખીને આ ક્ષેત્રના બાકીના દેશો સાથે એના સ્વતંત્ર સંબંધો હોય. આ દૃષ્ટિએ જોઈએ તો ઇઝરાયલને એમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

આ બેઠકનું પ્રતીકાત્મક મહત્ત્વ પણ છે. કેમ કે આ બેઠક નેગેવમાં યોજાઈ રહી છે, જે ઇઝરાયલના પ્રથમ વડા પ્રધાન ડેવિન બેન-ગુરિયનનું ઘર પણ છે.

એવું પણ કહેવાય છે કે ઇઝરાયલ તરફથી એવો પ્રયાસ થઈ રહ્યો છે કે આ બધા મહેમાનોને બેન-ગુરિયનના સ્મારકસ્થળે લઈ જવાય. જોકે, હજુ સુધી આ બાબતને કાર્યક્રમમાં સાંકળવામાં નથી આવી.

line

શા કારણે અમેરિકા માટે અગત્યની?

ઇઝરાયલ પહોંચેલા અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ પહોંચેલા અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકન

રશિયા-યુક્રેન યુદ્ધ પછી ઊર્જા સંકટ વિશેની ચર્ચાઓ જોરમાં છે અને એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની વધતી જતી કિંમત, એવા મુદ્દા છે જેમાં મધ્યપૂર્વના બધા દેશ, ખાસ કરીને સાઉદી અરબ કે અમેરિકાના અન્ય સહયોગી દેશ, મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

રશિયા અને યુક્રેનનો મામલો અત્યારે ભલે ચર્ચાઈ રહ્યો છે પરંતુ ઇઝરાયલ માટે ઈરાનનો મુદ્દો પણ ખૂબ મહત્ત્વનો છે. બેઠકમાં ભાગ લેનારા બધા દેશો માટે પણ ઈરાન અને ઈરાનની પરમાણુ સમજૂતી ખૂબ અગત્યની બાબત છે. સુરક્ષાની દૃષ્ટિએ એ એમના માટે મહત્ત્વપૂર્ણ છે.

હરેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, "ચર્ચાઓ એવી છે કે પરમાણુ સમજૂતી બાબતે અમેરિકા થોડો નરમ પડ્યો છે. પરંતુ ઇઝરાયલના સ્થાનિક મીડિયામાં એ વાત પર ભાર મુકાઈ રહ્યો છે કે આ દેશોને અમેરિકા તરફથી આશ્વાસન અપાશે કે મિત્રરાષ્ટ્ર પરેશાન ન થાય, કેમ કે અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમને કોઈ પણ રીતે સફળ નહીં થવા દે."

line

'ઇઝરાયલનું ધર્મસંકટ ભારત જેવું'

ઇઝરાયલમાં યોજાનાર ચાર અરબ દેશ અને અમેરિકાની મહત્ત્વપૂર્ણ બેઠક

ઇમેજ સ્રોત, OLIVIER DOULIERY/POOL/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલમાં યોજાનાર ચાર અરબ દેશ અને અમેરિકાની મહત્ત્વપૂર્ણ બેઠક

આ સમ્મેલન ઇઝરાયલ માટે પણ ખૂબ જ અગત્યનું છે. હરેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, "ઇઝરાયલ એ જ રીતે ધર્મસંકટમાં મુકાયું છે જે રીતે ભારત. બંને માટે આકરા નિર્ણયની ઘડી છે કે તેઓ કઈ બાજુ જાય."

"અમેરિકાના નજીકના સહયોગી હોવા ઉપરાંત ઇઝરાયલના પ્રયાસ એવા રહ્યા છે કે તે મધ્યસ્થની ભૂમિકામાં પોતાને આગળ વધારે, કેમ કે એને ખબર છે કે રશિયાને નજરઅંદાજ કરી શકાય એમ નથી."

"હાલની સ્થિતિએ જોઈએ તો રશિયા પાસે મધ્યપૂર્વને અસ્થિર કરી દેવાની ક્ષમતા છે. સીરિયામાં જે રીતે રશિયાની હાજરી રહી એની ખૂબ જ ખરાબ અસર ઇઝરાયલ પર પડી શકે છે."

"ઇઝરાયલ ભારત જેવી જ સ્થિતિમાં છે, પરંતુ એના પ્રયાસ એવા છે કે કોઈક રીતે અમેરિકા નારાજ ન થાય અને સાથોસાથ તે એવું કશું કરે જેનાથી પોતે બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની સકારાત્મક ભૂમિકામાં દેખાય. ઇઝરાયલ અમેરિકાને સાથ આપતું નજરે પડે છે પરંતુ એ પૂર્ણપણે રશિયાનો વિરોધી પણ નથી જણાતો."

line

બેઠક સાથે ભારતને કશો સંબંધ છે?

વિદેશમંત્રી એસ. જયશંકર ગયા વર્ષના ઑક્ટોબરમાં ઇઝરાયલના પ્રવાસે ગયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદેશમંત્રી એસ. જયશંકર ગયા વર્ષના ઑક્ટોબરમાં ઇઝરાયલના પ્રવાસે ગયા હતા

આવતા અઠવાડિયે ઇઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનૅટ ભારતના પ્રવાસે આવવાના છે પરંતુ એ પહેલાં 30 તારીખે ઇઝરાયલના સુરક્ષામંત્રી ભારત આવી રહ્યા છે.

હરેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, "ઇઝરાયલમાં પણ એવું કહેવાઈ રહ્યું છે અને સમ્મેલનમાં ભાગ લઈ રહેલાં અન્ય રાષ્ટ્રોનું પણ માનવું છે કે ભારત એમના 'એક્સ્ટેન્ડેડ નેબરહૂડ'નો ભાગ છે. આ બધાં રાષ્ટ્રોના એક્સ્ટેન્ડેડ નેબર હૂડમાં સૌથી પહેલું નામ ભારતનું આવે છે."

"જો તમે ધ્યાનથી જુઓ તો ગયા વરસે ઑક્ટોબરમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અહીં આવેલા એ વખતે એક અલગ ક્વોડનું ગઠન થયેલું. કહેવાય છે કે એ પૂર્ણપણે આર્થિક સહયોગની દૃષ્ટિએ થયું હતું. એમાં પણ અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સામેલ થયા હતા."

"યુએઈના વિદેશમંત્રી અબદુલ્લા બિન ઝાયદ અલ-નાહ્યાન પણ સામેલ થયા હતા. એ ક્વોડ યુએઈ, અમેરિકા, ભારત અને ઇઝરાયલની હતી. ત્યાર બાદ આર્થિક સહયોગ વધારવા માટે સતત વાટાઘાટ ચાલી રહી છે."

આ અરબ રાષ્ટ્રો સાથેના ભારતના સંબંધો પહેલાંથી જ સારા રહ્યા છે અને ઇઝરાયલે પણ એમની સાથે સંબંધ સુધારવાની શરૂઆત કરી દીધી છે. એ જોતાં, દેખીતું છે કે આ બેઠક ભારત માટે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો