World Blood Donor Day 2021 : 'લોહી બદલ્યાને 28 દિવસ થઈ ગયા હતા, જો મોડું થયું હોત તો...' થેલેસેમિયાગ્રસ્ત બાળકીનાં માતાની આપવીતી

વડોદરાનાં સિમરન માટે રક્ત મેળવવા માટે તેમનાં માતાપિતાએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ દસ દિવસ સુધી લોહી નહોતું મળી શક્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડોદરાનાં સિમરન માટે રક્ત મેળવવા માટે તેમનાં માતાપિતાએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ દસ દિવસ સુધી લોહી નહોતું મળી શક્યું
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

"અમારી દીકરી સિમરન થેલેસેમિયા મેજર છે. તેને દર 15 દિવસે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવાની જરૂર પડે છે. પરંતુ આ વખત એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર વખતે અમને તેના માટે 25 દિવસ સુધી લોહી નહોતું મળ્યું."

"જેના કારણે તે શારીરિકપણે નબળી પડતી જતી હતી. તેને અશક્તિ રહેવા લાગી હતી. દરેક પસાર થતાં દિવસની સાથે તેની હાલત વધુ ને વધુ બગડતી જઈ રહી હતી."

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામનાં આયેશા સિંધી પોતાનાં 16 વર્ષીય દીકરી સિમરન માટે લોહી મેળવવા તેમણે વેઠવી પડેલી મુશ્કેલીઓ વિશે વાત કરતાં અત્યંત ગમગીન બની જાય છે.

તેઓ આગળ પોતે એ દિવસો દરમિયાન પોતાનાં દીકરી માટે લોહી મેળવવા કરવા પડેલ સંઘર્ષ વિશે જણાવતાં કહે છે કે, "આ તો સારું થયું કે અંતિમ ક્ષણોમાં લોહીની વ્યવસ્થા થઈ ગઈ પરંતુ જો ન થાત તો..."

આયેશાની જેમ ઘણાં માતાપિતાએ આવી શક્યતા વિશે વિચારીને પોતાના લાડકવાયાને ગુમાવવાની શક્યતાના દુ:ખદ અનુભવમાંથી, નબળી મન:સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું.

આયેશાની જેમ ઘણાં માતાપિતાએ આવી શક્યતા વિશે વિચારીને પોતાના લાડકવાયાને ગુમાવવાની શક્યતાના દુ:ખદ અનુભવમાંથી, નબળી મન:સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આયેશાની જેમ ઘણાં માતાપિતાએ આવી શક્યતા વિશે વિચારીને પોતાના લાડકવાયાને ગુમાવવાની શક્યતાના દુ:ખદ અનુભવમાંથી, નબળી મન:સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું

કંઈક આવી જ મુશ્કેલી વડોદરાનાં એક નવ વર્ષીય બાળકીને વેઠવી પડી હતી.

તેમનું પણ 25 દિવસ સુધી બ્લડ ટ્રાન્સફ્યુઝન થઈ શક્યું નહોતું. તેમનાં માતાપિતાને લોહી મેળવવામાં મદદ કરનાર એક મહિલાએ જણાવ્યું હતું કે, "માત્ર નવ વર્ષની એ બાળકીનું હિમોગ્લોબિન લેવલ આઠ થઈ ચુક્યું હતું. તેને બ્લડ ટ્રાન્સફ્યુઝનની તાતી જરૂરિયાત હતી."

"તેનાં માતાપિતા ઘણા દિવસોથી તેના માટે લોહી મેળવવા મથી રહ્યાં હતાં. પરંતુ બ્લ્ડ બૅંક પાસે આ બાળકીના રક્તજૂથવાળું લોહી ઉપલબ્ધ નહોતું. ત્યાર બાદ સ્થાનિક વૉટ્સઍપ ગ્રૂપોમાં મદદ માગી અમે માંડ માંડ રક્તની વ્યવસ્થા કરી."

મહિલા જણાવે છે કે, "જો બાળકીને રક્ત મળવામાં હજુ વધારે મોડું થયું હોત તો તેનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું હોત, જે કારણે તેનું મૃત્યુ પણ થઈ શક્યું હોત."

બીબીસી ગુજરાતીને માહિતી અધિકારની અરજી સંદર્ભે મળેલા એક જવાબમાં જાણવા મળ્યું હતું કે સમગ્ર ભારતમાં રક્તદાન થકી મળેલા લોહીના આંકડામાં 21 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સિમરન જેવાં જરૂરિયાતમંદ બાળકોને સમયસર લોહી મળી રહે તે માટે પ્રયત્ન કરતી સંસ્થાઓ ચલાવનારા કેટલાક સેવાભાવી લોકોનું માનવું છે કે રક્તદાનના આ પ્રમાણમાં થયેલા ઘટાડા માટે લોકોના મનમાં બેસી ગયેલી કોરોનાના સંક્રમણની બીક જવાબદાર છે.

આ અંગે વધુ વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

નૅશનલ ઍઇડ્સ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન દ્વારા અપાયલી માહિતી અનુસાર વર્ષ 2020-21 દરમિયાન સમગ્ર ભારતમાંથી બ્લડ ડૉનેશન થકી 1,01,24,565 યુનિટ રક્ત મળ્યું હતું.

જોકે, આ પહેલાં વર્ષ 2019-20માં આ આંકડો 1,27,27,288 હતો.

એટલે કે, વર્ષ 2020-21 દરમિયાન સમગ્ર ભારતમાં રક્તદાનમાં લગભગ 26 લાખ યુનિટનો ઘટાડો નોંધાયો હતો.

નોંધનીય છે કે નિષ્ણાતો અને સરકારી સંસ્થાઓના મતે ભારતમાં જેટલા રક્તની જરૂરિયાત હોય છે તેની સરખામણીએ રક્તદાનનું પ્રમાણ ઓછું છે. તેમાં પણ કોરોનાની મહામારીએ આ સમસ્યા વધુ વિકટ બનાવી હોવાનું કહેવાય છે.

અહીં નોધનીય છે કે એક યુનિટ રક્ત 350 મિલીલિટર રક્ત બરોબર હોય છે.

આમ, પાછલાં વર્ષે સમગ્ર ભારતમાંથી અંદાજે 9,10,000 લિટર રક્તદાન ઓછું થયું છે.

બીબીસી ગુજરાતી દ્વારા કરાયેલી એક માહિતી અધિકારની અરજી પરથી આ ખુલાસો થયો હતો.

line

'કોરોના બન્યું ગ્રહણ'

સમગ્ર ભારતમાં કોરોનાકાળમાં રક્તદાન ઘટતાં જરૂરિયાતમંદ દર્દીઓને મુશ્કેલી પડી હતી (પ્રતીકાત્મક તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સમગ્ર ભારતમાં કોરોનાકાળમાં રક્તદાન ઘટતાં જરૂરિયાતમંદ દર્દીઓને મુશ્કેલી પડી હતી (પ્રતીકાત્મક તસવીર)

વડોદરાસ્થિત બૂંદ થેલેસેમિક ફાઉન્ડેશનના અંશુલ ગોયલ આવા થેલેસેમિયા અને અન્ય માંદગીઓથી ગ્રસ્ત લોકોને નિયમિતપણે સમયસર લોહી મળી રહે તે માટે કામ કરે છે.

તેઓ કહે છે કે, "અમે વડોદરામાં જ કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે ઘણા લોહીની જરૂરિયાતવાળા વ્યક્તિઓને લોહી મેળવવા માટે ઘણા પ્રયાસો કરવા પડ્યાનું નોંધ્યું છે. ઘણી વખત તો લોકોને લોહી મળવામાં એટલું મોડું થઈ જતું હોય છે કે તેઓ સાવ મૃત્યુની સમીપ આવી ગયા હોય છે. ખાસ કરીને કોરોનાકાળમાં આ મુશ્કેલી વધુ વિકટ બની છે."

તેમણે કહ્યું કે સામાન્યપણે થેલેસેમિયાગ્રસ્ત લોકો, કૅન્સરગ્રસ્ત લોકો અને જુદીજુદી સર્જરી દરમિયાન જે લોકોને લોહીની જરૂરિયાત હોય છે, તેમને આ સમયમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. મોટા ભાગે તેમને લોહી મેળવવામાં પહેલાં કરતાં વધુ સમય લાગવા માંડ્યો છે. જેથી ઘણા બધા લોકોના સ્વાસ્થ્ય પર અવળી અસર પડી છે.

અંશુલ કહે છે કે, "જુદીજુદી સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે થયેલી વાતચીત અનુસાર ભારતમાં ઘણા ગ્રામીણ વિસ્તારોમાં રક્તની જરૂરિયાતવાળા અમુક લોકોને રક્ત મળવામાં મોડું થવાને કારણે પોતાના જીવ ગુમાવવા પડ્યા હોવાનાં ઉદાહરણો પણ જોવાં મળ્યાં છે."

તેઓ કહે છે કે આ વાત એટલા માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે દરેક સ્વસ્થ વ્યક્તિ એક ડૉનર હોય છે. આટલી મોટી જનસંખ્યાવાળા દેશમાં જો લોકો રક્તની કમીના કારણે ગુજરી જાય, તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ જ કહી શકાય.

line

કેમ ઘટ્યું રક્તદાન?

ભારતમાં મોટી સંખ્યામાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીઓને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત રહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં મોટી સંખ્યામાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીઓને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત રહે છે

કોરોના દરમિયાન રક્તદાન ઘટવાનાં કારણો અંગે વાત કરતાં અંશુલ જણાવે છે કે, "આ ઘટાડાનું સૌથી મોટું કારણ હતું કોરોનાની બીક. પાછલા લગભગ દોઢ વર્ષથી આપણે કોરોનાકાળમાં જીવી રહ્યા છીએ. આ સમયગાળામાં લોકો પોતાની અને પોતાના પરિવારને લઈને એટલા સાવધાન થઈ ગયા છે કે તેઓ રક્તદાન માટે બ્લડબૅંક કે હૉસ્પિટલમાં જવાનું ટાળી રહ્યા છે."

"તેમને બીક હોય છે કે પરોપકારનું કામ કરવા જતાં જો કમનસીબે તેમને કોરોનાનો ચેપ લાગશે તો તેઓ જ્યાં એક બાજુ બીજાનો જીવ બચાવવા માટે આવ્યા હતા ત્યાં તેઓ પોતાનો અને પોતાના પરિવારજનોના જીવ પર ખતરો ઊભો કરશે."

તેઓ કહે છે કે કોરોનાના કારણે સર્જાયેલા ડરનું વાતાવરણ ભારતમાં ઘટેલા રક્તદાનના આંકડા માટે સૌથી વધુ જવાબદાર છે.

ત્યારબાદ બીજા કારક સ્વરૂપે તેઓ કોરોનાના કારણે લદાયેલા પ્રતિબંધોને માને છે.

અંશુલ જણાવે છે કે, "પહેલાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સામાન્ય જનજીવન પર કેટલાક પ્રતિબંધો લાદી દેવાયા અને પછી બીજી લહેર સમયે પણ આવું કંઈક થયું. પ્રતિબંધોને કારણે ઘણી અન્ય પ્રવૃત્તિઓની જેમ રક્તદાન અને તેના આયોજનને લગતી પ્રવૃત્તિઓ પણ બાધિત બની જેના કારણે રક્તદાનના આંકડામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે."

line

આકસ્મિક ઘટાડા સામે ઝઝૂમવા શું કરાયું?

આકસ્મિક સંજોગો માટે 24 કલાક માટેની હેલ્પલાઇન શરૂ કરાઈ હતી, જેથી કોઈ પણ દર્દીને રક્તના અભાવના કારણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આકસ્મિક સંજોગો માટે 24 કલાક માટેની હેલ્પલાઇન શરૂ કરાઈ હતી, જેથી કોઈ પણ દર્દીને રક્તના અભાવના કારણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે

ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી, જે ભારતમાં સંકટગ્રસ્ત જૂથો માટે તમામ પ્રકારની મેડિકલ સહાયતા ઉપલબ્ધ કરાવવાના કાજ સાથે જોડાયેલી એક મોટી સંસ્થા છે, તેના બ્લડ બૅંકના કામકાજને સંભાળતાં ડૉ. વનશ્રી સિંઘ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

વાતચીત દરમિયાન તેમણે સરકાર અને સોસાયટી દ્વારા કોરોનાના કારણે રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ રહે તે હેતુથી કયાં પગલાં ભરાયાં તે અંગે માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, "જ્યારે 24 માર્ચના દિવસે લૉકડાઉનની શરૂઆત થઈ ત્યારથી અમે લોકોને જાગૃત કરવાનું કામ શરૂ કરી દીધું હતું. જે લોકો રક્તદાન કરવા માટે ઇચ્છુક હતા તેમના માટે સ્થાનિક તંત્ર સાથે વાતચીત કરીન ઍમ્બુલન્સ કે અન્ય વાહનની વ્યવસ્થા કરાવીને બ્લડ બૅંક બોલાવીને રક્તદાન કરાવવામાં આવતું હતું."

આ સિવાય ડૉ. વનશ્રી જણાવે છે કે, "જે લોકોને અવારનવાર બ્લડની જરૂરિયાત હોય છે તેમને અમે સ્થાનિક ગ્રૂપો થકી મદદ માગીને રક્ત મેળવવા માટે સૂચન કર્યું હતું. જોકે, થોડા સમય બાદ આ ઘટાડો એટલો મોટો રહ્યો નહોતો. જેથી વધુ તકલીફ પડી નહોતી."

તેમજ તેમણે કહ્યું હતું કે કોરોનાના સમયગાળામાં લોકોને ચેપથી બચાવી સુરક્ષિત રક્તદાન સુનિશ્ચિત કરાવવા માટે સરકારી તમામ ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન કરાયું હતું.

તેમજ આકસ્મિક સંજોગો માટે 24 કલાક માટેની હેલ્પલાઇન શરૂ કરાઈ હતી, જેથી કોઈ પણ દર્દીને રક્તના અભાવના કારણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

નોંધનીય છે કે નૅશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇન અને ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટીના સૂચન અનુસાર કોરોનાની વૅક્સિન લીધા બાદ 28 દિવસ સુધી જે તે વ્યક્તિ રક્તદાન નથી કરી શકતી.

કંઈક આવી જ માર્ગદર્શિકા કોરોનાથી સાજા થયેલા અને તેમના નિકટ સંપર્કમાં આવેલા લોકો માટે પણ છે. કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ નૅગેટિવ રિપોર્ટ આવ્યાના 28 દિવસ બાદ સુધી તેઓ રક્તદાન કરવા માટે લાયક ઠરતા નથી.

તેમજ નિકટ સંપર્કમાં આવેલા લોકોએ નૅગેટિવ રિપોર્ટ આવ્યાના અમુક દિવસો બાદ રક્તદાન કરવાની મંજૂરી આપવામાં આવે છે.

line

આગામી દિવસોમાં ઓછું રક્તદાન બની શકે છે મુસીબત?

ઘણા ગરીબ પરિવારોનાં બાળકો થેલેસેમિયાગ્રસ્ત હોવાના કારણે મોટી સંખ્યામાં સંસ્થાઓ દ્વારા બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ તે મોટા ભાગે અપૂરતી સાબિત થતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા ગરીબ પરિવારોનાં બાળકો થેલેસેમિયાગ્રસ્ત હોવાના કારણે મોટી સંખ્યામાં સંસ્થાઓ દ્વારા બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ તે મોટા ભાગે અપૂરતી સાબિત થતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠે છે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, કોરોનાના કારણે લોકોનાં મનમાં રહેલા ભય અને અન્ય પ્રતિબંધોને કારણે ભારતમાં આવનારા દિવસોમાં બ્લડ ડૉનેશનના આંકડામાં ચિંતાજનક ઘટાડો જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

પહેલાંથી ઓછા બ્લડ ડૉનેશનની સમસ્યાનો સામનો કરી રહેલી બ્લડ બૅંકો સામે કોરોનાના રસીકરણની પ્રક્રિયા પણ એક પડકાર બનીને ઊભી છે.

કારણ કે સરકારી ગાઇડલાઇન અનુસાર રસીકરણ થયાના 28 દિવસ સુધી જે-તે વ્યક્તિ રક્તદાન ન કરી શકે. આના કારણે નિષ્ણાતોનો અંદાજ છે કે આવનારા દિવસોમાં ભારતાં દસ લાખ બ્લડ યુનિટની ખોટ સર્જાશે.

આવી પરિસ્થિતિમાં વધુ એક ચિંતાજનક વલણ બ્લડ ડિસકાર્ડ કરવાની સમસ્યા પણ છે.

બીબીસી ગુજરાતીને માહિતી અધિકારની અરજી અંતર્ગત મળેલા આંકડા અનુસાર ઓછા થયલા બ્લડ કલેક્શન દરમિયાન પણ બ્લડ ડિસકાર્ડ કરવાનું પ્રમાણ કુલ કલેક્શનના છ ટકા જેટલો રહ્યો હતો.

જેને અંશુલ ગોયલ જેવા કાર્યકર્તાઓ ચિંતાજનક વલણ ગણાવે છે.

line

રક્તદાનના ફાયદા અને ગેરમાન્યતાઓ

રક્તદાનથી માત્ર જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવો સીમિત લાભ થતો નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રક્તદાનથી માત્ર જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવો સીમિત લાભ થતો નથી

ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટીની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર રક્તદાનથી માત્ર જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવો સીમિત લાભ થતો નથી.

રક્તદાન કરવાથી હૃદયસંબંધી સમસ્યાઓ સર્જાવાની સંભાવના ઘટી જાય છે.

ખાસ કરીને પુરુષોમાં રક્તદાન કરવાથી રક્તમાં લોહતત્ત્વનું પ્રમાણ મેન્ટેઇન થાય છે જેથી હૃદયરોગના હુમલાની શક્યતામાં નોધપાત્ર ઘટાડો કરી શકે છે.

આ સિવાય સ્ટ્રૉક જેવા ભયાનક હુમલાને પણ માત્ર નિયમિત રક્તદાનથી અમુક અંશે ટાળી શકાય છે.

આ સિવાય રક્તદાનથી નવા રક્તકણો બનવાની ક્રિયા ઝડપી બને છે.

તેમજ રક્તદાનથી અનેક પ્રકારના કૅન્સર સામે કુદરતીપણે રક્ષણ હાંસલ કરી શકાય છે.

જોકે, ઘણા લોકો એવી ગેરમાન્યતા ધરાવે છે કે રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ કે અશક્તિ આવી જાય છે. જે બિલકુલ સાચી નથી હોતી.

રક્તદાન સાથે જોડાયેલી માન્યતાઓ પૈકી શું સાચું અને શું ખોટું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રક્તદાન સાથે જોડાયેલી માન્યતાઓ પૈકી શું સાચું અને શું ખોટું?

ઊલટાનું રક્તદાન કરવાથી શરીરમાં રક્તસર્જનની ક્રિયા વધુ ઝડપી બને છે અને માત્ર બે માસની અંદર બ્લડ ડૉનેશનના કારણે ગુમાવેલા તમામ રક્તકણો શરીર પાછા બનાવી લે છે.

આ સિવાય રક્તદાન કરનાર વ્યક્તિને નિયમિત પોતાના સ્વાસ્થ્ય અંગે પણ ઉપયોગી માહિતી મળતી રહે છે. તેમને રક્તદાન કરવા માટે હેલ્થ સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડે છે અને રક્તદાન કરવાથી તેમને મિની બ્લડ ટસ્ટ કરાવ્યા મુજબની તમામ માહિતી મળી જાય છે.

જો આવી પરિસ્થિતિમાં કોઈ દાતા અમુક રોગ માટે પૉઝિટિવ મળી આવે તો તેમની ઓળખ અને માહિતીની ગુપ્તતાની યોગ્ય કાળજી લઈ તેમને આ અંગે સમયસર જાણ કરવામાં આવે છે.

આમ રક્તદાનથી માત્ર પોતાની જ કે લોહી મેળવનારની જ નહીં. પરંતુ સમગ્ર સમાજની સર્વોચ્ચ સેવા કરવાની તક તમામ સ્વસ્થ લોકોને પ્રાપ્ત થાય છે.

રક્તદાન માટે સામાન્ય જીવનમાં 'મહાદાન' એવો શબ્દપ્રયોગ કદાચ સાચો જ છે. કારણ કે ટેકનોલૉજિકલ ક્ષેત્રે અનેક સફળતાઓ હાંસલ કર્યા છતાં પણ હજુ માનવી કુદરતની સર્વોચ્ચ રચના ગણાતા લોહીનું એક ટીપું પણ પ્રયોગશાળામાં બનાવી નથી શક્યું.

આ વાત રક્તના મૂલ્ય અને તેની જરૂરિયાતને સમજાવવા માટે પૂરતી હોઈ શકે છે.

line

કોણ-કોણ, ક્યારે-ક્યારે રક્તદાન કરી શકે?

રક્તદાન કરતાં પહેલાં ધ્યાન રાખો કે તમે છેલ્લે ટેટૂ ક્યારે ચીતરાવ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રક્તદાન કરતાં પહેલાં ધ્યાન રાખો કે તમે છેલ્લે ટેટૂ ક્યારે ચીતરાવ્યું હતું

નૅશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર 18થી 65 વર્ષની આયુનાં સ્વસ્થ સ્ત્રી-પુરુષ રક્તદાન કરી શકે છે.

પુરુષો દર બે મહિને જ્યારે સ્ત્રીઓ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે.

જોકે, દાતાના સ્વાસ્થ્ય બાબતે કાઉન્સિલની ગાઇડલાઇન જે-તે બ્લડ બૅંકે રક્તદાન કરાવવા માટે સ્વીકારવાની રહેશે.

જે અનુસાર દાતાનું વજન 45 કિલોગ્રામ કે તેથી ઓછું ન હોવું જોઈએ.

રક્તદાન સમયે દાતાના શરીરનું તાપમાન અને રક્તચાપ નિયંત્રિત હોવાં જોઈએ.

રક્તદાન કરવા ઇચ્છુક વ્યક્તિનું હિમોગ્લોબિન લેવલ 12.5 ગ્રામ કરતાં ઓછું ન હોવું જોઈએ.

મહિલાઓ માટે જે મહિલાઓ પાછલા એક વર્ષ દરમિયાન બાળકને જન્મ આપી ચૂક્યાં હોય તેમજ જેઓ હજુ પોતાના બાળકને સ્તનપાન કરાવતાં હોય તેઓ રક્તદાન નથી કરી શકતાં.

પાછલા ત્રણ મહિનામાં દાતાની મલેરિયા માટેની સારવાર ન થઈ હોવી જોઈએ.

ડિફ્થરિયા, કૉલરા, ટાઇફોઇડ, ટિટનેસ, પ્લૅગ અને ગામાગ્લોબિન સામે રક્ષણ આપતી રસી છેલ્લા એક માસમાં લીધેલી ન હોવી જોઈએ. તેમજ પાછલા એક વર્ષમાં હડકવાની રસી ન લીધેલી હોવી જોઈએ.

રક્તદાન અગાઉના 12 મહિના સુધીના સમયગાળામાં દાતાએ શરીર પર ટેટૂ કે એક્યુપંક્ચર ન કરાવેલું હોવું જોઈએ.

આ સિવાય, હેપટાઇટિસ બી, સી, ટી. બી., એચ.આઈ.વી. અને લેપ્રસી જેવી માંદગીઓથી દાતા ન પીડાતા હોવા જોઈએ. તેમજ તેમના શરીરમાં કોઈ પણ પકારનો કૅન્સર ન હોવો જોઈએ.

તેમજ હૃદયસંબધી કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

ડાયાબિટીસની બાબતમાં જ લોકો ઓરલ ડ્રગ કે ડાયેટ કંટ્રોલ થકી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી રહ્યા હોય તેઓ રક્તદાન કરી શકે છે. પરંતુ ઇન્સ્યુલિનની મદદથી ડાયાબિટીસ પર કંટ્રોલ રાખી રહેલા લોકો રક્તદાન માટે યોગ્ય ઠરતા નથી.

જોકે, જે-તે બ્લડ બૅંકનો સંપર્ક સાધીને આપ આપની યોગ્યતા વિશે વધુ માહિતી મળેવી શકો છો.

line

આંતરરાષ્ટ્રીય બ્લડ ડૉનર દિવસ

વર્ષ 2020-21 દરમિયાન સમગ્ર ભારતમાંથી બ્લડ ડૉનેશનના આંકડામાં 21 ટકા ધરખમ ઘટાડો થયો હતો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વર્ષ 2020-21 દરમિયાન સમગ્ર ભારતમાંથી બ્લડ ડૉનેશનના આંકડામાં 21 ટકા ધરખમ ઘટાડો થયો હતો

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર રક્તજૂથોની શોધ કરનાર વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટાઇનરની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે વર્લ્ડ બ્લડ ડૉનર દિવસ ઊજવવામાં આવે છે.

જેની શરૂઆત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વર્ષ 2004માં કરવામાં આવી હતી.

ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ રેડક્રૉસ અને રેડ ક્રેસન્ટ સોસાયટી દ્વારા વૉલિન્ટરીલી અને વિનામૂલ્યે સ્વસ્થ દાતાઓ રક્તદાન કરે તે માટે જનજાગૃતિ વિકસાવવાનું કામ કરવામાં આવે છે.

મે, 2005માં WHOએ તેના 192 સભ્ય દેશના પ્રતિનિધિની હાજરીમાં 58મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દરમિયાન તમામ દેશના રક્તાદાતાઓની તેમના આ માનવીય કાજ માટે સરાહના કરવા માટે સૌપ્રથમ આ દિવસ તમામ દેશોમાં ઊજવવાનું નક્કી કરાયું હતું.

આ વર્ષનું વર્લ્ડ બ્લડ ડૉનર ડેનું સ્લોગન ‘રક્ત આપી વિશ્વને ધબકતું રાખો’ એવું છે.

આ વર્ષે આ દિવસ માટેની ગ્લોબલ ઇવેન્ટ રોમ ખાત યોજાશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો