કલ્પસર : નરેન્દ્ર મોદીની 'ફેવરિટ પરિયોજના' ક્યારેય સાકાર થશે કે માત્ર પરીકથા જ બની રહેશે?

ઇમેજ સ્રોત, government of gujarat
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વકાંક્ષી કલ્પસર યોજનામાં પ્રગતિની સમીક્ષા કરવા માટે કમિટીની નિમણૂક કરી છે, જે આ આ અંગેનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરીની સમીક્ષા કરશે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણી આ સમિતિના અધ્યક્ષ હશે અને આ રિપોર્ટ તૈયાર કરવામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશન ટેકનૉલૉજી તથા નેશનલ સેન્ટર ફૉર કૉસ્ટલ રિસર્ચ મદદ કરશે.
1980ના દાયકાથી આ પ્રોજેક્ટનો વિચાર વહેતો થયો હતો. આ દિશામાં 25 જેટલા સરવે થઈ ચુક્યા છે તથા વધુ 10 જેટલા સરવે અલગ-અલગ તબક્કામાં છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે આ પ્રોજેક્ટ ઉપર જોરશોરથી ચર્ચા થઈ હતી.
સરકારના મતે કલ્પસર યોજનાના ભાગરૂપ એવા ભાડભૂત બૅરેજનું કામ ચાલુ થઈ ગયું છે. તેને વર્તમાન વડા પ્રધાનનો 'ફૅવરિટ પ્રોજેક્ટ' માનવામાં આવે છે, પરંતુ શું તે શક્ય છે?
કલ્પસર પરિયોજના

ઇમેજ સ્રોત, Copyright GoG
ગુજરાતની સાબમરમતી, મહી અને ઢાઢર સહિતની મહત્ત્વપૂર્ણ નદીઓ ખંભાતના અખાતમાં જઈને ભળે છે. પરંતુ તેમના માર્ગનો આકાર ગળણી જેવો છે, આ પ્રવાહ જેમ-જેમ દરિયા તરફ આગળ વધે તેમ-તેમ-તેનું મુખ વધારે પહોળું થતું જાય.
પ્રોજેક્ટની વિભાવના પ્રમાણે, જ્યાં પાણીનો પ્રવાહ સાંકડો છે, ત્યાં ડૅમ બાંધીને નદીઓના પાણીને દરિયામાં વહી જતું અટકાવવું. અગાઉ 64 કિલોમીટર લાંબો ડૅમ બાંધવાની યોજના હતી, જેને ઘટાડીને હવે 30 કિલોમીટર કરી દેવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છતાં તેનો વિસ્તાર બે હજાર વર્ગ કિલોમીટર હશે અને તે દરિયાઈ વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર હશે, જે રાજકોટ કરતાં સાતગણો અને અમદાવાદ કરતાં અઢીગણો મોટો વિસ્તાર હશે. તેની જળસંગ્રહક્ષમતા સરદાર સરોવર યોજના કરતાં લગભગ બમણી હશે.
આ ડૅમ 100 મીટર પહોળો હશે, જેની ઉપરથી 10 લેન રોડનું નિર્માણ કરવામાં આવશે, જેમાં આઠ લેન વપરાશ માટે લેવામાં આવશે, જ્યારે બે લેનને અનામત રાખવામાં આવશે.
આ રોડ ભાવનગર અને ભરૂચને જોડશે, જેના કારણે ભાવનગર તથા સુરત અને મુંબઈના અંતરમાં લગભગ 130 કિલોમીટરનો ઘટાડો થશે.
અગાઉના વર્ષોનાં આંકડાના આધારે સૅન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન (ગાંધીનગર) તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇડ્રૉલૉજી (રુડકી)ના અનુમાન પ્રમાણે, સરોવરમાં મહીનું ત્રણ હજાર 150 એમસીએમ (મિલિયન ક્યૂબિક મીટર) પાણી ઠલવાશે, કુલ ક્ષમતાના 40.56 ટકા સાથે તે સૌથી વધુ હશે.
આ સિવાય ડાયવર્ઝન કૅનાલ મારફત નર્મદાનું પાણી ઠલાવશે. જે બે હજાર 230 એમસીએમ (28.71%) હશે. સાબરમતી (586 એમસીએમ, 7.50%), ઢાઢર (518 એમસીએમ, 6.67%), સરોવર પર (881 એમસીએમ 11.33%) પાણી ઠલવાશે.
આ સિવાય સૌરાષ્ટ્રની લીમડી-ભગવો, વઢવાણ-ભગવો, સુખભાદર, વાગડ, કાળુભાર, રંઘોળા, ઘેલો, ઉતાવળી, કેરી અને માલેશ્રી જેવી નદીઓનું પાણી પણ તેમાં ઠલવાશે. જે કુલ 402 એમસીએમ (5.17%) હોવાનું અનુમાન છે.
યોજનાની સંભાવના પ્રમાણે, કલ્પસર પરિયોજનાથી સૌથી વધુ લાભ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાને થશે, તેની ચાર લાખ 50 હજાર હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે. જ્યારે જૂનાગઢના (ત્રણ લાખ 45 હજાર), રાજકોટ (એક લાખ 42 હજાર), અમરેલી (42 હજાર) હેક્ટરને લાભ મળશે.
આ પરિયોજનાથી સૌરાષ્ટ્રના પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગીરસોમનાથ જિલ્લાને કોઈ લાભ નહીં થાય.
જોકે, સુરેન્દ્રનગર (બે લાખ 27 હજાર), બોટાદ (56 હજાર) અને મોરબી (93 હજાર) હેક્ટરમાં સરદાર સરોવર પરિયોજનાનો લાભ મળી રહ્યો છે.
ભાવનગર જિલ્લાને સરદાર સરોવર (48 હજાર) તથા કલ્પસર (64 હજાર) એમ બંને યોજનાનો લાભ મળશે એવું અનુમાન છે.
સિંચાઈ માટે પાંચ હજાર 600 એમસીએમ અનામત રાખવામાં આવ્યું છે. 800 એમસીએમ પાણી ઘરેલુ વપરાશ તથા 470 એમસીએમ ઔદ્યોગિક વપરાશ માટે વપરાશે, એવું અનુમાન છે. આ પાણીથી ગુજરાતના લગભગ એક કરોડ લોકોને લાભ થશે એવું અનુમાન છે.
પ્રોજેક્ટની સાથે સોલાર (એક હજાર મેગાવૉટ) તથા પવનઊર્જાની મદદથી એક હજાર 470 મેગાવૉટ ઊર્જાનું ઉત્પાદન થશે. જેમાંથી 850 મેગાવૉટનો ઉપયોગ પાણીના પરિવહન માટેના ઉપયોગમાં લેવાનાર પમ્પિંગ વ્યવસ્થા માટે થશે.
અગાઉ ભરતી-ઓટની ઊર્જા મારફત વીજળી ઉત્પાદિત કરવાની પરિયોજના વિચારવામાં આવી હતી, જેને બાદમાં પડતી મૂકવામાં આવી.
આ પ્રોજેક્ટને કારણે ભાવનગર પૉર્ટને ફરી જીવંત બનશે, જ્યારે દહેજ પૉર્ટ સરોવરની પરિઘથી બહાર હોઈ, તેને કોઈ અસર નહીં થાય. આ સિવાય સરોવરના વિસ્તારમાં નવું બંદર વિકસાવવામાં આવશે, જે માલની હેરફેર માટે ઉપયોગમાં લેવાશે.
આ યોજના પાછળ એક અનુમાન પ્રમાણે, રૂપિયા 90 હજાર કરોડનો ખર્ચ થાય એમ છે અને તેનું અંદાજિત આયુષ્ય ત્રણસો વર્ષ જેટલું હશે. મંજૂરીઓ બાદ નિર્માણકાર્યમાં આઠ વર્ષ લાગશે.

ભાડભૂતમાં કામ શરૂ, પણ...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આંતરરાષ્ટ્રીય સરવે એજન્સીઓ ઉપરાંત રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાની બે ડઝનથી વધુ પર્યાવરણીય અને એંજિનિયરિંગ સંસ્થાઓ અલગ-અલગ પ્રકારના સરવે તથા અભ્યાસની કામગીરીમાં લાગેલી છે.
ગુજરાત સરકારના જળસંચયવિભાગના એક અધિકારીના કહેવા પ્રમાણે, "છેલ્લાં પાંચેક વર્ષ દરમિયાન કલ્પસર યોજનાના સરવેની કામગીરીમાં ગતિ આવી છે. અત્યારસુધી લગભગ ત્રણસો કરોડનો ખર્ચ થયો હશે, પરંતુ હજુ તે બધું કાગળિયા ઉપર જ છે. ભાડભૂતનું કામ ચાલુ થયું છે, પરંતુ તેને સ્વતંત્ર પ્રોજેક્ટ જ ગણવો રહ્યો."
સરદાર સરોવર ડૅમની નીચાણવાળા વિસ્તારમાં ભાડભૂત ખાતે એક કિલોમીટર 600 મીટર લાંબા બૅરેજનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 599 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો સંગ્રહ થશે. જેનો વપરાશ ભરૂચ તાલુકા ઉપરાંત ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક માટે વપરાશે.
આ બૅરેજને કારણે દહેજ તથા હજીરા (સુરત)ની વચ્ચેના અંતરમાં 18 કિલોમીટરનો ઘટાડો કરશે. આને કારણે આસપાસના વિસ્તારોમાં જળસ્તર પણ ઊંચું આવશે. વડોદરાની ગુજરાત એંજિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભાડભૂત બૅરેજનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે.
દિલીપ બિલ્ડકોન તથા હિંદુસ્તાન કંસ્ટ્રક્શન કંપનીને અંદાજે રૂ. 4200 કરોડના ખર્ચે આ નિર્માણકાર્ય સોંપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, બૅરેજ ઉપર 100 જેટલા ગૅટ બેસાડવામાં આવશે.
સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ ઍન્ડ પીપલના હીમાંશુ ઠક્કર માને છે, "ભાડભૂત બૅરેજ ઉપર કામ શરૂ થયું છે, જેનો મુખ્ય હેતુ નર્મદાની ખારાશ આગળ ન વધે તે માટેનો છે. આ પ્રોજેક્ટ સામે ભરૂચના માછીમારોમાં પણ આક્રોશ છે. આ મુદ્દે ગુજરાતમાં નરેન્દ્ર મોદીને (2017માં) કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં આ જ્વલ્લે જ બનતી ઘટના છે."
કલ્પસરને કારણે આજુબાજુના સાત લાખ હેક્ટર વિસ્તારના જમીનના પાણીની ગુણવત્તા સુધરશે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ સિવાય પર્યાવરણીય અને સામાજિક સમીક્ષા દરમિયાન કેટલાં ગામોને અસર થશે તથા માછીમારોની રોજીરોટીને કેવી રીતે બચાવી શકાય કે અન્ય કોઈ રીતે વાળી શકાય તેના વિશે વિચારણા હાથ ધરવામાં આવશે, કારણ કે મીઠાપાણીની હિલસા માછલીને પકડવાની પૅટર્ન ઉપર તેની અસર થઈ શકે છે.

પરિયોજના કે 'પરી'કથા?

ઇમેજ સ્રોત, AFP
ઠક્કરના કહેવા પ્રમાણે, "રાજનેતાઓને આવા જંગી અને ખર્ચાળ પ્રોજેક્ટ ગમે છે અને એક લોબી આ પ્રકારના પ્રોજેક્ટને આગળ પણ વધારતી હોય છે અને પ્રમોટ કરતી હોય છે."
"આ પ્રોજેક્ટને આજે મંજૂરી મળી જાય તો પણ તેને સાકાર થતાં 20 વર્ષનો સમય લાગી જશે અને ત્યાં સુધીમાં કદાચ નરેન્દ્ર મોદી કે વિજય રૂપાણી રાજકીય પરિદૃશ્યમાં પણ નહીં હોય. આથી, રાજકીય જવાબદારી નક્કી નહીં થઈ શકે."
"ટ્રાઇબ્યૂનલના અનુમાન કરતાં ઓછું પાણી નર્મદામાંથી આવી રહ્યું છે. ગુજરાતના ભાગે આવતાં પાણી કરતાં વધુ વપરાય રહ્યું છે. 'સુજલામ્ સુફલામ્' અને સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગ્રેશન) દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, ડૅમ ભરવામાં આવી રહ્યા છે. આ સિવાય શહેરોને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે અને શહેરો તથા ઉદ્યોગોને પણ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે."
"વિશ્વમાં ક્યાંય આ પ્રકારના પ્રોજેક્ટે આકાર નથી લીધો અને જ્યાં ક્યાંય પ્રયોગ થયા છે, તે નાના પાયા પર છે. આ પ્રોજેક્ટ કેટલા અંશે શક્ય છે, તેનો વ્યવહારુ અભ્યાસ નથી થયો. આને માટે જમીનની ખારાશ દૂર થવી જોઈએ તથા હાલમાં જે ખારાશ છે તે કેટલા સમય પછી દૂર થશે, તે અંગે પૂરતો અભ્યાસ નથી થયો."
"જળવાયુ પરિવર્તનને કારણે અરબ સાગરમાં આગામી સમયમાં વધુ સંખ્યામાં વાવાઝોડાં ઉદ્ભવશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય મૅનગ્રૂવ્ઝને કાઢી નાખવામાં આવશે, જે દરિયાકિનારાને વધુ નુકસાન કરશે."
ઠક્કર માને છે કે સરકાર પોતે જ આ પ્રોજેક્ટ ઉપર કામગીરી હાથ નહીં ધરે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
નરેન્દ્ર મોદીની સરકારમાં જળસંશાધન અને કલ્પસર બાબતોના મંત્રી જય નારાયણ વ્યાસે ફેસબૂક ઉપર ચર્ચા વેળાએ આ પ્રોજેક્ટ ઉપર સવાલ ઉઠાવતા લખ્યું કે 'વર્તમાન સ્વરૂપમાં તે શરૂ ન થઈ શકે તેવો પ્રોજેક્ટ છે.'
'તેમાં (પાણીની) ક્વૉલિટી અને ક્વૉન્ટિટીનો સવાલ ઊભો થાય છે. નર્મદાના મુખમાંથી દરિયો 100 કિલોમીટર અંદર સુધી પ્રવેશી જાય છે. આને કારણે જે ખારાશ આગળ વધે છે.'
'સાબરમતી આજે નર્મદાના પાણીથી વહે છે. તેમાં સિવેજ તથા પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. કલ્પસરની કલ્પના કરવામાં આવી હશે, ત્યારે આવી પરિસ્થિતિ નહીં હોય.'
'સરકાર પાસે હયાત જળસંશાધનોને ચલાવવા માટે પણ પૈસા નથી. સિંચાઈખાતું તેના બજેટના માંડ 15 ટકા રકમ કૅનાલોની જાળવણી માટે ખર્ચે છે. જેમાંથી 10થી 12 ટકા રકમ વહીવટીખર્ચ પાછળ ખર્ચાઈ જાય છે. જેના કારણે કેનાલો દક્ષતાપૂર્વક કામ કરી નથી શકતી.'
એ ચર્ચા દરમિયાન વ્યાસે લખ્યું, 'લોકશાહીમાં આપણે સૌ પહેલાં નાગરિક છીએ અને પછી બીજેપી કે કૉંગ્રેસના કાર્યકર છીએ.'
વ્યાસ આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી) મુંબઈમાંથી સિવિલ એંજિનિયરિંગમાં અનુસ્નાતક છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














