Valentine's Day : 'સૌ મને કહેતા કે અંધ સાથે લગ્ન ન કરાય' પ્રજ્ઞાચક્ષુને પ્રેમ કરનાર મહિલાની કહાણી

શૈલેષભાઈ અને દયાબેન

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, શૈલેષ દ્રષ્ટિહીન છે અને શિક્ષક છે.
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું નાની હતી ત્યારથી શૈલેષના ગીતો સાંભળતી હતી. હું તેમના અવાજના પ્રેમમાં પડી ગઈ હતી."

"બધાએ મને કહ્યું કે, એક અંધ વ્યક્તિ સાથે લગ્ન ન કરાય. શૈલેષે પણ મને નવ વર્ષ સુધી વિચારવાનો સમય આપ્યો પણ અમારો પ્રેમ એવો હતો કે, અમે લગ્ન કર્યાં. આજે હું શૈલેષનો સહારો નથી પણ શૈલેષ મારો સહારો છે."

આ શબ્દો છે નાનપણથી અંધ શૈલેષ દાંગોદરાની સાથે લગ્ન કરનાર દયાનાં.

શૈલેષ દાંગોદરા ઉનામાં રહે છે. નાનપણથી જ અંધ છે પણ શૈલેષની જીજીવિશા લડાયક છે.

સુંદર અવાજના ધણી શૈલેષ દાંગોદરા પહેલેથી જ સારું ગાતા હતા અને આ દ્રષ્ટિહીન શૈલેષ દાંગોદરાના જ ગામમાં રહેતાં દયા તેમના અવાજના પ્રેમમાં પડી ગયાં હતાં.

શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ દયા સમજણાં થયાં ત્યારથી શૈલેષના પ્રેમમાં હતાં. એમણે પોતાનાં માતા-પિતાને કહ્યું કે "હું લગ્ન કરીશ તો શૈલેષ સાથે જ કરીશ."

બીજી તરફ શૈલેષને દયાના પ્રેમની બહુ ખબર ન હતી. દયા એમના ઘરે આવે ત્યારે તેમની ઇચ્છા પ્રમાણેનાં ગીતો શૌલેષ તેમને સંભળાવતા હતા.

શૈલેષને અંધ બનીને લાચાર થવું ન હતું એટલે તેઓ ઉનાથી અમદાવાદ અંધજનમંડળમાં ભણવા આવ્યા.

પહેલેથી ભણવામાં હોશિયાર શૈલેષે ભણવા તરફ ધ્યાન આપ્યું અને શાસ્ત્રીય સંગીતમાં વિશારદ પણ થયા. સતત નવું શીખવાની ટેવ ધરાવતા શૈલેષે કૉમ્પ્યુટર પણ શીખ્યું.

શૈલેષે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હું ગાવામાં અવ્વલ હતો, બધા મને એમ કહેતા કે હું અંધ છું એટલે સંગીત શિક્ષકની નોકરી આસાનીથી મળી જશે. બસ સંગીતમાં ધ્યાન આપ પણ મને એ મંજૂર ન હતું."

"મારે મારી કાબેલિયત પર ઊભું થવું હતું. આ અરસામાં અંધજન મંડળમાં બ્રેઇલ લિપિવાળા કી-બોર્ડ સાથેના કૉમ્પ્યુટર આવ્યાં અને મેં કૉમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું."

line

'દયાને મેં નજરે તો નથી જો પણ મારા દિલની આંખોથી તો એ સુંદર જ લાગે છે'

શૈલેષભાઈ અને દયાબેન

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, શૈલેષ અને દયાનાં બે બાળકો પણ છે

શૈલેષ કહે છે કે, "આ અરસામાં હું ગામ ગયો ત્યારે હું અને દયા એકલાં બેઠાં હતાં અને દયાએ મને કહ્યું કે એ મારી સાથે લગ્ન કરવાં માગે છે."

"હું અંધ અને દયા કોઈ શારીરિક ખોડખાંપણ વિનાની હોશિયાર યુવતી, એટલે મેં એને કહ્યું કે, આ નાનપણનું આકર્ષણ છે. તું લાંબુ વિચારી જો. અમે નવ વર્ષ સુધી લગ્ન કરવાં કે નહીં તેના પર વિચાર કરતાં રહ્યાં."

"દયાને મેં નજરે તો નથી જોઈ પણ મારા દિલની આંખોથી તો એ સુંદર જ લાગી જ છે અને મારા સગાઓ પણ કહેતા કે એ દેખાવમાં ખૂબ સુંદર છે, એની જિંદગી ના બગાડીશ."

"મને દયા ગમતી હોવા છતાં મેં દયાને વિચારવા માટે કહ્યું અને નવ વર્ષનો સમય લીધો."

તેમનાં પત્ની દયા દાંગોદરા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "મને શૈલેષ પહેલેથી જ પસંદ હતા. મારે એમની સાથે જ પરણવું હતું."

"મારી ત્રણ બહેનો અને માતા-પિતા લગ્ન કરવાની ના પાડતાં હતાં, પણ મેં એમને કહ્યું કે, જો મારા બીજે લગ્ન થશે અને મારા એ પતિની આંખો જતી રહી કે લગ્ન પછી કોઈ બીજી તકલીફ આવી તો મારે સ્વીકારવી જ પડશે ને."

"એના કરતા તો હું શૈલેષ સાથે લગ્ન કરીને શા માટે મારી જિંદગી ના વિતાવું. મારી આ જીદ સામે મારાં માતા-પિતા ઝૂકી ગયાં અને 14 નવેમ્બર, 2005ના દિવસે અમારાં લગ્ન થયાં."

તેઓ આગળ કહે છે, "અમારાં લગ્નના થોડા દિવસ પહેંલા જ શૈલેષને અમારા ગામમાં જ શિક્ષકની નોકરી મળી ગઈ હતી."

"મારાં લગ્ન થયાં એ દિવસથી મારી પહેલી જીદ હતી કે, શૈલેષ ચાલવા માટે હાથમાં લાકડી નહીં લે કે આંખ ઉપર કાળા ચશ્મા નહીં પહેરે."

"ત્યારથી હું શૈલેષના પડખે જ રહું છું. એમને સ્કૂલે મૂકવા અને લેવા હું પોતે જાઉ છું. લગ્નના દિવસથી શૈલેષ અંધજનો માટેની લાકડી નથી લેતા અને ચશ્મા પણ પહેરતા નથી."

line

શૈલેષને સ્કૂલે જવા માટે તકલીફ ન પડે એટલે ટુવ્હીલર શીખ્યું

શૈલેષભાઈ અને દયાબેન

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, શૈલેષભાઈ અને દયાના લગ્નને 16 વર્ષ થઈ ગયાં છે

શૈલેષ કહે છે કે, "શરૂઆતમાં મને એમ લાગતું હતું કે, મારે આંખો નથી તો જીવનમાં કોઈ રંગ નથી. બધે અંધકાર છે."

"પણ દયા જ મારી બે આંખો છે અને તેણે જિંદગીમાં મેઘધનુષના સાત રંગો ઉમેરી દીધા છે."

"અને એ સાત રંગો એટલે મારો દસમાં ધોરણમાં ભણતો દીકરો અને નવમાં ધોરણમાં ભણતી દીકરી."

શૈલેષ હસતાં કહે છે કે, "મેં તો માત્ર સાંભળ્યું છે કે દુનિયાના બધા રંગો મેઘધનુષના સાત રંગોમાં સમાયેલા છે. પણ સંગીતનો માણસ એટલે મારા સાતેય રંગો સંગીતના સાત સૂરોમાં જ સમાયેલા છે."

"લગ્ન પહેલા માતેર કાળો રંગ જોયો હતો પણ હવે દયાના આવ્યા પછી જિંદગીના તમામ રંગો વગર આંખે જોઈ શકું છું. સંગીતનાં સાત સૂરોએ મને દયા રૂપી આંખો આપી છે. ત્યારે મારે સપનાં જોવાની કોઈ જરૂર નથી."

શૈલેષ અને દયા બંને એક બીજાની ખામી અને ખૂબીઓને બહુ સારી રીતે સમજે છે. એટલે જે દયાએ જીવનમાં ક્યારેય સાયકલ પણ નહોતી ચલાવી, તેમણે શૈલેષને સ્કૂલે જવાં માટે તકલીફ ન પડે એટલે ટુવ્હીલર શીખ્યું.

ટુ વ્હીલર શીખતાં અનેક વાર પડ્યાં પણ ખરાં. ઘૂંટણ અને કોણી છોલાયા પણ ઘરેથી સ્કૂલે જવામાં શૈલેષને તકલીફ ન પડે એ માટે ટુ વ્હીલર શીખી લીધું.

line

'શૈલેષ આંખથી જો ન શકતા હોવા છતાંય રોજ મને શાક સમારી આપે છે'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

શૈલેષ કહે છે કે, "એ મને રોજ સ્કૂલે મૂકવા લેવા આવે ત્યારે ઘણી વાર વરસાદમાં અમે પલળી જતાં તો ઠંડીમાં ઠૂંઠવાતાં પણ ખરાં અને બળબળતા ઉનાળે તાપ પણ સહન કરતાં."

"મને એમ થતું કે દયા મારા માટે આટલી તકલીફ સહન કરે છે તો હું એને કાર લઈ આપું."

"મેં ધીમે ધીમે પૈસા ભેગા કરવાના શરૂ કર્યાં. દયાથી છાના માના ભેગા કરેલા પૈસાથી મેં એને જન્મદિવસે સાત લાખ રૂપિયાની કાર ભેટમાં આપી. હવે એ રોજ મને સ્કૂલે કે બીજે ક્યાંય જવું હોય તો કારમાં લેવા મૂકવા આવે છે."

"તે મારી નાની નાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. મને લાકડી છોડાવ્યા પછી તેણે તપાસ કરી કે એવું ક્યું ઇલેક્ટ્રૉનિક ગેજેટ હોય કે જેની મદદથી મારું હરવું ફરવું સરળ બને."

"એટલે દયાએ મારી સલવલત માટે મને રસ્તો દેખાડે, ખાડા ટેકરાથી અવગત કરી શકે એવી એક ઘડિયાળ અપાવી છે. જે ઘડિયાળ પર આંગળી મૂક્યા પછી હું ચાલું ત્યારે રસ્તો અને વળાંકો પણ બતાવે છે."

"એટલું જ નહીં મારા જન્મદિવસે તેણે મને ખાસ આઇફોન આપ્યો છે, જેના કારણે મારું કૉમ્યુનિકેશન, રસ્તા શોધવાથી માંડીને ઘણી તકલીફો દૂર થઈ ગઈ છે."

શૈલેષની આ બધી વાતો સાંભળીને થોડાક ભાવુક થઈ ગયેલાં દયા કહે છે કે, "સાવ એવું નથી, શૈલેષ ભલે જોઈ ન શકતા હોય પણ ઇલેક્ટ્રૉનિક સાધનોના રિપેરિંગ અને લાકડાની ચીજ વસ્તુઓ બનાવવામાં માહેર છે."

"મારા માટે રોટલી વણવા ખાસ ઓરસિયો બનાવ્યો છે. છોકરાઓ માટે ક્રિકેટનાં બૅટ બનાવ્યાં છે અને એટલું ઓછું હોય એમ મને તકલીફ ન પડે એટલા માટે શૈલેષ આંખથી જોઈ ન શકતા હોવા છતાંય રોજ મને શાક સમારી આપે છે. જેથી મારું રસોઈનું કામ હળવું થાય."

16 વર્ષનાં લગ્નજીવન પછી શૈલેષ અને દયા પહેલીવાર બીજા પ્રજ્ઞાચક્ષુ યુગલો સાથે પોતાનો વૅલેન્ટાઇન ડે ઉજવવા માટે વૈષ્ણોદેવી જવાં નિકળ્યાં છે.

વૈષ્ણોદેવી જતાં પહેલાં અમદાવાદ આવેલાં શૈલેષ અને દયાએ બીબીસીને કહ્યું કે, "અમે ભગવાનના ચરણોમાં વૅલેન્ટાઇન ડે મનાવીશું અને એટલું જ માગીશું કે અમને એવી શક્તિ આપે કે અમે ગામડામાં રહેતાં ગરીબ દિવ્યાંગ બાળકોની મદદ માટે કોઈ સંસ્થા ઊભી કરી શકીએ."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન