એ કારણો જેના લીધે આખા અમદાવાદ શહેરની 'જમીન પણ ધસી રહી' છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઉત્તરાખંડના જોશીમઠની જમીન ધસી રહી હોવાની અને આ પ્રાચીન નગર ધ્વસ્ત થઈ રહ્યું હોવાના સમાચારો વચ્ચે અમદાવાદ માટે પણ આવી જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેવું વૈજ્ઞાનિકોના અભ્યાસમાં જાણવા મળી રહ્યું છે.
સવાલ એ થાય કે શું ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ પર પણ જોશીમઠની જેવું જોખમ તોળાઈ રહ્યું છે?
અમદાવાદની ‘જમીન ધસી રહી’ હોવાનો ચોંકાવનારું તારણ દેશની ભૂગર્ભ વિજ્ઞાનની અગ્રણી સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મૉલૉજિકલ રિસર્ચ (આઈએસઆર)ના અભ્યાસમાં સામે આવ્યું છે.

દર વર્ષે જમીન 12થી 25 મિલીમીટર ધસી રહી છે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આઈએસઆરના રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમદાવાદ શહેરની જમીન દર વર્ષે 12થી 25 મિલીમીટર જેટલી ધસી રહી છે. ભૂગર્ભજળ ખેંચવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો કરાયો છે.
આઈએસઆરના ભૂગર્ભવિજ્ઞાની રાકેશ દુમકા કહે છે, “અમદાવાદ શહેરની જમીનમાંથી ભૂગર્ભજળ બેફામ રીતે ખેંચાઈ રહ્યું છે, જેના કારણે તેની સીધી અસર જમીન ઉપર જોવા મળી રહી છે અને શહેરની જમીન ધસી રહી છે.”
અમદાવાદ શહેર સહિત દેશભરમાં ભૂગર્ભજળને લઈને ચિંતા વધી રહી છે ત્યારે દેશભરમાંથી ભૂગર્ભજળ ખેંચવાની પ્રવૃત્તિને નિયંત્રિત કરવા માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર ઑથૉરિટીએ નવી પૉલિસી લાગુ કરી છે.
આ પૉલિસી અંતર્ગત ભૂગર્ભજળ ખેંચતાં પહેલાં ઑથૉરિટીની એનઓસી લેવી ફરજિયાત કરી દેવાઈ છે સાથે નવી એનઓસી માટે દસ હજાર રૂપિયાની ફી ચૂકવવાનું નક્કી કરાયું છે સાથે જૂના બોરવેલથી પાણી ખેંચવામાં આવ્યું હોય તો તેની ગણતરી કરીને પેનલ્ટી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદની જમીન કેમ ઝડપથી ધસતી જઈ રહી છે?

- ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં પર પણ જોશીમઠની જેમ જમીનમાં ગરકાવ થવાનો ખતરો તોળાઈ રહ્યો હોવાની વાત સામે આવી છે
- અમદાવાદની જમીન પણ ધસી રહી હોવાની આ ચોંકાવનારી વાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મૉલોજિકલ રિસર્ચના અભ્યાસમાં ખબર પડી હતી
- રિપોર્ટમાં ગુજરાતના સૌથી વધુ વસતિ ધરાવતા આ શહેરની જમીન દર વર્ષે 12થી 25 મિલીમીટર જેટલી ધસી રહી હોવાનો દાવો કરાયો છે
- આનાં કારણો અંગે તપાસ કરવા બીબીસી ગુજરાતીએ ઘણા પક્ષકારો અને અધિકારીઓ સાથે વાત કરી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો
- આઈએસઆરના ભૂગર્ભશાસ્ત્રી રાકેશ દુમકાએ અમદાવાદ શહેરની જમીન ધસવાનું કારણ આપતાં કહ્યું હતું કે શહેરમાં બેફામપણે ભૂગર્ભજળ ખેંચવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે

અમદાવાદમાં ભૂગર્ભજળની સ્થિતિ

ઇમેજ સ્રોત, Laxmi Patel
અમદાવાદ મહાનગરપાલિકાની વર્ષ 2022-23ની બજેટ બુક અનુસાર, અમદાવાદ શહેર કુલ 504.74 ચોરસ કિલોમીટરના વિસ્તાર સાથે 72 લાખની વસતિ ધરાવે છે. અમદાવાદમાં 4500 કિલોમીટરની પાણી પુરવઠા લાઇન છે. 530 કિલોમિટર જેટલી મેઇન ટ્રંક લાઇન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ મહાનગરપાલિકા પાસે દૈનિક 1930 એમએલડી પાણીનો સ્રોત છે જેની સામે દૈનિક 1450 એમલએડીનો વપરાશ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાસપુર, કોતરપુર અને રાસ્કા વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 1450 એમએલડી પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
અમદાવાદ મહાનગરપાલિકાના સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "અમદાવાદ શહેરમાં ભૂગર્ભજળ ખેંચવાની મંજૂરી આપવાથી માંડીને ગેરકાયદે ભૂગર્ભજળ ખેંચનારા સામે પગલાં લેવાની સત્તા કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર ઑથૉરિટી પાસે છે."
અમદાવાદ મહાનગરપાલિકાના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, "અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 500 બોરવેલ ચલાવીને દૈનિક 90 એમએલડી ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડના રિજનલ ડાયરેક્ટર આર. કૃષ્ણમૂર્તિ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "ગુજરાત રાજ્યને 252 બ્લૉકમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એમાંથી 189 બ્લૉક સુરક્ષિત શ્રેણીમાં આવે છે. 23 ઓવર-એક્સપ્લોઇટેડ કૅટગરીમાં છે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને અમદાવાદનો સમાવેશ થાય છે. આ ઓવર એક્સપ્લોઇટેડ કૅટેગરીમાં આવતા બ્લૉકની અંદર ભૂર્ગભજળનાં રિચાર્જની સામે બમણું ભૂગર્ભજળ ખેંચવામાં આવી રહ્યું છે. 13 બ્લૉક એવા છે કે જેને સલાઇન કૅટગરીમાં મૂકવામાં આવ્યા છે, જ્યાં ભૂગર્ભજળ ખારાં થયાં છે."
તેઓ ઉમેરે છે, " ગુજરાતમાં દૈનિક 10 કેએલડીનો ભૂગર્ભજળનો વપરાશ કરતાં હોય તે લોકોએ ભૂગર્ભજળ ઑથૉરિટી પાસેથી એનઓસી લેવું ફરજિયાત છે જે માટે જાહેર નોટિસ આપવામાં આવી હતી. જેની છેલ્લી તા.30 સપ્ટેમ્બર 2022 હતી. જેમાં રહેણાક વિસ્તારમાં અત્યાર સુધીમાં માત્ર દસ જેટલા લોકોએ એનઓસી માટે અરજી કરી છે. જ્યારે ઔધોગિક વિસ્તારમાં 10,000 જેટલી અરજી મળી છે. જેમાંથી 4,000 અરજીઓને મંજૂર કરવામાં આવી છે, બાકીની પ્રક્રિયા હેઠળ છે."
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, "કાયદા મુજબ અમે દૈનિક ભૂગર્ભજળ ખેંચવા અંગે એનઓસી આપીએ છીએ પણ આ એનઓસી બાદ જો કોઈ વધારે ભૂગર્ભજળ ખેંચે અથવા તો કોઇ વ્યક્તિ કે, સંસ્થા દ્વારા ગેરકાયદે ભૂગર્ભજળ ખેંચવા અંગેની ફરિયાદ અમને મળે તો તેવા સંજોગોમાં અમે નોટિસ પાઠવીએ છીએ. આવી ફરિયાદોમાં જિલ્લા કલેકટરને પગલાં લેવા માટે અનુરોધ કરીએ છીએ, કેમ કે અંડર ગ્રાઉન્ડ વૉટર ઑથૉરિટી પાસે ઍક્શન લેવાની સત્તા નથી."
જોકે સામાજિક કાર્યકર અને પર્યાવરણના મુદ્દે કામ કરતા કર્મશીલ રોહિત પ્રજાપતિએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "સરકારે દર વર્ષે વૉટર બજેટ પણ રજૂ કરવું જોઈએ. સરકારે દર વર્ષે વૉટર બેલેન્સ શીટ રજૂ કરવી જોઈએ. નદી, તળાવોમાં કેટલું પાણી છે? કેટલું પાણી રિચાર્જ થાય છે? આપણે કેટલું પાણી વાપરીએ છીએ? વગેરે રજૂ કરવું જોઈએ. રાજ્યોને ખબર જ નથી હોતી કે આપણે જમીનની નીચે આવેલા પાણીના પડ એટલે કે, કેટલા એક્વાફાયરનું પાણી વાપરીએ છીએ."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આપણે ભૂગર્ભજળનું વધુ પડતું દોહન જ નહીં પરંતુ વૉટર માઇનિંગ કરીએ છીએ. આપણી વૉટર રિચાર્જ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. શહેરોની વાત કરીએ તો કોંક્રિટના રોડ અને પેવર બ્લૉક લગાવવામાં આવ્યા છે, જેથી ખુલ્લી જમીન જ બચી નથી. બીજી તરફ તળાવો નષ્ટ કરી દેવામાં આવ્યાં છે. જે કુદરતી રિચાર્જની વ્યવસ્થા હતી તેને ખતમ કરી દેવામાં આવી છે. પરકોલેટિંગ કૂવા બનાવવામાં આવે છે પરંતુ તે અર્થહીન છે."
"આપણે લોકોમાં કુદરતી વૉટર રિચાર્જ માટે જાગૃતિ લાવી શક્યા નથી. પહેલા વરસાદી ટાંકા બનાવવામાં આવતા હતા. વરસાદના પાણીનો સંગ્રહ કરીને બે ત્રણ મહિના લોકો તે જ પાણી વાપરતા હતા. હવે શહેરોમાં પાણીનો વપરાશ વધુ છે."
તેઓ વધુમાં કહે છે, "શહેરોમાં ગેરકાયદેસર રીતે ગ્રાઉન્ડ વૉટર ખેંચવામાં આવે છે અને તેના નિયંત્રણ અંગે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી નથી. કૉર્પોરેશન અને ઑથૉરિટી ખુદ ગેરકાયદેસર પાણી ખેંચે છે. પાણીએ સૌની સહિયારી મિલકત છે. સમાજનું પાણી કેટલાક મુઠ્ઠીભર લોકો ખેંચી રહ્યા છે. સરકાર 'જળ એ જ જીવન'ની વાત કરે છે પરંતુ તે અંગે કોઈ નક્કર પગલાં લઈ રહી નથી."
ગુજરાતના કયા બ્લૉક કઈ કૅટગરીમાં?

ઇમેજ સ્રોત, isr.gujarat.gov.in/
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર ઑથૉરિટીના વર્ષ 2022ના રિપોર્ટ અનુસાર, અમદાવાદ શહેર અને જિલ્લાને સાત બ્લૉકમાં વિભાજિત કરાયું છે.
રિપોર્ટમાં ક્રિટિકલ કૅટગરી એટલે કે જોખમી શ્રેણીમાં મૂકવામાં આવેલા બ્લૉક જોઈએ તો અમદાવાદ શહેર એક બ્લૉક છે. અમદાવાદ શહેર ક્રિટિકલ કૅટગરીમાં આવે છે.
ક્રિટિકલ કૅટગરીમાં આવતા અન્ય બ્લૉકમાં રાજુલા, મહેસાણા, વડોદરાના પાદરા અને જસદણનો સમાવેશ કરાયો છે.
સેમી ક્રિટિકલ બ્લૉકમાં અમદાવાદ જિલ્લાના બાવળા અને માંડલ, પાલનપુર, કલોલ અને માણસા, જૂનાગઢનો ભેંસાણ બ્લૉક, ખેડા જિલ્લાનો ગળતેશ્વર બ્લૉક, પાટણ, સિદ્ધપુર, કડી, ઊંઝા, વીસનગર, વડોદરાના દહેસર અને સિનોર, રાજકોટનાં ધોરાજી અને વીંછિયા બ્લૉક, સાબરકાંઠાના હિંમતનગર, વડાલી અને ઇડર બ્લૉક, નર્મદાનો નાંદોલ બ્લૉક અને સુરેન્દ્રનગરનો ચુડા બ્લૉક સેમી ક્રિટિકલ બ્લૉકમાં આવે છે.
ઓવર એક્સપ્લોઇટેડ કૅટગરીમાં આવતા બ્લૉકમાં બનાસકાંઠાના દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, લાખણી, થરાદ અને વડગામ, ગાંધીનગર, દહેગામ, કચ્છના ભચાઉ, ભુજ અને માંડવી, મહેસાણાના બેચરાજી, ખેરાલુ, સતલાસણા, વડનગર અને વીજાપુર, પાટણ-સરસ્વતી અને ચાણસ્મા, સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ અને સુરત શહેર આવે છે.
ખારાપાટ એટલે કે સલાઇન કૅટગરીમાં બનાસકાંઠાના ભાભર, સુઇગામ અને વાવ, ગાંધીધામ, જોટાણા, હારિજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, ધંધુકા અને ધોલેરા બ્લૉક આવે છે.
વડોદરા શહેર, દેત્રોજ-રામપુરા, સાણંદ અને વીરમગામ બ્લૉક સુરક્ષિત કૅટેગરીમાં આવે છે.

સત્તાધીશો શું કહે છે?
અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ભૂગર્ભજળ ખેંચવા માટેના બોરવેલ અંગે પણ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર ઑથૉરિટીની મંજૂરી લેવી પડે છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "સેન્ટ્રલ અંડર ગ્રાઉન્ડ બોર્ડ દ્વારા ગ્રાઉન્ડ વૉટર ચોરી અંગે તેમજ એનઓસી લેવા અંગે કોઈ નોટિસ આપવામાં આવે છે, તો તેની નકલ અમને પણ ફૉરવર્ડ કરવામાં આવે છે. પગલાં લેવાં માટે જાણ કરવામાં આવતી નથી. નાગરિકો ગ્રાઉન્ડ વૉટરની ચોરી અંગે કલેકટર ઑફિસમાં ફરિયાદ કરી હોવાનું મારા ધ્યાનમાં નથી."
અમદાવાદ મહાનગરપાલિકાના વૉટર એન્ડ સુએજ કમિટીના ચૅરમૅન જતીન પટેલ બીબીસી સાથે વાત કરતાં કહે છે, " અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દૈનિક 50 એમએલડી પાણી બોરવેલથી મેળવાય છે પણ આ અંગે હજુ સુધી કોઇ મંજૂરી લેવાઈ છે કે નહીં તેની વિગતો મારા ધ્યાને નથી."
જ્યારે આર. કૃષ્ણમૂર્તિ કહે છે, "અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ બોરવેલથી ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે અને તેમણે નિયમ મુજબ ભૂગર્ભજળ માટેના બોરવેલ અંગે પ્રક્રિયા કરવા માટે પત્રવ્યવહાર કર્યો છે."

ગુજરાતમાં દરિયો પણ આગળ વધી રહ્યો છે : ઇસરો

ઇમેજ સ્રોત, ISRO
ઇસરોના 2021ના સંશોધન અહેવાલ પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠાનો 110 કિલોમીટર જેટલો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
આ અહેવાલ પ્રમાણે, દરિયાના પાણીની વધી રહેલી સપાટી અને જળવાયુ પરિવર્તનને કારણે આ જોખમ સર્જાયું રહ્યું છે.
ઇસરોના સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રતીશ રામાક્રિશ્નન અને અન્ય સંશોધકોએ ગુજરાતના દરિયાકિનારા વિશેના અભ્યાસ દરમિયાન શોધી કાઢ્યું કે, ગુજરાતનો 1052 કિલોમીટરનો દરિયાકાંઠો સ્થિર છે પરંતુ 110 કિલોમીટરનો દરિયાકાંઠો નષ્ટ થઈ ગયો છે એટલે કે દરિયો આગળ વધી રહ્યો છે.
કૃણાલ પટેલ અને અન્ય સંશોધકોએ તૈયાર કરેલા સંશોધન અનુસાર, કચ્છ જિલ્લામાં દરિયાકાંઠાનું સૌથી વધુ ધોવાણ થઈ કિનારાનો સૌથી વધુ વિસ્તાર ગાયબ થઈ ગયો છે.
તેમના સંશોધન પ્રમાણે કચ્છ જિલ્લાના અત્યાર સુધીમાં 45.9 ટકા દરિયાકિનારાનું ધોવાણ થઈ ગયું છે. તે પછીના બીજા ક્રમે જામનગર, ભરૂચ અને વલસાડ આવે છે.
તેમના સંશોધન પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠે આવેલા 16 જિલ્લામાંથી 10 જિલ્લામાં દરિયાકિનારો નષ્ટ થવાની ઘટના બની છે. કચ્છમાં દરિયા કિનારાનો સૌથી વધુ ભાગ નષ્ટ થયો છે સંશોધનમાં ગુજરાતના દરિયાની સપાટી વધવાનું કારણ તાપમાનમાં વધારો ગણાવવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, @weatherindia
પાછલાં 160 વર્ષમાં થયેલો દોઢ ડિગ્રી સુધીનો તાપમાનમાં વધારો થયો છે.
ધ વેધર ચેનલના અહેવાલ પ્રમાણે, દરિયો આગળ વધવાની અસર કાંઠાવિસ્તારના લોકોમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે.
સ્થાનિક સામાજિક કાર્યકર્તા અને નિવૃત્ત સરકારી કર્મચારી પ્રદ્યુમનસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું, "અમદાવાદ જિલ્લામાં દરિયો આગળ વધવાની અસર વર્ષ 1969માં દેખાઈ હતી. ત્યારે અમદાવાદ જિલ્લાના માંડવીપુરા ગામના 8,000 હજાર લોકો અને ભાવનગર જિલ્લાના ગુંદાળા ગામના 8,00 લોકોનુ સ્થળાંતર કરવું પડ્યું હતું, કારણ કે આ ગામોનો કેટલોક ભાગ અને અહીંની કેટલીક ખેતીલાયક જમીન દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી."
પ્રદ્યુમનસિંહ આશંકા વ્યક્ત કરતા કહે છે, " ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે આવેલા અમદાવાદ અને ભાવનગર જિલ્લાના ગામ બાવળયારી, રાજપુર, મિંગળાપુર, ખુન, ઝંખી, રાહતળાવ, કમાતળાવ અને નવાગામ પણ દરિયાના પાણીમાં ગરકાવ થઈ જવાનું જોખમ છે. ચોમાસા દરમ્યાન પૂર અને દરિયાને કારણે આ ગામો દર વર્ષે ટાપુમાં ફેરવાઈ જાય છે.”
દક્ષિણ ગુજરાતની સ્થિતિ અંગે વાત કરતા તેઓ કહે છે, “દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લાના દરિયાકિનારાના ભાગ લુપ્ત થઈ જવાનું જોખમ છે. વલસાડના ઉમરગામ તાલુકાના 15 હજાર લોકોના જીવન અને રોજગારી સામે જોખમ રહેલું છે, કારણ કે દરિયાના પાણી તેમના ઘરમાં આવી જાય છે."














