પદ્મવિભૂષણથી સન્માનિત બાલકૃષ્ણ દોશી માત્ર આર્કિટેક્ટ હતા? એમણે ગુજરાત અને ભારતને શું આપ્યું?

ઇમેજ સ્રોત, VSF
- લેેખક, ઋતુલ જોષી
- પદ, સિનિ. ઍસોસિએટ પ્રોફેસર, સેપ્ટ યુનિવર્સિટી
'આઉટ-ઑફ-બૉક્સ થિકિંગ' એટલે કે રૂઢિગત ચોકઠાંની બહાર વિચારવું. બાલકૃષ્ણ દોશી માટે એવું કહેવું પડે કે 'આઉટ-ઑફ-બૉક્સ લિવિંગ'. રૂઢિગત ચોકઠાંની બહાર વિચારવું જ નહિ પણ ચોકઠાની બહાર જ રહેવું, તે પ્રકારની ડિઝાઇન બનાવવી, બીજા લોકોને તેવું કરવાની પ્રેરણા આપવી અને સતત તાલીમ આપવી.
દોશી સાહેબને મળો એટલે તેમની આ પ્રકારની પ્રવાહિતા તમને ચોક્કસ ભીંજવે. દોશી સાહેબને મળો એટલે તેમનાં મિત્ર રાજેન્દ્ર શુક્લની પંક્તિ યાદ આવે - 'સાવ અમારી જાત અલગ છે, કહેવી છે તે વાત અલગ છે'.
24મી જાન્યુઆરીએ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું અવસાન થયું. 95 વર્ષની વયે બધી રીતે એક પૂર્ણ જીવન જીવીને તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેમને ભારત સરકાર દ્વારા વર્ષ 2023ના પદ્મ સમ્માનોમાંથી સર્વોચ્ચ એવા પદ્મવિભૂષણથી સન્માનિત કરવાની ઘોષણા 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી.
પ્રો. દોશીને સ્થાપત્યના ક્ષેત્રના બે મોટા ઍવૉર્ડ આગાખાન આર્કિટેક્ચર ઍવૉર્ડ અને પ્રાઇતઝર એવોર્ડ અને પદ્મભૂષણથી સન્માનવામાં આવ્યા હતા. આ સમય તેમના જીવન, તેમના સ્થાપત્ય અને શિક્ષણજગતમાં કરેલા પ્રદાનનો ઉત્સવ કરવાનો છે.


બાલકૃષ્ણ દોશી - ચોકઠાંમાં બાંધી ન શકાય તેવા આર્કિટેક્ટ, શિક્ષક, સ્ટોરીટૅલર

- આઈઆઈએમ-બૅંગલોર, પ્રેમાભાઈ હૉલ, સેપ્ટ યુનિવર્સિટી, વીમાનગર જેવી સંસ્થાઓની ઇમારતો તૈયાર કરનારા વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 24મી જાન્યુઆરીએ અવસાન થયું
- પ્રો. દોશીને સ્થાપત્યના ક્ષેત્રના બે મોટા એવોર્ડ આગાખાન આર્કિટેક્ચર એવોર્ડ અને પ્રાઇતઝર એવોર્ડ અને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનવામાં આવ્યા છે
- બાલકૃષ્ણ દોશી 1951માં વિખ્યાત આર્કિટેક્ટ લ કર્બુઝિયરની પેરિસમાં આવેલી ઓફિસમાં જોડાયેલા
- 1958માં તેમણે અમદાવાદમાં પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી અને ત્યારબાદ ચાલીસેક વર્ષ સુધી સતત કામ કરતા રહ્યા
- બાલકૃષ્ણ દોશીને આઝાદ ભારતની આધુનિક સ્થાપત્યની પહેલી પેઢીના શીર્ષ આગેવાન કહી શકાય

સ્કૂલ ઑફ આર્કિટેક્ચરની સ્થાપના

ઇમેજ સ્રોત, VSF
બાલકૃષ્ણ દોશી 1951માં વિખ્યાત આર્કિટેક્ટ લ કર્બુઝિયરની પેરિસમાં આવેલી ઓફિસમાં જોડાયેલા. 1955માં ચંદીગઢની ડિઝાઇન કરવા માટે આવેલી લ કર્બુઝિયરની ટીમના ભાગ રૂપે તે પાછા ફરે છે અને 1958માં તેઓ અમદાવાદમાં પોતાની પ્રેકટીસ શરૂ કરે છે અને આવતા ચાલીસેક વર્ષ સુધી સતત કામ કરતાં રહે છે.
આઝાદી પછીના સમયમાં અમદાવાદમાં એક નવી ઉમ્મીદ અને નવી ઊર્જા સાથે શિક્ષણ અને રિસર્ચ ક્ષેત્રે કઈંક બહુ જ મહત્ત્વની ઘટનાઓ બની રહી હતી.
કસ્તુરભાઈ લાલભાઈ અને વિક્રમ સારાભાઈની આગેવાનીમાં અમદાવાદ ટેક્સ્ટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ફિઝિકલ રિસર્ચ લેબ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને સમય જતાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટનો પાયો નંખાઈ રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રો. દોશી કસ્તુરભાઈ અને બીજા શ્રેષ્ઠીઓની મદદથી 1962માં 'સ્કૂલ ઑફ આર્કિટેક્ચર'ની સ્થાપના કરે છે.

ભારતની આધુનિક સ્થાપત્યકળાની પ્રથમ પેઢીના આગેવાન

ઇમેજ સ્રોત, VSF
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં આઝાદી પછીનાં સમયમાં જયારે સમગ્ર દેશમાં ઔધોગિકીકરણ અને શહેરીકરણની શરૂઆત માત્ર થઈ હતી, શહેર કે સ્થાપત્યના નિર્માણ માટે જરૂરી આર્કિટેક્ટ, સિવિલ એંજિનીયર, અરે કૉન્ટ્રેક્ટર સુદ્ધાં ન હતાં.
બ્રિટિશરાજના ગમન પછી નવી સંસ્થાઓ સાથે આધુનિક, આઝાદ ભારત કેવું હોવું જોઈએ અને તેમાં આધુનિક ઇમારતો કેવી હોવી જોઈએ - આ બધા જ પ્રશ્નો સાથે, આધુનિક છતાં જેમાં ભારતીય આત્મા હોય તેવા સ્થાપત્યની રચના કરનાર એક નવી પેઢી ઊભી થઈ. બાલકૃષ્ણ દોશીને આઝાદ ભારતની આધુનિક સ્થાપત્યની આ પહેલી પેઢીના શીર્ષ આગેવાન કહી શકાય.
જ્યારે પ્રો. દોશીને 2018માં આંતરરાષ્ટ્રીય રીતે ખ્યાતનામ પ્રાઇતઝર આર્કિટેક્ચર ઍવૉર્ડ આપવામાં આવેલો ત્યારે ઍવૉર્ડ આપનાર જ્યુરીએ આ પ્રકારની નોંધ કરેલી - બાલકૃષ્ણ દોશીએ ભપકા, દેખાવ કે શું ચાલે કે ના ચાલે તેની પરવા કર્યા વગર એક પ્રકાર વિચારશીલ સ્થાપત્યની રચના કરી છે. પોતાના દેશ અને લોકો પ્રત્યેની ચોક્કસ જવાબદારી અને લાગણીના ભાવ સાથે તેમણે ઉચ્ચ-ગુણવત્તા, સમય-કાળને અનુરૂપ, પ્રમાણભૂત સ્થાપત્યની રચના કરી છે, જેમાં જાહેર સેવાના સંસ્થાનો, શૈક્ષણિક-સાંસ્કૃતિક સંસ્થાનો સાથે વ્યક્તિગત ઘર-મકાનોનો પણ સમાવેશ થાય છે.
આધુનિક સ્થાપત્ય એટલે જૂની કલા-કોતરણીનું આંધળું અનુકરણ કરવાને બદલે નવા જમાનાની નવી જરૂરિયાતો મુજબ બાંધકામની નવી ભાષા કે શૈલીનું નિર્માણ કરવું. નવી શૈલી ઊભી કરવી હોય એટલે કોઈ પણ વિષયના મૂળ સિદ્ધાંતોની શોધખોળ કરવી પડે.
બાંધકામની શૈલી અને સ્ટ્રક્ચરની જરૂરિયાતને ડિઝાઇનમાં, સ્થાપત્યની અભિવ્યક્તિમાં વણી લેવી પડે. બારી, જાળી, ઝરૂખા, પરસાળ, કોર્ટયાર્ડમાં જેવા પરંપરાગત ઘટકોમાં નવી સંભાવનાઓ જોવી પડે અને તેમનો સમાવેશ આધુનિક ડિઝાઇનમાં નવા અર્થો સાથે કરવો પડે.
આ સાથે સ્થાનિક હવામાન, સૂર્યપ્રકાશ અને પવનની દિશાને પણ ડિઝાઇનમાં સાંકળવી પડે. બાલકૃષ્ણ દોશીના સ્થાપત્યમાં આઝાદ ભારતની આધુનિકતાની અભિવ્યક્તિની સાથે બાંધકામ, હવામાન, સામાજિક ઉપયોગની ઊંડી સમજ જોવા મળે છે.

ભારતમાં ઠેરઠેર પથરાયેલા છે પ્રો. દોશીની કલાના નમૂના

ઇમેજ સ્રોત, VSF
પ્રો. દોશીએ ડિઝાઇન કરેલ ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્કૂલ ઑફ આર્કિટેક્ચર (સેપ્ટ યુનિવર્સિટી), ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી, ટાગોર હોલ, પ્રેમાભાઈ હોલ, અમદાવાદની ગુફાને તો અમદાવાદમાં જ હરી-ફરીને જોઈ શકાય છે.
આ ઉપરાંત, મારા મતે પ્રો. દોશીની એક સુંદર ડિઝાઇન આઈઆઈએમ બૅંગલોર સ્વરૂપે જોવા મળે છે. હું જયારે પણ આઈઆઈએમ બૅંગલોર જઉં છું, ત્યારે મને આ સંસ્થામાં ભણવા બેસી જવાનું મન થાય છે. ઘણાં વાચકોએ આ સંસ્થા 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મના કેટલાક ભાગોમાં જોઈ હશે.
પ્રો. દોશીનું નવરંગપુરા ખાતે આવેલું ઘર અને તેમની ડ્રાઈવ-ઈન રોડ પરની ઑફિસ 'સંગાથ'ને પણ મોડર્ન આર્કિટેક્ચરના સુંદર પ્રતીક ગણી શકાય. ઓફિસનું નામ પણ કેટલું સરસ છે 'સંગાથ'!
હું વિધાર્થીજીવનમાં પહેલીવાર જ્યારે આ ઑફિસમાં એક મુલાકાતી તરીકે ગયેલો ત્યારે એ ઓફિસનું સ્થાપત્ય જોઈને, તેમાં સુંદર ચિત્રો, મોડેલ્સ, નકશાઓ વગેરે જોઈને રુંવાડા ઊભા થઈ ગયેલાં.

અનેક કલાના સંગમસમા પ્રો. દોશી

ઇમેજ સ્રોત, VSF
પ્રો. દોશીને ભારતમાં મોડર્ન આર્કિટેક્ચરના વિશેષ પ્રણેતા તરીકેનાં ચોકઠામાં બાંધી શકાતાં નથી. આવા કોઈ પણ ચોકઠાં તેમની પ્રતિભાને ન્યાય નહિ કરે. તેઓ સારાં પેઈન્ટર હતાં, સારાં વક્તા હતા. તેઓ બહુ જ સહજતાથી સ્થાપત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ કે સમાજ જેવા વિષયો વિશે કે તેમની વચ્ચેના સમન્વય વિષે વાત કરી શકતા.
દોશી સાહેબ તેમના વિદ્યાર્થીઓ માટે તેઓ એટલા જ પ્રિય શિક્ષક પણ છે. સ્કૂલ ઑફ આર્કિટેક્ચરમાં (જે હવે સેપ્ટ યુનિવર્સિટી બની છે) ભણેલા કેટલાય વિદ્યાર્થીઓ તેમનાં આદ્યસ્થાપકની સાથેના અનેક સ્મરણો યાદ હશે.
1960ના દાયકામાં એક સંસ્થાનું નિર્માણ કરવું કે જેના પાયામાં જ ખુલ્લા મનની સંસ્કૃતિ, ચોકઠામાં નહિ બંધાઈ જવાની વૃત્તિ અને નવા વિચારોના આદાન-પ્રદાન-પ્રસારની સમજ હોય.
જે-તે સમયના ટાંચા સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને અને ઉદ્યોગજગત કે પ્રૅક્ટિશનર્સ સાથે સાથે કલાજગતમાં પણ સંધાન સાધીને આ સંસ્થાને વર્ષો સુધી ચલાવવી - આ બધા માટે વિશેષ પ્રતિભા, શાણપણ અને નેતૃત્વશક્તિ જોઈએ.
પ્રો. દોશીની ઓળખ માત્ર ઍવૉર્ડ વિનિંગ આર્કિટેક્ટ કે લ કર્બુઝિયરના શિષ્ય કે લુઇ કાહ્નના સહકાર્યકર કે એમ. એફ. હુસેનના સાથીદાર તરીકેની જ નથી. તેમનું વ્યક્તિત્વ આ બધી સીમિત વ્યાખાઓને આસાનીથી ઓળંગે છે.

વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક

ઇમેજ સ્રોત, VSF
લગભગ તેવીસ-ચોવીસ વર્ષ પહેલાં સ્કૂલ ઑફ આર્કિટેક્ચરની સ્ટુડન્ટ્સ કાઉન્સિલના પ્રતિનિધિઓ તરીકે અમે એકજૂથ થઈને અમે દોશી સાહેબને મળવા ગયેલા. તે વખતે વિદ્યાર્થી તરીકેની ફરિયાદો સાથે સત્તાધિકાર સામેનો ઉમરસહજ આક્રોશ પણ ખરો.
તેમના ઘરે જ મળવાનું હતું અને દીવાનખંડમાં સામે એમ. એફ. હુસેનનું ચિત્ર અને ચિત્રની ફ્રેમ પરથી બહાર પ્રસરતો હુસેનની પીંછીનો એક લસરકો.
આવા યાદગાર વાતાવરણમાં અમારી બધી જ ફરિયાદોને શાંતિથી સાંભળીને તેમણે ધીરે-ધીરે પોતે આ સંસ્થાને કેવી રીતે જુએ છે, આપણે અહીં ક્યાંથી પહોંચ્યા છીએ અને આપણો મૂળભૂત ઉદ્દેશ શું હોવો જોઈએ તેનું 'બિગ પિક્ચર' દોરી આપ્યું.
અમારાં છાપરાંના કાણાં જોતાં અમને બધાને બહારના ખુલ્લા આકાશની વિશાળતા અને સુંદરતા દેખાઈ. અમે અમારી ફરિયાદોમાં સ્ટુડેંટ્સ કાઉન્સિલથી શું થઈ શકે અને વ્યતિગત રીતે ક્યાં જવાનું છે તેની શક્યતાઓ ઉજળી થઈ. તેમનાં વિદ્યાર્થીઓ અને ભાવકો કહેશે કે ‘હી વોઝ અ ગૂડ સ્ટોરીટેલર!’.
પણ તેઓ માત્ર 'ગૂડ સ્ટોરીટેલર' નહોતાં. સંસ્થાને લાંબો સમય, સારી રીતે ચલાવવા માટે વિદ્યાર્થીઓએ પણ પોતાના હિસ્સાનું કામ કરવાનું હોય છે, ક્યારેક પોતાના હિસ્સાની ફરિયાદોને ખિસ્સામાં મૂકીને. આપણે જયારે મર્યાદાઓના સીમાડાને પર કરવાંની કોશિશ કરીએ ત્યારે જ તો ખરા વિકાસની શરૂઆત થતી હોય છે.
વિદ્યાર્થીઓ વચ્ચે પ્રો. દોશીમાં એક અલગ જ પ્રકારની તાજગી, ઍનર્જી દેખાતી.
થોડાં વર્ષો પહેલાં જ્યારે તેઓ સેપ્ટ પર આવેલાં ત્યારે વિદ્યાર્થીઓના આગ્રહથી બ્લૅકબૉર્ડ પણ તેમણે એક સંદેશ લખેલો જે આ પ્રમાણે છે -
There is magic in life... provided you surrender internal doors which block our light, sun, rain and earth. So life can be celebrated when the doors disappear.
જીવનમાં એક જાદુઈ તત્ત્વ છે...
જો તમે પ્રકાશ, સૂર્ય, વરસાદ અને સમગ્ર પૃથ્વીને રોકી રાખતા આંતરિક દરવાજાઓને ખાળી શકો તો...
આ દરવાજા અદૃશ્ય થતા જ જીવનનો ઉત્સવ શરૂ થાય છે.
જ્યારે કોઈ તમને સીમિત વ્યાખ્યાઓમાં કે ચોકઠામાં બાંધી દે તો તેમાંથી છૂટી જઈને જાદુગરની જેમ નવી વાત અને નવી અભિવ્યક્તિ સાથે ઊગી નીકળવાની કલા તેમને આત્મસાત હતી. પ્રો. દોશીના જેવી પ્રવાહિતા, સહજતા અને વિચારોની તાજગીની ખોટ વર્તાય પણ વિખ્યાત આર્કિટેક્ટ કે સંનિષ્ઠ શિક્ષક તરીકેના તેમના જીવનનો અને તેમાં અનન્ય પ્રદાનનો ઉત્સવ જ કરવાનો હોય.
(ડૉ. ઋતુલ જોષી આર્કિટેક્ટ-અર્બન પ્લાનર છે અને સેપ્ટ યુનિવર્સીટીમાં પ્રાધ્યાપક છે. તેઓ શહેરી વિકાસ, ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ અને નાગરિકોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓને આવરી લેતી કોલમ વિવિધ પ્લેટફોર્મ પર લખે છે.)

















