પોતાની ઇમારતોથી અમદાવાદને આધુનિક ઓળખ આપનારા હસમુખ પટેલ

ઇમેજ સ્રોત, HCPDPM
- લેેખક, ઋતુલ જોષી
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદના નહેરુબ્રિજની બાજુમાં આવેલી પતંગ હોટેલ, ગાંધીબ્રિજની બાજુમાં આવેલું આરબીઆઈનું બિલ્ડીંગ, કોલકાતાનું પ્રખ્યાત ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમ, સેન્ટ ઝેવિયર્સ લોયોલાની પ્રાઈમરી સ્કૂલ, ભાઈકાકા ભવન, શ્યામલ રો હાઉસીસ, ન્યુમેન હૉલ અને આવા નાનાં-મોટાં 300થી વધુ બિલ્ડીંગ્સ ડિઝાઇન કરી ચૂકેલા આર્કિટેક્ટ હસમુખ સી. પટેલનું શનિવારે વહેલી સવારે 84વર્ષની જૈફ વયે નિધન થયું.
સ્વતંત્ર ભારતની પહેલી પેઢીના આધુનિક આર્કિટેક્ટ્સમાં હસમુખભાઈનું સ્થાન અનન્ય રહેશે.

ઇમેજ સ્રોત, HCPDPM
જો તમે આર્કિટેક્ટ હસમુખ પટેલ વિષે જાણતાં હોવ, તેમને મળવાનો લ્હાવો મળ્યો હોય કે તેમણે ડિઝાઇન કરેલી કોઈ ઇમારતોનો ઉપયોગ કર્યો હોય તો તમારી આર્કિટેક્ટ વિષેની એ જૂની માન્યતાઓ બદલાઈ જાય.
હસમુખભાઈની સ્થાપત્યકલા કોઈ જ ખોટા ઘોંઘાટ કે દેખાડા વગર સામાન્ય માણસને જોઈતી સગવડ કરી આપે છે, તેમની પ્રતિષ્ઠિત ઇમારતો અમદાવાદની સ્કાયલાઇન બદલી નાખે છે.
અને સ્વતંત્ર ભારતમાં આધુનિક સ્થાપત્યકલાના વિકાસનો નવો પાયો નાખે છે.

સ્કૂલે જવાનું મન થાય, ઘરની યાદ ન આવે તેવી આ ઇમારત

ઇમેજ સ્રોત, HCPDPM
મારે રોજ સવારે સેન્ટ ઝેવિયર્સ લોયોલાની પ્રાઈમરી સ્કૂલ પાસેથી પસાર થવાનું બને છે.
હું રોજ સવારે નાનાં-નાનાં ભૂલકાંઓને, વાલીઓને અને શિક્ષકોને હસમુખભાઈએ ડિઝાઇન કરેલી ઇમારતનો ઉપયોગ કરતાં જોવું છું.
તમને આ વાંચવું પણ ગમશે:
પ્રાઈમરી સેક્શનની એ ઇમારત બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ડિઝાઇનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, HCP
ઘણીવાર સ્કૂલની ઇમારતની વિશાળતા બાળકને ડરાવી મૂકે છે. જયારે અહીંની ઇમારત બાળકની મિત્ર છે.
પ્રવેશદ્વારથી લઈને બારીઓ, સ્તંભો, પાળીઓ એમ દરેક ભાગો બાળકને પ્રમાણસર ડિઝાઇન થયેલા છે.
પ્રવેશતાની સાથે જ લીલોતરીથી ભરેલો સુંદર કોર્ટયાર્ડ છે. ચારેબાજુ વૃક્ષોની વચ્ચે અને કોર્ટયાર્ડના વિશેષ ઉપયોગને લીધે આ ઇમારત આસપાસના લેન્ડસ્કેપમાં ભળી જાય છે.
ટૂંકમાં, સ્કૂલે જવાનું મન થાય અને ઘરની યાદ ન આવે તેવી આ ઇમારત છે.

ઘરની સરળ ડિઝાઇન

ઇમેજ સ્રોત, HCPDPM
નારણપુરા ચારરસ્તા પાસે આવેલું હસમુખભાઈનું પોતાનું ઘર જે તેમણે પોતે એંસીના દાયકામાં ડિઝાઇન કરેલું, તે તેમની ટ્રેડમાર્ક નમ્રતા, સાલસતાની સાથે સાથે એક ઘરની ડિઝાઇન કેટલી સરળ હોઈ શકે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
જો તમે ઘરનો પ્લાન જુવો તો લાગે કે આટલી ઓછી સંખ્યામાં દોરેલી રેખાઓ વચ્ચે એક ઘર જેવા સંકુલની બાંધણી કેવી રીતે કરી શકાય.
બહારથી દેખાતા ઈંટ અને કોન્ક્રીટના સમતલોની પેલે પર આ અંતર્મુખી ઘર અંદરથી ખીલે છે અને પાછળની તરફના બગીચા સાથે સંવાદ રચે છે.
આ ઘરમાં અલગ-અલગ ઊંચાઈની છતના ઉપયોગથી તડકા-છાંયડાનો ખેલ રચાય છે અને ઘર અમદાવાદની આબોહવાને અનુરૂપ બને છે.
નખશીખ આધુનિક શૈલીની આ ઈમારતને ચોક્કસપણે સ્વતંત્ર ભારતમાં ડિઝાઈન થયેલાં શ્રેષ્ઠ ઘરોના ટોપ-ટેનના લીસ્ટમાં જરૂર સ્થાન મળશે.

ઇમેજ સ્રોત, HCPDPM
ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગજગતમાં એક આર્કિટેક્ટ તરીકે હસમુખભાઈનું નામ બહુ આદરથી લેવામાં આવે છે.
તે સાથે ઓછી જાણીતી હકીકત છે હસમુખભાઈનું શિક્ષણક્ષેત્રે પ્રદાન. હસમુખભાઈ અમદાવાદની પ્રખ્યાત સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના ડિરેક્ટર તરીકે અને પછી સેપ્ટ યુનિવર્સિટીના ડીન તરીકે વર્ષો સુધી સેવાઓ આપી છે.
આ સાથે સાથે તેમની ધોમધખતી પ્રેક્ટીસ તો ખરી જ. હસમુખભાઈની આર્કિટેક્ચરલ પ્રેક્ટીસ આખા ગુજરાતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ અને કર્મચારીઓની સંખ્યાની દ્રષ્ટિએ અગ્રગણ્ય રહી છે.
હસમુખભાઈ અનેક નાની-મોટી સંસ્થાઓના નિર્માતા હતા. તેમણે સરકારી અને ખાનગી જે કોઈ ક્લાયન્ટ સાથે કામ કર્યું તે ફરી ફરીને હસમુખભાઈ પાસે નવું કામ લઈને આવતા રહ્યા.
એક આર્કિટેક્ટની વિશ્વસનીયતાનું આનાથી મોટું સર્ટીફીકેટ શું હોઈ શકે!

'કોમન સેન્સ આર્કિટેક્ચર'

ઇમેજ સ્રોત, HCPDPM
હસમુખભાઈ પોતાની સ્થાપત્યકલાની શૈલીને 'કોમન સેન્સ આર્કિટેક્ચર' કહેતા - સામાન્ય બુદ્ધિથી સમજી શકાય, અનુભવી શકાય તેવું વ્યવહારકુશળ સ્થાપત્ય.
પણ આ તેમની વિનમ્રતા છે.
વર્ષોના અનુભવથી ઘૂંટાઈને ડિઝાઇન કરેલી હોય તેવી ઇમારતો કે જે બનતાની સાથે જ લોકોની સગવડો સાચવી લે, ઉપયોગી થઈ પડે - આ પ્રકારની ડિઝાઇન બનાવવી તે કોઈ 'સામાન્ય' વાત નથી.
તો પણ હસમુખભાઈ પોતાની સ્પેશિયાલિટીને નમ્રતા અને સાલસતાથી 'સામાન્ય' ગણાવતાં રહ્યા છે.
તેમને ક્યારેય મહાનતાના દાવા નથી કર્યા કે ક્યારેય પોતાના કામની ખોટી તારીફ થવા દીધી નથી.

ઇમેજ સ્રોત, HCPDPM
હસમુખભાઈના વ્યક્તિત્વ અને સાથે સાથે તેમનું કામ જોઈને કવિશ્રી રાજેન્દ્ર શુક્લની પેલી પંક્તિઓ યાદ આવે છે -
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું!
હસમુખ પટેલના આર્કિટેક્ચરને, તેમની સરળ શૈલીને અને વ્યવહારકુશળતાને શબ્દમાં સમાવવી અઘરી છે.

આખા શહેરમાં આર્કિટેક્ટનો પોર્ટફોલિયો

ઇમેજ સ્રોત, HCPDPM
હસમુખભાઈની ઈમારતો ઊંચા સ્વરે બોલતી નથી, તેમની નજીક જાઓ તો સ્પર્શી જાય છે.
જયારે રોજબરોજના ઉપયોગમાં આ ઈમારતોને અનુભવો છો ત્યારે તે સ્વાભાવિક લાગે છે.
તમારે હસમુખભાઈના આર્કિટેક્ચરને જાણવું-સમજવું છે? તો બોસ, અમદાવાદના એક છેડેથી બીજા છેડા સુધીનો એક આંટો મારી લો ને!
કોઈ આર્કિટેક્ટના કામનો પોર્ટફોલિયો આખા શહેરમાં આ રીતે પથરાયેલો હોય અને દરેક ઈમારત જે-તે વિસ્તારનો લેન્ડમાર્ક હોય, તેવું જવલ્લે જ બનતું હોય છે.
(ડૉ. ઋતુલ જોષી આર્કિટેક્ટ-અર્બન પ્લાનર છે અને સેપ્ટ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












