મોરબી પુલ દુર્ઘટના: ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલનું નામ મુખ્ય આરોપી તરીકે કેમ ઉમેરાયું?

ઇમેજ સ્રોત, OREVA.COM

- તપાસ સમિતિએ જણાવ્યું કે જયસુખ પટેલનું નામ મુખ્ય આરોપી તરીકે કેમ ઉમેરાયું?
- ધરપકડના ડરથી જયસુખ પટેલે 16 જાન્યુઆરીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી
- મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રૂપે હાઈકોર્ટમાં 'ભૂલનો સ્વીકાર' કર્યો?
- રિનોવેશનના ચાર દિવસ બાદ જ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં

ગુજરાતના મોરબીમાં પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં, જેના લગભગ ત્રણ મહિના બાદ ઓરેવા ગ્રૂપના પ્રમોટર અને અજંતા મૅન્યુફૅક્ચરિંગ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે નામ સામેલ કરવામાં આવ્યું છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર, આ ઘટના બાદ જયસુખ પટેલ ગુમ છે અને ગયા અઠવાડિયે તેમની ધરપકડ માટે વૉરંટ બહાર પાડવામાં કરવામાં આવ્યું હતું. ધરપકડના ડરથી તેમણે 16 જાન્યુઆરીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલનું મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે નામ આપવામાં આવ્યું છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી અશોક યાદવે કહ્યું છે કે, “તેમની ધરપકડ કરવા માટે તમામ પગલાં ભરવામાં આવશે. તેઓ હાલ ગુમ છે.”
અજંતા બ્રાન્ડ હેઠળ ઘડિયાળના ઉત્પાદન માટે જાણીતી કંપની ઓરેવા ગ્રૂપને મચ્છુ નદી પરના 100 વર્ષ જૂના સસ્પેન્શન બ્રિજના નવીનીકરણ, સંચાલન અને જાળવણીનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. બ્રિજ ફરીથી ખુલ્લો મૂકાયો, એના ચાર દિવસ પછી 30 ઑક્ટોબરે તૂટી પડ્યો હતો.
જયસુખ પટેલને અગાઉ ધકપકડ કરાયેલા નવ આરોપી સાથે 10મા આરોપી તરીકે ઉમેરવામાં આવ્યા છે. જેમાં પેટા કૉન્ટ્રૅક્ટર, ટિકિટ ક્લાર્ક અને સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા દૈનિક વેતન મજૂરોનો સમાવેશ થાય છે.
ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તપાસ ટીમનું માનવું છે કે, પટેલને એટલે આરોપી બનાવવામાં આવ્યા છે કારણ કે બ્રિજના સમારકામ, ઑપરેશન અને મૅનેજમેન્ટ સંબંધિત બધા પત્રવહેવાર અને સંવાદ સીધા તેમની પરિધિમાં આવતા હતા.
મોરબીમાં ઓરેવાના કૉમ્પલેક્સમાંથી મળેલા દસ્તાવેજોમાં તેમના હસ્તાક્ષર જોઈ શકાય છે.પોલીસે કહ્યું છે કે ફાઇનલ ફૉરેન્સિક રિપોર્ટ હજુ આવવાનો બાકી છે એટલે તેને ચાર્જશીટ સાથે નથી જોડવામાં આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 304 (હત્યા), 308 (હત્યાનો પ્રયાસ) અને 114 હેઠળ "જવાબદાર એજન્સીઓ" વિરુદ્ધ FIR નોંધી હતી. ઑક્ટોબર 2022માં કોઈના વિશેષ નામનો ઉલ્લેખ કર્યા વિના ફરિયાદ નોંધાઈ હતી, તેમાં એવું પણ નોંધાયું હતું કે "અન્ય જવાબદાર લોકોનાં નામ તપાસ દરમિયાન બહાર આવી શકે છે."
ત્યારબાદ, એએમપીએલના મૅનેજર દીપક પારેખ અને દિનેશભાઈ દવે, બે ટિકિટ બુકિંગ ક્લાર્ક, બ્રિજ પર હાજર ત્રણ સિક્યૉરિટી ગાર્ડ અને ગયા વર્ષે માર્ચ અને ઑક્ટોબર વચ્ચે બ્રિજનું સમારકામ અને જાળવણી કરતા બે ખાનગી કૉન્ટ્રેક્ટર સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પારેખ અને દવે અનુક્રમે મોરબી અને સામખિયાળી મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટનો હવાલો સંભાળતા હતા.

'પીડિત પરિવારોને વળતર અને અનાથ થયેલાં બાળકોની જવાબદારી લેવા તૈયાર'

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ઓરેવા ગ્રૂપે ગયા વર્ષે 30 ઑક્ટોબરે તૂટી પડેલા મોરબી ફૂટબ્રિજની જાળવણી અને સંચાલન માટે કરાર કર્યો હતો, તેણે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેમની દેખરેખ હેઠળ "કંઈક ખોટું" થયું હતું, જેના કારણે 135 લોકોએ જીવ ગુમાવવો પડ્યો.
તેમણે પીડિતોના સંબંધીઓને વળતરની ઑફર કરી છે, દુર્ઘટનામાં અનાથ થયેલાં સાત બાળકોની જવાબદારી ઉપાડવાની પણ તૈયારી બતાવી હતી.
ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ ફોજદારી કેસમાં આરોપી છે અને તેમની ધરપકડ માટે વૉરંટ જારી કરવામાં આવ્યું હતું. જે બાદ કંપનીએ બ્રિજની જાળવણીમાં થયેલી ભૂલનો સ્વીકાર કર્યો હતો. તપાસ કરનારી ટીમનો દાવો છે કે બ્રિજ તૂટ્યો, એ બાદ જયસુખ પટેલનો સંપર્ક થયો નથી.
ગુજરાત હાઈકોર્ટે કંપનીને સુઓમોટો પીઆઈએલ પર કંપનીને નોટિસ આપી હતી.
અદાલતે કહ્યું હતું કે પુરાવાના આધારે અનેે અજંતા ગ્રૂપને સસ્પેન્શન બ્રિજનું સંચાલન કેમ ચાલુ રાખવા દેવાયું, આ અંગે સ્પષ્ટતા કરવામાં મ્યુનિસિપાલિટીના નિષ્ફળ રહેવા પરથી "એ નિષ્કર્ષ કાઢી શકાય કે બંને વચ્ચે કંઈ સાઠગાંઠ હતી."
અગાઉ નગરપાલિકાએ બે ઍફિડેવિટ દાખલ કરી હતી, જેમાંથી એક પણ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ખંડપીઠને સંતોષકારક લાગી નથી.

કોણ છે જયસુખ પટેલ?

ઇમેજ સ્રોત, RAJESH AMBALIYA
જયસુખ પટેલના પિતા અને ભારતના "દીવાલ ઘડિયાળના પિતા" ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને 'ઓરેવા ગ્રૂપ'ની સ્થાપના કરી હતી.
આ કંપનીનું નામ તે વખતે 'અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર' હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી.
જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં 'અજંતા કંપની' ઓધવજીના નામે થઈ.
આ દાયકામાં ઓધવજીએ 'ક્વાટર્ઝ ઘડિયાળ' બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો.
કંપનીનો કારોબાર 45 જેટલા દેશોમાં ફેલાયો. ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું અવસાન થયું એ બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ અને જયસુખ પટેલે તેમના ફાળે આવેલી કંપનીને નવું નામ આપ્યું 'ઓરેવા'.
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

હાઈકોર્ટનો સરકારને સવાલ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
મોરબી મામલે સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે કંપનીએ એ શરત મૂકીને મ્યુનિસિપાલિટી સામે પોતાનો હાથ ઊંચો રાખ્યો કે સરકારી તંત્ર દ્વારા કોઈ હસ્તક્ષેપ નહીં કરવામાં આવે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ચીફ જસ્ટિસ કુમારે કહ્યું કે "તમે શક્તિશાળી સંસ્થા છો. તમે કહો છો કે તમે એક સમજદાર વ્યક્તિની જેમ પગલાં લીધા? તમે કેમ ચૂપ રહ્યા? અને હવે તમે સરકારને પગલાં ન લેવા કહી રહ્યા છો."
ગુજરાત હાઈકોર્ટ એવું પણ નોંધ્યું કે મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર અને કંપની વચ્ચે જે કરાર પર હસ્તાક્ષર થયા તે ક્યારેય જનરલ બૉડી સમક્ષ રજૂ કરવામાં આવ્યો નહોતો.
19મી ડિસેમ્બરના રોજ મોરબી મ્યુનિસિપાલિટીના 52માંથી 44 કાઉન્સિલરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હતો.
આ તમામ કાઉન્સિલરની રજૂઆત હતી કે મોરબી મ્યુનિસિપાલિટીને ‘સુપરસીડ’ ન કરવી જોઈએ અને મ્યુનિસિપાલિટીના માત્ર જવાબદાર લોકોની સામે જ પગલાં લેવાં જોઈએ.

શું હતો ઘટનાક્રમ

ઇમેજ સ્રોત, BBC/GEETA PANDEY
મોરબીનો ઝૂલતો પુલ માર્ચની શરૂઆતથી જ બંધ હતો અને 2008થી પુલ જાળવણી અને સંચાલન માટે ઓરેવા ગ્રૂપને સોંપી દેવાયો હતો. 26 ઑક્ટોબરના રોજ સમારકામ બાદ તેને ગુજરાતી નવા વર્ષના દિવસે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
30 ઑક્ટોબરે મોરબીનો જાણીતો ઝૂલતો પુલ તૂટ્યો હતો અને સરકારી આંક અનુસાર એમાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
મોરબી શહેરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે, “56 બાળકો મૃત્યુ પામ્યાં હતાં, જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરનાં 40 બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં, 32 મહિલાઓનાં મૃત્યુ થયાં હતાં.”
વરિષ્ઠ પત્રકાર અને છેલ્લાં કેટલાંક વર્ષોથી મોરબીમાં સ્થાયી થયેલા પ્રવીણ વ્યાસે કહ્યું હતું કે, “સામ્રાજ્યવાદી યુગના ઝૂલતા પુલ (હેંગિંગ બ્રિજ)ને રાજ્યની પ્રવાસન વેબસાઇટમાં "ટેકનૉલૉજિકલ અજાયબી" તરીકે વર્ણવવામાં આવ્યો છે. તે નગરજનોમાં ભારે લોકપ્રિય હતો અને એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ હતો.”
પ્રવીણ વ્યાસે બીબીસીને કહ્યું, "ઘણી ઊંચાઈએ આવેલા આ પુલ પરથી શહેરનું વિહંગાવલોકન કરી શકાતું હતું. બાળકો તેને વિશેષ પસંદ કરતાં હતાં કારણ કે તે ઝૂલતો હતો."














