મોરબી પુલ દુર્ઘટના : એ યુવકો જે ડૂબતા લોકોને બચાવવા આખી રાત નદી ફેંદતા રહ્યા

સિકંદરભાઈ
ઇમેજ કૅપ્શન, નદીમાં ડૂબતાંને બચાવવા જીવની પરવા કર્યા વગર ઝંપલાવી દેનાર સિકંદરભાઈ
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
રેડ લાઇન
  • ગત રવિવારે ગુજરાતના મોરબી જિલ્લાનો ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા
  • જાણકારોના મતે જો આસપાસના વિસ્તારના લોકોએ ડૂબતા લોકોને બચાવવા જીવ જોખમમાં ન મૂક્યો હોત તો મૃતાંક ખૂબ વધી ગયો હોત
  • ઝૂલતા પુલ પાસેની વસાહત મકરાણીવાસના મુસ્લિમ યુવાનોએ આ દુર્ઘટનામાં લોકોને બચાવવા માટે જીવની પરવા કર્યા વગર અનેકને બચાવી લીધા હતા
  • આ ઘટનાને રાહતબચાવ કાર્યમાં જોડાયેલા આ યુવાનો તેમના જીવનનો સૌથી ભયાવહ અનુભવ ગણાવી રહ્યા છે
રેડલાઇન

ગુજરાતના મોરબી જિલ્લામાં ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ દુર્ઘટના બાદ જાણે મોરબી સાથે આખું ગુજરાત ‘હીબકે ચઢ્યું’ હતું.

મોરબી ઝૂલતો પુલ ધરાશાયી થયાના અમુક કલાકોમાં જ સ્થાનિક પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી હતી.

પરંતુ સ્થાનિક લોકો, કેટલીક મીડિયા સંસ્થાઓ અને વિપક્ષે ‘સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને સરકારની ઉદાસીનતાના કારણે’ આ બનાવ બન્યો હોવાનો આરોપ મૂક્યો હતો.

એક તરફ સરકાર અને તંત્ર પર ઘટનાને લઈને ‘કંઈ ન કરવાના’ આરોપ થઈ રહ્યા છે તો કેટલાક લોકો એવા પણ છે જેમને ‘મોતની બીક રાખ્યા વગર રાહત અને બચાવ કાર્ય કરવાનો’ શ્રેય અપાઈ રહ્યો છે.

ઘણા આ સેવાકાર્યમાં જોડાયા અને જીવનું જોખમ ખેડી પીડિતોને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા. કેટલાકને ઈજાગ્રસ્તોને પાણીમાં ડૂબતા બચાવી લેવામાં સફળતા મળી તો કેટલાક મૃતદેહ કાઢવામાં લાગી ગયા. પરંતુ આ બંને કાર્યોમાં એક વાત સામાન્ય હતી, તે છે અથાગ બહાદુરી.

કંઈક આવી જ બહાદુરી બતાવી મોરબીના ઝૂલતા પુલ પાસેના વિસ્તાર મકરાણીવાસના તરવૈયા યુવાનોએ.

આ યુવાનોમાંથી ઘણાએ નાનાં બાળકો સહિત અનેક ઈજાગ્રસ્તોને પુલની દુર્ઘટનામાં મૃત્યુના મુખમાંથી બચાવ્યા હતા.

મકરાણીવાસના આ યુવાનો સાથે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે વાત કરી હતી.

bbc gujarati line

‘ઘટના બનતાં જ વિચાર્યા વગર પાણીમાં ઝંપલાવ્યું’

અસલમભાઈ
ઇમેજ કૅપ્શન, અસલમભાઈ અને તરવૈયા યુવાનોએ દુર્ઘટનામાં ઘણાના જીવ બચાવ્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મકરાણીવાસના યુવાનોએ આ વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે ઘટના બની તેની અમુક સેકંડોમાં જ તેમના પૈકી ઘણા તરવૈયા યુવાનો, જેઓ નદી અને તેની પ્રકૃતિને જાણે છે, જીવની પરવા કર્યા વગર માણસાઈને કાજે નદીમાં કૂદી પડ્યા હતા.

ઘણા સાક્ષીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે જો આ યુવાનોએ પોતાનું અને પરિવારનું વિચાર્યા વગર પાણીમાં ન ઝંપલાવ્યું હોત તો મૃત્યુનો આંકડો હજુ વધી ગયો હોત અને આંગળીના વેઢે ગણાય એટલા પણ લોકો માંડ બચી શક્યા હોત.

આ દુર્ઘટના બની તેની થોડી ક્ષણો બાદ બનેલા બનાવો અંગે વાત કરતાં અને મકરાણીવાસના યુવાનોની બહાદુરીનાં વખાણ કરતાં મકરાણીવાસના એક રહેવાસી અસલમભાઈ જણાવે છે કે, “જેવી ઘટના બની અને તેની ખબર અમારા સુધી પહોંચી તેની બીજી જ ક્ષણે અમે અને ઘણા તરવૈયા યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા. અને વીજળીવેગે નદીમાં પડી-પડીને લોકોને કાઢવા માંડ્યા. તેમને કોઈના દોરીસંચારની જરૂર ન પડી અને ગજબ ટીમવર્ક અને સંકલન સાથે મકરાણીવાસના યુવાનોએ લોકોના જીવ બચાવવામાં સફળતા મેળવી.”

તેઓ આ અંગે આગળ વાત કરતાં કહે છે કે, “જેમને યુવાનો બહાર લાવી રહ્યા હતા તેમને તરત જ સારવાર મળી રહે તે માટે તેમની માલિકીના વાહન વડે કાં તો રિક્ષા મળે તો રિક્ષા થકી હૉસ્પિટલ લઈ જવામાં લાગી ગયા. આ તરવૈયા યુવાનોની બહાદુરીથી તાત્કાલિક 30-35 લોકોને પાણીમાંથી જીવતા જ કાઢી લેવાયા.”

અસલમભાઈ એ દિવસની યાદો અંગે વાત કરતાં આગળ જણાવે છે કે, “જે લોકો તૂટેલા પુલ પર લટકેલા હતા એમને તો અમે બધાએ પાણીમાં પણ નથી પડવા દીધા, તેમનો આબાદ બચાવી કરાયો હતો. જેમને અમે બચાવ્યા તેમાંથી ઘણા લોકો અમને આશીર્વાદ આપી આભાર માની રહ્યા હતા, કહી રહ્યા હતા કે તેઓ અમને ક્યારેય નહીં ભૂલે, અમે તો તેમના માટે ભગવાન બનીને આવ્યા.”

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે મકરાણીવાસના લોકો સાથેની વાતચીતમાં એ પણ નોંધ્યું હતું કે એ દિવસે બચાવદળ તરીકે કામ કરનાર આ તમામ તરવૈયા યુવાનો ‘મુસ્લિમ’ હતા.

તેમણે આગળ નોંધ્યું કે, “આ યુવાનોએ આ કપરા સમયે કોઈ પણ જાતના નાત-જાત, ધર્મ-જ્ઞાતિની વાત ધ્યાને રાખ્યા વગરે બસ માનવસેવાને જ ધર્મ માનીને પાણીમાં ઝંપલાવી દીધું હતું.”

મકરાણીવાસના યુવાનો સાથે ખભો મિલાવી અહીંના વડીલો પણ માણસાઈ કાજે નદીમાં કૂદી પડ્યા હતા.

આવા જ એક વડીલ હતા, અખ્તરભાઈ.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારા દુર્ભાગ્ય કે હું લોકોને જીવતા ન બચાવી શક્યો, પરંતુ મેં ઘણા મૃતદેહો કાઢ્યા. નવ માણસોને કિનારે કાઢીને બચાવવા માટે મેં પ્રયાસ કર્યા પરંતુ તેમને બચાવી ન શકાયા.”

તેમણે કહ્યું કે તેમણે કાઢેલા આ મૃતદેહોમાં ત્રણ બાળકો હતાં.

તેઓ એ દૃશ્ય અંગે વાત કરતાં કહે છે કે, “આ બનાવના કારણે મન ખૂબ ભારે થઈ ગયું હતું. બનાવમાં નાનાં બાળકોનાં મૃત્યુ જોઈને હૃદય કંપી ઊઠ્યું હતું. અમને તો મોરબી પૂર હોનારત યાદ આવી ગઈ હતી.”

અખ્તરભાઈ અકસ્માતના દિવસના નદીના દૃશ્યો અને યાદો અંગે વાત કરતાં કહે છે કે, “નદી તો જાણે સ્મશાનમાં ફેરવાઈ ગઈ હતી. ચારેકોર શોરબકોર અને રાડારાડ મચી હતી.”

bbc gujarati line

‘આખી રાત એ જ દૃશ્ય આંખ સામે તરવરતું રહ્યું’

અખ્તરભાઈ
ઇમેજ કૅપ્શન, દુર્ઘટના બાદ મૃતદેહોને કિનારે લાવનાર અખ્તરભાઈ

બનાવની વાત સાંભળીને પોતાના ઘરેથી તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયેલ સિકંદરભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ત્યાં જતાં જ મેં તાત્કાલિક પાણીમાં કંઈ પણ વિચાર્યા વગર છલાંગ લગાવી દીધી. છલાંગ લગાવતાં જ મારી સામે ભયાનક દૃશ્ય આવ્યું, જેમાં છ બાળકોનાં માત્ર માથાં જ પાણીમાં દેખાતાં હતાં. મારું તો એ દૃશ્ય જોઈને કાળજું ફાટી ગયું. હું તે તમામને ત્રણ-ત્રણ કરીને બહાર લાવ્યો.”

સિકંદરભાઈની મહેનત અને બહાદુરીના કારણે અકસ્માતમાં કેટલાકના જીવ પણ બચ્યા હતા.

તે વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “મેં અકસ્માતમાં જીવતા પણ ઘણાને બચાવ્યા. તૂટેલા પુલની દોરી પર ચાર જણ ટિંગાતા હતા. આ લોકોને મેં કિનારે પહોંચાડ્યા. જેમાં એક મહિલા પણ હતાં.”

સિકંદરભાઈ અકસ્માતના દિવસે સર્જાયેલ ભયાનક દૃશ્યને વર્ણવતાં કહે છે કે, “આખી નદીમાં માત્ર જાણે બાળકોનાં જ માથાં દેખાઈ રહ્યાં હતાં. ચારેકોર નાનાં બાળકોની બૂમરાણ સંભળાતી હતી. મેં મારા જીવનમાં ક્યારે આવું દુ:ખદ દૃશ્ય નથી જોયું. એ દૃશ્ય મારા મનમાં એવું બેસી ગયું કે હું ઘરે જઈને સૂતો ત્યારે અચાનક ઊંઘમાં બૂમો પાડવા લાગ્યો, મને એ છોકરાના જ અવાજ આવતા રહેતા હતા. મારી આંખ સામે એ જ દૃશ્ય તરવરતું રહ્યું.”

બીબીસી લાલ લાઈ
bbc gujarati line
bbc gujarati line