મોરબી પુલ દુર્ઘટના : ઝૂલતો પુલ કેમ બન્યો આટલાં બધાં બાળકો માટે મોતની જાળ?
- પોલીસે બીબીસીને જણાવ્યું છે કે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતાં નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા લોકોમાં ત્રીજા ભાગથી વધુ બાળકો હતાં. તેમાં કેટલાંક તો માત્ર બે વર્ષનાં હતાં
- રજાનો દિવસ અને દિવાળી વૅકેશનનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો પુલ પર ઊમટી પડ્યા હતા
- બાજુમાં બંધાઈ રહેલા મંદિરે મજૂરીકામ કરતા નિરંજનદાસ કહે છે કે તેમણે નદીમાંથી કેટલાં નાનાં બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા તેની ગણતરી કરવાનું જ તેઓ ભૂલી ગયા
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, મોરબી

ઇમેજ સ્રોત, AFP
પોલીસે બીબીસીને જણાવ્યું છેકે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતાં નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા લોકોમાં ત્રીજા ભાગથી વધુ બાળકો હતાં. તેમાં કેટલાંક બે વર્ષની ઉંમરનાં હતાં. આ પુલ આટલાં બધાં બાળકો માટે મોતની જાળ કેમ બની ગયો?
સવિતાબહેન હૉસ્પિટલના પલંગ પરથી છત તરફ જોઈ રહ્યાં છે.
મોરબીની મચ્છુ નદીમાં 19મી સદીનો પુલ તૂટી પડતાં બે બાળકોનાં 24 વર્ષીય માતા સવિતાબહેન ઘવાયાં છે. તેમની બે વર્ષની પુત્રી તેમના પલંગ પર પગ પાસે શાંતિથી સૂતી છે, જ્યારે પાંચ વર્ષની પુત્રી રૂમની બહાર આવ-જા કરે છે.
સવિતાને માથાના પાછળના ભાગે ઈજા થઈ છે, તેઓ માંડમાંડ બોલી શકતાં હતાં, તેથી તેમનાં બહેન નિર્મલા એ ‘ગોઝારી ઘટના’નું વર્ણન કરે છે.
બહારગામથી આવેલાં કાકી અને પાંચ બાળકો સાથે સવિતા ઝૂલતાં પુલ પર ફરવા ગયાં હતાં. તેમણે ટિકિટો ખરીદી હતી પરંતુ છેલ્લી ઘડીએ, સવિતાની પાંચ વર્ષની બાળકી ગભરાઈ ગઈ અને તેણે પુલ પર જવાની ના પાડી દીધી હતી "કારણ કે ત્યાં ભારે ભીડ હતી".
સવિતા તેમનાં બાળકો સાથે પાછળ રહી ગયાં જ્યારે સાથે આવેલા અન્ય આગળ નીકળી ગયા. પુલ પર જઈ આવેલાં કાકીએ સવિતાને સાથે પુલ પર જવા માટે આગ્રહ કર્યો. નિર્મલાએ મને કહ્યું, "સવિતાને ઇચ્છા ન હતી, પરંતુ તેની કાકીએ પ્રાત્સાહિત કરી એટલે તે ગઈ, જ્યારે સાથે આવેલી ત્રીજી મહિલા બાળકો સાથે પ્રવેશદ્વાર પાસે રાહ જોઈ રહી હતી."
બચાવકર્મીઓએ સવિતાને પુલના કાટમાળ પર ટિંગાયેલાં જોયાં અને તેમને બચાવી લેવાયાં. સવિતા હજુ આઘાતમાં છે અને તેમને હજુ સુધી કહેવામાં આવ્યું નથી કે તેમનાં કાકી પણ રવિવારની ભયાનક દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં 135 લોકો પૈકીનાં એક છે. પરિવારનું કહેવું છે કે પાડ ભગવાનનો કે પાંચમાંથી કોઈને પણ નુકસાન થયું નથી. પરંતુ બીજા એટલાં નસીબદાર ન હતા.
મોરબી શહેરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે 56 બાળકો મૃત્યુ પામ્યાં હતાં, જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરનાં 40 બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં, 32 મહિલાઓનાં મૃત્યુ થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ પત્રકાર અને છેલ્લાં કેટલાંક વર્ષોથી મોરબીમાં સ્થાયી થયેલા પ્રવીણ વ્યાસ કહે છે કે સામ્રાજ્યવાદી યુગના ઝૂલતા પુલ (હેંગિંગ બ્રિજ)ને રાજ્યની પ્રવાસન વેબસાઇટમાં "ટેકનૉલૉજિકલ અજાયબી" તરીકે વર્ણવવામાં આવ્યો છે. તે નગરજનોમાં ભારે લોકપ્રિય હતો અને એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ હતો. પ્રવીણ વ્યાસે બીબીસીને કહ્યું, "ઘણી ઊંચાઈએ આવેલા આ પુલ પરથી શહેરનું વિહંગાવલોકન કરી શકાતું હતું. બાળકો તેને વિશેષ પસંદ કરતાં હતાં કારણ કે તે ઝૂલતો હતો."
તેમણે ઉમેર્યું કે રવિવારની સાંજે જ્યારે દુર્ઘટના બની ત્યારે તે ઝૂલતો પુલ સ્થાનિકો અને પ્રવાસીઓથી ભરચક હતો. રજાનો દિવસ અને દિવાળી વૅકેશનનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.


કેવી રીતે ઝૂલતો પુલ મોતનો પુલ બની ગયો

ઇમેજ સ્રોત, BBC/GEETA PANDEY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૉસ્પિટલમાં, હું 18 વર્ષીય મહેશ ચાવડાને મળી જે પુલ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. તેમણે મને કહ્યું કે તે નાનપણથી જ આ પુલ પર વારંવાર જતા હતા.
તેમણે કહ્યું, "હું નાનો હતો ત્યારથી મારાં માતા-પિતા સાથે જતો હતો અને છેલ્લાં કેટલાંક વર્ષોથી, હું દર રવિવારે મારા મિત્રો સાથે ત્યાં જતો હતો."
મહેશ કહે છે કે તેમના મિત્રો ઘાયલ થયા હતા પરંતુ બચી ગયા હતા. તેમણે કહ્યું, "અમે બધા આઘાતમાં છીએ. હવે હું ત્યાં ક્યારેય પાછો જઈશ નહીં."
તેમણે ઉમેર્યું કે તેમને લાગતું પણ નથી કે ફરીથી આ પુલને બનાવવામાં આવશે.
આ પુલ 754 ફુટ લાંબો અને 4.5 ફુટ પહોળો હતો અને તે દરબારગઢ પૅલેસ અને લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજને જોડતો હતો.
તેના બાંધકામની તારીખો અલગ-અલગ જણાવવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે તે 1880માં મોરબીનરેશ મહારાજા વાઘજી ઠાકોર દ્વારા બનાવવામાં આવ્યો હતો.
બાજુમાં બંધાઈ રહેલા મંદિરે મજૂરીકામ કરતા નિરંજનદાસ પુલ તૂટ્યાની જાણ કરનારા પ્રથમ સાક્ષી હતા. તેઓ કહે છે કે તેમણે નદીમાંથી કેટલાં નાનાં બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા તેની ગણતરી કરવાનું જ ભૂલી ગયા હતા.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઘણાં બાળકો મૃત્યુ પામ્યાં છે કારણ કે તેમને તરતા આવડતું નહોતું અને તેઓ લટકીને બચી ગયેલા વયસ્કોની જેમ લટકતા કાટમાળને પકડીને લાંબો સમય સુધી લટકી શકે તેમ ન હતાં.
આ અકસ્માત ભારતની સૌથી ‘વરવી દુર્ઘટના’ પૈકી એક છે, કારણ કે ઝૂલતો પુલ સમારકામ બાદ માત્ર પાંચ દિવસ પહેલાં જ ફરી ચાલુ કરવામાં આવ્યો હતો.
તે માર્ચની શરૂઆતથી જ બંધ હતું અને 2008થી પુલ જાળવણી અને સંચાલન માટે ઓરેવા ગ્રૂપને સોંપી દેવાયો હતો. 26 ઑક્ટોબરના રોજ સમારકામ બાદ તેને ગુજરાતી નવા વર્ષના દિવસે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
પુલ દુર્ઘટનાના એક દિવસ અગાઉ ઓરેવાના માલિક જયસુખ પટેલે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે નવીનીકરણના કામમાં બે કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
રિપૅરિંગના કામની ગુણવત્તા, મશીનરી અને કંપનીએ જે કૉન્ટ્રેક્ટરની સેવા લીધી હતી તેમની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, "આગામી આઠ-દસ વર્ષ સુધી પુલને કંઈ થશે નહીં" અને "જો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો 15 વર્ષ સુધી કોઈ સમારકામની જરૂર નહીં પડે."
દુર્ઘટનાને પગલે પોલીસે ઓરેવા સાથે સંકળાયેલા નવ લોકોની ધરપકડ કરી છે. જેમાં તેમના પગારપત્રક પરના બે મૅનેજર અને બે ટિકિટ ક્લાર્ક, તેમજ તેમણે ભાડે રાખેલા બે કૉન્ટ્રેક્ટર અને ત્રણ સુરક્ષાકર્મીનો સમાવેશ થાય છે.

દુર્ઘટના ‘કુદરતી’ કે ‘માનવસર્જિત’?
કંપનીના એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે પુલ તૂટી પડવાનું કારણ એ હતું કે પુલના મધ્ય-ભાગમાં ઘણા બધા લોકો હતા અને કેટલાક તેને ઝૂલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ધરપકડ કરાયેલા એક મૅનેજરે તો કૉર્ટમાં કહ્યું હતું કે પુલ તૂટ્યો એ "કુદરતી દુર્ઘટના" હતી.
પરંતુ સરકારી અધિકારીઓ કહે છે કે આ દુર્ઘટના માનવસર્જિત છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે પેઢીએ એવા કૉન્ટ્રેક્ટરોને રાખ્યા હતા જેઓ કામ માટે "અયોગ્ય" હતા અને સમારકામ "તકલાદી" હતું.
મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલા કહે છે કે તેમણે ઓરેવાને પુલને ફરીથી ખોલવા માટે સેફ્ટી સર્ટિફિકેટ આપ્યું ન હતું.
કંપની પર પુલ પર ઘણા બધા લોકોને જવા દેવાનો પણ આરોપ છે. પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે પુલની ક્ષમતા માત્ર 100-150 લોકોની છે જ્યારે તેના પર 500થી વધુ લોકો હતા.
બીબીસીએ ઓરેવા ગ્રૂપ પર લાગેલા આરોપો અંગે જવાબ માંગવા માટે ઓરેવાનો સંપર્ક કર્યો છે. પરંતુ તેઓએ હજુ સુધી ઈમેઇલ અને ટૅક્સ્ટ મૅસેજનો જવાબ આપ્યો નથી.
સત્તાવાળાઓએ સંપૂર્ણ તપાસનું વચન આપ્યું છે અને દુર્ઘટનાનાં કારણો જાણવા માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
પરંતુ શહેરના રહેવાસીઓ અને પત્રકારો આ દુર્ઘટના માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને જવાબદાર ઠેરવે છે.
પ્રવીણ વ્યાસ પ્રશ્ન કરે છે, "પુલને ફરીથી ખોલવાને પગલે દરરોજ હજારો લોકો તેની મુલાકાત લેતા હતા તો પોલીસ અને વહીવટી તંત્ર કેવી રીતે કહી શકે કે તેઓને તેના વિશે તેમને ખબર ન હતી કારણ કે ઓરેવાએ તેમની પાસેથી પરવાનગી લીધી ન હતી?"
ગયા બુધવારે ઝૂલતા પુલના ઉદ્ઘાટનના કલાકો પહેલાં, સ્થાનિક સમાચાર વેબસાઇટ મોરબી અપડેટના એક પત્રકારે ઓરેવાના મૅનેજર સાથે પુલની મુલાકાત લીધી હતી.
તેમની ફેસબુક પોસ્ટમાં, મૅનેજર આ પુલને "મોરબીની આન, બાન અને શાન" - સન્માન, ગૌરવ અને પ્રતિષ્ઠા ગણાવતાં સંભળાય છે.
જોકે તેના થોડા જ કલાકો પછી ઐતિહાસિક પુલ તૂટી ગયો, "મોતની જાળ" માં ફેરવાઈ ગયો. ગૂંચળું વળીને પડેલા તેના અવશેષો આજે આ મનોહર નગર માથે મોતના ઓળા બનીને ઊતરી આવેલી ભયાનક દુર્ઘટનાની યાદ અપાવી રહ્યા છે.















