મોરબી બ્રિજ દુર્ઘટનાઃ 'દીકરાઓની સાથે બધું ગુમાવ્યું, હવે અમારી પાસે બાકી શું રહ્યું?' ત્રણ પુત્રો ગુમાવનાર માતાની વ્યથા

- લેેખક, યોગિતા લિમયે
- પદ, બીબીસી ન્યૂઝ, મોરબીથી
વીસ વર્ષના ચિરાગ મુચ્છડિયા અને તેમના 17 વર્ષના ભાઈ ધાર્મિક તથા 15 વર્ષના ભાઈ ચેતન સાથે રવિવારે સાંજે બહાર ફરવા ગયા હતા.
તેમણે તેમનાં માતા કાન્તાબહેનને જણાવ્યું હતું કે, "તેઓ ઝૂલતા પુલ પર આંટો મારવા જઈ રહ્યા છે."
મોરબીનો ઝૂલતો પુલ અંગ્રેજોના સમયનો ઐતિહાસિક સસ્પેન્શન બ્રિજ છે, જે મહિનાઓ સુધી ચાલેલા સમારકામ બાદ થોડા દિવસ પહેલાં જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
દિવાળી ઉત્સવનો સપ્તાહ હતો. સ્કૂલોમાં વૅકેશન હતું અને અનેક પરિવારોની માફક ચિરાગ તથા તેમના ભાઈઓ માટે પણ આનંદ માણવાનો અવસર હતો.
ચિરાગ અને તેમના ભાઈઓએ પુલ પર લટાર મારવા માટે વયસ્કો માટે 17 રૂપિયા અને બાળકો માટે 12 રૂપિયાના દરની ટિકિટ્સ ખરીદી હતી. પછી તેમણે 230 મીટર લાંબા પુલ તરફ આગળ વધ્યા હતા.

'મને લાગે છે કે, પુલ પર 400-500 લોકો હશે'

નીતિન કવૈયા પણ તેમનાં પત્ની તથા બે દીકરીઓ સાથે ત્યાં હાજર હતા. એક દીકરી એક વર્ષની અને બીજી સાત વર્ષની હતી.
નીતિનના પરિવારે સેલ્ફી સહિતના ઘણા ફોટોગ્રાફ ક્લિક કર્યા હતા. સ્થાનિક સમય અનુસાર, 'સાંજે લગભગ સાડા છ વાગ્યે તેઓ પુલ પરથી ઊતરીને મચ્છુ નદીના કિનારે બેસી ગયા હતા.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીતિને કહ્યું હતું કે, "પુલ પર ભીડ હતી. મને લાગે છે કે, તેના પર 400-500 લોકો હશે."
"મેં જઈને ટિકિટ વેચતા લોકોને કહ્યું હતું કે, લોકોની ભીડ ઓછી કરો. તેમણે એ બાબતે શું કર્યું એ હું જાણતો નથી."
દસ મિનિટ પછી નીતિન તેમની દીકરીને પાણી પીવડાવવા માટે નમ્યા ત્યારે તેમણે એક પછી એક અનેક ચીસ સાંભળી હતી.
પુલના સામેના કિનારાની નજીકનો હિસ્સો તૂટી પડ્યો હતો. તેના બે ભાગ બન્ને બાજુ લટકી પડ્યા હતા.
નીતિને કહ્યું હતું કે, "મેં લોકોને પાણીમાં લપસી પડતા જોયા હતા. એ પછી તેઓ સપાટી પર આવી શક્યા ન હતા. અન્ય કેટલાક લોકો પુલના તૂટી પડેલા હિસ્સાને પકડીને ટકી રહેવાના પ્રયાસ કરતા હતા. અમે શક્ય તેટલા લોકોની મદદ કરી હતી."

ચિરાગ અને તેના પિતા રાજેશભાઈના પગારમાંથી પરિવારનું ગુજરાન ચાલતું હતું

આ દુર્ઘટનામાં 135 લોકો માર્યા ગયા છે. તેમાં ચિરાગ, ચેતન અને ધાર્મિકનો પણ સમાવેશ થાય છે.
ચિરાગના એક દોસ્તે ચિરાગનાં માતા કાન્તાબહેનને જણાવ્યું હતું કે, "પુલ તૂટી પડ્યો છે."
કાન્તાબહેને કહ્યું હતું કે, "મેં મારા દીકરાઓને વારંવાર ફોન કર્યા હતા, પણ તેમની સાથે વાત થઈ ન હતી. તેથી હું ખૂબ બેચેન થઈ ગઈ હતી અને ઘરમાં ઉપર-નીચે આંટા મારવા લાગી હતી."
કાન્તાબહેનના પતિ રાજેશભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા. એ પછી તેમણે હૉસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી. તેમને રાત્રે 11 વાગ્યે ધાર્મિક તથા ચિરાગના મૃતદેહ સિવિલ હૉસ્પિટલમાંથી મળી આવ્યા હતા.
પોલીસ, સ્થાનિક અધિકારીઓ અને ડિઝાસ્ટર રિસ્પૉન્સની ટીમોએ તથા સૈન્યના જવાનોએ રાતના અંધારામાં પણ, બચી ગયેલા લોકોની તેમજ મૃતકોની શોધખોળ ચાલુ રાખી હતી.
ચેતનનો મૃતદેહ રાત્રે ત્રણ વાગ્યે મળી આવ્યો હતો. ત્યારે તેમના નિવાસસ્થાને શોકાતુર લોકો આવવાના શરૂ થયા હતા.
કાન્તાબહેને કહ્યું હતું કે, "અમે અમારા દીકરા ગુમાવ્યા છે, બધું ગુમાવી દીધું છે. હવે અમારી પાસે શું રહ્યું? હું અને મારા પતિ એકલા રહી ગયા."
ચિરાગ ચશ્મા બનાવતી ફેક્ટરીમાં કામ કરતા હતા. ચિરાગ અને ડ્રાઈવર તરીકે કામ કરતા તેના પિતા રાજેશભાઈના પગારમાંથી પરિવારનું ગુજરાન ચાલતું હતું.
રાજેશભાઈએ કહ્યું હતું કે, "ચિરાગ બહુ સારો માણસ હતો. તે મારી દરેક વાત સાંભળતો હતો અને મેં પણ તેણે માગ્યું તે આપવાના પ્રયાસ કર્યા હતા."
ધાર્મિક 14 ડિસેમ્બરે 18 વર્ષનો થવાનો હતો. તેણે નોકરી શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા. રાજેશભાઈએ કહ્યું હતું કે, "ધાર્મિક તોફાની હતો. અમે સાથે મળીને મજા કરતા હતા. હવે એ બધા ચાલ્યા ગયા છે."
રાજેશભાઈના વાતમાં ઉમેરો કરતાં કાન્તાબહેને કહ્યું હતું કે, "તેને તળેલાં પરોઠા ભાવતાં હતાં અને એ મને પરોઠા બનાવવાનું હંમેશા કહેતો હતો."
ચેતન પરિવારમાં સૌથી નાનો હતો અને દસમા ધોરણમાં ભણતો હતો. રાજેશભાઈના જણાવ્યા અનુસાર, "ચેતન અભ્યાસમાં તેજસ્વી હતો."
માતા-પિતાએ તેમના પુત્રોના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ ગૌરવભેર દેખાડ્યા હતા. ભાઈઓ નાના હતા ત્યારે, થોડાં વર્ષો પહેલાના એ ફોટોગ્રાફ હતા.
કાન્તાબહેને કહ્યું હતું કે, "મારા દીકરાઓનાં મોત માટે જે કોઈ જવાબદાર હોય તેને સજા થવી જોઈએ. એ લોકો આખી જિંદગી જેલમાં સડવા જોઈએ. તેમને મૃત્યુદંડ આપવો જોઈએ."
રાજેશભાઈએ ઉમેર્યું હતું કે, "અમારે જવાબ જોઈએ છે. અમે ન્યાય ઝંખીએ છીએ."

પુલનું સમારકામ ઓરેવા કંપનીએ કરાવ્યું હતું

ઇમેજ સ્રોત, ANI
આવા અનેક પરિવારો છે, જેમણે દુર્ઘટનામાં તેમના પરિવારના એકથી વધુ સભ્યો ગુમાવ્યા છે.
આ દુર્ઘટના સંબંધે અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ટિકિટ વેચનાર, સલામતી રક્ષકો અને ઓરેવાના મૅનેજરનો સમાવેશ થાય છે. પુલનું સમારકામ ઓરેવા કંપનીએ કરાવ્યું હતું.
પુલના તૂટવા અંગેના સવાલોના જવાબ ઓરેવાએ આપ્યા નથી. કંપનીના ટોચના મૅનેજરોની પૂછપરછ કરાશે કે કેમ તેવો સવાલ પણ કેટલાક લોકો કરી રહ્યા છે.
ઘણાં લોકો નગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ એ જાણવા ઇચ્છે છે કે, પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો એ પહેલાં સલામતી સંબંધી ચકાસણી કરવામાં આવી હતી કે કેમ.
નીતિનભાઈએ કહ્યું હતું કે, "હું આંખ બંધ કરું છું ત્યારે દરેક વખતે મને પુલ તૂટી પડવાનાં દૃશ્યો દેખાય છે. ફસડાઈને નદીમાં ખાબકેલા લોકોની ચીસો સંભળાય છે."
તેમણે ઉમેર્યું હતું કે, "મેં ગુસ્સામાં ટિકિટ્સ ફાડી નાખી હતી. માત્ર હું જ નહીં, આખું મોરબી આઘાત અને ગુસ્સામાં છે."
રાજેશભાઈએ કહ્યું હતું કે, "આ ઘટનાની યોગ્ય તપાસ થવી જોઈએ. અન્યથા મારા દીકરાઓ મર્યા તે રીતે લોકો મરતા રહેશે."
(એડિશનલ રિપોર્ટિંગ - આક્રૃતિ થાપર અને સંજય ગાંગૂલી)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













