મોરબી પુલ દુર્ઘટના : એક જ પરિવારના સાતનાં મૃત્યુ, ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી તો ગામ હીબકે ચઢ્યું


- મોરબીમાં પુલ તુટવાની દુર્ઘટનાથી જાલિયા ગામના કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યો છે
- એક જ પરિવારના મૃતકોની અંતિમયાત્રા એક સાથે ટ્રૅક્ટરમાં કાઢવામાં આવી છે
- ગુજરાત સરકારે પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે

મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના બાદ સમગ્ર મોરબી નિ:શબ્દ છે અને કેટલાય પરિવારો વિખરાઈ ગયા છે.
દુર્ઘટનામાં કોઈકે પોતાનાં માતા-પિતા, કોઇકે ભાઈ, કોઈએ બહેન, કોઈકે પોતાનાં બાળકો ગુમાવ્યાં છે, તો કોઈકે આખે-આખો પરિવાર ગુમાવ્યો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાલિયા ગામમાં પણ આવા જ એક પરિવારે પોતાના સાત-સાત સ્વજનો ગુમાવ્યા છે અને એમાંથી પાંચ તો બાળકો છે.

પાંચ બાળકોનાં થયાં મૃત્યુ

મૃતકના સંબંધી અજિતસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે,"પરિવારજનોમાં સાત લોકો હતા અને કૃષ્ણાબાનાના પેટમાં રહેલા સંતાનને ગણો તો કુલ આઠ લોકો થાય. "
મોરબીમાં પુલ તુટવાની દુર્ઘટનાથી જાલિયા ગામના કુલ દસ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં એક સાથે દસ લોકોની અંતિમયાત્રા નીકળતા આખા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ગામમાં ટ્રેક્ટરમાં જ્યારે મૃતકોની અંતિમયાત્રા કાઢવામાં આવી ત્યારે આખું ગામ હીબકે ચઢ્યું હતું.

શું છે સમગ્ર ઘટના

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
એક સદી જૂનો આ પુલ મોરબીના રાજાશાહી વખતની યાદ અપાવતો હતો અને વખતે આધુનિક ગણાતી યુરોપિયન ટેક્નૉલૉજી થકી મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે લગભગ દોઢસો વર્ષ પહેલાં આ પુલનું નિર્માણ કરાવ્યું હતું.
મોરબી પુલ દુર્ઘટના સર્જાઈ ત્યારથી લઈને હજુ સુધી લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. રાત-દિવસ લોકોએ પાણીમાં પડીને લોકોને બચાવ્યા હતા. તો સમગ્ર ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.
આ સાથે જ ગુજરાત સરકારે પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
નોંધપાત્ર બાબત એ છે કે, પુલને છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ચાર દિવસ પહેલાં 26 ઑક્ટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાના એક દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. અરજીમાં આ સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પાસેથી કરાવવાની માગ કરાઈ છે.
નોંધનીય છે કે, આ ઘટનામાં હજુ સુધી 134 મૃત્યુ થયાં છે. આ સિવાય અરજીમાં દેશનાં તમામ જાહેર સ્થળોએ સેફ્ટી ઓડિટ કરાવવા માટેની માગ કરાઈ છે.
અરજી કરનાર વકીલ વિશાલ તિવારીએ કરેલા આ PILમાં રાજ્યોમાં દુર્ઘટનાની તપાસ માટે કાયમી આપત્તિ તપાસ ટીમ બનાવવા નિર્દેશ આપવાની દાદ મગાઈ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













